You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું જય શ્રીરામ ન બોલવા બદલ મુસ્લિમ યુવકોને માર પડ્યો?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગોધરાના ત્રણ મુસ્લિમ યુવકો અને તેમના પરિવારજનોએ દાવો કર્યો છે કે 'જય શ્રીરામ ન બોલવા બદલ માર મારવામાં આવ્યો' અને તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. જ્યારે પોલીસનું કહેવું છે કે વાહન ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઘટના મૉબ લિન્ચિંગની જણાતી નથી.
આખા દેશમાં જ્યારે મૉબ લિન્ચિંગની ઘટનાઓ નોંધાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ આ ઘટના ગુરુવારે જોવા મળી હતી.
આ ત્રણેય યુવાનો હાલમાં ગોધરાની સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાની પોલીસે આશરે 24 કલાક બાદ નોંધ લીધી અને અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી.
ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શુક્રવારે આ બનાવની નોંધ લઈ એ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મોટરસાઇકલો પર આવેલા એક ટોળાએ ત્રણ છોકરાઓને બાવાની મઢી વિસ્તાર પાસે રોકીને પૂછ્યું કે તેઓ ક્યાંથી આવે છે.
આ ટોળાએ મુસ્લિમ છોકરાઓને જય શ્રીરામ બોલવાનું કહ્યું, જ્યારે આ ત્રણેય છોકરાઓ આવું ન બોલ્યા ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો.
આ ઘટનામાં સમીર ભગત, સલમાન ગિતાલી અને સોહેલ ભગતને ઈજા થઈ છે અને આ ત્રણેયની ઉંમર 17 વર્ષ છે.
લઘુમતી સમુદાયના આ ત્રણ યુવકોનું કહેવું છે કે છ થી દસ જેટલા લોકોના એક ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. તેમને માર મારવામાં આવ્યો કેમ કે તેઓ તેમના કહેવા પ્રમાણે જય શ્રીરામ નહોતા બોલ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરતા ઈજા પામનાર યુવકના પિતા અને ફરિયાદી સિદ્દીક સલામ ભગતે જણાવ્યું કે મારો દીકરો 11માં ધોરણમાં ભણે છે અને તેને કોઈ પણ કારણ વગર માર મારવામાં આવ્યો છે.
તેમણે બીબીસી ગુજરાતીને એવું પણ કહ્યું કે ગોધરા પોલીસ સ્ટેશને તેમની ફરિયાદ પ્રથમ તબક્કે લેવાની ના પાડી દીધી હતી, પરંતુ જ્યારે તેઓ ઉપરી અધિકારીઓ પાસે ગયા અને સતત રજૂઆતો કરી ત્યારબાદ ફરિયાદ લેવામાં આવી.
પોલીસ શું કહે છે?
પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ આદરી હતી પણ આ ઘટનાને પોલીસ મૉબ લિન્ચિંગ ગણવાનો ઇનકાર કરે છે.
ઘટના વિશે વાત કરતાં પંચમહાલ જિલ્લાનાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ લીના પાટીલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમે ફરિયાદીના કહેવા પ્રમાણે જ ફરિયાદ નોંધી છે."
"જોકે પ્રાથમિક તબક્કે આ ટોળાના હુમલાની ઘટના નથી, પરંતુ તરુણ બાળકો વચ્ચે થયેલા ઝઘડાની વાત છે."
"બન્ને પક્ષે ટીનેજર્સ છે અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો, આ કોઈ મૉબ લિન્ચિંગની ઘટના લાગતી નથી. તેમણે એવું પણ કહ્યું કે આ વિશે સોશિયલ મીડિયા પર ખોટાં ટ્વીટ થયાં છે."
આ ઘટના બાદ શુક્રવારે સાંજે સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહ સાથેની વાતચીતમાં ગોધરાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ દેસાઈએ જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે મોટરસાઇકલ ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો, આ ઝઘડામાં અન્ય કોઈ મુદ્દો નથી. અમે ગુનો નોંધ્યો છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
'અમને ફરિયાદ ન કરવા દબાણ કરાયું'
ભગતે જણાવ્યું કે હુમલો કરનારા લોકો આસપાસના વિસ્તારોમાં જ રહે છે અને પોલીસ તેમને સહેલાઈથી શોધી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભગત પોલન બજાર વિસ્તારમાં રહે છે, જે ગોધરા તોફાન વખતે 2002માં ચર્ચામાં આવ્યું હતું. આ વિસ્તાર પાસે જ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા નંબર 6 ઉપર હુમલો થયો હતો.
આ વિસ્તારની સ્થિતિ વિશે વાત કરતા તેઓ કહે છે કે અહીં અવારનવાર નાની-મોટી બોલચાલમાં પણ ઝઘડા થઈ જતા હોય છે. અહીં કોમી એકતાની કમી છે.
જો કે ભગતે એવું પણ કહ્યું કે ફરિયાદ કર્યા એની થોડી જ વાર બાદ, અલગ-અલગ સમાજના ઘણા લોકો તેમની પાસે આવ્યા હતા અને આડકતરી રીતે પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, "એક વ્યક્તિએ તો મને એવું પણ કહ્યું કે જો હું ફરિયાદ કરીશ તો પોલીસ મને ખોટા કેસમાં ફસાવી દેશે, પરંતુ મેં કોઈની દરકાર કરી નથી."
'જીલ્લામાં નાનામાં નાના ગામડામાં નાનામાં નાનો ગરીબ માણસ નિર્ભય રીતે જીવન જીવે અને ભારતના બંધારણે આપેલા પોતાના મૂળભૂત અધિકારો સારી રીતે ભોગવે તેવી અમારી અપેક્ષા છે'.
પંચમહાલ જિલ્લા પોલીસની સરકારી વેબસાઇટ પર પોલીસ વડા લીના પાટીલનો આ જિલ્લાના તમામ નાગરિકો માટે સંદેશો છે. જો કે ગુરુવાર રાતની ઘટના તેમના આ મૅસેજ કરતાં વિપરીત જ સંદેશો સૂચવી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો