ઝારખંડમાં મૉબ લિન્ચિંગમાં મુસ્લિમ યુવકનું મૃત્યુ, જય શ્રીરામ બોલવા મજબૂર કર્યાનો આરોપ

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, રાંચીથી, બીબીસી ગુજરાતી માટે

એ 17 જૂનની રાત હતી. મારા પતિ જમશેદપુરથી ગામ પરત ફરી રહ્યા હતા તે વખતે ઘાતકીડીહ ગામમાં કેટલાક લોકોએ એમને ઘેરી લીધાં.

ચોરીનો આરોપ લગાવીને આખી રાત એમને વીજળીનાં થાંભલે બાંધી રાખવામાં આવ્યાં. એમની સાથે ખૂબ મારપીટ કરવામાં આવી. જય શ્રીરામ અને જય હનુમાન બોલવાનું કહેવામાં આવ્યું. ન બોલવા પર મારા પતિને ખૂબ માર મારવામાં આવ્યો.

સવાર થતાં એમને સરાયકેલા પોલીસ સ્ટેશન પોલીસને સોંપી દેવામાં આવ્યાં. પોલીસે મારપીટ કરનાર પર કાર્યવાહી કરવાને બદલે મારા પતિને જેલમાં નાખી દીધા. એમને આંતરિક ઈજાઓ પણ હતી જેના લીધે ગઈ કાલે એમનું મૃત્યુ થઈ ગયું.

શાઇસ્તા પરવીન આટલું કહેતાં ચીસ પાડીને રડવા લાગે છે. થોડા મહિના અગાઉ જ એમનો નિકાહ કદમડીહા ગામના તબરેજ અંસારી સાથે થયો હતો. આ ગામ ઝારખંડના સરાયકેલા જિલ્લાના ખરસાવા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે.

શાઇસ્તાએ બીબીસીને કહ્યું કે મેં પોલીસને આની લેખિત ફરિયાદ કરી છે. એમણે મારી ફરિયાદ નોંધી મને ન્યાય અપાવવો જોઈએ. તબરેજ 24 વર્ષનાં હતાં. એમની હત્યા કરવામાં આવી છે. આ મામલો પોલીસ અને તંત્રની લાપરવાહીનો છે. આની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ.

સરાયકેલા પોલીસ સ્ટેશનના પ્રભારી અવિનાશ કુમારે મીડિયાને કહ્યું કે ઘાતકીડીહ ગામના લોકોએ તબરેજ અંસારીને ચોરીના આરોપસર પકડ્યા હતા.

સ્ટેશન પ્રભારી ઉમેરે છે કે ગ્રામજનોએ તબરેજને ઘાતકીડીહના કમલ મહતોની છત પરથી કૂદતા જોયા. એમની સાથે અન્ય બે લોકો હતા જે ભાગી ગયા.

તેઓ કહે છે કે તબરેજને ગામલોકોએ ચોર ગણાવીને અમારે હવાલે કર્યા. એમની સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. અમે સારવાર કરાવીને એમને અદાલત લઈ ગયા અને ત્યાંથી એમને સરાયકેલામાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. આમાં પોલીસની કોઈ લાપરવાહી નથી.

તબરેજના મૃત્યુ બાદ જેલ અધિકારી મૃતદેહને લઈને પોસ્ટમૉર્ટમ માટે સરાયકેલાની હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે હંગામો થઈ ગયો.

થોડી વાર હંગામો થયા પછી પોલીસે આક્રોશ વ્યક્ત કરનારાઓને સમજાવ્યા અને ત્યારે તબરેજના મૃતદેહને જમશેદપુર ખસેડવામાં આવ્યો.

તબરેજના લિન્ચિંગનો વીડિયો

આ દરમિયાન તબરેજ અંસારી સાથે મારપીટ થઈ તેના બે વીડિયો વાઇરલ થયા છે. જેમાં ગામલોકો એમને થાંભલે બાંધીને ફટકારી રહ્યા છે.

એમને નામ પૂછ્યા પછી લોકો એમની પાસે 'જય શ્રીરામ' અને 'જય હનુમાન' બોલાવડાવી રહ્યા છે.

લિન્ચિંગના આ વીડિયોમાં કેટલીક મહિલાઓ પણ દેખાય છે. કેટલાક જાગૃત લોકોએ આ વીડિયો સરાયકેલા ખરસાવાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને પણ ઉપલબ્ધ કરાવ્યો છે.

ઝારખંડ મોબ લિન્ચિંગ માટે બદનામ

મૉબ લિન્ચિંગને લઈને ઝારખંડ સતત સમાચારોમાં રહ્યું છે. ઝારખંડ જનઅધિકાર મોરચાના એક અહેવાલ મુજબ વર્તમાન ભાજપ સરકારના સમયમાં રાજ્યમાં ભીડ દ્વારા હત્યાની ઓછામાં ઓછી 12 જેટલી ઘટના ઘટી છે.

મૉબ લિન્ચિંગમાં મૃત્યુ પામનારા 12 લોકોમાં 10 મુસ્લિમ અને 2 આદિવાસી છે. મોટા ભાગના કિસ્સાઓમાં ધાર્મિક વૈમનસ્યની વાતો બહાર આવી છે અને આરોપીઓનો સંબંધ ભાજપ અથવા તો તેની સહયોગી સંસ્થા વિશ્વ હિંદુ પરિષદ અને તેનાં સહાયક સંગઠનો સાથે છે.

રામગઢમાં અલીમુદ્દીન અંસારીના લિન્ચિંગના કેસમાં સજા પામેલા આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા તે વખતે એમનું હાર પહેરાવીને સ્વાગત કરવા બદલ નરેન્દ્ર મોદી સરકારના જે તે વખતના મંત્રી જયંત સિંહાની ખૂબ ટીકા થઈ હતી.

એ પછી તેમણે બીબીસી સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે લિન્ચિંગના આરોપીઓનો કેસ લડવા માટે એમણે આર્થિક મદદ પણ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો