You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહારના મુઝ્ઝફરપુરમાં માસૂમ બાળકોનાં મૃત્યુ માટે ઇનસેફિલાઇટિસ જવાબદાર કે કુશાસન?
- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, મુઝ્ઝફરપુરથી પરત આવીને
સડી રહેલો કચરો, પરસેવે રેબઝેબ લોકો, ફિનાઇલ અને માનવમૃતદેહોની ગંધમાં ડૂબેલી મુઝ્ઝફરપુરની શ્રીકૃષ્ણા મેડિકલ કૉલેજમાં રાતના 8 વાગ્યા છે.
ઇનસેફિલાઇટિસને લઈને અત્યાર સુધી સવાસોથી વધારે બાળકોનાં મૃત્યુ થયાં છે. પહેલા માળે બનેલા આઈસીયુ વૉર્ડ બહાર ચંપલોના ઢગલા પર ઊભેલી હું કાચની આરપાર નજર નાખું છું.
આખો દિવસ 45 ડિગ્રી તાપમાં ભઠ્ઠી બનેલું શહેર રાતે પણ આગ ઓકી રહ્યું છે. દર દસ મિનિટમાં જતી વીજળી અને અફરાતફરીની વચ્ચે મને અંદરથી એક ચીસ સંભળાઈ.
દરવાજાની અંદર ડોકિયું કર્યું તો એક મહિલા પલંગને છેડે રડતાં દેખાયાં. એમનું નામ સુધા અને ઉંમર 27 વર્ષ.
બીજી જ મિનિટે સુધા રડતાં રડતાં જમીન પર બેસી પડ્યાં. પલંગ પર હતું એમના દીકરા રોહિતનો મૃતદેહ, જે એક્યુટ ઇનસેફિલાઇટિસ સિન્ડ્રોમ (એઈએસ) સામેની આખરી લડાઈ હારી ચૂક્યો હતો.
અચાનક સુધાએ પોતાના નિર્જીવ દીકરાના નાના પગ પકડી જોરથી પોક મૂકી. એક પળ માટે મને લાગ્યું કે એમની પોકનો અવાજ હૉસ્પિટલની દીવાલોની પેલે પાર આખા શહેરમાં સંભળાઈ રહ્યો છે.
ડૉક્ટરોના આદેશ પર સુધાને ખેંચીને વૉર્ડની બહાર લઈ જવામાં આવ્યાં અને ધીમેધીમે એમની પોક એક અનંત ડૂસકાંઓમાં ફેરવાઈ ગઈ.
બાળકના મૃત્યુ પર એક માતાનો વિલાપ કેવો હૃદયવિદારક હોય એ મેં ગત પખવાડિયે મુઝ્ઝફરપુરની શ્રીકૃષ્ણા હૉસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં અનુભવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં સતત મરી રહેલાં બાળકોની માતાઓની પીડાનો કોઈ પાર નથી અને હું વૉર્ડના એક ખૂણામાં ચુપચાપ આ રોકકળને સાંભળું છું.
સવાસોથી વધારે બાળકોનાં મૃત્યુ
મુઝ્ઝફરપુરમાં એઈએસને કારણે સવાસોથી વધારે બાળકો જીવ ગુમાવી ચૂક્યાં છે. માસૂમ બાળકોનાં મૃત્યુનો આ સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો.
વૉર્ડની બહાર સુધાના પતિ એમને દિલાસો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૉર્ડની અંદર રોહિતનાં દાદી હજી એના નાનકડા પગ પર માથું ટેકવી રડી રહ્યાં છે.
પરસેવાથી રેબઝેબ અનિલ કહે છે ગઈ કાલ રાત સુધી એમનો દીકરો એકદમ ઠીક હતો.
હજી કલાક અગાઉ જ એને આ મેડિકલ હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. ડૉક્ટરો કહે છે કે પહેલાં એનું બ્રેઇન ડેડ થયું અને હવે બધું ખતમ થઈ ગયું.
અનિલ સાથે આટલી વાત થઈ અને વૉર્ડમાં ફરી વીજળી જતી રહી. મોબાઇલ ટૉર્ચના અજવાળામાં ધ્રૂસકે ધ્રૂસકે રડી રહેલા અનિલના ચહેરા પર પરસેવા અને આંસુ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ હતો.
હૉસ્પિટલના કૉરિડૉરમાં આગળ વધતાં મને પેશાબની, પરસેવાની, કચરાની અને ફિનાઇલની તીવ્ર ગંધ અનુભવાઈ.
ખુલ્લા કૉરિડૉરમાં બેઉ તરફ દર્દીઓ સૂતા હતા અને એમના પરિવારજનો અજવાળાની, પાણીની અને હાથપંખાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા.
પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલયો અને બિસ્તર જેવી મૂળભૂત સુવિધાઓ માટે તરસી રહેલી મુઝ્ઝફરપુરની મેડિકલ કૉલેજ શહેરની સૌથી મોટી હૉસ્પિટલ એક ભૂતિયા ખંડેર જેવી લાગતી હતી.
બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારથી લઈને કેન્દ્રીયમંત્રી ડૉ. હર્ષવર્ધન સુધી તમામ મુઝ્ઝફરપુરની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ જનતાને પોકળ વાયદાઓ અને ઠાલા આશ્વાસનો સિવાય કંઈ નથી મળ્યું.
ત્યાં સુધી કે અહીં ઇનસેફિલાઇટિસ જેવી ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે એવું એક ચાલુ સ્થિતિનો વૉટરપંપ પણ નથી.
આ મામલે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને બીબીસીને કહ્યું કે આવા નાના-મોટા મુદ્દાઓ હૉસ્પિટલ તંત્રની જવાબદારી છે.
પોકળ વચનો
હૉસ્પિટલની બેહાલ સ્થિતિ વિશે પૂછતાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ શાહી કોઈ સીધો જવાબ નથી આપતા.
તેઓ ફક્ત મુખ્ય મંત્રી નીતીશકુમાર અને કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને હાલમાં કરેલી મુલાકાતોની વિગતો વર્ણવે છે.
તેઓ કહે છે, મુખ્ય મંત્રીજીએ મુઝ્ઝફરપુર મેડિકલ કૉલેજ કૅમ્પસમાં ક્રમાનુસાર 1,500 પથારીઓની એક નવી હૉસ્પિટલ બનાવવાની ઘોષણા કરી છે."
"એ સાથે જ ભારત સરકાર દ્વારા અત્યાધુનિક પીઆઈસીયુ (પિડિયાટ્રિક ઈન્ટેન્સિવ કૅર યુનિટ) બનાવવાની ઘોષણા કરવામાં આવી છે."
"આટલું જ નહીં, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને બિહાર સરકારને વચન આપ્યું છે કે આવતા એપ્રિલ મહિના સુધીમાં તેઓ નવી હૉસ્પિટલ બનાવી દેશે."
તંત્રની આ જાહેરાતોથી લઈને બિહાર સરકાર દ્વારા જાહેર કરાયેલા 4 લાખના વળતર સુધી કંઈ પણ, રોહિતનાં માતાપિતા અને એમની દાદીની પીડા ઓછી નથી કરી રહ્યું.
બધું ઠીક હતું પણ અચાનક
રોહિતના મૃત્યુના બીજે દિવસે અમે પરિવારને મળવા એમના ગામ રાજપુનાસ પહોંચ્યાં.
1,500ની વસતિવાળા આ આ ગામમાં મલ્લાહ ફળિયામાં અનિલ અને સુધા એમના પરિવાર સાથે બે કાચા મકાનમાં રહે છે. એમનાં ચાર બાળકમાં રોહિત સૌથી નાનો હતો.
બાળકને યાદ કરીને પિતા અનિલ કહે છે એ માંદો પડ્યો એની આગલી રાતે ગામમાં ભોજન હતું.
સરસ વાળ ઓળીને, સારાં કપડાં પહેરીને ભોજન માટે ગયો હતો. રાતે સૂતો તો તરફડવા લાગ્યો.
વારંવાર પાણી માગી રહ્યો હતો. પછી કહ્યું કે કપડાં કાઢી નાખો. એની માને લાગ્યું કે દીકરાને ગરમી લાગી હશે એટલે અમે કપડાં કાઢી નાખ્યાં. પછી શાંતિથી સૂઈ ગયો.
સવારે જાગ્યો તો બોલ્યો કે ભૂખ લાગી છે. એની મા કાઢે એ પહેલાં જ પોતે થાળીમાં ભાત લઈ ખાવા લાગ્યો. બે ચમચી ખાધા હશે અને એનું પેટ ફરવા લાગ્યું.
રોહિતનાં કપડાંની પોટલી બતાવી મા સુધા કહે છે પહેલાં પડોશમાં ડૉક્ટર પાસે લઈ તો એમણે કહ્યું કે આજે હડતાળ છે એટલે તપાસ નહીં કરું.
આગળ બીજા બે ડૉક્ટરોએ પણ એમ જ કહ્યું. પછી અમે એને લઈને હૉસ્પિટલ પહોંચ્યાં. ત્યાં ડૉક્ટરોએ ઇન્જેક્શન આપ્યું અને બૉટલ ચઢાવી. ઇન્જેક્શન પછી એનો તાવ વધવા લાગ્યો.
આ દરમિયાન શોકમાં ડૂબેલાં રોહિતના દાદીને શાંત કરાવીને અનિલ કહે છે તે એકદમ પીળો પડવા લાગ્યો હતો.
અમે ઝાલી રાખતા તો પણ આખું શરીર જાણે કે પટકતો હતો. હાથ-પગ પછાડતો રહ્યો.
ડૉક્ટરોએ ત્રણ વખત વૉર્ડ અને ઇન્જેક્શનો બદલ્યાં, પરંતુ એની હાલત બગડતી રહી. પછી 6 કલાક પછી એને મેડિકલ કૉલેજ રિફર કરવામાં આવ્યો. ત્યાં કલાકમાં એનો જીવ નીકળી ગયો.
બાળકોનાં મૃત્યુ પાછળની વૈજ્ઞાનિક તપાસ
મુઝ્ઝફરપુરમાં બાળકોના વરિષ્ઠ ડૉક્ટર અરુણ શાહ કહે છે બાળકોનાં મૃત્યુના આ સિલસિલા પાછળનું અસલી કારણ ગરીબી અને કુપોષણ છે.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં એમણે કહ્યું કે 2014થી લઈને 2015 સુધી મે ડૉક્ટર મુકુલ દાસ, ડૉક્ટર અમોઘ અને ડૉક્ટર જેકબ સાથે આ બીમારીની તપાસ કરી હતી. અમે પામ્યા કે બાળકો ન તો કોઈ વાઇરસથી પરેશાન છે, ન બેક્ટેરિયાથી કે ન તો ઇન્ફેકશનથી.
ખરેખર તો આ બીમારીનો સ્વભાવ મેટાબોલિક છે. એટલે અમે આને હાઇપોગ્લાઇસિમિક ઇન્સેફિલોપિથી (એએચઈ) કહી. એએચઈનાં લક્ષણોમાં તાવ, બેહોશી અને શરીરમાં ઝટકા સાથે કંપારી છૂટવી જેવી બાબતો સામેલ છે.
એએચઈનો શિકાર થનારાં બાળકો સમાજના સૌથી ગરીબ સમુદાયનાં હોય છે એમ કહી ડૉ શાહ જોડે છે કે લાંબો સમય કુપોષિત રહેવાને લીધે બાળકોના શરીરમાં રિવર્સ ગ્લાઇકોઝિનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.
આને લીધે લીચીના બીજમાં જોવા મળતા મિથાઇલ પ્રોપાઇડ ગ્લાઇસીન નામના ન્યૂરો ટૉક્સિન્સ બાળકોની અંદર એક્ટિવ થાય છે.
આમ થાય ત્યારે એમના શરીરમાં ગ્લુકોઝની ખામીને લીધે એક ખાસ પ્રકારની એનોરોબિક પ્રક્રિયા શરૂ થાય છે. આને ક્રેબ સાયકલ કહે છે. જેના લીધે બાળકના મગજ સુધી ગ્લુકોઝ પૂરતી માત્રામાં પહોંચતું નથી અને બ્રેઇન ડેડ થવાનો ખતરો વધી જાય છે.
ડૉક્ટર અરુણ શાહ બાળકોના મૃત્યુ માટે લીચીને જવાબદાર નથી ઠેરવતા, બલ્કે કુપોષણને મુખ્ય કારણ બતાવે છે.
તેઓ કહે છે 2015માં અમે આવાં મૃત્યુ રોકવા માટે એક નીતિ ઘડીને બિહાર સરકારને આપી હતી. એ નીતિમાં આદર્શ કાર્ય પ્રક્રિયા (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર)નો ઉલ્લેખ હતો.
એ એસઓપીમાં અમે સાફ કહ્યું હતું કે આશા કાર્યકરો પોતાના ગામના દરેક ઘરમાં લોકોને જઈને કહે કે ગરમીના દિવસોમાં બાળકોને લીચી ખાતા રોકવામાં આવે અને એમને પોષણ આહાર આપે, ક્યારેય ભૂખ્યા પેટ ન સૂવા દે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ
બાળકોને મોતના મુખમાંથી બહાર લાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ઇશારો કરતાં ડૉક્ટર શાહ કહે છે કે અમે અમારા અહેવાલમાં એ પણ લખ્યું હતું કે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગ્લુકોમિટર હોવું જોઈએ.
જેથી ડૉક્ટર બાળકોના શરીરમાં હયાત ગ્લુકોઝને તરત માપી શકે અને ગ્લુકોઝ ઓછું થતાં તરત જ ડ્રિપ લગાવી શકે.
આવી પ્રાથમિક સારવાર મળતાં બાળકોના સાજા થવાની આશા વધી જાય છે, પરંતુ બિહાર સરકાર એ આદર્શ કાર્યપ્રણાલી લાગુ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
રામપુનાસ નામના જે ગામમાં રોહિત મોટો થયો ત્યાંનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 15 વર્ષથી બંધ પડેલું છે.
ગામલોકોનું કહેવું છે કે ડૉક્ટર કે ગ્લુકોમિટરની વાત તો દૂર દવાખાનું જ ગામલોકો માટે હજી ખૂલ્યું નથી.
રોહિતના ગામ રાજપુનાસથી એક કલાક દૂર ખિવાઇપટ્ટી ગામમાં રહેતી 5 વર્ષીય અર્ચનાને હૉસ્પિટલ સુધી પણ ન પહોંચાડી શકાઈ.
રાતે જમ્યા વિના સૂઈ ગયેલી અર્ચનાએ સવારે પીળા પડી રહેલા શરીર સાથે 15 મિનિટમાં જ દમ તોડી દીધો.
માસૂમ દેખાતી અર્ચનાની તસવીર હાથમાં લઈ એમનાં માતા રડી રહ્યાં છે.
એમની પાસે બેઠેલા તેમનાં કાકી કહે છે કે સવારે જાગી તો પરસેવાથી ભીની હતી. ઊઠી અને ફરી પાછી સૂઈ ગઈ.
એના પછી મા ન્હાઈને આવ્યાં તો એને જગાડવા લાગ્યાં પણ પછી જોયું તો એના દાંત ચોંટી ગયા હતા. એવું લાગ્યું કે એના દાંત એના મોં સાથે જાણે કે જડ થઈ ગયા હતા.
અમે દાંત ખોલાવવાની કોશિશ કરી પણ વારંવાર દાંત ફરી જડ થઈને ચોંટી જતા હતા.
પછી એનું શરીર કાંપવા લાગ્યું અને કાંપતાં કાંપતાં મારા ખોળામાં જ 15 મિનિટમાં એનો જીવ નીકળી ગયો.
મુઝ્ઝફરપુરનું આકાશ હજી પણ કદી ન ઓલવાય એવી આગ ઓકી રહ્યું છે અને બાળકોનાં મોત દરરોજ એક આંકડો બનીને વધતા જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો