બજેટ 2019 : આ વખતના અંદાજપત્ર શું હશે મોટા પડકારો?

ખેતરમાં કામ કરતાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી

કેન્દ્રીય બજેટ આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દેશ આર્થિક મંદી તરફ જઈ રહ્યો છે એવો ચિંતાજનક દિશાનિર્દેશ અર્થવ્યવસ્થા સંલગ્ન કેટલાક આંકડા કરે છે.

જૂન 2019માં ત્રણ મહિના પછી ફરી એક વાર ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સની આવક રૂપિયા એક કરોડની નીચે નોંધાઈ છે.

મે 2019માં આવક રૂપિયા 1,00,289 કરોડ થઈ હતી જે જૂનમાં ઘટીને 99939 કરોડ થઈ છે.

કેન્દ્ર અને રાજ્ય સ્તરના વિવિધ 17 જેટલા ટૅક્સને એક જ ટૅક્સ અંતર્ગત લાવી જીએસટીનો અમલ બે વર્ષ પહેલાં પહેલી જુલાઈથી શરૂ થયો હતો.

આમ જીએસટીની આવક એક રીતે દેશનાં વિવિધ ક્ષેત્રોના વિકાસ સાથે જોડાયેલી છે એમાં ઘટાડો થાય એનો અર્થ દેશમાં સાર્વત્રિક વિકાસ ઉપર બ્રેક લાગી છે.

line

યોજનાની જાહેરાત થઈ પણ નોકરી મળી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ પૂરતું ન હોય એ રીતે આઈએચએસ માર્કેટ ઇન્ડિયા પર્ચેસિંગ મૅનેજર્સ ઇંડેક્સ(PMI) મે 2019ના 52.7 ટકાથી ઘટીને 52.1 ટકા થયો છે.

આમ તો પીએમઆઈ 50ની ઉપર હોય તો અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે તેવો અર્થ થાય, પણ એ ઘટવા માંડે તે ચિંતાનો વિષય હોવો જોઈએ. મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરમાં વૃદ્ધિ પર બ્રેક લાગે એટલે તેની અસર ઉત્પાદન પર પડે અને રોજગારીમાં પણ વૃદ્ધિ ધટે.

ઍમ્પ્લૉયમૅન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ લગભગ શૂન્ય થઈ ગયો છે એનો અર્થ એ થાય કે જીડીપી દરમાં વૃદ્ધિ થાય તો પણ રોજગારીમાં સમાંતર વધારો થશે નહીં.

આથી ઊલટું ટૅકનૉલૉજીમાં બદલાવ તેમ જ ઑટોમેશનને કારણે લગભગ ત્રીજા ભાગની કામગીરી કરતા માનવબળને રિટ્રેઇન એટલે કે બદલાયેલી ટૅકનૉલૉજી સાથે પનારો પાડવા માટે ફરીથી તાલીમ આપવી પડશે.

ભારત માટે આ ચિંતાજનક બાબત ગણી શકાય. છેક સિત્તેરના દાયકામાં રોજગારીલક્ષી યોજનાઓની જાહેરાત થવા લાગી, એ પછી ભારત સરકારની હાફ એ મિલિયન જોબ પ્રોગ્રામ એટલે કે પાંચ લાખ નવી નોકરી ઊભી કરવા માટેની 80ના દાયકામાં જાહેર થયેલી યોજના આવી.

એનાથી આગળ "હર હાથ કો કામ" જેવાં સૂત્રોથી માંડીને ન્યૂનતમ રોજગારી માટેની મનરેગા જેવી યોજનાઓ તેમજ સ્ટાર્ટઅપ અને 'સ્કિલ ઇન્ડિયા' જેવા કાર્યક્રમોની જાહેરાત થઈ.

કોઈ પણ પક્ષની સરકાર આવી યુવા રોજગારીને ક્ષેત્રે અને બેરોજગારી નિવારણ માટેની કમ સે કમ જાહેરાતો થકી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતી રહી.

આ જાહેરાત અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ હંમેશાં કેન્દ્રીય બજેટ રહ્યું છે.

line

ભારતની વસતિ સતત વધી રહી છે

કામ કરતાં મજૂર

ઇમેજ સ્રોત, Getty Images

રોજગારી ભારતીય અર્થવ્યવસ્થા સાથે જોડાયેલું એક મહત્ત્વનું પરિબળ/પરિમાણ હોવાનું એક મુખ્ય કારણ આપણી વસતિ છે.

2025 સુધીમાં ભારત ચીનને વટાવીને દુનિયાનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ થઈ જશે.

2050માં ભારતની 1.66 અબજની વસતિ સામે ચીનની વસતિ 1.36 અબજ હશે.

માત્ર વસતિ વધારાની દૃષ્ટિએ જ નહીં સરેરાશ વયની દૃષ્ટિએ પણ ભારત આજે અને ભવિષ્યમાં પણ સૌથી યુવાન દેશ રહેવાનો છે.

આજે દેશની સરેરાશ વય માત્ર 29 વર્ષ જ્યારે ચીનની સરેરાશ વય 37 અને અમેરિકાની સરેરાશ વય 39 છે.

દેશની 70 ટકા વસતિ 35 વર્ષથી નીચેના વય જૂથમાં છે, એમાંથી નવી નોકરીમાં માટે બજારમાં આવતાં 18થી 23 વર્ષની વય જૂથનાં યુવક-યુવતીઓની સંખ્યા 14 કરોડ છે.

આ સંખ્યામાંથી ચોથા ભાગના એટલે કે 3.66 કરોડ યુવક-યુવતીઓ એવાં છે જે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે છે.

દર લોકસભાની ચૂંટણી વખતે લગભગ 12 કરોડ જેટલા મતદારો (આશરે 16 ટકા) પ્રથમ વાર મત આપે છે. આમ રાજકીય પક્ષો માટે પણ યુવા વર્ગ એ ખૂબ અગત્યનો મતદાતા છે.

સરકારો આવે અને જાય પણ આ કારણથી યુવા રોજગારી માટેની જાહેરાતો અને તેની સાથે જોડાયેલી ગરીબી નાબૂદી માટેની યોજનાઓ કોઈ પણ સરકારનાં ચૂંટણી ઘોષણાપત્રો કે પછી અંદાજપત્રમાં સ્વાભાવિક રીતે જ કેન્દ્રસ્થાને રહે છે.

2014ની લોકસભાની ચૂંટણી અગાઉ હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષે એક કરોડ રોજગારીનું સર્જન કરવાનું વચન દેશના યુવા મતદારો સમક્ષ પ્રસ્તુત કર્યું.

ત્યારબાદ તેમની સરકાર દ્વારા રજૂ થયેલ અંદાજપત્રોના માધ્યમથી ગરમી બેરોજગારી હટાવવા માટે મનરેગા જેવી યોજના ચાલુ રાખવા ઉપરાંત સ્કિલ ડેવલપમૅન્ટ, સ્ટાર્ટઅપ અને બૅન્કો દ્વારા લૉન માટેની મુદ્રા યોજના કે પછી એક કરોડ રૂપિયા સુધીની લૉન માત્ર 59 મિનિટમાં મંજૂર કરી દેવાની વાત એક યા બીજી રીતે દેશમાં રોજગારી ઊભી કરવા માટેનો પ્રયાસ અને અંદાજપત્રીય ઘોષણાઓ હતી.

line

બેરોજગારીને લઈને નક્કર પગલાં લેવાયાં?

સંકલ્પપત્ર રજૂ કરતાં મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ગત પાંચ વર્ષ દરમિયાન મોદી સરકારની નિયત યુવા રોજગારી અને આર્થિક પ્રવૃત્તિ ઊભી કરવા તરફ રહી હતી એમ કહી શકાય.

આ છતાંય અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય પીઈડબલ્યૂ રિસર્ચે કરેલા સર્વે મુજબ ભારતમાં બેરોજગારી અને મોંઘવારી બે મોટી સમસ્યાઓ છે.

સર્વે મુજબ, દેશના 75 ટકા યુવાનોને લાગી રહ્યું છે કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે.

આ સર્વેમાં છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારના સમયમાં બેરોજગારીને લઈને કોઈ નક્કર પગલાં લેવાયાં છે કે કેમ તે અંગે જ્યારે લોકોને પૂછવામાં આવ્યું તો 67 ટકા લોકોએ કહ્યું હતું કે રોજગારીમાં કોઈ સુધારો થયો નથી.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગત વર્ષમાં લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતા તત્કાલીન કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારે સ્પષ્ટ કહ્યું હતું કે સરકારે 'જોબ ક્રિયેશન' માટે કોઈ ટાર્ગેટ નક્કી કર્યો નથી, પરંતુ તેની સાથે તે જોડ્યું કે સરકાર રોજગાર અપાવવા માટે પહેલાની જેમ જ પ્રતિબદ્ધ છે.

શ્રમમંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજના અને દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના (DDU- GKY)ને ઝડપી લાગુ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે એ પણ કબૂલ્યું હતું જે માર્ચ 2018માં ભારતમાં બેરોજગારીનો દર વધીને લગભગ 6.2 ટકા થઈ ગયો છે.

આમ છતાંય હકીકત એ પણ છે કે સરકારે 2016 પછી દેશમાં બેરોજગારીની સ્થિતિ શું છે કેમ તેનો શ્રમ મંત્રાલયે 2016 પછી કોઈ સર્વે કરાવ્યો નથી.

આ સર્વે લેબર બ્યૂરો દ્વારા કરવામાં આવતો હતો. તત્કાલીન શ્રમમંત્રી સંતોષ ગંગવારે આ વિશે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હાલમાં રોજગારના આંકડાઓ માટે સરકાર EPFOથી મળનાર ડેટા પર નિર્ભર છે.

અગાઉ જેનો ઉલ્લેખ કર્યો તે ઍમ્પ્લૉયમૅન્ટ ઇલાસ્ટિસિટી અંગે મેહરોત્રા તેમજ અન્ય દ્વારા રજૂ કરવામાં આવેલ સંશોધન પેપર 'Employment Trends in Indian Economy' મુજબ કૃષિક્ષેત્ર જે આજે પણ આ દેશમાં 50 ટકા કરતાં વધુ સીધી અને આડકતરી રોજગારી આપે છે, તેમાં ઍમ્પ્લૉયમૅન્ટ ઇલાસ્ટિસિટી 0.12થી ઘટીને - 0.53 થઈ હતી, એટલે કે ગ્રીન રિવૉલ્યુશનના ભાગરૂપે કૃષિક્ષેત્રે ટ્રૅક્ટર, થ્રેશર, પ્લાન્ટરો જેવાં મશીનોનો ઉપયોગ થવા માંડ્યો તેના કારણે કદાચ કૃષિક્ષેત્રમાં રોજગારીની તકો ઘટી છે અને ઘટવાની છે.

line

રોજગારી માટેના મૉડલમાં શરૂઆતથી તકલીફ?

કામ કરતાં મજૂરો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા જીડીપી ગ્રોથની સાથે રોજગારીને જોડીને બેરોજગારીનો વૃદ્ધિદર માટેની ઍમ્પ્લૉયમૅન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં કરવામાં આવ્યો છે તે મુજબ 2011-12 સુધીમાં ઍમ્પ્લૉયમૅન્ટ ઇલાસ્ટિસિટી ઘટીને 0.18 થઈ હતી જે આજે નકારાત્મક બની ચૂકી છે. (સંદર્ભ : www.swarajyamag.com)

આ કારણથી જીડીપી વૃદ્ધિદરના આંકડા જોઈને હરખાવાના દિવસો આવનાર વરસોમાં રોજગારી ક્ષેત્ર માટે રહેવાના નથી. મૂળભૂત રીતે રોજગારી ઊભી કરવાના આપણા મૉડલમાં શરૂઆતથી જ કંઈક તકલીફ પેઠી છે.

આપણે વિપુલ માનવબળ ધરાવતો દેશ છીએ. જેની આપણે નકલ કરીએ છીએ તે વિકસિત દેશો માનવબળની મર્યાદા અને મૂડી તેમજ ટૅકનૉલૉજીની પ્રચુરતા ધરાવતા દેશો છે.

આ મૉડલ આપણે ત્યાં વપરાય તો ટૅકનૉલૉજીના નામે મૂડી પ્રચુર ઉત્પાદન વ્યવસ્થા હંમેશાં રોજગારી માટે નકારાત્મક રહેવાની તે વાત આપણા આયોજનમાં ક્યાંક વિસરાઈ ગઈ છે.

કદાચ આજ કારણથી જેનો આપણા વિકાસમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે તેવા એ એમએસએમઈ (MSME) ક્ષેત્ર વૈશ્વિકીકરણ અને મૂડી પ્રચુર મેગા સ્કેલ ઉત્પાદન વ્યવસ્થામાં ભુલાયા છે.

એક મહાકાય ઉદ્યોગ અંદાજે પાંચ કરોડના રોકાણે એક રોજગારી ઊભી કરે છે ત્યારે તે સામે માત્ર દસ હજારથી ઓછા રોકાણમાં માઇક્રો ઉદ્યોગ એક રોજગારી ઊભી કરે છે, લઘુ ઉદ્યોગ સરેરાશ બેથી અઢી લાખના રોકાણ સામે એક રોજગારી ઊભી કરે છે.

એક સમય એવો હતો કે જ્યારે જે ઉત્પાદન લઘુઉદ્યોગમાં થઈ શકે તે લઘુઉદ્યોગો માટે જ અનામત રાખવામાં આવ્યું હતું.

આવી લગભગ એક હજાર કરતાં વધુ આઇટમો માત્ર લઘુઉદ્યોગ દ્વારા જ ઉત્પાદિત થાય તેવું નિયંત્રણ હતું અને સરકારી ખરીદીમાં તેમજ ટૅન્ડર ભરવામાં ખાસ સવલતો હતી.

ઉદારીકરણની અનેક સારી અસરો હશે પણ તેણે દેશના એક એકમના રોકાણ દીઠ ઊંચી રોજગારી પૂરી પાડતા લઘુ અને માઇક્રો ઇન્ડસ્ટ્રી સૅક્ટરને એણે મરણતોલ ફટકો મારી દીધો છે.

line

આ વખતના બજેટમાં શું હશે પડકાર?

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાનની જાપાનની મુલાકાત દરમિયાન તેમણે 50,000 જેટલા નવા સ્ટાર્ટઅપની વાત કરી, પણ જ્યાં સુધી તેમને કેટલીક બાબતે સંરક્ષણ ન મળે ત્યાં સુધી લઘુ અને માઇક્રો ઉદ્યોગોની માફક જ આ એકમો પણ મંદીમાં સપડાશે.

નિર્મલા સીતારમણ આ સંબંધી યોગ્ય જાહેરાત કરે તે ઇચ્છનીય છે. બેરોજગારી ક્ષેત્રે ખરેખર પરિસ્થિતિ શું છે તે જાણવું પણ જરૂરી છે.

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (ILO)ના એક રિપોર્ટ મુજબ 2017માં ભારતમાં 1 કરોડ 83 લાખ લોકો બેરોજગાર હતા, જે વર્ષ 2018માં વધીને 1 કરોડ 86 લાખ થઈ ગયા છે.

આ સંખ્યા વર્ષ 2019માં વધીને 1 કરોડ 89 લાખથી પણ વધારે થશે. જોકે વધેલી જનસંખ્યાના રેશિયો અનુસાર બેરોજગારી સતત વાર્ષિક 3.5 ટકા દરે વધે તેવું અનુમાન છે.

ભારતમાં 1.3 અબજની કુલ આબાદીમાંથી 11 કરોડ 70 લાખ લોકોને આજે પણ નોકરી મળી નથી.

સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ નોટબંધીને કારણે પણ મંદી વધી છે અને એની અસર મજૂરી કરીને પેટિયું રળતાં એટલે કે રોજનું રળીને રોજ ખાતા વર્ગની રોજગારી ઉપર પડી છે.

આ પરિસ્થિતિમાં માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ (ફેબ્રુઆરી 7, 2019)ના રોજ સંસદમાં કરેલા ભાષણમાં કહ્યું હતું કે તેમની સરકારે છેલ્લાં ચાર વર્ષમાં ઇન્ફૉર્મલ સૅક્ટર અને રોજગારીની કરોડો નોકરીઓનું સર્જન કર્યું છે. પરંતુ આ ક્ષેત્રે રોજગારનો ડેટા ભારતમાં ઉપલબ્ધ નથી.

રોજગાર સર્જન માટે સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી હતી તેમાં PMEGP દ્વારા વર્ષ 2014થી 2018 દરમ્યાન નાના ઉદ્યોગો અને બિનકૃષિક્ષેત્રમાં 17.88 લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું હતું.

વિવિધ સ્રોતમાંથી એકઠી કરેલી માહિતી મુજબ અન્ય યોજનાઓ થકી ઊભી કરાયેલ અથવા ઊભી થનાર રોજગારી બાબત નીચે મુજબની માહિતી મળી છે.

line

દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

આ ઉપરાંત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના દ્વારા ગ્રામીણ યુવાઓને કૌશલ્યવર્ધન ટ્રેનિંગ આપવામાં આવી છે.

તેમજ આ યોજના ગ્રામીણ વિસ્તારનાં 55 લાખ યુવાઓને તાલીમ આપવામાં આવી હતી, જેમાંથી પાંચ લાખ લોકો માટે રોજગારીનું નિર્માણ થઈ શકે છે.

line

દીનદયાળ અંત્યોદય - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

ત્રીજી દીનદયાળ અંત્યોદય - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન શહેરી ગરીબી હઠાવવા માટે શરૂ કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત 4.72 લાખ યુવાનોને રોજગારી આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ ત્રણ મુખ્ય યોજનાઓ દ્વારા સરકાર ગ્રામીણ અને શહેરી યુવાઓને રોજગાર માટે તકો પૂરી પાડી શકે છે. તેમજ તેમનાં સુદઢ ભવિષ્ય માટે સ્કિલ ડેવલપમૅન્ટની તાલીમ આપી શકાય છે.

વધુમાં રાજ્યસભામાં દર્શાવ્યા મુજબ, મનરેગા દ્વારા 1080.6 કરોડ માનવ દિવસ જેટલી રોજગારીનું નિર્માણ થયું છે.

સરકારે 'મૅક ઇન ઇન્ડિયા' દ્વારા વર્ષ 2022 સુધી 10 કરોડ નોકરીઓના સર્જનની જાહેરાત કરી હતી.

line

મુદ્રા યોજના

2015થી નરેન્દ્ર મોદી સરકાર મુદ્રા યોજના (PMMY) હેઠળ રજૂ કરવામાં આવેલી સ્વરોજગાર યોજનામાં 20 હજાર કરોડ રૂપિયાના કૉર્પસ ફંડ લૉન્ચિંગ કર્યું.

આ યોજના હેઠળ સપ્ટેમ્બર 2018માં બહાર પડેલા અહેવાલ મુજબ થીંક ટૅન્ક સ્કૉચના એક અહેવાલ મુજબ મુદ્રા યોજના થકી કુલ 5.5 કરોડ નોકરીઓ આપવામાં આવી છે, પરંતુ વાસ્તવિક આંકડો 1.7 કરોડ જેટલો ઓછો છે.

દેશમાં બેરોજગારી દિવસે દિવસે વધતી જોવા મળી છે.

ચાલુ વરસે એપ્રિલમાં પ્રસિદ્ધ થયેલા આંકડા અનુસાર બેરોજગારીનો દર વધીને 7.6 ટકાએ પહોંચ્યો છે જે છેલ્લાં 45 વર્ષમાં સૌથી ઊંચો રહ્યો છે.

ઊલટાનું સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE) બહાર પાડેલ આંકડા મુજબ 2018માં દેશમાં 1.1 કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી.

ડૉક્ટર મનમોહન સિંહે રોજગારી બાબત શૈક્ષણિક સંસ્થાઓને કહ્યું છે કે "Many of you are still producing graduates in subjects that the job market no longer requires."

Dr. Manamohan Singh

At - a Aconference of Head of Universities, February 2014

Moral of the story :

If India wants to reap the demographic dividend drastically revise educational, vocational and technical training program

આ ખૂબ જ અગત્યની બાબત છે, કારણ કે શૈક્ષણિક સંસ્થાઓમાંથી બહાર પડતા સ્નાતકો તેમજ અનુસ્નાતકો પાસે ઉપલબ્ધ ક્ષમતા એમને સીધેસીધી નોકરી અપાવવા માટે અપૂરતી છે. શિક્ષણ અને રોજગારીની તક વચ્ચેનું સંકલન આજે આપણે ત્યાં રહ્યું નથી.

જોબ માટે લાઈનમાં ઊભેલા યુવા

ઇમેજ સ્રોત, Getty Images

આમ રોજગારીની તકો ઊભી કરવા માટે માત્ર નવી યોજનાઓને જ જાહેર કર્યે જાઓ તેનાથી દાળદર ફીટવાનું નથી.

આજનો યુવાન જે રોજગારીની આશામાં શૈક્ષણિક સંસ્થાઓનાં પગથિયાં ઘસે છે એની યુવાનીનાં બહુમૂલ્ય એવાં ચારથી છ વર્ષ બગાડે છે તે પછી પણ જો એ શિક્ષિત બેરોજગારનો દરજ્જો પામવાનો હોય તો સ્વાભાવિક છે કે એના મનમાં મોટી હતાશા ઊભી થશે.

2016-17ના આર્થિક સર્વેક્ષણ અહેવાલમાં તત્કાલીન આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પણ ઘટી રહેલી રોજગારીના અવસરોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે રોજગારીનું સર્જન કરવું ભારત માટે એક મોટો પડકાર છે.

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડના પ્રવક્તા ગેરી રાઈસના શબ્દોમાં કહીએ તો દેશના યુવાનો બેરોજગાર હોય ત્યારે વિકાસની ગાડી ઝડપથી દોડી શકે નહીં તે સનાતન સત્ય છે.

રાઈસે ઉમેર્યું હતું કે માઇક્રો ઇકૉનૉમી પૉલિસી, માળખાકીય સુધારા અને લેબર માર્કેટમાં ફેરફારના કારણે જો ભારતમાં લાંબા ગાળાનો વિકાસ થાય તો તેનાથી રોજગારીની તકોનું નિર્માણ પણ થશે.

વિશ્વનો સૌથી યુવાન દેશ ભારત છે. યુવાન એટલે ઊર્જાનો ધધકતો જ્વાળામુખી, યુવાન એટલે સમણાંના હિંડોળે ઝૂલતો ભારતની આવતી કાલનો નિર્માતા.

આ યુવાન જો હતાશ કે બેરોજગાર હોય તો તેની ઊર્જા જેમ રચનાત્મક ઉપયોગમાં આવી શકે એ જ રીતે ખંડનાત્મક પ્રવૃત્તિઓ અને આંદોલનનો તરફ પણ એટલી જ સહેલાઈથી વળી જાય.

જો આવું થાય તો હિંસક આંદોલન અને માઓ કે નક્સલવાદ જેવી પ્રવૃત્તિઓ અને આતંકવાદ માટે કાચો માલ ટનના ભાવે આપણે ત્યાં તૈયાર થઈ રહ્યો છે એવું માનવું રહ્યું.

line

આ અંદાજપત્રમાં શું નવું હશે?

પોલીસ ભરતી માટે આવેલી યુવતીઓ

ઇમેજ સ્રોત, Getty Images

આપણા ત્યાં 60 ટકા કરતાં પણ વધુ ફાળો સેવાકીય ક્ષેત્ર એટલે કે સર્વિસ ક્ષેત્રનો છે.

એક રીતે જોઈએ તો દેશની અર્થવ્યવસ્થાનો આ સંક્રમણકાળ છે બરાબર તે જ રીતે દેશની શિક્ષણ વ્યવસ્થા અને રોજગારી માટે પણ આ સંક્રમણકાળ છે.

સંગઠિત ક્ષેત્રે ઊભી થતી સ્ટ્રક્ચરલ ઍમ્પ્લૉયમૅન્ટ એટલે કે બાબુગીરી તરફ દોરતી રોજગારીની તકો ઘણી મર્યાદિત બનતી જવાની છે.

પણ સામે પક્ષે દુનિયાનું સૌથી મોટું મુક્ત બજાર મળે એવો સહુથી વધુ વસતિ ધરાવતા આ દેશ માટે ઊભી થતી જરૂરિયાતો પૂરી પાડવા માટેની તકો સેવાકીય અને અસંગઠિત ક્ષેત્રે વધવાની છે.

આ વાતનો સ્વીકાર કરીને એ દિશામાં જવું હોય તો એની શરૂઆત આજની શિક્ષણ-વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરીને એના ઢાંચાને બદલવાથી જ કરવી પડશે.

સરકાર આ દિશામાં શું કરી શકે એની ભાવી ગતિવિધિ અને ચિંતા વ્યક્ત કરવા માટે અંદાજપત્રથી વધુ સારો અવસર ભાગ્યે જ કોઈ શકે.

નિર્મલા સીતારમણ આ અવસરનો પ્રામાણિકતાપૂર્વક ઉપયોગ કરી વાસ્તવિકતાલક્ષી યોજનાઓ અને જોગવાઈઓ લઈને આવશે કે પછી યુવાનોને એ જ રોમાંચક દિવાસ્વપ્નમાં રાચતા રાખવાની લોકરંજક ભાષામાં ચવાઈ ગયેલી રોજગારી માટેની કેટલીક જૂની વાતો દોહરાવીને હાથમાં આવેલી આ સુંદર તક ગુમાવી દેશે તેની ખબર તો પાંચમી જુલાઈએ જ પડશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો