બજેટ 2019 : શા માટે ખેડૂતો અનામત માટે આંદોલન કરવા મજબૂર બન્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી
છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રમાણમાં જેને સુખી વર્ગ ગણી શકાય એવી કોમ, જેવી કે હરિયાણામાં જાટ, ગુજરાતમાં પાટીદાર, રાજસ્થાનમાં ગુર્જર અને હવે છેલ્લે છેલ્લે મહારાષ્ટ્રમાં મરાઠા સડકો પર ઊતરી આવ્યા.
તેમની માગણીઓમાંની એક મુખ્ય સરકારી નોકરીઓમાં અનામત માટેની હતી.
પ્રથમ દૃષ્ટિએ આ આંદોલનો કોઈ ચોક્કસ કોમ કે વર્ગ દ્વારા કરવામાં આવી રહ્યાં હોય તેવી છાપ ઊભી થાય છે અને મોટા ભાગે આપણે એને એ જ રીતે આ આંદોલનોને જોઈએ છીએ.
આ લેખમાં પ્રશ્નના મૂળ સુધી જવાનો અને આ માગણી કેટલી ઊંડી છે તેને ચકાસવાનો એક તટસ્થ પ્રયત્ન કર્યો છે.
પ્રથમ દૃષ્ટિએ કોઈ કોમ કે વર્ગનું આંદોલન લાગતા આ પ્રશ્નના મૂળમાં ખેડૂતની બગડતી જતી આર્થિક સ્થિતિ અને બેહાલી છે.
કૃષિમાંથી થતી આવક ઘટતી ચાલી છે અને તેની સામે જેને આપણે Agri Input એટલે કે ખેડૂતને ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર, જંતુનાશકો, મજૂરી વિગેરેની વધતી જતી કિંમતો અને બીજી બાજુ પ્રમાણમાં એના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ન મળવાની ખરી સ્થિતિ કારણભૂત છે.
જાણે કે આ ઓછું હોય તેમ ખાસ જેની ચર્ચા નથી થતી એવો ગંભીર પ્રશ્ન કૃષિની જમીનના નાના નાના ટુકડા થઈ રહ્યા છે તે છે.


ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજીમાં જેને Fragmentation of Agriculture Land કહે છે તેને પરિણામે ખેડૂતને ઉપલબ્ધ માથાદીઠ કૃષિલાયક જમીન ઘટતી અને ઘટતી જઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જમીનનું આ માથાદીઠ ઉપલબ્ધ Land Parcel એટલે કે ટુકડો ક્યારેક તો બે કે ત્રણ ટુકડામાં વિભાજિત હોય, ત્યારે આ સરેરાશ ક્ષેત્રફળ પણ સાચો અંદાજ આપતું નથી.
નવાઈની વાત તો એ છે કે ખેડૂત અને ખેતીના મૂળમાં મરણતોલ ફટકો મારી રહેલી આ બાબત અંગે હજુ સુધી કોઈ મોટી ચર્ચા પણ ઊભી થઈ નથી.
ભૂમિ અધિગ્રહણ કાયદો એટલે કે Land Acquisition Actમાં સુધારા બાબતે પાર્લામેન્ટમાં આટલી મોટી ચર્ચા થઈ, પણ Fragmentation of Agriculture Landનો મુદ્દો તો જાણે હજુ સુધી સપાટી પર જ આવ્યો નથી.
2010-2011ના ઍગ્રિકલ્ચર સેન્સસ પ્રમાણે જોઈએ તો આ ટુકડાકરણની પ્રક્રિયાને કારણે 1970-71માં Marginal Farmer એટલે કે સીમાંત ખેડૂતની ટકાવારી 70 ટકા હતી તે ચિંતાજનક રીતે 2010-11માં વધીને 85 ટકાને આંબી છે.
એ કરતાં પણ વધુ ગંભીર બાબત તો એ છે કે 2010-11માં 67 ટકા ખેડૂતો પાસે તો ઉપલબ્ધ જમીનની સરેરાશ માત્ર 0.39 હેક્ટર એટલે કે 3900 ચોરસવાર છે.
આ સાઈઝના અથવા આથી મોટા પ્લોટમાં તો આપણા ધનકુબેરો બંગલા બાંધે છે!
અત્યારે આખા દેશની માથાદીઠ કૃષિલાગત ખેડૂતને ઉપલબ્ધ જમીનની સરેરાશ 1.1 હેક્ટર એટલે કે 2.75 એકર છે.
Indian Council of Agriculture Research (ICAR) દ્વારા તૈયાર કરવામાં આવેલા "વિઝન 2030" અહેવાલ મુજબ, આ સરેરાશ 0.3 હેક્ટર એટલે કે 3000 ચોરસમિટર જેટલી નીચી ઊતરી જશે.
આમ થવાથી 95 ટકા જેટલા ખેડૂત સીમાંત ખેડૂત (Marginal Farmer)ની કક્ષામાં આવી જશે.
આમ ભયજનક રીતે ઘટતી જતી ખેડૂત પાસે ઉપલબ્ધ કૃષિલાયક જમીનની સરેરાશ અને વધુને વધુ ખેડૂતો સીમાંત કક્ષામાં ધકેલાતા જાય, તેને પરિણામે ઊભી થનાર પરિસ્થિતિ પ્રાથમિક દૃષ્ટિએ નીચે મુજબનાં તાર્કિક પરિણામો તરફ લઈ જઈ શકે.
2030 સુધીમાં લગભગ 95 ટકા ખેડૂતો સીમાંત ખેડૂતોની કક્ષામાં ધકેલાઈ જશે.
આમ થવાને પરિણામે ખેડૂતની માથાદીઠ કૃષિ આધારિત આવક પણ મોટું ગોથું મારશે.
એક સમયે કહેવાતું "ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, કનિષ્ઠ નોકરી" આને બદલે જગતનો તાત "કનિષ્ઠ ખેતી"ને પરિણામે ગરીબીની રેખા નજીક અથવા ગરીબીની રેખાથી નીચે ધકેલાઈ ગયો છે અથવા ધકેલાઈ જવાની તૈયારીમાં છે.
પરિણામે આજે તેણે "ઉત્તમ નોકરી" તરફ નજર દોડાવી છે.


ઇમેજ સ્રોત, Getty Images
એકબાજુ ખેડૂતની આવક સતત ઘસાતી ગઈ છે ત્યારે બીજીબાજુ સરકારી કર્મચારીઓ અથવા અધિકારીઓ પગારપંચ અને મોંઘવારી આધારિત વધતા જતા પગારોની દુનિયામાં જીવે છે.
ઉપરથી પેન્શન અને મેડિકલ જેવા લાભ તો ખરા જ!
આ કારણથી અગાઉ નોકરી વિશે ગંભીરતાથી નહીં વિચારનાર કૃષિ વર્ગને નોકરીમાં ઘી-કેળાં દેખાય છે.
ખેડૂત મહદ્અંશે પાટીદાર, મરાઠા, જાટ કે ગુર્જર કોમમાંથી આવે છે.
બીજા ખેડૂતોને પણ આજ પ્રશ્ન છે, પણ આ વિશાળ બહુમતી ધરાવતા વર્ગને કારણે આંદોલનનો ચહેરો આ કોમો બની છે.
2030માં ઘટતી ઘટતી લગભગ 99 ટકા ખેડૂતો પાસે ઉપલબ્ધ ખેતી માટે જમીનની સરેરાશ 3000 ચોરસમિટર એટલે કે 0.3 હેક્ટર હશે.
આટલા નાના ટુકડામાંથી સ્વનિર્ભરતાને લાયક આવક મેળવી શકાય ખરી?


ઇમેજ સ્રોત, Getty Images
ગરીબીની રેખા નીચે જીવતો અથવા ગરીબીની રેખા તરફ જઈ રહેલ ખેડૂત સ્વાભાવિક રીતે જ પોતાનાં કુટુંબને સુખી રાખવા વૈકલ્પિક અથવા પૂરક આવકના સાધન તરફ વળશે.
તેને પરિણામે એ ખેતી છોડીને બીજી આર્થિક પ્રવૃત્તિઓ તરફ ઢળશે.
આ પ્રક્રિયાની શરૂઆત ગામડાંઓમાં લગભગ થઈ ગઈ છે પણ હજુ તેને વિકરાળ પ્રશ્ન બની સપાટી પર આવતાં કેટલાંક વર્ષો લાગશે.
આમ જોઈએ તો કૃષિ કુલ જીડીપીના 20 ટકા જેટલો ફાળો અર્થવ્યવસ્થામાં આપે છે પણ આનાથી એની અગત્યતા વિષે ગેરમાર્ગે દોરાવા જેવું નથી.
કારણ કે કૃષિ ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખતી તેમજ ગ્રામ્ય રોજગારી પૂરી પાડતી પાયાની પ્રવૃત્તિ છે.
આજે ભલે અન્ય રીતે અર્થવ્યવસ્થાના ઔદ્યોગિક અથવા સર્વિસ સૅક્ટર (સેવા ક્ષેત્ર) જેવાં વિવિધ ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી છે, તે છતાં આજે પણ કુલ રોજગારીના 50 ટકા એટલે કે અડધોઅડધ કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર પૂરી પાડે છે.
એક ક્ષણ માટે આપણે વિચારીએ કે લગભગ બિનપોષણક્ષમ બની ગયેલા ખેતીથી ખેડૂત દૂર થાય અને એને પરિણામે કૃષિ સંલગ્ન રોજગારીની તકો પણ ઘટવા લાગે તો શહેરો તરફની દોડ વેગવંત બનશે.
આવું થાય તો અત્યારે પણ જેમની આંતરમાળખાકીય સવલતો જબરજસ્ત દબાણ હેઠળ છે તેવાં શહેરો આ વધારાનો બોજ નહીં લઈ શકે અને શહેરી આંતરમાળખું તૂટી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે.
શહેરોમાં બેરોજગારી વધશે, પરિણામે ગુનાખોરી અને સંલગ્ન સમસ્યાઓ વિકરાળ બનશે. આપણે તેના માટે તૈયાર છીએ ખરા?


ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂતો માટે ખેતી પોષણક્ષમ રહી નથી, તેનું એક પાયાનું કારણ ખેતીની જમીનોના ટુકડા થઈ રહ્યા છે.
ખેડૂત પાસે સરેરાશ ખેતી માટે ઉપલબ્ધ જમીન 1960માં 2.69 હેક્ટર પ્રતિ માથાદીઠ હતી તે ઘટીને 2030 સુધીમાં સરેરાશ માથાદીઠ 3000 મિટર જ રહી જાય એવી આશંકા છે.
આ કારણથી ખેડૂત માટે ખેતી પોષણક્ષમ રહી નથી, જેને પરિણામે ઊભી થનાર પરિસ્થિતિનાં કેટલાંક પરિણામોની ચર્ચા કરી.
આ પરિસ્થિતિની બીજી મોટી અસર અન્ન સલામતી સામે ઊભું થનાર જોખમ છે જે આથી પણ વધુ ખતરનાક પરિણામો લાવી શકે છે.

ખેડૂત ખેતીથી દૂર જાય તો.....

ઇમેજ સ્રોત, Getty Images
કૃષિ માત્ર રોજગારી અને અર્થવ્યવસ્થા સાથે સંલગ્ન એક પરિબળ જ નથી પણ સીધેસીધી અન્નસુરક્ષા સાથે જોડાયેલી છે.
રોટી, કપડાં, મકાન પાયાની જરૂરિયાતો છે. કૃષિ આ પાયાની જરૂરિયાતોમાંની સૌથી અગત્યની બે જરૂરિયાતો રોજગારી અને રોટી એટલે કે અન્નસ્વાવલંબન અને અન્નસુરક્ષા છે.
ખેતીની જમીન નાના-નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય તો કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર આધારિત રોજગારી પર તો અસર પડે જ.
સાથેસાથે ભારતનું ગ્રામ્ય બજાર તેની ખરીદશક્તિ ગુમાવે, જેની સીધી અસર મોટા ઉદ્યોગો અને શહેરી અર્થવ્યવસ્થા પર થાય.
આ બન્ને મુદ્દાઓથી શી પરિસ્થિતિ ઊભી થાય તે સમજવું જરુરી છે.
અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો મુજબ પરિપક્વ થતી અર્થવ્યવસ્થામાં કૃષિ આધારિત મજૂરવર્ગ આ નીચી ઉત્પાદક્તાવાળા ક્ષેત્રમાંથી ઊંચી ઉત્પાદક્તા ધરાવતા ક્ષેત્ર તરફ જાય છે.
કેપીએમજી અને ફિક્કી દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ "Labor in Indian Agriculture : A Growing Challenge" મુજબ દેશમાં કુલ કામદારોની સંખ્યા વધી રહી છે, પરંતુ કૃષિ આધારિત કામદાર વર્ગ ઘટી રહ્યો છે.


ઇમેજ સ્રોત, Getty Images
2004-05 અને 2011-12ના કાળખંડની તુલના કરતા આ અહેવાલ નોંધે છે કે - કૃષિ આધારિત કામદાર વર્ગમાં 305.7 લાખ જેટલો ઘટાડો નોંધાયો છે.
ચિંતાજનક બાબત તો એ છે કે આ સમયગાળા દરમિયાન કૃષિ કામદારની કુલ કામદારોની ટકાવારીમાં 56.7 ટકાથી ઘટીને 48.8 ટકા જેટલો ભાગ રહ્યો છે.
તેના પરિણામે ગ્રામ્ય રોજગારીના ક્ષેત્રમાં પણ બહુ મોટી બેકારી ઊભી થઈ છે એ કહેવું અસ્થાને નહીં રહે.
આપણે પહેલી પંચવર્ષીય યોજના તૈયાર કરી રહ્યા હતા ત્યારે 1951માં દેશનું કુલ અનાજ ઉત્પાદન પાંચ કરોડ ટન હતું.
આપણે પેટ ભરવા માટે જરૂરી અનાજ પેદા કરતા નહોતા.
પીએલ-480ના ઘઉં અને ઑસ્ટ્રેલિયન માઈલો જુવાર આયાત કરી આપણે પેટ ભરતા.
કેર નામની સંસ્થા દૂધનો પાવડર ભેટ આપતી જે આપણાં બાળકોને પૂરક પોષણ આહાર તરીકે નિશાળોમાં દૂધ વહેંચવા કરતા.
આજે ભારત 28 કરોડ ટન કરતાં વધુ અનાજ પેદા કરે છે.
અધધધ.... વસતીવધારા છતાં આ કારણથી આપણે અનાજની બાબતમાં સ્વાવલંબી છીએ.
ભારત દુનિયાનો પ્રથમ નંબરનો દૂધ ઉત્પાદક દેશ છે.
ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં બીજા નંબરે છીએ.
આ બધું થયું તેના યશનો ખૂબ મોટો હક્કદાર આપણો ખેડૂત છે.
આપણે હવે પીએલ-480ના દિવસો ભૂલી ચૂક્યા છીએ. ભૂખમરાથી મોટા પાયે લોકો મરે તે 'છપ્પનિયો દુકાળ' શું હતો તે આજની પેઢીને ખબર નથી.
પણ....
2050માં આપણા દેશની વસતી 1.7 અબજ થશે.
2025ની આસપાસ ગમે ત્યારે આપણે ચીનને વટાવીને દુનિયાનો એક નંબરનો વસતી ધરાવતો દેશ બની ચૂક્યા હોઈશું.
2050માં આપણે પેટનો ખાડો પુરવા 377 મિલિયન ટન એટલે કે 37.7 કરોડ ટન અનાજની જરૂર પડશે.
તેનો અર્થ એ થયો કે આવનાર 35 વર્ષમાં આપણે અનાજ ઉત્પાદનમાં 100 મિલિયન ટન એટલે કે 10 કરોડ ટન (1951ના દેશનાં કુલ ઉત્પાદન કરતાં બમણું) વધારાનું અનાજ પેદા કરવું પડશે.

જો આમાં મોટો ઘટાડો પડ્યો તો?

ઇમેજ સ્રોત, Getty Images
આપણાં બંદરો પાસે આ શક્તિ છે કે કેમ તે પ્રશ્ન ઉપરાંત દેશના અંતરિયાળ ભાગોમાં આટલો મોટો આયાતી જથ્થો પહોંચાડવાનું આપણી રેલવે અને માર્ગ પરિવહન વ્યવસ્થાનું ગજું નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય.
દેશની 'ફૂડ સિક્યૉરિટી' એટલે કે અન્નસુરક્ષા અથવા સ્વાવલંબન સામે આકાર લઈ રહેલો પડકાર કોઈ યુદ્ધ કરતાં પણ વધુ ખાનાખરાબી કરે તો એ માટે આપણી આયોજન વ્યવસ્થા અને કૃષિ જમીનોના ટુકડાકરણની સમસ્યા જવાબદાર હશે એમાં કોઈ શંકા નથી.
અગાઉ જણાવ્યું તેમ ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પહેલે નંબરે પહોંચ્યું છે.
જેમ ગ્રીન રિવૉલ્યુશનના જનક ડૉ. સ્વામીનાથન અને ઘઉં ઉત્પાદન ક્રાંતિ માટે જ્હોન બોરલોગને યાદ કરીએ છીએ તેમ શ્વેતક્રાંતિ માટે 'ઑપરેશન ફ્લડ' જેવી યોજનાઓ થકી આપણા દૂધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગને વિશ્વના ફલક પર મૂકનાર ડૉ. કુરિયન છે.
પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે આજે ડેરી ઉદ્યોગ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સાથે પૂરક આવક માટેનું મોટું સાધન બની ચૂક્યો છે.
જો ખેતીની વ્યવસ્થા તૂટશે તો આ વ્યવસ્થા પણ વિપરીત અસર પામશે એમાં કોઈ શંકા નથી.
ઉપરોક્ત ચર્ચાને ધ્યાને લઈએ તો પાટીદાર, જાટ, ગુર્જર કે મરાઠા આંદોલનો ખેડૂત તૂટી રહ્યો છે, ખેતી તૂટી રહી છે, ગ્રામ્ય અર્થતંત્ર અને ગ્રામ્ય રોજગારી સામે ભયંકર પડકારો ઊભા થયા છે.
તેને કારણે ઊઠી રહેલ મહાવિનાશક વંટોળની એક નાનીશી ઝલક કે થપાટ માત્ર છે.
આપણા નીતિઘડવૈયાઓ, કૃષિપંડિતો, વહીવટી નિષ્ણાતો અને જે તે રાજ્ય કે કેન્દ્ર સરકારો આને જેટલી ગંભીરતાથી લેશે અને યુદ્ધના ધોરણે આ પ્રશ્નનો ઉકેલ શોધવા પ્રયત્ન કરશે તેટલું સમાજ અને દેશના વ્યાપક હિતમાં છે.
કોઈ પણ પ્રકારનું થાગડ-થીગડ કે થૂંકથી સાંધા કરવાની વૃત્તિ કદાચ હાલ પૂરતી કારગત નીવડે તો પણ આ બવંડર (વંટોળ) અતિવિનાશક અસરો સાથે પાછું આવશે અને ત્યારે પરિસ્થિતિ કોઈના પણ હાથમાં નહીં રહે.

આનો કોઈ ઉપાય છે ખરો?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશ્ન અત્યંત જટિલ છે. કોઈ રેડીમેડ જવાબ કે ઇન્સ્ટન્ટ સૉલ્યુશન આપી દેવું એ જરા પણ ઉચિત નથી.
આમ છતાંય કૃષિ જમીનોની હાલ જે ટુકડાઓમાં વિભાજિત થવાની પ્રક્રિયા બેરોકટોક ચાલી રહી છે તેને નાથીને એનું એકીકરણ કરવાની પ્રક્રિયા અંગે વિચારવું જોઈએ.
જમીનોના ટુકડા થવાને કારણે આજે લગભગ ત્રીજા ભાગની અથવા તેથી વધારે જમીન તો ગાડાવાટ, પગદંડી, શેઢા, વાડ કે અન્ય રીતે બગડે છે.
આ ટુકડાઓ ભેગા થાય તો કશું કર્યા વગર 33થી 35 ટકા જમીન વધી જાય.
આટલું ઉત્પાદન પણ સ્વાભાવિક રીતે વધે. આ માટે આપણા સૈકાઓ જૂના જમીનના કાયદાઓ બદલવા પડે.
સહકારી કૃષિ અથવા અન્ય વિકલ્પો ધ્યાને લેવા પડે.
આમ છતાંય ખેડૂત ખેડૂત ન મટી જાય તે જોવું પડે. વધુ ઉત્પાદન માટે એને પ્રેરિત કરવો પડે.
હું નિરાશાવાદી નથી. ક્ષિતિજે તોફાન ડોકાઈ રહ્યું છે એ વાત સાચી પણ આપણી ક્ષમતા માટે પણ ઊંચો આદર અને વિશ્વાસ છે.
દેશને ફૂડ સિક્યૉરિટી એટલે કે અન્ન સલામતી અથવા ખાદ્ય સ્વાવલંબન તરફ લઈ જવો એ બહુજન હિતાય બહુજન સુખાય પ્રથમ અગ્રિમતાનો મુદ્દો છે.
સમજી લેવું જોઈએ કે પાટીદાર, જાટ, ગુર્જર કે મરાઠા એ કોઈ કોમ આંદોલન થકી કંઈક મેળવી લેવા નીકળી છે માત્ર એટલી જ વાત સાચી નથી.
ઘટતી જતી કૃષિ આવક અને ટુકડા થતી જતી કૃષિ જમીનને કારણે ખેડૂત બદથી બદતર સ્થિતિ તરફ જઈ રહ્યો છે.
જગતનો તાત, મા અન્નપૂર્ણાનો ઉપાસક પોતાના અસ્તિત્વ માટે લડવા નીકળ્યો છે.
એના કુટુંબના પેટનો ખાડો નથી પૂરાતો એ સ્થિતિ સહ્ય નથી.
આ કારણસર આ આંદોલનોને માત્ર અનામત માટેના મર્યાદિત હેતુ આંદોલન ન ગણતાં દેશ સામે ઊભો થઈ રહેલ એક વિકરાળ અને રાક્ષસી પડકારના આગોતરા એંધાણ સમજીશું તો હજુ પણ મોડું નથી થયું.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














