આસામમાં નાગરિકતા છીનવાઈ જવાના ભયથી લોકો આત્મહત્યા કરી રહ્યા છે?

અસમમાં 1951માં નેશનલ રજિસ્ટર ઑફ સિટીજન્સ (એનઆરસી) બનાવાયો હતો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, આસામમાં 1951માં નેશનલ રજિસ્ટર ઑફ સિટીજન્સ (એનઆરસી) બનાવાયો હતો
    • લેેખક, સુબીર ભૌમિક
    • પદ, ગુવાહાટીથી, બીબીસી હિંદી માટે

રાજ્યમાં ગેરકાનૂની અપ્રવાસીઓને બહારના કરવાના અભિયાન અંતર્ગત આસામમાં 40 લાખ લોકોની ભારતીય નાગરિકતા રદ કરાઈ રહી છે.

સંબંધીઓ અને સામાજિક કાર્યકરોનો દાવો છે કે સંભવિત 'દેશનિકાલ'નો સામનો કરી રહેલા કેટલાક લોકોએ આઘાતમાં આવીને આત્મહત્યા કરી છે.

મે મહિનામાં એક દિવસ 88 વર્ષીય અશરફ અલીએ પોતાના પરિવારને કહ્યું કે તેઓ રમઝાનમાં ઇફ્તાર માટે ખાદ્યસામગ્રી લેવા જઈ રહ્યા છે. ખાવાનું લાવવાની જગ્યાએ તેઓએ ઝેર ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું.

જે લોકોએ સાબિત કરી દીધું હતું કે તેઓ ભારતીય નાગરિક છે એ સૂચિમાં અલી અને તેમના પરિવારને સામેલ કરાયા હતા.

પરંતુ તેમના સામેલ થવાની બાબતને તેમના પડોશીએ પડકાર ફેંક્યો હતો અને અલીને ફરી વાર પોતાની નાગરિકતા સિદ્ધ કરવા માટે બોલાવ્યા હતા. જે તેઓ તેમાં નિષ્ફળ જાય તો તેમની ધરપકડ થતી.

તેમના ગામમાં રહેનાર મોહમ્મદ ગની કહે છે, "તેમને ડર હતો કે તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે અને તેમનું નામ અંતિમ સૂચિમાંથી બહાર કરી દેવાશે."

આસામમાં 1951માં નેશનલ રજિસ્ટર ઑફ સિટીજન્સ (એનઆરસી) બનાવાયો હતો. જેથી એ નક્કી કરી શકાય કે કોણ આ રાજ્યમાં જન્મ્યું છે અને ભારતીય છે. તેમજ કોણ પડોશી મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશથી આવ્યા હોઈ શકે છે.

line

40 લાખ લોકો પર લટકતી તલવાર

સામાજિક કાર્યકરનું કહેવું છે કે એનઆરસીથી માનવીય આફત પેદા થઈ શકે છે
ઇમેજ કૅપ્શન, સામાજિક કાર્યકરનું કહેવું છે કે એનઆરસીથી માનવીય આફત પેદા થઈ શકે છે

આ રજિસ્ટરને પહેલી વાર અપડેટ કરાઈ રહ્યું છે. તેમાં એ લોકોને ભારતીય નાગરિક તરીકે સ્વીકાર કરાય છે જે સાબિત કરી શકે કે તેઓ 24 માર્ચ, 1971 પહેલાંથી રાજ્યમાં રહે છે. આ તારીખે બાંગ્લાદેશે પાકિસ્તાનથી અલગથી થઈને પોતાની આઝાદીની ઘોષણા કરી હતી.

ભારત સરકારનું કહેવું છે કે રાજ્યમાં ગેરકાનૂની રહેતા લોકોની જાણકારી માટે આ રજિસ્ટર જરૂરી છે.

ગત જુલાઈમાં સરકારે એક ફાઇનલ ડ્રાફ્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં આસામમાં રહેતા 40 લાખ લોકોનાં નામ સામેલ નહોતાં. તેમાં બંગાળી લોકો છે, જેમાં હિંદુ અને મુસ્લિમ બંને સામેલ છે.

આ સપ્તાહના શરૂઆતમાં પ્રશાસને ઘોષણા કરી હતી કે ગત વર્ષે એનઆરસીમાં સામેલ લોકોમાંથી વધુ એક લાખ લોકોને સૂચિમાંથી બહાર કરાશે અને તેઓએ બીજી વાર પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે.

31 જુલાઈએ એનઆરસીની અંતિમ સૂચિ બહાર પડશે, આથી રજિસ્ટરમાંથી બહાર કરાયેલા લોકોમાંથી અડધા લોકો પોતાને સૂચિમાં બહાર કરવાના વિરોધમાં અપીલ કરી રહ્યા છે.

1980નાં દશકનાં અંતિમ વર્ષોથી જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની સાથે સેંકડો ટ્રિબ્યૂનલ સ્થાપિત કરાઈ રહ્યા છે.

તેઓ નિયમિત રીતે શંકાસ્પદ મતદાતા કે ગેરકાનૂની ઘૂસણખોરોની વિદેશીઓના રૂપમાં ઓળખ કરી રહ્યા છે, જેમને દેશનિકાલ કરવાના છે.

line

51 લોકોએ આત્મહત્યા કરી

આ પરિવાર પર બેવડી આફત આવી પડી છે

ઇમેજ સ્રોત, CITIZENS FOR JUSTICE AND PEACE

ઇમેજ કૅપ્શન, આ પરિવાર પર બેવડી આફત આવી પડી છે

નાગરિક રજિસ્ટર અને ટ્રિબ્યૂનલે આસામમાં વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખવાળા અલ્પસંખ્યકોમાં ભય પેદા કર્યો છે.

બહારથી આવનાર કથિત ઘૂસણખોરોને કારણે આસામમાં વિવાદ થઈ રહ્યો છે. જેના કારણે મૂળ વસતી અને બંગાળી શરણાર્થીઓ વચ્ચે જાતીય તણાવ પેદા થયો છે.

વસ્તીનું ચિત્ર બદલવું, જમીનો, આજીવિકાની કમી અને રાજકીય પ્રતિસ્પર્ધાએ વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે કે રાજ્યમાં કોને રહેવાનો અધિકાર છે.

સામાજિક કાર્યકરોનું કહેવું છે કે 2015માં જ્યારથી સિટીઝન રજિસ્ટરને અપડેટ કરવાની શરૂઆત થઈ ત્યારથી સૂચિમાંથી બહાર થતા નાગરિકતા છિનવાઈ જતાં અને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાના ડરથી ઘણા બંગાળી હિંદુ અને મુસ્લિમ લોકોએ આત્મહત્યા કરી છે.

સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ સંગઠનના જામસેર અલીએ આસામમાં આત્મહત્યાના આવા 51 કેસની સૂચિ બનાવી છે.

તેમનો દાવો છે કે આ આત્મહત્યાઓનો સંબંધ નાગરિકતા છિનવાઈ જવાની સંભાવનાથી થયેલા પેદા થયેલા આઘાત અને તણાવ સાથે છે.

તેમણે જણાવ્યું કે આમાંથી મોટા ભાગની આત્મહત્યા જાન્યુઆરી 2018 બાદ થઈ, જ્યારે અપડેટ કરાયેલા રજિસ્ટરનો પહેલો ડ્રાફ્ટ સાર્વજનિક કરવામાં આવ્યો.

નાગરિક અધિકાર કાર્યકર પ્રસેનજિત બિસ્વાસ આ રજિસ્ટારને એક મોટી માનવીય આફત માને છે જે ધીમેધીમે વિકરાળ બનતી જાય છે.

જેમાં લાખો નાગરિકો રાજ્યવિહોણા બનાવાઈ રહ્યા છે. તેમને પ્રાકૃતિક ન્યાયના બધા ઉપાયોથી વંચિત રાખવામાં આવે છે.

line

આત્મહત્યાઓ વધી

અસમ પોલીસ સ્વીકારે છે કે આ મોત અકુદરતી છે
ઇમેજ કૅપ્શન, આસામ પોલીસ સ્વીકારે છે કે આ મોત અકુદરતી છે

આસામ પોલીસ સ્વીકારે છે કે આ મોત અકુદરતી છે, પરંતુ તેમનું કહેવું છે કે આ મોતને નાગરિકતા ઓળખ માટેની ચાલી રહેલી પ્રક્રિયા સાથે જોડવા માટેના પૂરતા સાક્ષી તેમની પાસે નથી.

શોધકર્તા અબ્દુલ કલામ આઝાદ વર્ષ 2015માં રજિસ્ટર અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી આત્મહત્યા સુધીના તમામ રેકર્ડ રાખી રહ્યા છે.

તેઓ કહે છે, "ગત વર્ષે જ્યારથી એનઆરસીનો ફાઇનલ ડ્રાફ્ટ પ્રકાશિત થયો ત્યારથી આવા મામલા વધી ગયા છે."

તેમણે કહ્યું કે પીડિતો સંબંધિત લોકોને હું મળતો રહું છું. જે લોકોએ આત્મહત્યા કરી તેમને શંકાસ્પદ મતદાતા ઘોષિત કરી દેવાયા હતા અથવા તો એનઆરસી સૂચિમાંથી બહાર કરી દેવાયા હતા. આ બહુ દુઃખદ છે.

નાગરિક અધિકાર કાર્યકર્તા જામસેર અલીના અનુસાર આસામના બારપેટા જિલ્લામાં એક રોજમદાર 46 વર્ષીય સૈમસૂલ હકે ગત નવેમ્બરમાં આત્મહત્યા કરી લીધી, કેમ કે તેમનાં પત્ની મલિકા ખાતૂનને સૂચિમાં સામેલ નહોતાં કરાયાં.

વર્ષ 2005માં મલિકાને શંકાસ્પદ મતદાતા ઘોષિત કરાયાં હતાં, પરંતુ બારપેટા ફૉરેનર્સ ટ્રિબ્યૂનલમાં તેમની જીત થઈ. તેમ છતાં મતદાતા સૂચિ કે એનઆરસીમાં તેમનું નામ સામેલ ન થઈ શક્યું.

line

પેઢીઓની આફત

ભારતીય સેનાના પૂર્વ સૂબેદાર મોહમ્મદ સનાઉલ્લાહ

ઇમેજ સ્રોત, SANAULLAH FAMILY

ઇમેજ કૅપ્શન, ભારતીય સેનાના પૂર્વ સૂબેદાર મોહમ્મદ સનાઉલ્લાહ

કેટલાક કિસ્સામાં એનઆરસીએ ઘણી પેઢીઓ પર ત્રાસદાયક અસર છોડી છે.

આ વર્ષે માર્ચમાં આસામમાં ઉડાલગિરિ જિલ્લામાં એક 49 વર્ષીય રોજમદાર ભાવેન દાસે આત્મહત્યા કરી લીધી.

તેમના પરિવારનું કહેવું છે કે કાનૂની લડાઈ માટે લીધેલું કરજ તેઓ ભરી નહોતા શક્યા.

દાસના વકીલે એનઆરસીમાં સામેલ કરવાની અપીલ કરી હતી, તેમ છતાં તેમનું નામ જુલાઈમાં જાહેર થયેલી સૂચિમાં સામેલ ન થઈ શક્યું.

આ પરિવારમાં એનઆરસીને લઈને આ બીજી આફત હતી, કેમ કે 30 વર્ષ પહેલાં તેમના પિતાએ પણ આત્મહત્યા કરી હતી. તેમને પણ પોતાની નાગરિકતા સાબિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

જોકે, તેમના મૃત્યુ પછીના થોડાક મહિનામાં જ ટ્રિબ્યૂનલે તેમને ભારતીય જાહેર કર્યા હતા.

ખરુપેટિયા કસબામાં સ્કૂલટીચર અને વકીલ નિરોડ બારન દાસ પોતાના ઘરમાં મૃત મળી આવ્યા હતા.

તેમના મિત્રો અને સંબંધીઓએ જણાવ્યું કે એ સમયે તેમના મૃતદેહ પાસેથી ત્રણ દસ્તાવેજ મળ્યા હતા.

એક એનઆરસી નોટિફિકેશનમાં તેમને વિદેશી જાહેર કરાયા હતા.

એક સ્યૂસાઇડ નોટમાં કહેવાયું હતું કે તેમના પરિવારની એક પણ વ્યક્તિ જવાબદાર નથી અને પત્નીને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં મિત્રો પાસેથી લીધેલા નાના કરજનો ઉલ્લેખ કરાયો હતો.

તેમના ભાઈ અખિલચંદ્ર દાસે કહ્યું, "વર્ષ 1968માં તેઓ ગ્રૅજ્યુએટ થયા હતા અને 30 વર્ષ સુધી ભણાવ્યું."

"તેમના સ્કૂલ સર્ટિફિકેટથી સાબિત થાય છે કે તેઓ વિદેશી નહોતા. તેમના મૃત્યુ માટે એનઆરસી લાગુ કરનાર અધિકારી જવાબદાર છે."

બીબીસીએ હાલમાં જ ભારતના એક પુરસ્કૃત પૂર્વ સૈનિક મોહમ્મદ સનાઉલ્લાહની કહાણી પ્રકાશિત કરી હતી. વિદેશી જાહેર કર્યા બાદ તેઓને જૂનમાં અગિયાર દિવસ સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં રાષ્ટ્રીય સ્તરે વિવાદ થયો હતો.

ડિટેન્શન સેન્ટરથી છૂટ્યા બાદ સનાઉલ્લાહે કહ્યું હતું, "મેં ભારત માટે પોતાની જિંદગીનું જોખમ ઉઠાવ્યું હતું. હું હંમેશાં ભારતીય રહીશ. આ આખી પ્રક્રિયામાં ગડબડ છે."

સુપ્રીમ કોર્ટે એનઆરસીની અંતિમ સૂચિ બનાવવા માટે 31 જુલાઈ સુધીની સમયસીમા નક્કી કરી છે. આસામની સરકાર ઝડપથી આ સૂચિ તૈયાર કરી રહી છે.

લાખો બંગાળી હિંદુ અને મુસ્લિમો રાજ્યવિહોણા થવાનો સામનો કરી રહ્યા છે.

એક સ્થાનીય વકીલ હાફિઝ રાશિદ ચૌધરી કહે છે, "એનઆરસી ડ્રાફ્ટમાંથી બહાર કરાયેલા 40 લાખ લોકોમાંથી ઘણા અંતિમ સૂચિમાં સામેલ નહીં થઈ શકે. બની શકે કે આ સંખ્યા અડધાથી પણ વધુ હોય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો