અમિત શાહ ગૃહમંત્રી બન્યા પરંતુ આ ત્રણ મોટા પડકારોને પહોંચી વળશે?

ઇમેજ સ્રોત, FACEBOOK/AMIT SHAH
- લેેખક, સંદીપ સોની
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં ગૃહમંત્રી તરીકે રાજનાથ સિંહની જગ્યાએ અમિત શાહની પસંદગી કરી છે.
અમિત શાહને ચૂંટણીના રાજકારણના માહેર ખેલાડી ગણવામાં આવે છે. જોકે, હવે તેમની કસોટી ગૃહમંત્રી તરીકે થવાની છે.
અગાઉના ગૃહમંત્રીની જેમ જ અમિત શાહ સામે ભારતની કાયદો-વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા સંબંધી ઘણા પડકારો છે.
ભારત પ્રશાસિત કાશ્મીર, પૂર્વોત્તર ભારતમાં ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ અને નક્સલવાદના પડકારો અમિત શાહની શરૂઆતથી જ પરીક્ષા લેશે.
ભારત પ્રશાસિત કાશ્મીર અને પૂર્વોત્તરમાં ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ (ઘૂસણખોરી)ના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીપ્રચાર દરમિયાન બોલતાં રહ્યાં છે. જેના પર વિવાદ પણ થયો હતો.
કાશ્મીરના સંબંધમાં કલમ 370 અને અનુચ્છેદ 35A પર નિર્ણય લેવો ગૃહમંત્રી તરીકે અમિત શાહ માટે સરળ નહીં હોય.
શ્રીનગરથી પત્રકાર અલ્તાફ હુસૈન કહે છે, "ગુજરાતમાં નકલી ઍન્કાઉન્ટર અને બીજી અન્ય બાબતોને કારણે તેમની છબી નકારાત્મક રહી છે."
"કાશ્મીરમાં કલમ 370 અને અનુચ્છેદ 35Aને હઠાવવા મામલે ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ નિવેદનો આપતા રહ્યા છે, આ હિસાબથી જ ચાલતા રહ્યા તો પૂરા ભરોસા સાથે કહી શકું છું કે કાશ્મીરમાં લોકો ફરી એક વાર રસ્તા પર ઊતરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ભારત સરકાર કાશ્મીરના મામલે જો કડકાઈથી કામ લેશે તો ફરી હિંસા થઈ શકે છે. તેની અસર ભારત-પાકિસ્તાનના સંબંધો પર પણ પડશે."

ઇમેજ સ્રોત, Getty Images
અસ્તાફ હુસેનના જણાવ્યા મુજબ, "અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ ભારત સરકાર કાશ્મીરના મામલે કોઈ શાંતિ વાર્તા શરૂ કરશે એવી આશા અત્યારે રાખી શકાય એમ નથી."
"જે બહુમતી સાથે વડા પ્રધાન મોદીએ ફરીથી સરકાર બનાવી છે અને તેઓ જો શાંતિની પહેલ કરે તો આ મામલે મોદી-શાહ, પૂર્વ વડા પ્રધાન વાજપેયીથી પણ આગળ નીકળી જશે."
ગૃહમંત્રીની ખુરશી રાજનાથ સિંહ પાસેથી અમિત શાહ પાસે આવી એ દરમિયાન કાશ્મીર ખીણની સ્થિતિમાં કોઈ ફેરફાર થયા છે કે પરિસ્થિતિ એવી જ છે?
આ સવાલના જવાબમાં વરિષ્ઠ પત્રકાર અલ્તાફ હુસેન કહે છે, "સેનાના વડા અને કેટલાક મંત્રીઓ ભલે એક બીજાને શાબાશી આપતા રહે પરંતુ કાશ્મીરમાં કશું જ બદલ્યું નથી."
"ભારત સરકારને એ વાત સમજાતી નથી કે કાશ્મીર ખીણમાં ઉગ્રવાદની સ્થિતિ પહેલાં જેવી નથી. પહેલાં ઉગ્રવાદીઓની સંખ્યા 3,000થી 4,000ની હતી હવે તે ઘટીને 250-300 થઈ ગઈ છે."
"જોકે, હવે અહીં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે ઘર્ષણ થતું હોય ત્યાં સામાન્ય લોકો અને બાળકો પહોંચી જાય છે. પરિણામે ચાર-પાંચ ઉગ્રવાદીઓ માર્યા જાય છે એની સાથે-સાથે સામાન્ય લોકો પણ માર્યા જાય છે."
"તેથી ગૃહમંત્રી તરીકે અમિત શાહ જો કડકાઈથી કામ લેશે તો પરિસ્થિતિ વધારે બગડી શકે છે."
અલ્તાફ હુસેન વિરાધાભાસ તરફ પણ ધ્યાન દોરે છે.
તેઓ કહે છે, "રાજનાથ સિંહના વિશે એવું લાગે છે કે કાશ્મીરના મામલે તેઓ ખરેખર કંઈક કરવા પણ માગતા હતા, પરંતુ એવું થયું નહીં."
"વર્ષ 2016માં રાજનાથ સિંહે મારા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે પેલેટ ગનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવશે. જોકે, બાદમાં તેમના એક અફસરે નિવેદન આપ્યું હતું કે સેના પેલેટ ગનનો ઉપયોગ કરશે."
"રાજનાથની જગ્યાએ હવે અમિત શાહ છે, જેમની છબી કટ્ટર છે. તેમ છતાં પણ શક્યતા છે કે તેમણે સામાન્ય કાશ્મીરઓને ગળે લગાડ્યા તો સ્થિતિ સારી થઈ શકે છે, નહીં તો વાત બગડવામાં વધારે વાર નહીં લાગે."

તમે આ વાંચ્યું કે નહીં?


પૂર્વોત્તર ભારત અને ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ

ઇમેજ સ્રોત, PTI
પૂર્વોત્તર ભારત આંતરિક સુરક્ષાની રીતે ભારત સરકાર માટે હંમેશાં પડકારજનક રહ્યું છે.
આ વિસ્તારમાં ઉગ્રવાદી સંગઠનો અગાઉના વર્ષો કરતાં હાલ થોડાં ઓછાં સક્રિય છે. જોકે, તેમનાં મૂળિયાં ઊંડે સુધી ફેલાયેલાં છે.
રાજનાથ સિંહના કાર્યકાળના દરમિયાન પૂર્વોત્તરનાં રાજ્યો, ખાસ કરીને આસામમાં ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ (ઘૂસણખોરી)નો મુદ્દો ગૃહ મંત્રાલયની પ્રાથમિકતામાં હતો. તેની સાથે જોડાયેલા પડકારો અમિત શાહને રાજનાથ સિંહ પાસેથી વારસામાં મળી રહ્યા છે.
પૂર્વોત્તરનાં રાજ્યોમાં લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન અમિત શાહે ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ (ઘૂસણખોરી) કરનારાઓને બહાર કાઢવા માટે જોરશોરથી કહ્યું હતું.
જોકે, ત્યારે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને ચૂંટણીના માહોલમાં આવું બોલી રહ્યા હતા. ગૃહ મંત્રી બન્યા બાદ અમિત શાહના આ શબ્દો જ તેમનો પીછો કરશે.
પૂર્વોત્તરની રાજનીતિ અને અવૈધ પ્રવાસીઓ સાથે જોડાયેલા ઘટનાક્રમ પર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર પીએમ તિવારી કહે છે, "લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહ પૂર્વોત્તર વિસ્તારમાં ખાસ કરીને આસામમાં પોતાની તમામ રેલીઓમાં ખાસ કરીને બે વાત કહેતા હતા."
"પ્રથમ વાત એ કે ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ સિટીઝનશિપ (સંશોધન) બિલ લાગુ કરશે અને બીજી વાત એ કે નેશનલ રજીસ્ટર ઑફ સિટીઝન એટલે કે એનઆરસી દ્વારા તમામ ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ (ઘૂસણખોરો)ની ઓળખાણ કરીને તેમને દેશની બહાર કાઢી મૂકવામાં આવશે."
"એક રાજકીય પક્ષના અધ્યક્ષ તરીકે આ વાતો કહેવી શાહ માટે સરળ હતી, હવે દેશના ગૃહમંત્રી તરીકે પોતાની કહેલી વાતોનો અમલ કરવો ખૂબ જ પડકારજનક હશે."
આવી રીતે એનઆરસીની પ્રક્રિયા પણ શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. એક તરફ સેનામાં વર્ષો સુધી કામ કરનારા સૈનિકોને પણ વિદેશી ઘોષિત કરીને ડિટેંશન કૅમ્પમાં મોકલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ જેમની ઓળખાણ અગાઉ અવૈધ વિદેશીઓ તરીકે કરવામાં આવી હતી તેવા લાખો લોકો યાદીમાંથી ગાયબ છે.
આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે પોતાની છેલ્લી સુનાવણીમાં આસામ સરકારને પૂછ્યું હતું કે તે આ લાપતા વિદેશીઓની શોધખોળ કરવા માટે કેવાં પગલાં ઉઠાવી રહી છે.
એનઆરસીના અંતિમ ડ્રાફ્ટમાં 40 લાખ નામ ગાયબ હતાં અને તેમાંથી અનેક લોકોનો દાવો હતો કે તેઓ ભારતીય છે.
હવે દાવા અને વાંધાઓનો ઉકેલ લાવ્યા બાદ એનઆરસીની અંતિમ સૂચી 31 જૂલાઈના રોજ પ્રકાશિત થશે.
પૂર્વોત્તરનાં તમામ રાજ્યોમાં ભાજપ અને તેમનાં સહયોગી દળો સત્તા પર છે, જેથી અમિત શાહ માટે આ પડકાર અને જવાબદારી બંને વધી જશે.
પૂર્વોત્તરનાં ઉગ્રવાદી ગ્રૂપોની હાજરી વિશે વાત કરતા તિવારી કહે છે, "આ વિસ્તારમાં એનએસસીએન (ઇઝાક-મુઇવા ગ્રૂપ) અને ઉલ્ફા જેવાં ઉગ્રવાદી સંગઠનો સાથે લાંબા સમયથી ચાલી રહેલી શાંતિ વાર્તાને મંજિલ સુધી પહોંચાડવી પણ અમિત શાહ માટે એક મોટો પડકાર સાબિત થશે."

નક્સલ સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહ વારંવાર કહેતા રહ્યા કે નક્સલવાદની સમસ્યા ત્રણ વર્ષોમાં ખતમ થઈ જશે અને તેઓ તેના સમર્થનમાં આંકડા પણ ગણાવતા રહ્યા.
જોકે, છત્તીસગઢમાં બૉમ્બ બ્લાસ્ટ કરીને નક્સલીઓએ પોતાની હાજરીનો અહેસાસ કરાવીને રાજનાથ સિંહના દાવાને એક રીતે જાણે નકારી દીધો.
જાણકારો માને છે કે ગૃહમંત્રી તરીકે રાજનાથ સિંહ નક્સલવાદની સમસ્યાને સમજી શક્યા નહીં અને આ જ પડકાર નવા ગૃહમંત્રી અમિત શાહ સામે હશે.
નક્સલ સમસ્યાને ઊંડાણપૂર્વક સમજનારા ભારતીય પોલીસ સેવાના પૂર્વ વરિષ્ઠ અધિકારી પ્રકાશ સિંહ કહે છે, "ગૃહ મંત્રાલયમાં અનેક જૉઇન્ટ સેક્રેટરીઓ રહ્યાં છે, જેઓ ક્યારેય છત્તીસગઢ કે ઝારખંડ ગયા નથી અને કાગળ પર સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા છે."
"અમલદારો કહે છે કે નક્સલ આંદોલન ખતમ થઈ ગયું છે, ગયા વર્ષે એટલી ઘટનાઓ બની, એટલા લોકો માર્યા ગયા, તેમનો ભૌગોલિક વિસ્તાર ઘટી ગયો છે, બસ આ રીતે જ લડતા રહો બે વર્ષમાં મામલો ખતમ થઈ જશે."

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશ સિંહ યાદ અપાવે છે કે ઓછામાં ઓછું બે વાર એવું થયું છે કે જ્યારે સરકારોને લાગ્યું કે નક્સલીઓ કમજોર થઈ ગયા છે અને એ બાદ સરકારોનાં અનુમાનો ખોટાં પડ્યાં છે.
જંગલોમાં રહેતા લોકોનું વિસ્થાપન હજી પણ ચાલુ જ છે, જંગલની જમીનો કૉર્પોરેટ સમૂહોને આપવામાં આવી રહી છે. જેનાથી વનવાસીઓ નારાજ છે તેમને લાગે છે કે સરકાર તેમનું શોષણ કરી રહી છે.
જાણકારો માને છે કે અમિત શાહ જો નક્સલ સમસ્યાના મામલામાં પોતાના પુરોગામી રાજનાથ સિંહની જેમ જ ચાલ્યા તો સમસ્યાનું કોઈ સમાધાન નીકળશે નહીં.
તેનાથી એક ડગલું આગળ પ્રકાશ સિંહનું માનવું છે કે વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં નવા ગૃહમંત્રી અમિત શાહ માટે એક આદર્શ સમય છે કે જ્યારે સરકારે શાંતિ વાર્તા માટે આગળ આવવું જોઈએ. જો કોઈ ફૉર્મ્યૂલા કામ કરી જાય તો નક્સલીઓનો મોટો હિસ્સો હથિયાર છોડીને આત્મસમર્પણ પણ કરી શકે છે.
જોકે, આ તમામ અમિત શાહ પર આધારિત છે કે તેમના કાર્યકાળમાં ગૃહ મંત્રાલય કેવી રણનીતિ બનાવે છે અને તેના પર કેવી રીતે અમલ કરે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














