દલાઈ લામાએ કેમ કહ્યું કે મહિલા ઉત્તરાધિકારી સંભવ, પણ તે આકર્ષક હોવાં જોઈએ

દલાઈ લામા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દલાઈ લામા અધ્યાત્મના સુપરસ્ટાર બની ગયેલા ધાર્મિક આગેવાન છે
    • લેેખક, રજની વૈદ્યનાથન
    • પદ, બીબીસી ન્યૂઝ, ધરમશાલા

તેઓ દુનિયાની સૌથી જાણીતી વ્યક્તિઓમાંની એક છે તેમાં કોઈ શંકા નથી. સેલિબ્રિટીની પૂજા થતી હોય તેવા આ જમાનામાં દલાઈ લામા અધ્યાત્મના સુપરસ્ટાર બની ગયેલા ધાર્મિક આગેવાન છે.

તેમની 84ની વર્ષગાંઠ નજીક આવી રહી છે, ત્યારે લાખો લોકો સાથે હસ્તધનૂન કરનારા અને એટલી જ મોટી સંખ્યામાં પ્રેરણાદાયક પ્રવચન આપી ચૂકેલા આ બૌદ્ધ સાધુ સાથેની વાતચીત નિખાલસ પણ રહી અને થોડી આંચકાજનક પણ ખરી.

હિમાચલ પ્રદેશના ધર્મશાળાની નજીકના મેક્લીયોડ ગંજમાં પહાડોની વચ્ચે આવેલા તેમના નિવાસસ્થાને હું તેમને મળી.

લાખો લોકો માટે તેઓ શ્રદ્ધાના કેન્દ્ર સમા છે અને તેમના પંથમાં તો ઇશ્વરના અવતાર સમાન જ માનવામાં આવે છે, પણ તેમને મળો ત્યારે તેઓ બહુ સરળ મનુષ્ય જણાય છે.

પોતાની ઓળખ સમા લાલ રંગના વાઘામાં સજ્જ થઈને, મદદનીશો સાથે તેઓ કમરામાં દાખલ થયા ત્યારે તેમના હાવભાવ કોઈ અવતાર કરતાંય આમઆદમી જેવા વધારે લાગ્યા.

આમ છતાં હકીકત એ છે કે આ એ મહાનુભાવ છે, જેઓ વિશ્વના નેતાઓ મળતા રહે છે અને પોપ સ્ટાર્સ તથા અભિનેતાઓ સાથે એક જ મંચ પર ઉપસ્થિત થતા રહે છે.

line

દલાઈ લામાથી ચીનને અકળામણ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

એક એવા માણસ જેના કારણે ચીન સતત અકળાયા કરે છે.

"એકવાર એક ચીની અધિકારીએ મને રાક્ષસ કહ્યો હતો," એમ તેમણે હસતાં હસતાં કહ્યું અને પછી હાથ ઊંચા કરીને માથે શીંગડાની જેમ દેખાડ્યા.

"મેં આ વાત સાંભળી ત્યારે મારો પ્રતિસાદ એટલો જ હતો - કે હા, હું માથે શીંગડા સાથેનો રાક્ષસ છું."

તેમણે મરકતાં મરકતાં કહ્યું, "તેમના અજ્ઞાનની મને દયા આવે છે, તેમની રાજકીય વિચારસરણી બહુ સંકુચિત મનોદશાની છે."

ચીન સામેનો તેમનો અસંતોષ બહુ લાંબા સમયનો છે અને તેમનું સમગ્ર જીવન તેના પર જ કેન્દ્રીત થયેલું છે.

ચીને લશ્કરી દળો મોકલ્યાં તે પછી 1959માં દલાઈ લામાએ તિબેટનું પોતાનું વતન છોડીને નાસી જવું પડ્યું હતું.

તેમણે ભારતમાં આશરો લીધો અને છ દાયકાથી તેઓ લગભગ 10,000 જેટલા તિબેટીઓ સાથે ધર્મશાળામાં આશ્રય લઈને વસેલા છે.

અહીં તેમણે બનાવેલો બૌદ્ધ મઠ બહુ જ સુંદર છે અને અહીંથી હિમાયલની ધૌલાધાર રેન્જના હિમાચ્છાદિત શિખરો નિહાળી શકાય છે. જોકે, આ સુરમ્ય દૃશ્યો ખટમીઠો અનુભવ કરાવે છે.

line

સ્વાયત્ત તિબેટનું સ્વપ્ન

દલાઈ લામા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીન સામેનો દલાઈ લામાનો અસંતોષ બહુ લાંબા સમયનો છે

તેમના જીવનનું એક જ લક્ષ્ય છે કે વતન પરત જવું, પણ તે સ્વપ્નવત્ જ લાગી રહ્યું છે. તેઓ હજી પણ કહી રહ્યા છે કે એ શક્ય બનશે.

તેઓ કહે છે, "તિબેટના લોકોને મારા પર શ્રદ્ધા છે, તે લોકો મને તિબેટ આવવા માટે કહી રહ્યા છે."

જોકે, તરત જ તેઓ ઉમેરે છે કે ભારત તેમના માટે 'આધ્યાત્મિક આવાસ' બની ચૂક્યું છે.

કદાચ તેમાં આડકતરી કબૂલાત પણ છે કે સ્વાયત્ત તિબેટનું તેમનું લક્ષ્ય વાસ્તવિકતા બને તે દિવસો બહુ દૂર છે.

2011થી તેમણે 'સત્તાવાર' રીતે રાજકીય જવાબદારીઓનો ત્યાગ કર્યો છે, પરંતુ આધ્યાત્મિક ગુરુ તરીકે તેઓ હજીય તિબેટી લોકોના આગેવાન છે.

ઘણાં વર્ષોથી તેમના પ્રતિનિધિઓ અને ચીન વચ્ચે વાટાઘાટો પણ થઈ નથી.

દલાઈ લામાએ મને જણાવ્યું કે ચીનના પ્રમુખ શી જિનપિંગે હજી સુધી તેમને મુલાકાત માટે આમંત્રણ આપ્યું નથી.

જોકે, તેમણે એવું જણાવ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ચીનના નિવૃત્ત અમલદારો સાથે થોડી ચર્ચાઓ થઈ છે, પણ તેનાથી વાત આગળ વધી હોય તેમ લાગતું નથી.

1950ના દાયકામાં ચીને તિબેટમાં સેના મોકલી ત્યારે તિબેટ ગરીબ હતું. આજે આર્થિક રીતે તે બહુ સમૃદ્ધ છે અને તેની અસર એટલી થઈ રહી છે કે દલાઈ લામાની લક્ષ્ય સિદ્ધિ આડે તે આવે.

એક સમય એવો પણ હતો કે દુનિયાભરની રાજધાનીઓમાં દલાઈ લામા ફરતા રહેતા હતા અને અમેરિકાના પ્રમુખ પણ તેમને મળવા માટે લાઇન લગાવતા હતા.

જ્યોર્જ ડબ્લ્યૂ બુશે તેમને અમેરિકન કૉંગ્રેસનો ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો અને બરાક ઓબામાએ એકથી વધુ વખત તેમની સાથે મુલાકાત કરી હતી. નિવૃત્તિ પછી 2017માં પણ તેઓ દિલ્હીમાં દલાઈ લામાને મળ્યા હતા.

line

ડોનાલ્ડ ટ્રમ્પથી નાખુશ

ટ્રમ્પથી નાખુશ દલાઈ લામા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની વાત યોગ્ય નથી : દલાઈ લામા

જોકે, હાલના અમેરિકાના પ્રમુખ સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે તૈયાર છે, પરંતુ ચીનના શી જિનપિંગ સાથે સારા સંબંધો ધરાવતા ટ્રમ્પે હજી સુધી તેમને મુલાકાત માટે આમંત્રણ આપ્યું નથી એમ તેમણે મને જણાવ્યું.

દલાઈ લામાની હવે ઉંમર પણ થઈ છે અને તેથી તેમના આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઓછા થઈ રહ્યા છે.

જોકે, તેમણે સ્પષ્ટ કહ્યું કે હજી સુધી તેમને ટ્રમ્પ તરફથી કોઈ જાતનું આમંત્રણ મળ્યું નથી.

તેમણે અમેરિકાના આ 45મા પ્રમુખની આકરી ટીકા કરતાં કહ્યું કે તેમનો સત્તાકાળ 'નૈતિક સિદ્ધાંતોના અભાવનો' કાળ રહ્યો છે.

2016માં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પના પ્રમુખ બનવાથી તેમને કોઈ ચિંતા નથી. તેનાથી તેમનું આ નિવેદન તદ્દન વિરોધાભાસી છે.

દલાઈ લામાએ મને કહ્યું, "તેઓ પ્રમુખ બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે અમેરિકા ફર્સ્ટ, તે વાત યોગ્ય નથી."

પેરીસ ક્લાઇમેટ કરારમાંથી અમેરિકાનું નીકળી જવું અને માઇગ્રન્ટ મુદ્દે ઊભી થયેલી કટોકટી તેમના માટે ચિંતાનાં બે મોટાં કારણો છે.

અમેરિકા અને મેક્સિકોની સરહદે ઊભી થયેલી સ્થિતિના સંદર્ભમાં તેમણે કહ્યું કે "મેં કેટલાંક નાનાં બાળકોની આ તસવીરો જોઈ, તે બહુ દુ:ખદાયક છે. અમેરિકાએ વૈશ્વિક જવાબદારી સ્વીકારવી જોઈએ."

જોકે, દલાઈ લામા પ્રમુખ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો, કે સંબંધોના અભાવને, અમેરિકાના બાકીના રાજકારણીઓથી અલગ રાખીને જોવા માગે છે.

અમેરિકાના ઉપપ્રમુખે તિબેટના લોકોને આપેલા સમર્થનને, તેમજ અમેરિકાની સંસદના બંને ગૃહોના નેતાઓમાંથી તેમને મળી રહેલા સમર્થનને તેઓ ખાસ યાદ કરે છે.

દલાઈ લામા સાથે સંબંધો રાખવાની કોશિશ કરનારા પર ચીન કેટલી હદે દબાણ કરે છે તેનો ખ્યાલ એ પરથી આવે છે કે પ્રમુખ ટ્રમ્પે હજી સુધી તેમની અવગણના કરી છે.

2012માં ડેવિડ કેમરૂન દલાઈ લામાને મળ્યા તે પછી યુકે સાથેના સંબંધો પર ચીને થોડા વખત માટે ઠંડું પાણી રેડી દીધું હતું.

દલાઈ લામાએ તિબેટમાંથી શરણાર્થી થઈને નાસવું પડ્યું તેની 60મી વર્ષગાંઠ ઊજવવાનો કાર્યક્રમ ગયા વર્ષે ભારતે તૈયાર કર્યો હતો, પણ તેના કારણે ચીન સાથેના સંબંધો બગડશે તેવી ચિંતાને કારણે કાર્યક્રમ પડતો મુકાયો હતો.

line

શરણાર્થીઓ વિરુદ્ધ દલાઈ લામા

ડેવિડ કેમરૂન સાથે દલાઈ લામા

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરૂન સાથે દલાઈ લામા

દલાઈ લામાના વિચારો વૈશ્વિક પ્રકારના છે. તેમણે બ્રેક્ઝિટ અંગે ચર્ચા કરતાં જણાવ્યું કે "તેઓ યુરોપિયન યુનિયનના પ્રસંશક છે."

વ્યાપક સંઘર્ષો નિવારવામાં વૈશ્વિક સહકાર અગત્યનો છે એ બાબત તરફ તેઓ આ રીતે ધ્યાન દોરી રહ્યા છે.

જોકે, દુનિયાના સૌથી પ્રસિદ્ધ શરણાર્થી એવા દલાઈ લામા ઇમિગ્રેશન વિશે આશ્ચર્યજનક વિચારો ધરાવે છે.

ગયા વર્ષે એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે યુરોપિયન યુનિયનમાં વસાહતી તરીકે આવેલા શરણાર્થીઓએ આખરે વતન પાછવા ફરવું રહ્યું.

"યુરોપ, યુરોપના લોકો માટે છે," એમ તેમણે ઉમેર્યું હતું. આ નિવેદન વિશે મેં તેમની પૃચ્છા કરી ત્યારે પણ તેઓ તેને વળગી રહ્યા.

તેમણે કહ્યું, "યુરોપના દેશોએ શરણાર્થીઓને આવકારવા જોઈએ અને તેમને શિક્ષણ તથા તાલીમ આપવાં જોઈએ."

"તેમનો હેતુ અમુક કુશળતા પ્રાપ્ત કરીને આખરે પોતાના વતન પરત ફરવાનો હોવો જોઈએ."

દલાઈ લામા માને છે કે આ સમસ્યાનો ઉકેલ એ છે કે જે દેશોમાંથી લોકોએ નિર્વાસિત તરીકે નાસી જવું પડ્યું છે, તે દેશોને ફરીથી બેઠા કરવા.

જોકે, એક અંદાજ અનુસાર હાલમાં વિશ્વમાં 7 કરોડ લોકો નિર્વાસિત થયા છે ત્યારે લોકો આશ્રય મળ્યો તે દેશમાં જ રહેવા માગતા હોય તો શું કરવું?

તેમણે કહ્યું, "મર્યાદિત સંખ્યામાં શરણાર્થી હોય ત્યાં સુધી ઠીક છે, પણ આ રીતે આખું યુરોપ મુસ્લિમ દેશ બની જશે, આફ્રિકન દેશ બની જશે - તે કેવી રીતે ચાલશે."

આ એક વિવાદાસ્પદ અભિપ્રાય છે, પણ તે એ યાદ અપાવે છે કે આધ્યાત્મિક નેતા હોવા ઉપરાંત દલાઈ લામા એક રાજનેતા પણ છે અને દરેકની જેમ તેમના આગવા વિચારો પણ છે.

line

મહિલા લામા આકર્ષક હોવાં જોઈએ : દલાઈ લામા

બૌદ્ધ સાહિત્યમાં બાહ્ય અને આંતરિક બંને સૌંદર્યનું મહત્ત્વ દર્શાવાયું છે : દલાઈ લામા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૌદ્ધ સાહિત્યમાં બાહ્ય અને આંતરિક બંને સૌંદર્યનું મહત્ત્વ દર્શાવાયું છે : દલાઈ લામા

આગળ વાતચીતમાં મેં તેમને 2015ના એક નિવેદન વિશે પણ પૂછ્યું હતું.

તેમણે એવું કહ્યું હતું કે પોતાના અનુગામી તરીકે કોઈ મહિલા દલાઈ લામા આવે, તો તે આકર્ષક હોવાં જોઈએ. આ વિશે મેં તેમને સવાલ કર્યો હતો.

વધુ એક વાર આશ્ચર્ય જગાવતા તેમણે પોતાની માન્યતાને ફરી જણાવી કે બુદ્ધિની જેમ જ સૌંદર્યનું પણ મહત્ત્વ છે.

તેમણે હસતાં હસતાં મને કહ્યું, "જો મહિલા દલાઈ લામા બનવાનાં હોય, તો તેઓ વધારે સુંદર હોવાં જોઈએ."

સહનશીલતા અને આત્મશ્રદ્ધાના ઉપદેશ આપનારા માણસ તરીકે તેમનો આવો અભિગમ અજૂગતો લાગે, પણ દલાઈ લામાએ મને કહ્યું કે બૌદ્ધ સાહિત્યમાં બાહ્ય અને આંતરિક બંને સૌંદર્યનું મહત્ત્વ દર્શાવાયું છે.

તેમણે એમ પણ કહ્યું કે સમાનતા અગત્યની છે અને તેઓ નારી અધિકારોને સમર્થન આપે છે અને કામના સ્થળે સ્ત્રી-પુરુષને સમાન વેતન મળે તેની તરફેણ કરે છે.

અમારી મુલાકાત પૂરી થવા લાગી ત્યારે મને ભાન થયું કે અમારી વાતચીત અણધારી રીતે બહુ જ નિખાલસ રહી હતી. તેના કારણે મને તે દિવસે અગાઉ દલાઈ લામાએ કહેલી વાત યાદ આવી ગઈ.

તેમણે કહ્યું હતું કે તિબેટ પાછા ના ફરી શકાયું તેનો એક ફાયદો એ થયો કે તેઓ ભારતમાં વસવાટ કરી શક્યા.

તેમણે કહેલું તે ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં પોતાના અભિપ્રાયો મોકળા મને પોતે વ્યક્ત કરી શકે છે.

દલાઈ લામાનો એકતાનો સંદેશ વૈશ્વિક છે. જોકે, કરુણા માટે જાણીતા દલાઈ લામા વિવાદાસ્પદ પણ સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો