જ્યારે નિષ્ફળ માણસ બન્યો દુનિયાનો સફળ ચાનો વેપારી

લિપ્ટન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કેલમ વૉટ્સન
    • પદ, બીબીસી સ્કૉટલૅન્ડ ન્યૂઝ વેબસાઇટ

લિપ્ટન એવું તમે બોલો એટલે મોટા ભાગના લોકોને ચા યાદી આવી જશે, પરંતુ આ મશહૂર બ્રાન્ડની પાછળ રંકથી રાય સુધીની રોમાંચક કથા રહેલી છે.

એક એવી વ્યક્તિ જે સ્વપ્રચારમાં માહેર હતી, દાનવીર હતી અને રમતવીર પણ ખરી, જેના વખાણ 'દુનિયાની સૌથી શ્રેષ્ઠ નિષ્ફળ વ્યક્તિ' તરીકે પણ થયા હતા.

ડિસેમ્બર 1881ની શરૂઆતમાં ગ્લાસગો બંદર પર એક સ્ટિમર આવીને લાંગરી હતી. તેમાં અમેરિકાથી આવેલો અનોખા પ્રકારનો સામાન લાદેલો હતો. દુનિયાનું સૌથી મોટું ચીઝ.

આ ચીઝ બે ફૂટ જાડું હતું અને 14 ફૂટનો તેનો ઘેરાવો હતો. ચીઝને ટ્રેક્શન એન્જિનની મદદથી બંદરથી હાઇ સ્ટ્રીટમાં આવેલા લિપ્ટનના સ્ટોર સુધી લાવવામાં આવ્યું.

તે વખતે તેને જોવા માટે સેંકડો લોકો ઠેર ઠેર ઊભા રહી ગયા હતા. સ્ટોર પર ચીઝ પહોંચ્યું ખરું, પણ તે એટલું મોટું હતું કે તેને સ્ટોરના દરવાજામાંથી અંદર લઈ જવું મુશ્કેલ હતું.

લિપ્ટન

ઇમેજ સ્રોત, Unilever

હવે ચીઝની યાત્રા ત્યાંથી આગળ વધી. ચીઝના વિશાળ સ્ટોરને હવે લિપ્ટનના જમૈકા સ્ટ્રીટમાં આવેલા સ્ટોર લઈ જવાયો (સદભાગ્યે એ સ્ટોરમાં મોટો દરવાજો હતો). દુકાનની બારીમાં તેને ઊંચકીને ગોઠવી દેવાયું.

ચીઝના આ વિશાળ ટુકડાને જમ્બો એવું નામ અપાયું હતું. પખવાડિયા સુધી બારી પાસે ગોઠવેલા ચીઝના વિશાળ નમૂનાને જોવા લોકો આવતા રહ્યા હતા. એવું કહેવાતું હતું કે 800 ગાયનું દૂધ એકઠું કરીને 200 ગોવાળોની મદદથી આ ચીઝ તૈયાર થયું હતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

પબ્લિસિટીનો આ સ્ટંટ સફળ રહ્યો હતો. તેટલાથી ના અટકતા ટોમી લિપ્ટને આનાથી પણ મોટી સરપ્રાઇઝ જાહેર કરી.

તેમણે આ વિશાળ ચીઝના ટુકડાને સોનેરી બનાવી દીધું. તેમણે સોનાની લગડીઓ તેની અંદર છુપાવી દીધી.

ક્રિસમસના થોડા દિવસ પહેલાં, સફેદ સૂટમાં સજ્જ થઈને લિપ્ટને ચીઝના ટુકડા કરીને આપવાનું શરૂ કર્યું.

તેને લેવા માટે એટલું મોટું ટોળું એકઠું થયું હતું કે પોલીસ માટે બંદોબસ્ત જાળવવો મુશ્કેલ બની ગયો હતો. લિપ્ટનના સહાયકો પોતાનું નસીબ ખુલી જશે તેવી આશામાં એકઠા થયેલા ગ્રાહકોને એક પછી એક ટુકડો વેચતા રહ્યા.

લિપ્ટન
ઇમેજ કૅપ્શન, લિપ્ટનનો જ્યાં ઉછેર થયો એ ગોર્બાલ્સ જિલ્લામા ગરીબી હતી.

સફળતા પ્રાપ્ત કરનારી વ્યક્તિનો આ એક જોરદાર નાટકીય નુસખો હતો. તેમના ગ્રોસરી સ્ટોર ચારે બાજુ ખુલી રહ્યા હતા.

ગ્લાસગોના ગરીબ વિસ્તાર ગોરબલ્સમાં તેમણે પોતાનું બચપણ વિતાવ્યું હતું, તેનાથી જુદા જ પ્રકારના સમૃદ્ધ વિસ્તારોમાં તેમના સ્ટોર્સ ફેલાઈ રહ્યા હતા.

1848માં તેમનો જન્મ આઇરિશ સમુદ્રની પાર આવેલા કન્ટ્રી ફરમાનામાંથી વસાહતી તરીકે આવેલા કુટુંબમાં થયો હતો.

ક્લાઇડના દક્ષિણ કિનારે ભીડવાળા વિસ્તારમાં તેમના પિતાએ નાનકડો પ્રોવિઝન સ્ટોર શરૂ કર્યો હતો. તેમાંથી જ લિપ્ટન દુકાનદારીના પાઠ શીખ્યા હતા.

10 વર્ષની ઉંમરે તેમણે નદી કિનારે આવતા વહાણોમાંથી ખાદ્ય પદાર્થો ખરીદી લાવવાનું શરૂ કર્યું હતું.

લાઇન

બંદર અને વહાણવટીઓની કથાઓ સાંભળીને ટોમી લિપ્ટનને બહુ રોમાંચ થતો હતો.

15 વર્ષની ઉંમરે તેમણે એક સ્ટિમરમાં કેબિન બૉય તરીકેની નોકરી સ્વીકારી લીધી હતી. બે વર્ષ સુધી બચત કરીને અમેરિકા જવા માટે જરૂરી નાણાં તેમણે એકઠા કરી લીધાં હતાં.

અમેરિકામાં તેમણે વર્જિનિયા અને સાઉથ કેરોલિનાના તમાકુ અને ડાંગરના ખેતરોમાં પણ કામ કર્યું હતું. જોકે તેમને સૌથી વધારે શીખવા મળ્યું હતું ન્યૂ યૉર્કમાંથી.

તેમણે બ્રોડવેમાં એક વિશાળ સ્ટોરમાં નોકરી કરી હતી. તેમની જેમ જ આઇરિશ-સ્કૉટ મૂળ ધરાવતા વસાહતી એલેક્ઝાન્ડર ટર્નિ સ્ટુઅર્ટનો તે વિશાળ સ્ટોર હતો.

લિપ્ટન

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટોરની બહાર તેમણે માર્બલ લગાવીને તેને ચમકદાર બનાવ્યો હતો. દુનિયાએ ક્યારેય ના જોયો હોય એટલો વિશાળ સ્ટોર તેમણે તૈયાર કર્યો હતો. સ્ટુઅર્ટે શોપિંગ માટેની એક નવી તરાહ ખોલી આપી હતી.

"લિપ્ટને બાદમાં પોતાની કૅરિયરમાં જે વ્યૂહ અપનાવ્યા હતા, તે બધા તેમને આ સ્ટોરમાં શીખવા મળ્યા હતા," એમ ન્યૂ યોર્કના સિટી મ્યુઝિયમના ક્યુરેટર સ્ટીવ જેફ કહે છે.

"ઓછા નફે, બહોળો વેપાર. તમારે જથ્થાબંધ ખરીદી કરવાની. પછી તેની કિંમત ઓછી રાખીને વેચો એટલે બધો જ માલ વેચાઈ જાય અને નફો પણ થાય.

"તેમણે એક જ ભાવની નીતિ અપનાવી. સ્ટુઅર્ટની આ રીત પહેલાં વેપારીઓ, દુકાનદારો ભાવ માટે ગ્રાહકો સાથે સોદાબાજી કરતા હતા. સ્ટુઅર્ટ તે બંધ કરીને એક જ ભાવ કરી દીધો."

લાઇન

ટોમી લિપ્ટન પાંચ વર્ષ પછી ગ્લાસગો પાછા ફર્યા ત્યારે હજી તેમણે એવી કોઈ કમાણી કરી નહોતી, પણ કમાણી કઈ રીતે કરી શકાય તેનો આઇડિયા હવે તેમની પાસે હતો.

હજી વીસીમાં જ પ્રવેશેલા લિપ્ટને પોતાનો પ્રથમ સ્ટોર સ્ટોબક્રોસમાં ખોલ્યો અને નામ રાખ્યું લિપ્ટન્સ માર્કેટ. ગ્લાસગોના લોકો માટે શોપિંગનો આ એક નવો જ અનુભવ હતો.

સર થોમસ લિપ્ટન ફાઉન્ડેશનના ડિરેક્ટર લૉરેન્સ બ્રેડી કહે છે, "સ્ટોરની બહાર તેમણે ચમકદાર રંગોમાં લિપ્ટન્સ માર્કેટ એવું ચીતરાવ્યું હતું. તમે સ્ટોરની અંદર જાવ એટલે તમને જુદું જ જોવા મળે. કિશોર તરીકે તેમણે જે જોયું હતું તેનાથી તદ્દન જુદી જ રીત તેમણે અપનાવી હતી."

"તેમણે પોતાના સેલ્સ સ્ટાફને એકમદ ઉજળા સફેદ એપ્રોનમાં સજ્જ કર્યા હતા. હેમ્સ અને ચીઝની આખી હરોળ એક તરફ ગોઠવી દીધી હતી.

"અંદર ખૂબ જ અજવાળું રહે તેવું કરાયું હતું. સમગ્ર સ્ટોરમાં અત્યંત ચોખ્ખાઈ હતી. કાઉન્ટરની પાછળ તેઓ હસતા મોઢે બેસતા. કોઈ અંદર આવે એટલે આવકારીને કહે કે - ચાલો તમને અમારી ખાસ ઓફર બતાવું અને જુઓ કે આ તમને કેટલું પરવડે તેવું છે."

line

કોઈ વચેટિયા નહીં

લિપ્ટન

આ વ્યૂહ સફળ રહ્યો. સમગ્ર સ્કૉટલૅન્ડમાં આવા જ સ્ટોર ખોલવામાં આવ્યા. દરેક જગ્યાએ ચમકદાર નામ લખાયું હતું. લિપ્ટન.

આ તો માત્ર શરૂઆત હતી. લિપ્ટન જાણતા હતા કે તેમના બિઝનેસ માટે જરૂરી છે ગુણવત્તા સાથેની સારી વસ્તુઓ મળતી રહે. તેમાંથી કેટલીક વસ્તુઓ આયાત થતી હતી. તેમણે વધુ એક પગથિયું ઉપર જવા માટે હવે પોતાના વતન કન્ટ્રી ફરમાનામાં જવાનું નક્કી કર્યું.

જિનિયોલૉજિસ્ટ ફ્રેન્ક મેકહ્યુજ કહે છે, "તેમને આઇરિશ વસ્તુઓની જરૂર હતી, કેમ કે તેમના ગ્રાહકોમાં તેની માગ હતી."

"અહીંથી જ તેમણે પોતાની બિઝનેસ કરવાની રીત બદલી. તેમણે સ્થાનિક માણસને કામે રાખ્યો. ખેડૂતો પોતાનો માલ વેચવા બજારમાં આવે તે પહેલાં જ તે તેમને મળવા પહોંચી જતો હતો. તેમને અમુક ભાવે ખરીદવાની ઓફર કરતો હતો.

લાઇન

"આ ક્રાંતિકારી પગલું હતું. બિઝનેસ કરવાની આ તદ્દન જુદી રીત હતી. આજે આધુનિક સુપરમાર્કેટ્સમાં આ જ રીતે કામ થાય છે. તે લોકો સીધા જ ખેડૂતો પાસે પહોંચે છે અને વચ્ચેથી વચેટિયાને હટાવી દે છે."

આ નવી રીત બહુ સફળ રહી. લિપ્ટન પાસે ખરીદી માટેના પૈસા પણ ખૂટી પડ્યા હતા. ખેડૂતો વેચવા માટે તૈયાર હતા એટલે તક જતી ના કરવા માટે તેમણે પોતાની સોનાની ઘડિયાળ પણ 30 શિલિંગમાં ગીરવે મૂકી હતી.

હવે તેમના સ્ટોર સ્કૉટલૅન્ડમાં ઠેર ઠેર ખુલવા લાગ્યા હતા. દરેક વખતે ભપકાદાર રીતે સ્ટોરનું ઉદ્ધાટન કરવામાં આવતું હતું.

ઉત્સુકતા જગાવવા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવતા કે "લિપ્ટન આવે છે".

વિન્ડોમાં બટરનું શિલ્પ અને શહેરમાં ધમાલ મચાવી દેનારી પીગ્સ (ભૂંડ)ની પરેડ - આવા નુસખા દ્વારા લિપ્ટન સ્ટોરનું ઉદ્ધાટન યાદગાર બની જતું હતું.

જોકે આ સ્ટોરની આ ઝાકઝમાળ પાછળ વેપારી બુદ્ધિ પણ કામ કરી હતી, જેના કારણે તેમના નફા અને વેપારમાં વૃદ્ધિ થતી જ રહી.

લિપ્ટન

"બહુ જીનિયસ માણસ હતો," એમ બાદમાં એન્ટ્રપ્રન્યોર તરીકે જાણીતા થયેલા ડંકન બેનાટાઇને કહ્યું હતું.

"ટોમી લિપ્ટને પોતાના માલસામાન માટે ત્રીજી પાર્ટી પર આધાર રાખવો પડતો નહોતો. પોતાની સપ્લાય ચેઇન પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ હતું."

"પ્રિન્ટર્સથી માંડીને પેકેજિંગ, વિતરણ અને સ્ટોરનું નેટવર્ક, બધું જ ટોમીએ પોતાની રીતે બરાબર ગોઠવી દીધું હતું."

લાઇન

સમગ્ર બ્રિટનમાં લિપ્ટનના સ્ટોર્સ ધમધમવા લાગ્યા તે સાથે જ હવે તેમની નજર અમેરિકામાં સપાટો બોલાવી દેવાની હતી. અહીં પણ તેમણે વચેટિયાને હટાવીને સીધી જ ડિલ કરી અને મિટ પેકિંગ માટેનો આખો પ્લાન્ટ ખરીદી લીધો. પ્લાન્ટને તેમણે પોતાની માતાનું નામ આપ્યું હતું.

આ તરફ બ્રિટનમાં હવે દર ક્રિસમસ વખતે લિપ્ટનનું સોનેરી વિશાળ ચીઝ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કહેવાય છે કે નોટિંગમના સ્ટોર મેનેજરે એક વાર ચીઝને શહેરમાં ફેરવવા માટે હાથીને ભાડે કર્યો હતો.

1887માં લિપ્ટને તેનાથી પણ મોટું ચીઝ તૈયાર કરાવ્યું હતું. પાંચ ટન વજનનું ચીઝ તેમણે રાણી વિક્ટોરિયાને ભેંટમાં આપવાની વાત કરી હતી. જોકે તે માટે ઇન્કાર કરી દેવાયો હતો.

હંમેશની જેમ લિપ્ટન હવે વેપાર માટેની બીજી કોઈ મોટી તક શોધી રહ્યા હતા. એવી તક તેમને મળી, જેની સાથે આજે પણ તેમનું નામ જોડાયેલું રહ્યું છે. એ તક હતી ચાના વેપારની.

એક જમાનામાં ચા બહુ મોંઘી હતી. સોના બરાબર તેનું વજન થતું હતું. જોકે 19મી સદીની મધ્ય સુધીમાં ચાનો ભાવ ઘટવા લાગ્યો હતો. સાથે જ વિક્ટોરિયન મધ્ય વર્ગનું તે પ્રિય પીણું બનવા લાગી હતી.

લિપ્ટન

ઇમેજ સ્રોત, Unilever

મે 1890માં લિપ્ટન પોતાનો પ્રથમ ચાનો જથ્થો ખરીદવા માટે શ્રીલંકા પહોંચ્યા.

ભૂતકાળમાં પોતાના સ્ટોર માટે સીધી ખેડૂતો પાસેથી તેઓ ખરીદી કરતા હતા, તે રીતે જ તેમને સીધા બગીચાવાળા પાસેથી જ ખરીદી કરી. આ રીતે તેમણે સ્પર્ધકોને પાછળ રાખી દીધા.

લિપ્ટનના બાયોગ્રાફર માઇકલ ડિ'એન્ટોનિયો કહે છે, "મોટા ભાગના લોકો એક જ જગ્યાએથી ચા ખરીદતા હતા. લંડનની મિન્સિંગ લેનમાંથી, જ્યાં ચા મગાવી બ્લેન્ડિંગ કરવામાં આવતું હતું. તેની ગુણવત્તા એક સરખી રહેતી નહોતી."

"ક્યારેક ચા બહુ સારી હોય, ક્યારેય મજા ના આવે. ક્યારેક ચાનું પેકેટ ખરીદીને આવો પણ સારું ના નીકળે.

લિપ્ટન

ઇમેજ સ્રોત, Getty Images

"લિપ્ટનને એક સરખી રીતે ચાને બ્લેન્ડ કરવાનું અને એવી રીતે પેકિંગ કરવાનું વિચાર્યું, જેથી લાંબો સમય ચામાં તાજગી રહે."

ત્યાં સુધીમાં તેમના લિપ્ટન સ્ટોરની નામના થઈ ગઈ હતી. વિક્ટોરિયન લંડનના સૌથી જાણીતા વિસ્તારોમાં તેમના સ્ટોર્સ હતા.

લાઇન

ગોરબલ્સનો ગરીબ છોકરો લિપ્ટન હવે સફળ વેપારી હતા અને વિક્ટોરિયન સોસાયટીમાં તેમની ઉઠબેઠ હતી.

રાણીની ડાયમંડ જ્યુબિલી ઉજવવાની આવે ત્યારે બહુ ટૂંકા સમયમાં ચેરિટી માટેનો ભોજન સમારંભ યોજવાની પ્રિન્સેસ ઑફ વેલ્સ એલેક્ઝાન્ડ્રાની ઇચ્છા હતી.

તે વખતે લિપ્ટન 25,000 પાઉન્ડનું દાન જાહેર કરીને તેમની વહારે આવ્યા હતા. આજના મૂલ્ય પ્રમાણે તે 20 લાખ પાઉન્ડ જેટલું દાન થયું.

લિપ્ટન

ઇમેજ સ્રોત, Getty Images

તે પછીના વર્ષે તેમને સરનો ખિતાબ પણ મળ્યો.

લૉરેન્સ બ્રેડી કહે છે, "રાતોરાત તેઓ એ-ક્લાસની સેલિબ્રિટી બની ગયા હતા."

"તેમનામાં કુશળતા અને આવડત હતી જ. તેઓ બહુ મળતાવડા અને સરળ હતા. દરેકને તેમની સાથે ફાવી જતું હતું."

લાઇન

1898માં તેમણે પોતાના સ્ટોરની ચેઈનને કંપનીમાં ફેરવી નાખી. તેમાં બહુમતી શેરહિસ્સો તેમણે પોતે રાખ્યો, તો પણ તેમને બાકીના શેર વેચવાના કારણે 12 કરોડ પાઉન્ડની કમાણી થઈ હતી. આજના હિસાબે તે એક અબજ પાઉન્ડ થયા.

તેમની ઉંમર હવે 50 વર્ષની થઈ હતી અને તેઓ હવે પોતાનું બચપણનું સપનું પૂરું કરી શકે તેમ હતા.

line

અમેરિકા'ઝ કપ

લિપ્ટન

ઇમેજ સ્રોત, Getty Images

રમતજગતમાં અમેરિકા'ઝ કપ વિશ્વની સૌથી જૂની ટ્રોફી છે. અમેરિકા દેશના નામ પરથી નહીં, પરંતુ અમેરિકા નામની બોટ હતી તેના પરથી ટ્રોફીનું નામ રખાયું હતું. ન્યૂ યોર્ક યૉટ ક્લબના સભ્યોએ તે બોટ બંધાવી હતી.

1851માં રોયલ યૉટ સ્ક્વોડ્રનના આમંત્રણને માન આપીને ક્લબના સભ્યો વાઇટ ટાપુ પર બોટ રેસમાં ભાગ લેવા ગયા હતા. તેઓ રજત ચંદ્રક જીતીને આવ્યા હતા.

થોડા વર્ષો બાદ સભ્યોએ આંતરરાષ્ટ્રીય સેઇલિંગ સ્પર્ધામાં ટ્રોફી આપવાનું નક્કી કર્યું હતું.

લાઇન

લિપ્ટન કિશોર વયના હતા ત્યારે ગ્લાસગોમાં આવતા જહાજો જોઈને મુગ્ધ થઈ જતા હતા. તેઓ તેના મોડેલ બનાવતા અને શહેરના તળાવમાં તેને તરાવતા.

સફળ વેપારી બન્યા પછી લિપ્ટન હવે વહાણની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવા માગતા હતા. તે રીતે તેઓ યૉટની દુનિયામાં પ્રવેશ્યા હતા.

અમેરિકા'ઝ કપમાં ભાગ લેવા માટે કડક નિયમો હતા. અમેરિકામાં જ યૉટ તૈયાર કરાવીને ત્યાંથી રેસના પ્રારંભે દોડાવવી જરૂરી હતી. એ જ રીતે તેમણે યૉટ ક્લબમાં સભ્ય પણ બનવું પડે.

જોકે લિપ્ટને રોયલ યૉટ સ્ક્વોડ્રનમાં જોડાવા માટેની અરજી કરી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે વિશાળ ધનસંપત્તિ અને પ્રતિષ્ઠા હોવા છતાં ભદ્ર માનસિકતા દૂર થતી નથી. તેમની અરજીને નકારી કાઢવામાં આવી હતી.

તેથી તેઓ હવે રોયલ અલ્સ્ટર યૉટ ક્લબમાં જોડાયા. આ ક્લબ કાઉન્ટી ડાઉનના બેન્ગોરમાં આવેલી હતી.

1899માં લિપ્ટનને પ્રથમ પડકાર ઉપાડ્યો તેના કારણે ઘણા આઇરિશ અમેરિકન તેમનાથી ખુશ થઈ ગયા હતા.

તેમની યાચને શેમરોક એવું નામ અપાયું હતું. તેઓ રેસમાં હારી ગયા હતા, પણ બીજી ઘણી રીતે તેમણે બાજી મારી લીધી હતી.

લિપ્ટન

ચારે બાજુ સર થોમસ લિપ્ટનના નામની ચર્ચા થવા લાગી હતી - અને તેમની લિપ્ટન બ્રાન્ડ પણ વધારે જાણીતી અને મોટી બની ગઈ હતી.

રિચર્ડ બ્રેન્સન, સ્ટીવ જોબ્સ અને ઇલોન મસ્કથી પણ એક સદી પહેલાં લિપ્ટને કોઈ વ્યક્તિની ઓળખની સાથે બ્રાન્ડને જોડવાનો વિચાર આપ્યો હતો.

યૉટમેનની કેપ પહેરેલી હોય તેવી તેમની તસવીર કંપનીના પેકેજિંગમાં છાપવામાં આવતી હતી, એમ ફૂડ વિશેના ઇતિહાસના જાણકાર જુડિથ ક્રેલ-રુસો કહે છે.

લાઇન

"મહિલાઓ તેમની સાથે તસવીર પડાવવા માટે તલપાપડ રહેતી હતી. એવું ગૌરવથી કહેવાતું કે - મારી તસવીર થોમસ લિપ્ટન સાથે છે. એલ્વિસ પ્રેસલી જેવું તેમનું નામ થઈ ગયું હતું. એટલે કે એક સેલિબ્રિટી જેવું. લોકો તેમની સાથે જોડાવા માગતા હતા અને તેથી તે બ્રાન્ડને ખરીદતા હતા."

લિપ્ટનની લક્ઝરી યૉટ ઇરિનમાં રાખવામાં આવેલી વિઝિટર્સ બૂકમાં 20 સદીની અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓની નોંધ છે.

પ્રમુખ રુઝવેલ્ટ, કૈઝર વિલ્હેમ તથા એડિસન અને મેક્રોની જેવા વિજ્ઞાનીઓનો તેમાં સમાવેશ થાય છે.

એવું કહેવાય છે કે તેઓ યૉટમાં પ્રવાસ કરતી વખતે કોઈ પણ જાતની ધાર્મિક કે રાજકીય ચર્ચાની મનાઈ કરતા હતા.

1901 અને 1903માં તેમણે ફરી અમેરિકા'ઝ કપ જીતવા માટે કોશિશ કરી હતી. આ વખતે તેમણે શેમરોક ટુ અને થ્રી નામની નવી યૉટ સાથે સ્પર્ધામાં ઝૂકાવ્યું હતું, પણ તેઓ જીતી શક્યા નહોતા.

લિપ્ટન

ઇમેજ સ્રોત, Getty Images

1914માં પણ તેઓ ફરી સ્પર્ધામાં ઉતરવાના હતા, પણ વિશ્વ યુદ્ધને કારણે તેમાં વિલંબ થયો હતો. તેમણે ઇરિન યૉટને હોસ્પિટલ શીપ તરીકે તૈયાર કરી અને રેડ ક્રોસને દાનમાં આપી દીધી હતી.

તે પછીના વર્ષે જર્મન સબમરીને તેના પર હુમલો કરીને તેને ડૂબાડી દીધી હતી.

લૉરેન્સ બ્રેડી કહે છે, "તેઓ ઘણીવાર જાહેરમાં કહેતા હતા કે પોતે પોતાની બધી કમાણી આપી દેવા તૈયાર છે. તેઓ કહેતા કે તે શીપ પર સેવા આપનારા કોઈને પણ બચાવી શકાય તો પોતે બધું જ આપી દેવા તૈયાર છે."

તે પછી પણ તેમણે બે વાર ટ્રોફી જીતવા પ્રયત્ન કર્યો હતો. 1920માં તેઓ જીતની બહુ નજીક આવી ગયા હતા, પણ તેમને અફસોસ રહી ગયો કે ક્યારેય તેઓ જીતી શક્યા નહીં.

જોકે તેમણે પોતાની હારને જે રીતે ભદ્રતા સાથે સ્વીકારી તેના કારણે સમગ્ર અમેરિકામાં તેમને માન અને સન્માન મળ્યા હતા.

તેમણે 1930માં પાંચમી અને છેલ્લી વાર ટ્રોફી માટે પ્રયાસ કર્યો હતો. તેમના પ્રયાસોથી પ્રભાવિત થઈને હોલીવૂડના એક્ટર વિલ રોજર્સે અમેરિકન જનતાને તેમના માટે અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે સૌ એક એક ડૉલર દાન આપે અને તેમાંથી સોનાનો કપ તૈયાર કરીને ભેંટમાં આપવામાં આવે. 'વિશ્વના સૌથી ખુશમિજાજ નિષ્ફળ' માણસની તેમની ધીરજ અને ખેલદિલી બદલ આ રીતે કદર થવી જોઈએ એમ તેમણે કહ્યું હતું.

લિપ્ટન

આખરે ન્યૂ યોર્કના મેયરના હસ્તે તેમને ટ્રોફી અર્પણ કરાઇ હતી. આ કપ પર શેમરોકને કોતરવામાં આવી હતી. તેમાં લખાયું હતું કે: "સર થોમસ જ્હોન્સ્ટન લિપ્ટનને, હજારો અમેરિકનો અને તેમના શુભેચ્છકો તરફથી."

તે પછીના વર્ષે તેમનું અવસાન થયું હતું. તેમણે પોતાની મોટા ભાગની સંપત્તિ પોતાના વતન ગ્લાસગો માટે દાનમાં આપી દીધી હતી.

તેમનો જન્મ થયો તે ગોરબલ્સ શેરીથી એકાદ માઇલ દૂર તેમને દફનાવાયા હતા. તેમની અંતિમયાત્રા વખતે શેરીમાં હજારો લોકો શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા.

આજે જોકે લિપ્ટન ગ્રોસરી સ્ટોરની ચેઈન લગભગ ભૂલાઈ ગઈ છે. મોટા ભાગે અન્ય સ્ટોર સાથે તેને ભેળવી દેવાયા છે.

પરંતુ તેમનું નામ આજેય ચાની બ્રાન્ડ તરીકે જીવંત રહ્યું છે. લિપ્ટન બ્રાન્ડ હવે યુનિલિવરની માલિકીની છે. જોકે આજેય ડંકન બેનાટાઇન જેવા આધુનિક એન્ટ્રપ્રન્યોર માટે તેમનું નામ પ્રેરણારૂપ છે.

તેઓ કહે છે: "તેઓ ક્યારેય પેલી ટ્રોફી જીતી શક્યા નહીં - પરંતુ તેનાથી બહુ મોટી જીત તેઓ મેળવી શક્યા હતા.

"તેઓ દુનિયાભરમાં દરેક પ્રકારના લોકોનો પ્રેમ, સન્માન અને પ્રસંશા મેળવી શક્યા હતા. તેના કારણે મારા માટે તેઓ વિજેતા જ છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો