ચીન ખાદ્યપદાર્થો દ્વારા લઈ રહ્યું છે અન્ય દેશો સામે રાજકીય બદલો?

ખાન પાનની તપાસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રતીક ઝાખર
    • પદ, ઇસ્ટ એશિયા સ્પેશ્યાલિસ્ટ

ચીનની કંપની હ્યુવેઇના એક્ઝિક્યુટિવ મેન્ગ વેન્ઝાઉની ધરપકડ થઈ તે પછી ચીનના રાષ્ટ્રવાદી અખબાર ગ્લૉબલ ટાઇમ્સે ચેતવણી આપી હતી કે ચીન કૅનેડાને સજા કરવા ખાતર તેલિબિયાંની આયાત બંધ કરી શકે છે.

17 ડિસેમ્બરે અખબારે લખ્યું હતું કે હવે કૅનેડાના કૃષિ ક્ષેત્રનો વારો આવી શકે છે કે ચીન સાથેના બગડેલા સંબંધોની પીડા ભોગવવી પડે.

આવી ધમકીથી આશ્ચર્ય ના થવું જોઈએ કેમ કે ચીન સાથે રાજદ્વારી સંબંધોમાં કડવાશ આવે ત્યારે તેની અસર ખાદ્ય પદાર્થોની આયાત પર થતી હોય છે.

2010માં નોર્વે સાથે અને 2012માં ફિલિપિન્સ સાથે આવું થઈ ચૂક્યું છે.

ટીકાકારો ઘણી વાર ચીન પર આક્ષેપ મૂકતા હોય છે કે કોઈ દેશની નીતિ તેને નાપસંદ હોય ત્યારે કૃષિ પેદાશોનો ઉપયોગ સામો વાર કરવા માટે કરે છે.

જોકે, ચીન આવા દબાણનો ઉપયોગ એવી રીતે કરે છે કે બંને વચ્ચે કોઈ સીધો સંબંધ સ્થાપિત કરવો મુશ્કેલ બને.

કોઈ આયાત પર સીધો પ્રતિબંધ મૂકી દેવાતો નથી કેમ કે તેની સામે WTOમાં ફરિયાદ થઈ શકે છે.

તેના બદલે કસ્ટમ્સ ક્લિયરન્સમાં મોડું કરવું, બજારનો લાભ ના લેવા દેવો તથા ખાદ્ય પદાર્થોનું કડક ચેકિંગ કરવું વગેરે પગલાં લેવાતાં હોય છે.

રાજકારણને વેપાર સાથે જોડવાની વાતને ચીન નકારે છે. આયાતમાં અવરોધ ઊભા થાય તેને 'રૂટીન' ગણાવે છે. જોકે વિદેશી સરકાર એકવાર પોતાની નીતિ બદલે તે સાથે જ આ રૂટીન પ્રક્રિયા હટી પણ જતી હોય છે.

આવી રીત અપનાવાશે તેનો અણસાર ઘણી વાર સરકારી અખબારો દ્વારા - મોટા ભાગે ગ્લૉબલ ટાઇમ્સ દ્વારા - અપાતો હોય છે.

અમુક દેશ સામે લોકોમાં રોષ છે એમ જણાવીને આવાં અખબારો ઘણીવાર વેપારનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરતા હોય છે.

આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીનની ભૂમિકા મજબૂત બનતી જશે, તે સાથે જ આવી વેપાર આધારિત નીતિ-સીધી રીતે કે આડકતરી રીતે-વધતી જવાની છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

કૅનેડાઃ તેલિબિયાં

ચીનના વડા પ્રધાન સાથે જસ્ટિન ટ્રુડો

ઇમેજ સ્રોત, Getty Images

ચીન અને કૅનેડા વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે કૅનેડામાં ચિંતા ઊભી થઈ છે.

ચીન સાથેના દ્વિપક્ષી વેપારમાં વૃદ્ધિ થઈ છે, ત્યારે તેની આર્થિક તાકાતનો ઉપયોગ કરીને પોતાનો લાભ કઢાવી લેશે એમ કૅનેડાને લાગે છે.

મેન્ગની ધરપકડ થઈ તે પછી બિજિંગમાંથી 'ગંભીર પરિણામો'ની ચેતવણી આપવામાં આવી હતી.

ગ્લૉબલ ટાઇમ્સે એક ડગલું આગળ વધીને 14 ડિસેમ્બરે કૅનેડા સામે કઈ રીતે 'વળતા પ્રહારો' કરી શકાય તેની ચર્ચા પણ ચલાવી હતી.

આ અંગેના લેખમાં ચીનના વિદ્વાન લીઉ વેઇડોંગે એવો ઇશારો કર્યો હતો કે કૅનેડાના કૃષિ ઉત્પાદનોની આયાત રોકવા માટે બિજિંગ સલામતી કે આરોગ્યના કારણો આગળ ધરી શકે છે.

17 ડિસેમ્બરે અન્ય એક લેખનું મથાળું હતું 'કૅનેડિયન તેલિબિયાં સામે રોષ', જેમાં દૈનિકે લખ્યું હતું કે કૅનેડાના ખેડૂતો એ બાબત પર નજર રાખીને બેઠા છે કે "શું મેન્ગની ધરપકડને કારણે ચીનના લોકોનો રોષ વધી રહ્યો છે કે કેમ."

ચીનના અખબારોમાં જણાવાયું હતું તે રીતે કૅનેડાના કનોલા તેલિબિયા નિશાને હોઈ શકે છે.

કૅનેડામાંથી સૌથી વધુ કનોલાની નિકાસ થાય છે અને ચીન વર્ષે બે અબજ ડૉલરના કનોલાની આયાત કરે છે.

લાઇન
લાઇન

ઑસ્ટ્રેલિયા : વાઇન

વાઇનની બોટલ જોતી એક મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાના વાઇન ઉત્પાદકોને ચીન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મે 2018માં રાજદ્વારી સંબંધો વણસ્યા ત્યારે વચ્ચે ભીંસાવાનું આવ્યું હતું.

વિશ્વની સૌથી મોટી વાઇન ઉત્પાદક કંપની ટ્રેઝરી વાઇન એસ્ટેટ્સના જણાવ્યા અનુસાર ચીનનાં બંદરો પર તેમનો માલ અટકવા લાગ્યો છે.

ઓસ્ટ્રેલિયન ફાઇનેનશ્યલ રિવ્યૂના 5 જૂનના લેખમાં જણાવાયું હતું, "નવા કસ્ટમ્સ નિયમોને કારણે આમ થાય છે, જે દેખીતી રીતે જ ઓસ્ટ્રેલિયન વાઇનને ધ્યાનમાં રાખીને જ બનાવાયા છે."

"વાઇનના જથ્થાની વિશેષ ચકાસણી થવા લાગી છે કે તેના માટે 'સર્ટિફિકેટ્સ ઑફ ઓરિજીન' છે કે નહીં."

"વાઇન ઇન્ડસ્ટ્રીને લાગે છે કે કેનબેરા અને બિજિંગ વચ્ચેના સંબંધો હાલમાં વણસ્યા છે તેના કારણે આ રીતે વિશેષ ચકાસણી થઈ રહી છે."

આવા દાવાને બિજિંગે નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે 'સામાન્ય પ્રોસિજર' પ્રમાણે જ ચીની સત્તાવાળા કાર્યવાહી કરી રહ્યા છે.

ડિસેમ્બર 2017માં ઑસ્ટ્રેલિયા સરકારે રાજકારણમાં વિદેશી દખલગીરીના વિરોધમાં કાયદો ઘડવાની દરખાસ્ત કરી ત્યારથી ચીન સાથેના સંબંધો બગડ્યા છે.

ચીનના પ્રભાવના વિચલિત કરનારા અહેવાલો આવી રહ્યા છે તેની નોંધ લઈને આવા કાયદાની દરખાસ્ત થઈ હતી.

22 મેના રોજ ગ્લૉબલ ટાઇમ્સે આકરી ટીકા કરતો તંત્રીલેખ લખીને જણાવ્યું હતું કે ચીને "તેમને (ઑસ્ટ્રેલિયાને) બરાબરનો પાઠ ભણાવવો જોઈએ."

"ઑસ્ટ્રેલિયામાંથી થતી આયાતમાં 6.45 અબજ ડૉલરનો ઘટાડો કરી દેવાથી ઑસ્ટ્રેલિયાની કરોડરજ્જુમાંથી લખલખું પસાર થઈ જશે."

બીફ અને વાઇનની આયાત ઘટાડી દેવાનો વિશેષ ઉલ્લેખ લેખમાં કરાયો હતો.

લાઇન
લાઇન

અમેરિકા: સોગમ (Sorghum) અને સોયાબીન

સોયાબીનની ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

2018ના વર્ષ દરમિયાન સોગમ (એક પ્રકારનું કઠોળ) અને સોયાબીન સતત સમાચારોમાં રહ્યાં હતાં.

ચીને અમેરિકાથી આયાત થતા આ બંને પદાર્થો પર ઊંચી જકાત લાદી હતી.

અમેરિકન એનેલિસ્ટ્સે નોંધ્યું હતું કે સોગમ પર જકાત વધારીને ચીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મતદારોને સીધી અસર થાય તેમ કર્યું હતું.

ટ્રમ્પના મુખ્ય રાજકીય ટેકેદારો ધરાવતાં રાજ્યો ટેક્સાસ અને કેન્ઝસમાં સોગમનો પાક વધારે થાય છે.

સોગમ અને સોયાબીન પર સીધું નિશાન સાધવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ચીને અમેરિકન ચેરી, સંતરા અને સફરજનની આયાત કરવા પર બિનસત્તાવાર રીતે અવરોધો ઊભા કર્યા હતા, એમ હોંગકોંગમાંથી પ્રગટ થતા દૈનિક સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટના એક લેખમાં જણાવાયું હતું.

એમ લેખમાં જણાવાયું હતું, "ચીનના અધિકારીઓ આવા પગલાંને ભાગ્યે જ કોઈ આંતરરાષ્ટ્રીય તણાવ સાથે જોડે છે."

"આવા પગલાંથી જેને અસર થઈ હોય તે સિવાયના ઉદ્યોગોને તેનો અણસાર પણ મળતો નથી."

"પરંતુ આવા પગલાં ચીની સરકારના સફળ પ્રયોગોમાંના એક છે. રાજકીય ઘર્ષણ વખતે આવાં પગલાં તથા આયાત જકાત સિવાયનાં પગલાંનો પણ ઉપયોગ થતો રહ્યો છે."

લાઇન

ફિલિપિન્સઃ કેળાં

કેળાના ડબ્બા

ઇમેજ સ્રોત, Getty Images

ચીન અને ફિલિપિન્સ વચ્ચે કેળાનો વેપાર કેવી રીતે ચાલે છે તેના આધારે બંને દેશોના દ્વિપક્ષી સંબંધોની તાસીર પણ નક્કી થઈ જતી હોય છે.

એપ્રિલ 2012માં વિવાદાસ્પદ દક્ષિણ ચીની સમુદ્રમાં ફિલિપિન્સના યુદ્ધ જહાજે ચીનના માછીમારોને પડકાર્યા તે પછી ચીને કેળાંની આયાત સામે અવરોધો ખડા કરી દીધા હતા.

ફિલિપિન્સનાં કેળાંમાં 104 જાતનાં 'હાનિકારક જંતુઓ' હોવાનું કારણ આપીને આયાત અટકાવી દેવાઈ હતી.

ફિલિપિનો બનાના ગ્રોઅર્સ એન્ડ ઍક્સપૉર્ટ્સ ઍસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્ટીફન એન્ટિગ કહે છે, "આ સમસ્યાનું મૂળ કારણ ગુણવત્તા કે આર્થિક હોવા કરતાં રાજકીય વધારે હતું."

'ધ ફિલિપિન સ્ટાર'માં એક લેખમાં જણાવાયું હતું કે વિવાદાસ્પદ વિસ્તારથી 700 માઇલ દૂર રહેલા કેળાં ઉગાડતા ખેડૂતોને આવી રીતે ભોગ બનાવી દેવા યોગ્ય નથી.

જોકે, પ્રમુખ રોડ્રિગો ડ્યુરેટેના શાસનમાં ચીન સાથેના સંબંધોમાં સુધારો થયો તે સાથે જ કેળાનો વેપાર પણ ફરી શરૂ થઈ ગયો.

પ્રમુખ ઑક્ટોબર 2016માં બિજિંગના પ્રવાસે પહોંચ્યા તે પહેલાં બિનસત્તાવાર રીતે લાગેલો પ્રતિબંધ હટાવી દેવાયો હતો.

ચીનના પ્રમુખ શી જિનપિંગ ફિલિપિન્સના પ્રવાસે આવવાના હતા, તેના પહેલાં નવેમ્બર 2018માં તેમની સહી સાથેનો એક લેખ દેશના અખબારોમાં પ્રગટ થયો હતો.

તેમાં તેમણે જણાવ્યું હતું કે ચીનનાં ઘરોમાં ભોજનનાં ટેબલો પર વધુ ને વધુ ફિલિપિન ફળો જોવાં મળી રહ્યાં છે.

લાઇન
લાઇન

નૉર્વે: સાલમન

નોર્વેનાં વડાં પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્લો ખાતે આવેલી નૉબલ પીસ પ્રાઇઝ કમિટિએ 2010માં ચીનના અસંતુષ્ટ નેતા લીઉ ઝિયાબાઓને એવોર્ડ આપ્યો હતો.

તે પછી ચીન નોર્વેથી આયાત થતી સાલમન સામે કડક નિયમો લાદ્યા. તેના કારણે 2011માં આયાતમાં 59 ટકાનો ઘટાડો થઈ ગયો.

2015માં આખરે ચીનના સત્તાધીશોએ સત્તાવાર રીતે નૉર્વેથી આયાત થતી સાલમન સામે પ્રતિબંધ મૂકી દીધો હતો.

તે માટે કારણ અપાયું હતું કે તેમાં વાઇરસ છે અને તેથી પોતાની બજાર માટે યોગ્ય નથી.

ડિસેમ્બર 2016માં નૉર્વે સરકારે ખાતરી આપી કે બિજિંગનાં હિતોને હાનિકારક પ્રવૃત્તિઓને તે સમર્થન નહીં આપે. તે પછી સંબંધો રાબેતા મુજબ થયા હતા.

ત્યારબાદ ચીને નૉર્વેજિયન સાલમનની આયાત માટે બજાર ખોલી આપ્યું.

તેના એક જ વર્ષ પછી 2017માં આયાતમાં સીધો 544 ટકાનો વધારો નોંધાયો હતો.

એપ્રિલ 2018માં ગ્લૉબલ ટાઇમ્સે નોંધ્યું કે બંને દેશોના દ્વિપક્ષી સંબંધો ખૂબ સુધર્યા છે.

નૉર્વેમાંથી સાલમનના આયાતમાં નાટકીય વધારો થયો છે તે આ બાબતનો જ અણસાર આપે છે તેમ દૈનિકે નોંધ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો