બાંગ્લાદેશ: આ રીતે ભારત-ચીન સાથે સંબંધો હસીન રાખે છે શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીના પરિણામો આવતા જ વડાં પ્રધાન શેખ હસીનાને વિજયના અભિનંદન પાઠવવામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા હતા.
શેખ હસીના ભારે બહુમત સાથે સતત ત્રીજા કાર્યકાળ માટે વડાં પ્રધાન તરીકે ચૂંટાયા અને એમણે વિપક્ષના સૂપડાં સાફ કરી નાખ્યાં છે.
ચીને પણ શેખ હસીનાને અભિનંદન પાઠવ્યાં, પરંતુ એક સપ્તાહ બાદ. 5 જાન્યુઆરીએ ચીને સત્તાવાર રીતે આવામી લીના પ્રમુખને વિજયના અભિનંદન પાઠવ્યાં.
વર્ષ 2009માં સત્તામાં આવ્યા બાદ અવામી લીગની સરકારનું નેતૃત્ત્વ કરી રહેલા શેખ હસીના ભારત અને ચીન વચ્ચે સંતુલિત સંબંધો રાખતાં આવ્યાં છે.
બાંગ્લાદેશ માટે ચીન અને ભારત બન્ને મહત્ત્વનાં છે. પરંતુ કેટલાક લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે કાયમ તેઓ આ સંતુલન કઈ રીતે જાળવતા આવ્યા છે?
જોકે, ભારત અને ચીનના બાંગ્લાદેશ સાથે હિત અલગ અલગ રીતે જોડાયેલા છે. શેખ હસીનાએ ટકરાવની કૂટનીતિને છોડીને બન્ને પાડોશી સરકારનો નારાજ થવાની ઓછી તકો આપી છે.

ભારત અને ચીન સાથેના સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક રાજકીય અને કૂટનીતિના વિશ્લેષકોનું માનવું છે કે શેખ હસીનાનાં ભારત સાથેના સંબંધો રાજકીય અને સુરક્ષાની બાબતનો કારણે છે. જ્યારે ચીન સાથેના સંબંધો આર્થિક બાબતને કારણે છે.
પૂર્વોત્તરના અલગાવવાદીઓ પર લગામ લગાવવાના મામલે શેખ હસીના સરકારે ભારતને જે રીતે સમર્થન આપ્યું તે અભૂતપૂર્વ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં પણ શેખ હસીનાએ બાંગ્લાદેશની જમીનને ઇસ્લામિક ચરમપંથ ફેલાવતો રોકવા માટે પણ કેટલાક પગલાં લીધા હતા. જેથી તેઓ ભારતને નુકસાન ન પહોંચાડી શકે.
બીજી તરફ બાંગ્લાદેશ સાથે ચીનના સંબંધો વિશુદ્ધ રીતે વેપાર મામલે જોડાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને બાંગ્લાદેશમાં સારું એવું રોકાણ કર્યું છે.
દક્ષિણ અને ઉત્તરી બાંગ્લાદેશને જોડતા પુલને પણ ચીનની મદદથી જ તૈયાર કરવામાં આવી રહ્યો છે. છ કિલોમિટર લાંબો આ પુલ બન્ને વિસ્તારોને માર્ગ અને રેલ નેટવર્કથી જોડશે.
આ પુલ પદમા નદીના એક છેડેથી બીજા છેડે સુધી છે અને રિપોર્ટ્સ અનુસાર આ પુલના નિર્માણમાં ચીને 370 કરોડ ડૉલરની રકમ લગાવી છે.
આ પ્રોજેક્ટ માટે જ્યારે વર્લ્ડ બૅન્કે બાંગ્લાદેશને આર્થિક સહાય આપવાનો ઇન્કાર કરી દીધો હતો ત્યારે ચીને આર્થિક મદદ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ચીન સાથે સહજતા

ઇમેજ સ્રોત, Getty Images
શેખ હસીનાએ ચીનને આવા કેટલાક અન્ય પ્રોજેક્ટમાં પણ ભાગીદાર બનાવ્યું છે. આથી શી જિનપિંગને અવામી લીગનું સત્તામાં હોવું સહજ બનાવે છે.
વળી જો બાંગ્લાદેશમાં અન્ય પાર્ટીની સરકાર બની હોત તો સમીક્ષાના નામે આવા પ્રોજેક્ટને નિશાન બનાવવામાં આવી શક્યા હોત અથવા અટકાવવામાં પણ આવ્યા હોત.
કહેવાની જરૂર નથી કે આ બાબતથી ચીનને આર્થિક નુકસાન પહોંચ્યું હોત.
વર્ષ 2014માં શેખ હસીનાનાં ચીન પ્રવાસ બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ પ્રગતિ જોવા મળી છે.
જિનપિંગે ત્યાર બાદ સંબંધોને વધુ આગળ વધારતા બે વર્ષ બાદ 2015માં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો.
જિનપિંગનો આ પ્રવાસ કેટલો મહત્ત્વનો હતો તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે બન્ને દેશો વચ્ચે 26 કરાર થયા હતા.
અધિકારીઓ અનુસાર ચીન વિભિન્ન પ્રોજેક્ટ માટે બાંગ્લાદેશને 24 અરબ ડોલર્સનું ઋણ આપવાનું છે અને તેમાં મોટાભાગના પ્રોજેક્ટ માળખાગત સુવિધા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમાં પદમા નદી પરના પુલનો પ્રોજેક્ટ અને ચટગાંવમાં કર્ણફુલી સુરંગના નિર્માણમાં પણ ચીન સહાય કરી રહ્યું છે.
અંદાજે 20 હજાર કરોડ ટકાના પ્રોજેક્ટ્સમાં ચીનનો 9 હજાર કરોડ ટકાની ભાગીદારી છે. 9 કિલોમિટર લાંબી આ સુરંગ 3.4 કિલોમિટર સુધી નદીની નીચેથી પસાર થશે.
ચીને સુરંગ બનાવવા માટે 12.12 મીટર વ્યાસની એક મશીન પણ બાંગ્લાદેશને મોકલી છે.
એ સિવાય ચીન, બાંગ્લાદેશમાં બે મોટા થર્મલ પાવર પ્લાન્ટ્સ અને એક ફર્ટિલાઇઝર પ્લાન્ટ પણ લગાવશે.
એટલું જ નહીં પણ બાંગ્લાદેશે ચીન પાસેથી સબમરીન ખરીદવાનો કરાર પણ કર્યો છે.
ઢાકા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય બાબતો વિભાગના પ્રોફેસર દિલાવર હુસૈન કહે છે,"ચીન સાથે બાંગ્લાદેશના સૈન્ય મુદ્દા તો છે પણ તેની સાથે આર્થિક સંબંધો પણ છે. વળી તે એટલા જટિલ પણ નથી."
"પરંતુ ભારત સાથે કૂટનીતિના સંબંધો પર સામંજસ્ય બેસાડવું મહત્ત્વનું રહેશે."


કૂટનીતિની સફળતા
પ્રોફેસર હુસૈન અનુસાર બાંગ્લાદેશની કૂટનીતિએ ભારત અને ચીન સાથેના સંબંધોમાં સામંજસ્ય બેસાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.
આથી સોનાદિયામાં પોર્ટ બનાવવા મામલે ભારત અને ચીન બન્નેએ રસ દાખવ્યો હતો. પરંતુ બાંગ્લાદેશે બેમાંથી એક પણને તેનો કૉન્ટ્રેક્ટ ન આપ્યો.
કેમ કે, આવું કરવાથી કોઈ એક દેશ નારાજ થઈ ગયો હોત. જે બાંગ્લાદેશના હિતમાં નહોતું.
મુંશી ફૈઝ અહમદ વર્ષ 2007થી 2012 સુધી ચીનમાં બાંગ્લાદેશના રાજદૂત રહ્યા છે અને હાલ બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ ઍન્ડ સ્ટ્રૅટજિક સ્ટડીઝના અધ્યક્ષ છે.
તેમનું કહેવું છે કે ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ માત્ર રાજકીય અને સુરક્ષા મામલે જોડાયેલા નથી પરંતુ આર્થિક મુદ્દે પણ જોડાયેલા છે.
તેઓ કહે છે,"જોકે ચીન અમારો સૌથી મોટો સાથીદાર છે પરંતુ ભારત સાથે પણ અમારે આર્થિક સંબંધો એટલા જ સારા છે."
નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે બન્ને દેશને નારાજ કર્યા વગર આગળ વધારવાથી શેખ હસીનાએ તેમની કૂટનીતિની યોગ્યતા પુરવાર કરી છે.
તેમણે બન્ને દેશો સાથે પોતાની જરૂરિયાતના આધારે સંબંધો જાળવી રાખ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














