પાપુઆ ન્યૂ ગિનીઃ મહિલાઓ માટે દુનિયાનો ‘સૌથી ખતરનાક’ દેશ

પ્રતિકાત્મક તસ્વીર
    • લેેખક, બેંજામિન ઝૈંડ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલા દેશ પાપુઆ ન્યૂ ગિનીને મહિલાઓ માટે વિશ્વમાં સૌથી ખતરનાક દેશો પૈકીનો એક ગણાવવામાં આવ્યો છે.

કેટલાંક અનુમાન જણાવે છે કે પાપુઆ ન્યૂ ગિનીની 70 ટકા મહિલાઓ પર તેમના જીવનકાળમાં બળાત્કાર કરવામાં આવે છે અથવા તેમણે કોઈક પ્રકારની જાતીય સતામણીનો શિકાર થવું પડે છે.

બીબીસીએ પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીનો પ્રવાસ કર્યો હતો અને મહિલાઓ વિરુદ્ધની હિંસાને યોગ્ય ગણાવતા કેટલાક લોકો સાથે મુલાકાત કરી હતી.

બીબીસીની મુલાકાત કેટલીક એવી મહિલાઓ સાથે પણ થઈ હતી, જે કહેતાં હતાં કે "બસ, હવે બહુ થયું."

line

ઘરેલુ હિંસા અને બળાત્કાર

પાપુઆ ન્યૂ ગિનીના એક પોલીસ અધિકારી

પાપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ રહેવા માટે વિશ્વના સૌથી બદતર દેશોની યાદીમાં થાય છે, જ્યાં ઘરેલુ હિંસા અને બળાત્કારનો દર સૌથી વધારે છે.

જોકે, અહીં બળાત્કારના જૂજ આરોપીઓને જ સજા થાય છે તે વધારે ચિંતાજનક વાત છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસા અને બળાત્કારની કમસેકમ 6,000 ઘટનાઓ આ વર્ષની જાન્યુઆરીથી મે દરમ્યાન નોંધાઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

અધિકારીએ કહ્યું હતું, "આ નોંધાયેલી ઘટનાઓ છે. જેની ક્યાંય નોંધ કરાવવામાં આવી નથી એવી ઘટનાઓ કેટલી હશે તે તમે વિચારી શકો છો."

"તેનું કારણ એ છે કે પાપુઆ ન્યૂ ગિનીમાં તમે કોઈ પણ સામાન્ય વ્યક્તિને પૂછશો તો એ કહેશે કે આ તો સામાન્ય વાત છે. ગર્લફ્રેન્ડ, પત્ની કે દોસ્ત હોય તેવી કોઈ પણ મહિલા સાથે હિંસા થાય એ સામાન્ય વાત છે."

line

'મહિલાઓ સૌથી આસાન શિકાર'

રાસ્કલ તરીકે ઓળખાતા પાપુઆ ન્યૂ ગિનીના કેટલાક બદમાશોનો ફોટોગ્રાફ

પાપુઆ ન્યૂ ગિનીમાં સ્થાનિક બદમાશોને 'રાસ્કલ' કહેવામાં આવે છે અને એવા લોકો પર બળાત્કારના સૌથી વધુ આરોપ છે.

'રાસ્કલ' લોકોના જણાવ્યા મુજબ, કોઈ મહિલા પર સામુહિક બળાત્કાર કરવો એ તેમની રોજિંદી ગતિવિધિનો એક હિસ્સો છે.

'રાસ્કલ' લોકો એ બાબતે ખુલ્લેઆમ વાત પણ કરતા હોય છે. તેમને કૅમેરા કે પોલીસનો ડર હોતો નથી.

એક 'રાસ્કલે' બીબીસીને કહ્યું હતું, "અહીં મહિલાઓ સૌથી આસાન શિકાર છે. તેમને લૂંટવાનું અત્યંત આસાન હોય છે. તેમને મારવાનું આસાન હોય છે."

"જાહેર રસ્તા પર તમે કોઈ મહિલાને માર મારશો તો તેનો કોઈ વિરોધ નહીં કરે. આ એકદમ સામાન્ય વાત છે."

line

સતત ડરનો ઓછાયો

પોલીસ સાથે વાત કરી રહેલી મહિલાનો ફોટોગ્રાફ

પૉર્ટ મોરેસ્બી શહેરમાં તમે કોઈ મહિલાને ધારીને જોશો તો તેમની 'સદા સતર્ક નજર'થી સમજાઈ જશે કે તેઓ સતત જોખમમાં જીવી રહ્યાં છે.

શહેરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની એટલી ઘટનાઓ બને છે કે અહીં સરકારે 'સેફ હાઉસ' નામનું ઘર બનાવવું પડ્યું છે.

એક સેફ હાઉસમાં અમારી મુલાકાત સુઝેન સાથે થઈ હતી. સુઝેન તેમનાં બાળકો સાથે છેલ્લા બે મહિનાથી સેફ હાઉસમાં રહે છે.

સુઝેનનાં લગ્ન 2000માં થયાં હતાં અને 18 વર્ષ સુધી ઘરેલુ હિંસા સહન કર્યા બાદ સુઝેન હિંમત હારી ગયાં હતાં.

સુઝેને કહ્યું હતું, "મારા પતિ મને બહુ મારતા હતા. તેમણે ફરસીથી મારો હાથ ચીરી નાખ્યો હતો. હથેળી પર 35 ટાંકા લેવા પડ્યા હતા."

"એ મને સતત મારતા રહ્યા હતા. તેથી ભયને કારણે મારે મકાનના બીજા માળ પરથી કૂદકો મારવો પડ્યો હતો. મારો જમણો પગ ભાંગી ગયો હતો."

સુઝેનના જણાવ્યા મુજબ, તેમના પતિ તેમને તેની 'મિલકત' ગણતા હતા અને તેના ઘરવાળા તેને અટકાવી શકતા ન હતા.

line

સેફ હાઉસના નિયમો

69 વર્ષનાં પીડિતા મેરિસા
ઇમેજ કૅપ્શન, 69 વર્ષનાં પીડિતા મેરિસા

મેરિસા નામનાં એક અન્ય મહિલાએ પણ સેફ હાઉસમાં શરણ માગ્યું હતું, પણ નિયમ અનુસાર સેફ હાઉસમાં રહેવા માટે તેમની ઉંમર થોડી વધારે છે.

સેફ હાઉસના મેનેજરે મેરિસાને નિયમોની મર્યાદા સમજાવી હતી અને મેરિસાએ પાછા જવું પડ્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં મેરિસાએ કહ્યું હતું, "મારો જમાઈ મને બેલ્ટ વડે મારતો છે. એ મારી સાથે સેક્સ માણવા ઇચ્છે છે, પણ હું એવું કરવા ન દઉં."

"મને ઘરે પાછા ફરવામાં ડર લાગે છે. મારો જમાઈ સાથે ચાકુ રાખે છે. મારી દીકરીને પણ બહુ મારે છે."

મેરિસાના જણાવ્યા મુજબ, તેમના જમાઈએ તેની બે દીકરીઓ પર પણ બળાત્કાર કર્યો છે, પણ તેમના પરિવારને પોલીસ તરફથી કોઈ મદદ મળી નથી.

line

કાયદાકીય મદદ

ઘરેલુ હિંસાને કારણે ઘર છોડી ચૂકેલાં જેનેટ
ઇમેજ કૅપ્શન, ઘરેલુ હિંસાને કારણે ઘર છોડી ચૂકેલાં જેનેટ

પાપુઆ ન્યૂ ગિનીમાં માત્ર પાંચ વર્ષ પહેલાં જ 'ફૅમિલી પ્રોટેક્શન એક્ટ' નામનો કાયદો બનાવવામાં આવ્યો છે.

એ કાયદા અનુસાર, ઘરેલુ હિંસા એક ગુનો છે અને એ માટે બે વર્ષની કેદની સજા થઈ શકે છે અથવા આરોપીએ દંડ પેટે 2,000 ડોલર ચૂકવવા પડે છે.

ઘરેલુ હિંસાને કારણે થોડી દિવસ પહેલાં ઘર છોડી ચૂકેલી જેનેટ જેવી મહિલાઓની હિંમત આ કાયદાને લીધે વધી છે.

જેનેટે કહ્યું હતું, "મારે મારાં નાનાં બાળકોને છોડીને ભાગવું પડ્યું હતું, પણ હું પોલીસની મદદ લેવા ઇચ્છું છું."

"પાપુઆ ન્યૂ ગિનીમાં બહુ ઓછી મહિલાઓ ઘરેલુ હિંસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. મહિલાઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે, પણ કાયદાની મદદથી હું મારાં બાળકોને મારા પતિના ઘરમાંથી બહાર લાવવા ઇચ્છું છું."

પાપુઆ ન્યૂ ગિનીમાં પિતૃસત્તાક સમાજ છે. ત્યાં ઘરના તમામ નિર્ણય કરવાનો અધિકાર માત્ર પુરુષોને જ છે.

line

પરિણીત પુરુષો શું માને છે?

જેનેટના પતિનો ફોટોગ્રાફ
ઇમેજ કૅપ્શન, જેનેટના શિક્ષક પતિ

પરણેલા પુરુષો આ પરિસ્થિતિ બાબતે શું માને છે એ જાણવા માટે બીબીસીએ જેનેટને પતિ સાથે વાત કરી હતી.

જેનેટના પતિએ કહ્યું હતું, "હું એક નોકરિયાત માણસ છું. હું શિક્ષક છું. હું હિંસા શા માટે કરું? જેનેટે મને થપ્પડ મારી પછી મેં તેના પર હાથ ઉઠાવ્યો હતો. મેં તેના મોં પર એક જ મુક્કો માર્યો હતો."

પોતાની પત્નીનું વર્તન યોગ્ય ન હોવાનું જેનેટના પતિએ જણાવ્યું ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે 'ખરાબ વર્તન' એટલે શું?

તેના જવાબમાં જેનેટના પતિએ કહ્યું હતું, "જેનેટ મારી વાત સાંભળતી નથી. તેને જે કરવું હોય તે જ કરે છે. એ બાળકોને દૂધ સુદ્ધાં પીવડાવી શકતી નથી."

"તેને ઘરનું કોઈ કામ આવડતું નથી. એ મને ઉશ્કેરે છે એટલે હું મજબૂરીમાં હિંસા કરું છું."

આ વાતચીતના થોડા સમય પછી જેનેટની પતિની ધરપકડ કરવામાં આવી હતી.

એ પછી જેનેટ તેમનાં બાળકોને મળ્યાં હતાં અને ત્યાર બાદ પરિવારના કહેવાથી તેમણે તેમના પતિ પરના તમામ આરોપ પાછા ખેંચી લીધા હતા.

line

બોમાના જેલમાં શું જોવા મળ્યું?

પાપુઆ ન્યૂ ગિનીની સૌથી મોટી બોમાના જેલનો ફોટોગ્રાફ
ઇમેજ કૅપ્શન, પાપુઆ ન્યૂ ગિનીની સૌથી મોટી બોમાના જેલ

પૉર્ટ મોરેસ્બી શહેરની બહારના વિસ્તારમાં આવેલી પાપુઆ ન્યૂ ગિનીની સૌથી મોટી બોમાના જેલની મુલાકાત પણ બીબીસીએ લીધી હતી.

એ જેલમાં કેદ વયસ્ક અને કિશોર વયના કેદીઓના એક જૂથની મુલાકાત બીબીસીએ લીધી હતી.

27 લોકોના એ જૂથમાં 12 છોકરાઓ પર બળાત્કારનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ, બળાત્કારનો સૌથી નાની વયનો આરોપી 13 વર્ષનો છોકરો છે.

line

"એ આવી હતી મારા ઘરે"

બળાત્કારના આરોપી રુબેનનો ફોટોગ્રાફ
ઇમેજ કૅપ્શન, 10 વર્ષની બાળકી પર બળાત્કારનો 39 વર્ષના રુબેનને કોઈ અફસોસ નથી

બીબીસીએ 39 વર્ષના કેદી રુબેન સાથે વાત કરી હતી. તેમના પર 10 વર્ષની એક છોકરી પર બળાત્કારનો આરોપ છે.

તેમણે સમગ્ર ઘટનાની વિગતવાર વાત આરામથી કરી હતી. તેમણે કહ્યું હતું, "હું એ કૃત્યને બળાત્કાર ગણતો નથી, કારણ કે એ છોકરી મારા ઘરે આવી હતી."

"મેં તેના ઘરે જઈને કોઈ હથિયારની ધમકી વડે તેની સાથે આ બધું કર્યું ન હતું."

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પાપુઆ ન્યૂ ગિનીમાં બળાત્કાર માટે મહત્તમ પાંચ વર્ષના કારાવાસની સજાની જોગવાઈ છે. કિશોરોને તો મહત્તમ બે વર્ષની સજા જ કરી શકાય છે.

પોલીસ માને છે કે બળાત્કાર જેવા ગુના માટે આટલી સજા અપૂરતી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો