નિર્મલા સીતારમણનું પહેલું બજેટ 'કડવી ગોળી' હશે કે લોકરંજક યોજનાઓની 'ચૉકલેટ'?

મહિલાઓની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી

તારીખ પાંચમી જુલાઈએ રજૂ થનાર કેન્દ્રીય બજેટની શરૂઆત 22 જૂનના રોજ નાણાં વિભાગમાં હલવા સૅરિમની સાથે થઈ.

તેના બીજા જ દિવસે વડા પ્રધાને દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ તેમજ નાણાં વ્યવસ્થાપનના નિષ્ણાતો સાથે વિચાર-વિમર્શ કર્યો.

આમ તો અગાઉની સરકાર પણ નરેન્દ્ર મોદીની જ હતી અને એનું વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરી 2019ના રોજ પીયૂષ ગોયલે નાણામંત્રી તરીકે રજૂ કર્યું.

અંદાજપત્ર એ કોઈ મહેતાજીના હિસાબકિતાબનું સરવૈયું નથી. અંદાજપત્ર સરકારની આર્થિક તેમજ અન્ય નીતિઓ અને તે દિશામાં કામગીરી કરવા માટે જરૂરી નાણાકીય સાધનોની વ્યવસ્થા અંગે વાત કરે છે.

પીયૂષ ગોયલે અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે લોકસભાની ચૂંટણીઓ ક્ષિતિજે ડોકાઈ રહી હતી એટલે સ્વાભાવિક રીતે જ એનો ઝોક મધ્યમ વર્ગ તેમજ ગ્રામીણ અર્થવ્યવસ્થાના ચાલકબળ એવા ખેડૂતને રાજી કરવા તરફ હતો.

આ અંદાજપત્ર રજૂ કરતા પીયૂષ ગોયલે 2017-18ની રાજકોષીય ખાધ (Fiscal Deficit) 3.5 ટકા સામે 2018-19નો અંદાજ 3.4 ટકા અને 2019-20નો અંદાજ પણ 3.4 ટકા મૂક્યો હતો.

બીજું કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ 2.6 ટકા અંદાજવામાં આવી હતી. 2018-19 માટેનો જીડીપી વૃદ્ધિદર 7 ટકા થવાનું અનુમાન હતું.

સરેરાશ ક્રૂડઑઇલના ભાવ 69.5 ડૉલર રહેવાનો અંદાજ હતો. આમ ફેબ્રુઆરી 2019માં અર્થવ્યવસ્થા સંબંધિત જે માપદંડો રજૂ કરવામાં આવ્યા હતા તેમાં એક પ્રકારનો આશાવાદ જોવા મળતો હતો.

line

ભારતીય અર્થવ્યવસ્થા વિકાસની ગતિ ગુમાવી રહી છે

નિર્મલા સીતારમન

ઇમેજ સ્રોત, Getty Images

નિર્મલા સીતારામણ નાણામંત્રી તરીકે પોતાનું પહેલું અંદાજપત્ર રજૂ કરશે ત્યારે પરિસ્થિતિનું ચિત્ર બદલાયું છે.

તાજેતરમાં જ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નરે 3થી 6 જૂન વચ્ચે થયેલી નાણાકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં ચિંતાનો સૂર વ્યક્ત કરતા જણાવ્યું તેમ ભારતીય અર્થવ્યવસ્થા સ્પષ્ટપણે પોતાના વિકાસની ગતિને ગુમાવી રહી છે.

તેને પુનઃગતિમાં લાવવા એક નિર્ણાયક નાણાકીય નીતિ અપનાવવાની જરૂર છે.

line

ચિંતાજનક ચિહ્નો

નિર્મલા સીતારમન

ઇમેજ સ્રોત, Getty Images

જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડો થયો છે. ફિંચે ભારતની આર્થિક વૃદ્ધિ, મૅન્યુફૅક્ચરિંગ અને કૃષિક્ષેત્રે નબળી કામગીરીને કારણે વર્ષ 2019-20 માટે જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 6.6 ટકા મુકાયો છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ, અમદાવાદના પ્રોફેસર સેબેસ્ટિન મોરિસે અને આઈઆઈટી ખડગપુરના તેજસ્વી કુમારીએ પોતાનાં સંશોધનલેખમાં પણ જીડીપીનો દર છ ટકાથી નીચે રહેશે તેવું જાહેર કર્યું હતું.

રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે કહ્યું છે કે ગત બે ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિની ઝડપ નોંધનીય રીતે નબળી પડી છે.

સાથોસાથ નબળું ચોમાસું અને ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉતારચઢાવ પણ ચિંતા કરાવે તેવા છે.

રિઝર્વ બૅન્કે આ મહિનાની શરૂઆતમાં સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે.

આ પ્રકારે જાન્યુઆરી 2019 બાદ અત્યાર સુધીમાં રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરાયો છે.

2018-19ના આખા વર્ષ દરમિયાન આર્થિક વિકાસદર સતત ઘટતો રહ્યો છે.

પહેલા ત્રિમાસિક ગાળામાં 8.5 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 7.4 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 6.6 ટકા જેટલો જીડીપી વિકાસદર તથા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાના અનુમાન મુજબ, ચોથા ત્રિમાસિક ગાળામાં 6.1થી 6.5 ટકા જેટલો નીચે રહી શકે છે.

જોકે, વાસ્તવિક પરિસ્થિતિ જોતા આ અનુમાન કરતાં પણ વિકાસદર ઘણો નીચો રહેશે એવું લાગે છે.

છેલ્લા બે વર્ષમાં પહેલી વખત ભારતનો વિકાસદર ચીનના વિકાસ દર કરતાં પાછળ રહી ગયો છે એટલે કે ભારત પાસેથી દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો દરજ્જો છીનવાઈ ગયો છે.

line

અર્થવ્યવસ્થા માટે બજેટ થકી બુસ્ટર ડોઝ જરૂરી

પાટા પર ચાલતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

બીજી બાજુ ભારતીય અર્થવ્યવસ્થા 'મિડલ ઇન્કમ ટ્રેપ'માં ફસાઈ રહી હોવાનો ભય સેવવામાં આવી રહ્યો છે.

આવકની દૃષ્ટિએ ભારતમાં પિરામિડની ટોચ પર બેઠેલા લગભગ 10 કરોડ લોકોની ખરીદ શક્તિને કારણે ઊભી થતી માગમાં ઘટાડો આવી રહ્યો છે.

આ પરિસ્થિતિને સુધારવા માટે અને નવા રોકાણ તેમજ રોજગારી ઊભી થાય તે માટેના ઉપાયો જરૂરી છે.

ભારતને 'મિડલ ઇન્કમ ટ્રેપ' અર્થવ્યવસ્થામાં ફસાવનાર પરિબળોમાં મહદંશે જીડીપી ઉત્પાદનના પર એકમ દીઠ વધતી જતી મજૂરીની કિંમત, મજૂરોનું શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર અને કંઈક અંશે અછત, ઉત્પાદકતા વૃદ્ધિમાં નજીવો સુધારો, માનવ સંસાધનો અને રિસર્ચમાં અપૂરતું રોકાણ જેવાં કારણો જવાબદાર છે.

નાણામંત્રી ભારતીય અર્થવ્યવસ્થાને 'મિડલ ઇન્કમ ટ્રેપ'માંથી ઉગારવા માટે કેવો બુસ્ટર ડોઝ આપે છે તે જોવાનું રહે છે.

line

કૃષિ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા વિકાસનો મહત્ત્વનો પાયો

ખેતર

ઇમેજ સ્રોત, Getty Images

પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કૃષિ સંબંધી વસ્તુઓની ઘટતી કિંમતો તેમજ 2017-18 બાદ ખાદ્યપેદાશોના ભાવમાં ઘટેલો ફુગાવો, બન્ને કારણે ખેડૂતની આવક ઓછી થઈ છે.

વારંવાર વિભાજિત થતી કૃષિ જમીનને કારણે ખેડૂતનું ખેતર વધુમાં વધુ નાનું થતું જાય છે એ પણ ખેડૂતની ઘટતી જતી આવકનું કારણ છે.

આ માટે અનેક પગલાની સાથોસાથ ખેડૂત ખાતેદારને વર્ષે 6000 રૂપિયા 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' અન્વયે ચૂકવવાની જાહેરાત કરી છે.

ખેડૂતની આવક ઘટતી જાય છે તે હકીકત છે.

સરકારે સરકારે 2022 સુધીના પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે કૃષિ ઉત્પાદન ઉપર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતોને ખેતી પરવડતી થાય તે માટેની જાહેરાતો થઈ છે.

મૂળ મુદ્દો આ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચના વિઝન 2030 રિપોર્ટમાં આપવામાં આવેલી વિગત મુજબ, 2030 સુધીમાં ખેતરનું સરેરાશ ક્ષેત્રફળ જે 1960માં 2.69 હેક્ટર હતું તે ઘટીને પૉઇન્ટ 0.30 હેક્ટર એટલે કે માત્ર ત્રણ હજાર ચોરસમિટર થઈ જશે.

આ ઘટતી જતી સરેરાશ ક્ષેત્રફળ ખેતીને વધુને વધુ બિનપોષણક્ષમ બનાવવાના છે.

આની સામે 2050 સુધીમાં આપણા દેશની વસ્તી 165 કરોડને આંબી જશે, ત્યારે અત્યારના અંદાજે 280 મિલિયન ટન અનાજના ઉત્પાદનની સરખામણીમાં 333 મિલિયન ટનનું ઉત્પાદન જરૂરી બનશે.

ખેતી કરતા ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

આમ આ દેશની અન્નસુરક્ષા માટે ખેડૂતનો ખેતીમાં રસ જળવાઈ રહે અને એને કારણે ગ્રામ અર્થવ્યવસ્થા ધબકતી રહે, બંને જરૂરી છે.

એ ન ભૂલવું જોઈએ કે આજે પણ કૃષિ અને ગ્રામ અર્થવ્યવસ્થા આ દેશમાં 50 ટકા કરતાં વધુ રોજગારી પૂરી પાડે છે અને 50 ટકા કરતા વધુ બજાર ધરાવે છે.

ડૉ. સ્વામીનાથને સાચું જ કહ્યું છે - "The future belongs to countries with grains and not guns"

ગ્રામ્ય અર્થવ્યવસ્થાને ધબકતી રાખવી તેમજ અન્ય સુરક્ષા જાળવી રાખવી અને એ માટે કૃષિની જમીનોનું જે ટુકડાઓમાં વિભાજન થઈ રહ્યું છે તેમાંથી બહાર કાઢીને દેશના કૃષિ અર્થતંત્રને બેઠું કરવા માટેનો પ્રયાસ એ માત્ર નિર્ધાર જ નહીં, નક્કર પગલાં માગી લે છે.

ખેડૂતની આવક બમણી કરવાની વાત, વધારેલા ટેકાના ભાવ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, જેમાં અત્યાર સુધીનાં પગલાં તાત્કાલિક રાહત ભલે પૂરી પાડે, પણ ખેડૂતને ખેતી તરફ આકર્ષીને જકડી રાખી શકે નહીં.

નિર્મલા સીતારમણ આ દિશામાં નક્કર જાહેરાતો કરે અને એ માટેનું બજેટ ફાળવે તે જરૂરી બનશે.

line

પાણી મંત્રાલયની સાથે નાણાકીય સંશાધનો જરૂરી

પાણી ભરતાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાને પાણી માટે આગામી સમયમાં આ દેશમાં કટોકટી સર્જાશે તેવી ચિંતા વ્યક્ત કરી છે તે સકારણ છે.

1951માં આપણી પાસે માથાદીઠ 5100 ઘનમિટર પાણી હતું તે ઘટીને માથાદીઠ 1200 ઘનમિટર પાણી થયું છે.

આ સરેરાશ છે. દેશમાં જળસંસાધનોની વહેંચણી એકસરખી નથી.

ગંગા, જમના, બ્રહ્મપુત્રા અને મેઘનાના તટપ્રદેશોમાં દેશનું બે તૃતીયાંશ ભાગનું પાણી છે, પણ વસતી એક તૃતીયાંશ છે.

આમ દેશની 66 ટકા વસ્તી પાસે માત્ર 33 ટકા પાણી છે.

આ કારણથી મોટાં ભાગનાં રાજ્યો પાસે પાણીની ઉપલબ્ધિ 1000 ઘનમિટર કરતાં ઘણી ઓછી છે.

વરસાદ ગ્લૉબલ વૉર્મિંગ અને અન્ય કારણસર ઓછો થતો જાય છે.

તમે ભારતના નકશામાં ઉપરથી નીચે તરફ સીધી લાઈન દોરો તો તે જેટલા રાજ્યમાંથી પસાર થાય તેટલાં રાજ્યોમાં એકાદ અપવાદને બાદ કરતા વોટર સ્ટ્રેસની પરિસ્થિતિ છે.

આ પ્રશ્ન અપૂરતાં જળસંસાધનો, પ્રાપ્ત જળસંસાધનોમાં પ્રદૂષણ, વધતી જતી વસતી તેમજ વપરાશને કારણે વકરવાનો છે.

ત્યારે વડા પ્રધાને જે શુભાશયથી જળશક્તિ મંત્રાલયની રચના કરી છે તેને ખરેખર સત્તા અને નાણાં બન્ને આપવા પડશે.

જળસંચય, વૉટર ઑડિટ અને જળબચાવ માટે આ બજેટ કોઈ નક્કર જાહેરાતો લઈને આવે તેવી અપેક્ષા રાખી શકાય.

મોટા બંધો થકી જ જળ સંગ્રહની વાત કરીએ તો ચીનની 1000 ઘનમિટર પ્રતિ વ્યક્તિની સરેરાશ સામે ભારતની સરેરાશ માત્ર 200 છે.

તેને વધારીને કેવી રીતે જળ સુરક્ષા ઊભી કરવી તે દિશામાં ચોક્કસ યોજનાઓ સાથે નાણાકીય જોગવાઈ આ બજેટમાંથી અપેક્ષિત છે.

line

માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ

ચપ્પલના વેપારી

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરમાં 15 જૂન, 2019ના રોજ ભુજ ખાતે યોજાયેલ લઘુ ઉદ્યોગ ભારતીના રજતજયંતી વર્ષની ઉજવણીમાં જવાનું થયું.

નાના, વધુ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોમાં પ્રવર્તમાન માંદગીનો દર તેમજ વર્કિંગ કૅપિટલ એટલે કે ચાલુ મૂડી માટેની એની મથામણ આજે પણ ચિંતાનો વિષય છે.

કેન્દ્ર સરકારે માઇક્રો, સ્મોલ ઍન્ડ મિડિયમ ઍન્ટરપ્રાઇસિઝ ડિપાર્ટમેન્ટ માત્ર નાના વેપારીઓ અને નાના ઉદ્યોગસાહસિકો માટે છેક 2006માં રચ્યું.

પણ દોઢ દાયકાની લાંબી સફરમાં આ મંત્રાલય લઘુ અને નાના ઉદ્યોગો માટે આક્રમકતાથી કામ કરીને કંઈક ઉકાળ્યું હોય તેવું દેખાતું નથી.

દોઢ દાયકાની લાંબી મુસાફરી પછી પણ તેની ઉપયોગિતા આંશિક રીતે જ આ વિભાગ સંતોષે છે, જેને હેન્ડ હૉલ્ડિંગ એટલે કે મોટાભાઈ તરીકેનું કામ કહેવાય તેવું કંઈ થતું નથી.

દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનનો 35 ટકા હિસ્સો આ ક્ષેત્રમાંથી મળે છે. દેશમાં થતી કુલ નિકાસની 45 ટકા કરતાં વધુ નિકાસ નાના અને લઘુ ઉદ્યોગોમાંથી આવે છે.

11 કરોડ કરતાં વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે આ ક્ષેત્ર ધબકતું થાય તે માટે પૂરી સૂઝબૂઝ અને નિર્ધાર સાથે પગલાં લેવાં પડશે.

આ ક્ષેત્રને પીડતું અધિકારીરાજ અને લગભગ શોષણ કહી શકાય તે હદે તેમની પાસેથી કસોકસ ભાવ કરીને માલ ખરીદ્યા પછી પેમેન્ટ માટે ટટળાવતા મહાકાય ઉદ્યોગોને કારણે આ ક્ષેત્રમાં પેસી ગયેલી માંદગી દૂર કરવી.

તેમજ આવું એકમ બંધ પડવાને કારણે જે મોટી રકમ ડેડ ઍસેટ્સમાં ફસાયેલી પડી છે એમાંથી રસ્તો કાઢી આ ક્ષેત્રને ધબકતું કરવા માટે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મંત્રાલય કરીને 2006થી બેસી રહેવું યોગ્ય નથી.

ભારતમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ સાઈઝ ઈન્ડસ્ટ્રી પુન: ધબકતી થાય અને એની માંદગીમાંથી બહાર આવે.

જીડીપી વિકાસ તેમજ રોજગારીમાં ફાળો આપે તે દિશામાં જતી નાણાકીય નીતિ અને સાથે સરકારની અન્ય નીતિઓ અને વ્યવસ્થાનો સુમેળ સાથેની જાહેરાત આ બજેટમાં થાય તેવી અપેક્ષા અયોગ્ય નહીં કહેવાય.

line

વિદેશી રોકાણ

FDIનો વિરોધ કરતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

જેવી રીતે અત્યારે થઈ રહ્યું છે તેમ ભારતમાંથી વિદેશી રોકાણકારો તેમનું રોકાણ પાછું ના ખેંચે અને શૅરબજાર ઘેરી મંદીની દહેશતમાં બહાર આવે તે દિશામાં આ બજેટ કેવી નીતિઓ લઈને આવે છે તેના પર દેશના અનેક રોકાણકારો મીટ માંડીને બેઠા છે.

શૅરબજાર માટે એવું કહેવાય છે કે 'સ્ટૉક માર્કેટ ઇઝ અ બૅરોમિટર ઑફ ધ ઇકૉનૉમી' મજબૂત અને ધબકતું શેરબજાર, સુદૃઢ અને આરોગ્યપ્રદ અર્થવ્યવસ્થાનો સંકેત આપે છે અને એ રીતે વિકાસનું મોટું ઉદ્દીપક બને છે.

ભારત સરકાર પોતે પણ આંતર માળખાકીય પ્રોજેક્ટ તેમજ અન્ય રીતે આ બજેટ થકી કેટલા પ્રમાણમાં નાણાકીય પુરવઠો બજારમાં નાખવા માગે છે તે સામે સૌની મીટ છે.

શૅરબજાર ધબકતું રહે તો કેન્દ્ર સરકારને પણ પોતે કરવા ધારેલ ડિસઇન્વેસ્ટમૅન્ટમાં સરળતાના તેમજ વધુ ફાયદો રહેશે એમાં કોઈ શંકા નથી.

line

બજેટની નક્કર જાહેરાતો

ભારતીય શૅરબજાર

ઇમેજ સ્રોત, Getty Images

જીડીપીના વિકાસદરની વાત કરીએ તો કેટલીક બાબતો વિશેષ ધ્યાન માગી લે છે.

વિકાસ માટે મહત્ત્વનું પરિબળ રોકાણ છે. વીતેલા વરસ દરમિયાન સીધું વિદેશી રોકાણ છ વર્ષમાં પહેલી વાર ઘટ્યું છે.

વર્ષ 2018-19માં એફડીઆઈ (FDI) ઘટીને આગલા વર્ષ 2017-18ના 44.85 અબજ ડૉલરની સરખામણીમાં એક ટકા નીચું આવ્યું છે.

એફડીઆઈ પ્રવાહમાં ઘટાડો થવાની ઘટના છેલ્લે 2012-13માં નોંધાઈ હતી, જ્યારે તેના આગળના નાણાકીય વર્ષ 2011-12માં 35.12 અબજ ડૉલર સામે 36 ટકા ઘટીને 2012-13માં 22.42 અબજ ડૉલર રહ્યું હતું.

ટેલિકૉમ, ફાર્મા, કન્સ્ટ્રક્શન ડેવલપમૅન્ટ અને પાવર સૅક્ટર, જે મહત્ત્વનાં ઔદ્યોગિક સૅક્ટર છે, તેના પર આની વિપરીત અસર થઈ છે.

સાથોસાથ ગ્રોસ ફિક્સ કૅપિટલ ફૉર્મેશન (Gross Fixed Capital Formation) જે ગત વર્ષે 29.4 ટકા હતું તેમાં પણ ઘટાડો થયો છે.

મંદીને કારણે સ્થાપિત ક્ષમતાનો નીચો વપરાશ (capacity utilisation) ઉત્પાદનની નફાકારકતામાં ઘટાડો કરે છે.

માત્ર સીધું વિદેશી રોકાણ જ ઘટ્યું છે તેવું નથી. ફૉરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર (FII) દેશમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે.

2018-19માં તેમણે પોતાનું 3587 મિલિયન ડૉલર રોકાણ પાછું ખેચ્યું છે. આ બધાની સીધી અસર મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે મંદીમાં પરિણામે છે.

ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રીયલ પ્રૉડક્શન 2016-17માં 4.4 ટકા અને 2017-18માં 4.6 ટકા અને તે 2018-19માં 3.5 ટકા થઈ છે.

ઘટતા જતાં ઉત્પાદનની સીધી અસર કૉર્પોરેટ ક્ષેત્રની નફાકારકતા ઉપર પડી છે, જેને પરિણામે જીએસટી તેમજ કૉર્પોરેટ ટૅક્સ બન્નેની આવક ઘટી છે.

આમ નાણામંત્રી માટે નાણાકીય સાધનો ઊભાં કરવાનું એક અગત્યનું ક્ષેત્ર સંકડામણમાં છે.

line

બૅન્કો તેમજ એનબીએફસી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વિકાસ માટે ફિસ્ક્સ કૅપિટલ તેમજ વર્કિંગ કૅપિટલ રૂપે પૂરતાં નાણાંની ઉપલબ્ધિ ખૂબ જ મહત્ત્વની છે.

બૅન્કિંગ ક્ષેત્રની વાત કરીએ તો તેની પરિસ્થિતિ દયાજનક છે.

માર્ચ 2019ના અંતે ગ્રૉસ એનપીએ (Gross NPA) 9.3 ટકા જેટલો હતો.

એપ્રિલ 2014થી બૅન્કોએ 5.55 લાખ કરોડથી વધુ રકમ માંડવાળી કર્યા બાદની આ પરિસ્થિતિ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજજુ સમાન બૅન્કિંગ ક્ષેત્ર માટે સારી ન જ કહી શકાય.

જોકે, છેલ્લા વર્ષમાં GNPA ઘટીને 8 સુધી આવ્યો છે અને ધિરાણની રિકવરીમાં પણ સુધાર થયો છે.

તેને આગળ વધારવા અને બૅન્કિંગ સૅક્ટર મજબૂત બને અને સાથોસાથ નાની બૅન્કોની ડિપૉઝિટ 9.4 ટકા વધી છે પણ લૉન 13.1 ટકા વધી છે.

પરિસ્થિતિ એવી છે કે સરકાર જ્યાં સુધી બૅન્કો પાસે પડેલી ડિપૉઝિટ ઉપર અપાતા વ્યાજની રકમમાં ઘટાડો ન કરે ત્યાં સુધી બૅન્કો કોઈ સંજોગોમાં લૉન પરના વ્યાજનો દર ઘટાડી શકે તેમ નથી.

આ પરિસ્થિતિ સાચા અર્થમાં Catch 22 સ્થિતિ છે, જેમાં ઉપર શેતાન અને નીચે ખાઈની પરિસ્થિતિમાં નાણામંત્રી દેશના બૅન્કિંગ ક્ષેત્રને કઈ રીતે પ્રાણવાયુ પૂરો પાડે છે.

તેના થકી દેશના વેપારઉદ્યોગ ક્ષેત્રને કઈ રીતે પૂરતા વાજબી દરે લૉન ઉપલબ્ધ કરાવી તે જોવું રસપ્રદ બનશે. આજની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે.

ક્રિસિલ દ્વારા જણાવ્યા પ્રમાણે માર્ચ 2018માં બૅન્કોની એનપીએ 11.5 ટકા હતી, તે ઘટીને માર્ચ 2019માં 9.3 ટકા થઈ છે તે સારી વાત છે.

માર્ચ 2020 સુધીમાં આ રકમ 8 ટકાએ પહોંચશે એવું ક્રિસિલનું કહેવું છે.

જાહેરક્ષેત્રની બૅન્કોનો એનપીએમાં હિસ્સો 80 ટકા છે. બૅન્કોનું ઘટતું જતું એનપીએ અને વસૂલાતનો વધતો જતો દર સારી નિશાની છે.

ક્રૂડ ઑઇલ

ઇમેજ સ્રોત, Getty Images

પીયૂષ ગોયલે બજેટ રજૂ કર્યું ત્યારે ક્રૂડ ઑઇલનો પ્રતિ બેરલ દીઠ ભાવ 64 ડૉલર હતો. 24 જૂન 2019ની તારીખનો ભાવ 65 ડૉલર પ્રતિ બેરલ છે.

ઈરાન આપણું ત્રીજા નંબરનું ક્રૂડ ઑઇલ સપ્લાયર છે. ઈરાન તેમજ વેનેઝુએલા પાસે થઈને ભારત અંદાજે 12 મિલિયન ટન બેરલ ઑઇલ ખરીદતું હતું.

ઈરાન પાસેથી મળતા ક્રૂડનો ફાયદો એના ભાવની ચુકવણી રૂપિયામાં થાય અને 60 દિવસની ક્રૅડિટ મળે તે હતો.

અમેરિકાના ઈરાન ઉપર પ્રતિબંધોને કારણે આ પુરવઠો સુકાયો છે એટલું જ નહીં, પરંતુ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો ખાડીના દેશોમાંથી આવતો ઑઇલનો પુરવઠાને પણ અસર થાય.

આ પરિસ્થિતિમાં ક્રૂડઑઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલર કે તેથી વધુ થઈ જાય તો આપણી કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ 2.8 ટકાથી ઉપર જતી રહે.

આપણી પાસે વિદેશી મુદ્રાભંડોળ, સદનસીબે ઠીકઠીક સારું કહી શકાય (422 અબજ ડૉલર) જેટલું છે.

તો પણ ક્રૂડઑઇલના ભાવ આ દેશની અર્થવ્યવસ્થાને ગંભીર ફટકો મારી શકે તેવી પરિસ્થિતિ છે.

ઈરાનના વિકલ્પે ભારત ક્રૂડની આયાત માટે વધુમાં વધુ અમેરિકા પર નિર્ભર થતું જાય છે.

આ કારણથી ક્રૂડઑઇલની બેરલદીઠ કિંમતમાં કોઈ નાટ્યાત્મક ફેરફાર થાય તેવું દેખાતું નથી.

આ જોતાં નિર્મલા સીતારમણે કરન્ટ એકાઉન્ટ ડેફિસિયન્સી કાબૂમાં રાખવામાં મોટી રાહત રહેશે.

line

ઘરેલુ માગને પ્રોત્સાહન

લોકલ ટ્રેનમાં લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને ચીનની સરખામણી કરીએ તો ચીનનો જીડીપી વિકાસદર વિશ્વ વેપાર સાથે જોડાયેલો છે. જ્યારે ભારતનો વિકાસદર ઘરેલુ ખપત સાથે જોડાયેલો છે.

ભારતીય બજાર વિશ્વનું સૌથી મોટું મુક્ત બજાર છે, જ્યાં લગભગ દરેક ગુણવત્તા અને ભાવના માલ માટે ગ્રાહક છે.

છેલ્લાં 15 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો દરજ્જો આપનાર મુખ્ય બાબત ઘરેલુ ખપત એટલે કે ઘરઆંગણાની બજારમાં થતી ઘરાકી હતી, જે બે કારણસર ઘટી છે.

એક મંદીની વ્યાપક અસર અને બીજું પ્રમાણમાં ગ્રામીણ અને કૃષિ અર્થતંત્ર ક્ષેત્રે ધીમો વિકાસ.

માગ વધે અને બજારો ધમધમતી થઈ જાય તે હેતુથી નાણામંત્રી આ બજેટમાં શું સૂચવશે તે જોવું રસપ્રદ બનશે.

કારણ કે હાલની પરિસ્થિતિમાં નાણામંત્રીએ મંદી અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ટ્રેડ વૉર તેમજ ઈરાન-અમેરિકા વચ્ચે વધતી જતી તંગદિલીને કારણે મુખ્યત્વે ક્રૂડના ભાવ પર થનાર અસરો જેવા ઘંટીનાં પૈડાં ગળે બાંધીને તરવા પડવાનું છે.

line

હર હાથ કો કામ - રોજગારી માટે શું?

બેરોજગારી

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES/ARUN SHANKAR

જેવી વાત વિકાસની કરીએ તેવી જ વાત રોજગારીની કરવાની રહે. ભારતની સરેરાશ ઉંમર 29 વર્ષ છે, જેને કારણે તે વિશ્વનો સૌથી યુવાન દેશ છે.

અહીં 70 ટકા વસ્તી 35 વર્ષથી નીચેની ઉંમરની છે. આમ એક ખૂબ મોટું વસતી જૂથ નોકરી ઇચ્છુક છે જેમની વય 30થી 35 વર્ષ છે.

આ મોરચે કોઈ સારા સમાચાર નથી. 2017-18 દરમિયાન બેરોજગારીનો દર 6.1 ટકા હતો.

અગાઉ નકાર્યા બાદ આ આંકડા સાચા છે તેવું ભારત સરકારે સ્વીકાર્યુ છે. નેશનલ સ્ટેટસ્ટિકલ કમિશનના જે આંકડા જાહેર થયા હતા તે અનુસાર, ભારતમાં બેરોજગારી છેલ્લાં 45 વર્ષની ચરમસીમાએ પહોંચી છે.

ચિંતાની વાત તો એ છે કે આ રિપોર્ટ અનુસાર, 15થી 21 વર્ષની ઉંમરના ગ્રામીણ યુવાનોમાં બેરોજગારીનો દર જે 2011માં પાંચ ટકા હતો તે 2018માં વધીને 17 ટકા થયો છે.

અર્થવ્યવસ્થા અને રોજગારી બન્ને અત્યંત મુશ્કેલીમાં છે તેનું આ ઉદાહરણ છે.

અર્થવ્યવસ્થાને પુનઃ જીવિત કરવા માટે તેમજ ગ્રામ્ય રોજગારીનું સર્જન કરવા માટે નાણામંત્રી પાસે કયો ઉપાય છે તે જોવું રહ્યું.

શહેરી બેરોજગારીની વાત કરીએ તો 2011માં 15થી 29 વર્ષની ઉંમરના યુવાનોમાં બેરોજગારીનો દર 8 ટકા હતો જે 2017-18માં વધીને 12 ટકા થઈ ગયો.

શહેરોમાં રોજગારીની વણસતી જતી પરિસ્થિતિનું આ સૂચક છે અને આમ છતાં ગામડાં કરતાં શહેરની બેરોજગારીનો દર 2017-18ના વર્ષમાં 5 ટકા જેટલો નીચો છે.

શહેરોમાં આમેય પૂરતી સવલતો નથી. ગામડાંમાંથી શહેરો તરફનું સ્થળાંતર શહેરી બેરોજગારી વધારે તેમજ આંતર માળખાકીય સવલતો તોડી નાખવામાં અને ગુનાખોરી વધારવામાં મહત્ત્વનું પરિબળ સામાન્ય બને.

ગ્રામ્ય અને શહેરી બેરોજગારી સળગતી સમસ્યા બની ચૂકી છે.

આટલું પૂરતું ન હોય તેમ સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના રિપોર્ટ મુજબ, 2018ના એક જ વર્ષમાં 1.09 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે.

શહેરી અને ગ્રામીણ બેરોજગારીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી ચૂકી છે.

એવું કહેવાય છે કે 'Empty mind is a devils' workshop', નોકરી વિનાના હતાશ યુવાનો ભાંગફોડિયા પ્રવૃત્તિ માટે આદર્શ રિક્રૂટમૅન્ટ મટીરિયલ પૂરું પાડે છે.

વિકાસદર ઘટશે, બેરોજગારી વધશે તો પછી મંદીના ચક્કરમાં ફસાયેલા લોકોને બહાર લાવવા માટે શું કરાશે?

line

ટેક્સમાં ઘટાડો કરાશે?

અર્થનીતિ

ઇમેજ સ્રોત, EPA

કૉર્પોરેટ ગૃહો માટે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળતાં જ ટેક્સ 30 ટકા ઘટાડીને 21 ટકા કરી દીધો.

તે જ રીતે ભારતમાં ઓછામાં ઓછો કૉર્પોરેટ ટેક્સ 25 ટકાથી વધારે ન હોય અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ 20 ટકાથી ઘટાડીને 10 ટકા થાય તો ઉદ્યોગોને અને કૉર્પોરેટ હાઉસોને રાહત મળે.

તેમજ તેમની પાસે પડી રહેતી બચત વધતાં નવા રોકાણને વેગ મળે એવી માગણી છે.

વર્ષ 2019માં પીયૂષ ગોયલે રજૂ કરેલા બજેટમાં સીધા કરવેરામાંથી 12 લાખ કરોડ રૂપિયા ગત નાણાકીય વર્ષના છેલ્લા બે મહિનામાં ઘણા નીચા આવી ગયા છે.

આ ઉપરાંત નાણાકીય વર્ષમાં સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ટાર્ગેટને 7.43 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 6.43 લાખ કરોડ રૂપિયા કર્યું હતું.

line

મધ્યમ અને નોકરિયાત વર્ગને રાહતો આપી શકાશે?

  • મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગની અપેક્ષા આ મુજબ છે.
  • હાલની આવકવેરાની મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ તેમજ એડિશનલ સરચાર્જમાં ઘટાડો
  • બૅન્કમાં પોતાની મૂડી પર ઊંચું વ્યાજ
  • વડીલો દ્વારા બૅન્કમાં મુકાયેલી થાપણો ઉપર કલમ 80સી હેઠળ બે લાખ સુધીનું વળતર
  • શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ પર બે લાખ સુધી કર રાહત
  • પેન્શનર્સનું સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 50 હજાર અને સિનિયર સિટીઝન ડિપૉઝિટ પર 10 ટકાના દરે વ્યાજ
line

સીધા અને આડકતરા વેરાની આવકમાં ઘટાડો

બેરોજગારી

છેલ્લા અહેવાલ પ્રમાણે સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇન ડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ (CBIC) જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો વહીવટ કરે છે, તે નાણામંત્રીને 2019-20 માટે પોતાનો લક્ષ્યાંક ઘટાડવા કહી રહ્યું છે એવો અહેવાલ છે.

પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કરતા 2019-20 માટે અંદાજ 13.71 લાખ કરોડ રૂપિયાનો મૂક્યો હતો જે ઘણો મહત્ત્વાકાંક્ષી હોવાનો સંબંધિત વિભાગ માને છે.

આ લક્ષ્યાંક મુજબ મહિને સરેરાશ 1.14 લાખ કરોડ ભેગા કરવાના થાય.

2018-19માં અંદાજ 7.44 લાખ કરોડનો મૂકવામાં આવ્યો હતો જે વાસ્તવિક પરિસ્થિતિ જોતા એક લાખ કરોડ ઘટાડી 6.44 લાખ કરોડનો કરવો પડ્યો હતો.

આમ છતાં સેન્ટ્રલ જીએસટીની આવક 5.04 લાખ કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)ની આવક રૂપિયા 50 હજાર કરોડ થઈ છે.

એ જોતા ઘટાડેલા અંદાજ 6.44 લાખ કરોડનો હતો તેનાથી પણ 2018-19માં ઓછી 5.54 લાખ કરોડ જેટલી જ આવક થઈ છે.

આ સંજોગમાં 2018-19 કરતાં બમણાથી પણ વધારે એવો 13.71 લાખ કરોડનો જીએસટીનો લક્ષ્યાંક જે પીયૂષ ગોયલે વચગાળાના બજેટમાં મૂક્યો હતો, તે સિદ્ધ ન થાય અને ખાસ્સી એવી ખાધ પડે તેવી પરિસ્થિતિ છે.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ એટલે કે CBDT સીધા કરવેરા/પ્રત્યક્ષ કરવેરાના કિસ્સામાં પણ હરખાઈ જવાય તેવું નથી.

31 માર્ચ, 2019ના રોજ પૂરા થતા 2018-19ના નવા વર્ષ માટેનો લક્ષ્યાંક 12 લાખ કરોડ રૂપિયા હતો. તેની સામે 23 માર્ચ સુધીમાં 10.21 લાખ કરોડની જ વસૂલાત થઈ છે.

નાણા મંત્રાલયને એવી આશા હતી કે આ વસૂલી ટાર્ગેટ કરતાં ઊંચી રહેશે અને તેને પરિણામે આડકતરા વેરાની વસૂલીની તૂટ ભરપાઈ થઈ શકે છે.

પરંતુ હવે સીધા તેમજ આડકતરા બન્ને વેરાની વસૂલી સુધારેલા અંદાજ કરતાં પણ નીચી હોવાની શક્યતા હોવાથી 2018-19ના વર્ષના અંતે ફિસકલ ડેફિસિટ એટલે (રાજકોષીય ખાદ્ય) 3.4 ટકા સુધી સીમિત રાખી શકાય તેવી શક્યતા ધૂંધળી બની છે.

line

ગ્રામ્ય અને શહેરી અર્થવ્યવસ્થા માટે ઉપાયો

મંદી

ઇમેજ સ્રોત, Reuters

સામાન્ય રીતે ઉત્પાદનમાં તેમજ વપરાશમાં વૃદ્ધિ અને કૃષિ ઉત્પાદનમાં ધાર્યો વધારો રહે તો જ ગ્રામ્ય અને શહેરી અર્થવ્યવસ્થા ધબકતી રહે.

આવું થાય તો વપરાશ વધે અને સરકારને કરવેરાની રાહત વધારે થાય જેનો ઉપયોગ ગૃહનિર્માણ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોનાં ઉત્થાન માટેની કલ્યાણ યોજના વગેરેમાં થઈ શકે.

ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનનો ભારતના અર્થતંત્રમાં 60 ટકા જેટલો ફાળો છે. જો તે વધે તો સર્વિસ સૅક્ટરમાં તેજી જોવા મળે.

હાલની પરિસ્થિતિ વિપરીત છે. ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી સહેજ ઓછું રહેશે એવો અંદેશો છે.

ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રે તેમજ તેને સંલગ્ન નાણાં સંસ્થાઓ ક્ષેત્રે મંદી પ્રવર્તે છે ત્યારે નાણામંત્રીએ સીધા અને આડકતરા કરવેરામાંથી થનાર આવક વધારવા માટે કુનેહપૂર્વક ક્યાંક ને ક્યાંક વેરા વધારવા પડશે.

બીજી બાજુ જંગી બહુમતી સાથે ચૂંટાઈને સત્તાના સૂત્રો હાંસલ કરનાર નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે સામાજિક વિકાસ તેમજ પછાત વર્ગોના કલ્યાણ માટેની યોજનાઓ ચાલુ રાખવી પડશે.

આ ઉપરાંત આયુષ્યમાન ભારતથી માંડીને ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની યોજના ઉપરાંત સમાજના નબળા વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ વગેરે... આવું ઘણું બધું નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે 'લાવ-લાવ' કરતું ઊભું છે.

ગમે તેટલી ઇચ્છા અને ઉદાર દિલ હોય તો પણ નાણામંત્રી પાસે હાલની પરિસ્થિતિમાં આવકમાં ધરખમ વધારો કરવાની ખૂબ મર્યાદિત તકો છે અને એટલે નાણામંત્રી સામેનો મોટો પડકાર લગભગ આઈસીયૂમાં પહોંચી ગયેલ ભારતીય અર્થવ્યવસ્થાને ફુગાવો ન વધે તે રીતે બેઠી કરવાનો રહેશે.

આ સ્થિતિમાં આ બજેટમાં કેટલીક લોકરંજક જાહેરાતો હોઈ શકે પણ વધારાનાં નાણાં ઊભાં કરવા માટેના કડવા ડોઝ સિવાય નિર્મલા સીતારમણના હાથમાં કોઈ વિકલ્પ દેખાતો નથી.

આંતર માળખાકીય ક્ષેત્રે પણ રોકાણ ઘટાડી શકાય તેવી શક્યતા નથી.

આ માટે થોડાં ઘણાં નાણાં તો કદાચ ડિસઇન્વેસ્ટમૅન્ટથી ઊભાં કરી શકાય પણ એટલાથી પત્તો નહીં ખાય.

બે મોટા સ્રોત છે વિદેશમાં જતું કાળું નાણું અને રિઝર્વ બૅન્ક પાસેથી આવક અને જાવકના બે છેડા મેળવવા મુશ્કેલ દેખાય છે.

ફિસ્કલ ડેફિસિટ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ કઈ રીતે કાબૂમાં રખાશે?

નાણાકીય સાધનો ઊભાં કરવા માટેની નાનામાં નાની તક પણ નાણામંત્રી જતી કરી શકે તેમ નથી.

આ જોતા તાજેતરમાં જ જાહેર થયેલી માહિતી મુજબ 2010 સુધીમાં 490 અબજ ડૉલર જેટલું કાળું નાણું ભારતીય વ્યક્તિઓનું વિદેશમાં છુપાયેલું પડ્યું છે.

આ આંકડો માત્ર 2010 સુધીનો છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પૉલિસી ઍન્ડ ફાઇનાન્સ (NIPPF)ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ માત્ર 1997થી 2009 દરમિયાન દેશના ઘરેલુ ઉત્પાદનના 0.2 ટકાથી લઈને 7.4 ટકા સુધીનું કાળું નાણું વિદેશ મોકલવામાં આવ્યું હોવાનો અંદાજ છે.

વિદેશમાં પડેલું કાળું નાણું દેશમાં કેવી રીતે ખેંચી લાવવું તે બાબતે કોઈ નીતિવિષયક જાહેરાત અંદાજપત્રમાં થઈ શકે છે.

આ જ રીતે ખૂબ મોટી રકમ જમીનોની લે-વેચમાં પણ કાળાં નાણાં તરીકે તબદીલ થતી હોય છે.

આ અંગે નાણામંત્રીએ કોઈ નક્કર પગલાં કે કરવેરાની દરખાસ્ત લઈને આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

બીજો એક મોટો જેકપૉટ નાણામંત્રીને મળે તે આરબીઆઈ પાસેથી ઉપલબ્ધ થનાર 3 લાખ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો છે.

નાણા મંત્રાલયનો સતત એવો મત રહ્યો છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા જાળવવામાં આવતી કુલ અસ્કયામતોના 28 ટકા જેટલું બફર જાળવી રાખવી એ વૈશ્વિક 14 ટકા જેટલી બફર કરતાં ઘણી વધુ છે.

જાપાનીઝ બ્રૉકિંગ જાયન્ટ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનું ૩ લાખ કરોડ રૂપિયાનું વધારાનું ફંડ નાણા મંત્રાલયને ઉપલબ્ધ બને, તો નિર્મલા સીતારમણને ઘણી રાહત થાય.

છતાં પણ નિર્મલા સીતારમણને પોતાના પહેલા બજેટમાં મનેકમને પણ વધારાના ભારણનો કડવો બોજ સીધી અથવા આડકતરી રીતે પ્રજા પર નાખવો પડશે.

આ બોજ કેટલી કુશળતાથી તેઓ નાખી શકે છે અને માંદગીના બિછાને પડેલી અર્થવ્યવસ્થાને બેઠી કરી શકે છે તેના પર આવનાર વરસોની જીડીપી વિકાસદરની વૃદ્ધિગાથાનો પાયો નંખાશે.

આ કામ કોઈ રીતે સરળ નથી જ અને એટલે ગુડ લક નિર્મલા સીતારામણ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો