શું નરેન્દ્ર મોદીની સરકાર દેશનો આર્થિક વિકાસદર વધારીને રજૂ કરી રહી છે?

હાથમાં પૈસા પકડીને બેસેલો વ્યક્તિ

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, સમીર હાશમી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે બની શકે કે ભારત પોતાના આર્થિક વૃદ્ધિદરને વધારીને રજૂ કરી રહ્યુ હોય.

ભારતના એક અખબારમાં લખેલાં લેખમાં સુબ્રમણ્યમે કહ્યું કે રિસર્ચ કહે છે કે ભારતે આર્થિક વૃદ્ધિની મોજણીની પદ્ધતિને બદલી નાખી છે જેના કારણે જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન)નો દર વાસ્તવિક દરથી 2.5 ટકા જેટલો વધારે નોંધાયો છે.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકારોનાં જૂથે સુબ્રમણ્યમના આ નિષ્કર્ષને રદ કર્યો છે અને કહ્યું છે કે તે તેમના દાવાનો "પૉઇન્ટ ટૂ પૉઇન્ટ" જવાબ આપશે.

પરંતુ આ છત્તાં સુબ્રમણ્યમની વાતોએ ભારતના આર્થિક વૃદ્ધિના દાવાની વિશ્વસનીયતા પર ફરી એક વાર સવાલ ઊભા જરૂર કર્યા છે.

વર્ષ 2018 સુધી ભારતને દુનિયાની સૌથી ઝડપી વિક્સિત થતી અર્થવ્યવસ્થા માનવામાં આવતી હતી.

પરંતુ કેટલાંય નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં આર્થિક વિકાસ માપવાની કોઈ યોગ્ય પદ્ધતિ નથી અને આનાથી અર્થવ્યવસ્થાની ચોક્કસ સ્થિતિની ખબર પડતી નથી.

line

કેવી રીતે છેડાયો વિવાદ?

અરવિંદ સુબ્રમણ્યમ

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2015માં ભારતે જીડીપીની ગણતરીની પદ્ધતિ બદલી હતી. આમાં એક મોટું પરિવર્તન એ કરવામાં આવ્યું કે જીડીપી બજાર કિંમતના સ્થાને આધાર મૂલ્ય કિંમત દ્વારા માપવામાં આવવા લાગી.

સીધી ભાષામાં કહીએ તો પહેલાં જીડીપી જથ્થાબંધ કિંમતના આધારે નક્કી થતી હતી અને હવે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ એટલે ગ્રાહક દ્વારા ચુકવવામાં આવેલી બજાર કિંમતથી નક્કી કરવામાં આવે છે.

આ સિવાય ત્રીમાસિક અને વાર્ષિક વૃદ્ધિના આંકડાંની ગણતરી માટે 'બેઝ ઈયર' (આધાર વર્ષ) પણ 2004-05થી બદલીને 2011-12 કરવામાં આવ્યું હતું.

આ પછીથી જીડીપીની ગણતરીનો આ રસ્તો ઘણાં બધાં અર્થશાસ્ત્રીઓની નજરે ચડી ગયો.

અરવિંદ સુબ્રમણ્યમે એક વાર ફરી જીડીપીની ગણતરીની પદ્ધતિ પર ચર્ચા છેડી દીધી છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2011-12 અને 2016-17માં આર્થિક વૃદ્ધિ દરને વધારીને રજૂ કરવામાં આવ્યો હતો.

અધિકૃત અનુમાન મુજબ આ સમયમાં આર્થિક વિકાસ દર 7 ટકા જેટલો રહ્યો છે જ્યારે સુબ્રમણ્યમ માને છે કે આ દરમિયાન વૃદ્ધિનો દર 4.5 ટકા લગભગ રહ્યો છે.

સુબ્રમણ્યમનો આ દાવો તેમના પોતાના સંશોધનના આધાર પર છે જે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના 'સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમૅન્ટ'માં છાપવામાં આવ્યો હતો.

વર્ષ 2015થી એટલે જીડીપીની ગણતરીના નવા માપદંડ લાગુ કરવામાં આવ્યા તે પછી એક-એક કરીને કેટલાંય નિષ્ણાંતોએ મોદી સરકારમાં આર્થિક વૃદ્ધિ દરના આંકડાંઓ પર સવાલ ઉભા કર્યા છે.

મોદી સરકારમાં ઊંચો અને ઝડપી આર્થિક વિકાસ દર હોવા છત્તાં વર્ષ 2017-18ની વચ્ચે ભારતમાં બેરોજગારીનો દર ગત 45 વર્ષમાં સૌથી વધારે રહ્યો.

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ બેરોજગારીના ઉંચા દરને જોઈને આર્થિક વૃદ્ધિના સકારાત્મક આંકડાં પર શંકા વ્યક્ત કરી છે.

line

ભારત સરકાર શું કહે છે ?

નીતિ આયોગની મીટિંગની તસવીર

ઇમેજ સ્રોત, @RAJIVKUMAR

ઇમેજ કૅપ્શન, નીતિ આયોગની મીટિંગની તસવીર

ભારત સરકારે જીડીપીની ગણતરીની નવી રીતનો બચાવ કર્યો છે. ભારતના આંકડાંશાસ્ત્ર ખાતાએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે, "ભારત પોતાની અર્થવ્યવસ્થામાં વિવિધ ક્ષેત્રોના યોગદાનનો નિષ્પક્ષ રીતે સામેલ કરે છે. ભારતની જીડીપની ગણતરી માન્ય અને સ્વીકૃત રીતે થાય છે."

આ પહેલીવાર નથી કે જ્યારે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલાં આંકડાં પર સવાલ ઉભા કરવામાં આવ્યા હોય.

આંકડાં ખાતા દ્વારા એક સંશોધનમાં મેળવવામાં આવ્યું કે જૂન 2016 પૂર્ણ થતાં નાણા વર્ષમાં જે કંપનીઓના ડેટાબેસનો ઉપયોગ જીડીપીની ગણતરી માટે કરવામાં આવ્યો હતો તેમાંથી 36 ટકા કંપનીઓને ટ્રેસ કરી ન શકાઈ.

સરકારો પોતે જ સ્વીકાર કર્યો છે કે તેના પોતે આંકડાંઓને એકઠા કરવાની રીતમાં કેટલીક ઉણપ છે.

line

આની ભારત પર શું અસર પડશે ?

બેરોજગારીની તસવીર
ઇમેજ કૅપ્શન, દેશમાં બેરોજગારી 45 વર્ષેમાં સૌથી વધારે વધી છે.

અરવિંદ સુબ્રમણ્યમે ભારતના જીડીપીની ગણતરી માટે સ્વતંત્ર નિષ્ણાંતોની એક સમિતિ બનાવવાની જરૂરિયાતને દર્શાવી છે જેમાં ભારતીય અને વિદેશી અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય.

આ મોદી સરકારને સૌથી મોટો જટકો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી વાર ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા છે.

પરંતુ તેમની પર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાં દબાણ છે.

ભારત સરકારના અધિકૃત આંકડાં પ્રમાણે ભારત હવે સૌથી ઝડપથી વિક્સિત અર્થવ્યવસ્થા રહી નથી.

ભારતની આ જગ્યા હવે ચીને લઈ લીધી છે કારણ કે ભારતનો આજનો આર્થિક વૃદ્ધિ દર ગત પાંચ વર્ષોમાં સૌથી ઓછો રહ્યો છે.

આ બધાથી માત્ર ભારતની છબીને ધક્કો લાગતો નથી પરંતુ આનાથી એ પણ ખબર પડે છે કે ગત કેટલાંક વર્ષોમાં લાગુ કરવામાં આવેલી આર્થિક નીતિઓએ કેવી રીતે દેશની અર્થવ્યવસ્થાની ખોટી છબી સામે રાખીને આર્થિક વિકાસને નુકશાન પહોંચાડ્યું છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો, ભારતે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વ્યાજના દર ઊંચા રાખ્યાં પરંતુ આનાથી વેપાર વધારવામાં હેરાનગતિ થવા લાગી.

આનાથી વેપારીઓને ઊંચા વ્યાજદરે ખરીદવા માટે મજબૂર થવું પડ્યું અને આ બધાની વચ્ચે હાલત વધારે ખરાબ કરી બેંકોની પરત ન મળેલી ભારે ભરખમ દેવાવાળી રકમોએ.

પરિણામ એ આવ્યું કે લથડી ગયેલી અર્થવ્યવસ્થાને ઝડપ આપવા માટે ભારતીય રિઝર્વ બેંકને આ વર્ષે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટડો કરવો પડ્યો.

નોકરીઓમાં ઘટાડો અને કૃષિ સંકટ ભારતીય અર્થવ્યવસ્થાની સામે બે સૌથી મોટાં પ્રશ્નો છે.

line

ઝડપથી કાર્યવાહીની જરૂરિયાત

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

જાણકારોનું કહેવું છે કે ભારતની સામે અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા સિવાય, આંકડાં ભેગા કરવા અને આંકડાંની વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂરિયાત છે જેથી નીતિઓનું યોગ્ય વિશલેષણ થઈ શકે.

ભારત સરકારે પણ કહ્યું છે કે તે આંકડાં એકઠા કરવાની આધુનિક પદ્ધતિઓને લાગુ કરવા માટે વિશ્વ બેંકની સાથે મળીને કામ કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર ઉભા કરવા અને રોકાણને આકર્ષવા માટે યોજનાઓ પર કામ કરવા માટે વિવિધ સમિતિઓનું નિર્માણ કર્યું છે.

અરવિંદ સુબ્રમણ્યમનું માનવું છે કે દેશ નબળી પડતી અર્થવ્યવસ્થાને સુધારવા માટે સરકારે ઝડપથી કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો