ભારત હવે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર નથી રહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતનો આર્થિક વિકાસદર છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નબળા સ્તરે પહોંચી ગયો છે.
મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગામ ઇમ્પ્લિમેન્ટેશને જાહેર કરેલા અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લાં 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી વર્ષ 2017-18માં જોવા મળી હતી. આ વર્ષમાં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો.
ગત નાણાકીય વર્ષમાં એપ્રિલ-2018થી માર્ચ 2019 દરમિયાન આર્થિક વિકાસદર 6.8% નોંધાયો હતો.
જ્યારે જાન્યુઆરી અને માર્ચના ત્રિમાસિક ગાળામાં વિકાસદર માત્ર 5.8% જ નોંધાયો. જેને પગલે ગત બે વર્ષમાં પ્રથમ વખત ચીન ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ભારતથી આગળ નીકળી ગયું.
આનો સ્પષ્ટ મતલબ એ છે કે ભારત હવે દુનિયામાં ઝડપથી વિકસતું અર્થતંત્ર નથી રહ્યું.
મંત્રાલયના રિપોર્ટ મુજબ ચોંકાવનારી વાત એ છે કે રોજગારી મેળવવા યોગ્ય 7.8 ટકા શહેરી યુવાનો પાસે નોકરી જ નથી.
એ જ રીતે ગ્રામીણ મહિલાઓની વાત કરવામાં આવે તો બેરોજગારીનો દર 5.7 ટકા છે.
જોકે, સરકારે બેરોજગારી દરના તુલનાત્મક આંકડાઓ રજૂ કરવાની ના પાડી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નોકરીઓ ક્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના અર્થતંત્રની હાલની સ્થિતિને જોતા નવાં નાણામંત્રી નિર્મલા સીતારમણ માટે આ બાબત ખૂબ જ પડકારજનક હશે.
જાણીતાં અર્થશાસ્ત્રી ધર્મકીર્તિ જોષી કહે છે, "ટૂંકા ગાળા અને લાંબા ગાળાની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે."
જોષીનું કહેવું છે કે સરકારે વધુ રોજગારી માટે શ્રમ ક્ષેત્રના માળખામાં આવતા કન્સ્ટ્રક્શન અને ટેક્સટાઇલ પર વધુ ધ્યાન આપવું પડશે.
જોષી ઉમેરે છે, "સરકારે લાંબા ગાળા માટે રોજગારી પેદા કરવા સ્વાસ્થ્ય સેવાને લગતા ઉદ્યોગ પર પણ ધ્યાન આપવું પડશે."

ધીમું પડતું અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images
જીડીપીના નવા આંકડા બતાવે છે કે ભારતીય અંર્થતંત્ર ધીમું પડી રહ્યું છે.
છેલ્લાં 15 વર્ષમાં ભારતના અર્થતંત્રનો વિકાસદર ઘરગથ્થુ ખપતને આભારી હતો.
પરંતુ લેટેસ્ટ આંકડા બતાવે છે કે આ ખપતમાં ઘટાડો થઈ રહ્યો છે.
ઑટોમોબાઇલ ક્ષેત્રમાં કાર અને એસયૂવીનું વેચાણ છેલ્લાં સાત વર્ષમાં સૌથી ઓછું છે.
આ સાથે જ મોટરબાઇક, ટ્રેક્ટરનું વેચાણ પણ ઘટ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












