નરેન્દ્ર મોદીની શાંઘાઈ કો-ઑપરેશનની બેઠક ભારત માટે કેમ મહત્ત્વની છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉક્ટર સ્વર્ણ સિંહ
- પદ, પ્રોફેસર, જેએનયુ, બીબીસી ગુજરાતી માટે
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની ગણના આજે દુનિયામાં એક ખૂબ જ પ્રભાવી, શકિતશાળી અને કુશળ ક્ષેત્ર સંગઠન તરીકે થાય છે.
આના શિખર સંમેલનમાં ઓછામાં ઓછા 20 દેશોના વડાઓ અને ત્રણ બહુરાષ્ટ્રીય કંપનીના પ્રતિનિધિઓ ભાગ લે છે.
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થઈ રહેલું આ સંમેલન ભારત અને ચીન માટે અનેક રીતે મહત્ત્વનું છે.
એસસીઓનાં આઠ સભ્ય દેશોમાં કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન છે.
આ સિવાય ચાર નિરીક્ષક દેશ અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મોંગોલિયા છે.
છ સંવાદ સહયોગી આર્મેનિયા, આઝરબૈજાન, કંબોડિયા, નેપાળ, શ્રીલંકા અને તુર્કી છે.
શિખર સંમેલનમાં આ સિવાય બહુરાષ્ટ્રીય સંસ્થાનો જેવાં કે આસિયાન, સંયુક્ત રાષ્ટ્ર અને સીઆઈએસના કેટલાક પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવે છે.

ઊર્જા મોટો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
એસસીઓ ખૂબ વધારે સભ્યો ધરાવતું સંગઠન છે. ચીન અને ભારત સહિત વિશ્વની અનેક વિકસી રહેલી અર્થવ્યવસ્થાઓ તેનો હિસ્સો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, 1996માં જ્યારે શાંઘાઈ ઇનિશિએટિવ તરીકે આની શરૂઆત કરવામાં આવી ત્યારે તેનો હેતુ રશિયા અને ચીનના સરહદે આવેલા મધ્ય એશિયાના નવા આઝાદ થયેલા દેશના સરહદી તણાવને ઘટાડવાનો અને ધીરે-ધીરે આ સરહદોને સુધારી અને યોગ્ય સરહદોને નક્કી કરવામાં આવે તેવો હતો.
આ ઉદ્દેશ્યને માત્ર ત્રણ વર્ષમાં જ પૂરો કરવામાં આવ્યો હતો. આના કારણે આને ઘણું પ્રભાવશાળી સંગઠન માનવામાં આવે છે.
પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કર્યા પછી ઉઝબેકિસ્તાનને સંગઠનમાં જોડવામાં આવ્યું અને 2001થી એક નવી સંસ્થાની જેમ શાંઘાઈ કૉ-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવી.
વર્ષ 2001માં નવા સંગઠનના ઉદ્દેશ્ય બદલાઇ ગયા. હવે તેમનો મુખ્ય હેતુ ઊર્જાની ખોટ સાથે જોડાયેલાં મુદ્દા ઉપર ધ્યાન આપવાનો અને આતંકવાદની સામે લડવાનો બની ગયો.
આ બંને મુદ્દાઓ આજ સુધી યથાવત્ છે. શિખર મંત્રણામાં સતત આની પર ચર્ચા થાય છે.
ગત વર્ષે શિખર સંમેલનમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે આતંકવાદની સામે લડવા માટે ત્રણ વર્ષનો એક્શન પ્લાન બનાવવામાં આવે.
નિષ્ણાતોનું માનીએ તો આ વખતના શિખર સંમેલનમાં ઊર્જાનો મુદ્દો વધારે બહાર આવશે.

ચીનની ચિંતા

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાએ ઈરાન અને વેનેઝુએલા પર આર્થિક પ્રતિબંધો લાદેલા છે. આ બેઉ દુનિયામાં તેલ પુરું પાડનારા ત્રીજા અને ચોથા ક્રમના સૌથી મોટા દેશો છે.
ભારત અને ચીન બેઉ માટે આ દેશોમાંથી થનારી તેલની આયાત મહત્ત્વની છે.
અમેરિકાના આર્થિક પ્રતિબંધોને લીધે ચીન અને ભારતમાં આયાત બંધ છે.
મને લાગે છે કે અમેરિકાના પ્રતિબંધોનો મુદ્દો કેવી રીતે ઉકેલવામાં આવે અને ઈરાન અને વેનેઝુએલા તેલની નિકાસ ફરી કેવી રીતે શરૂ કરી શકે તે બાબતે શિખર વાર્તામાં વિચાર થશે.
ચીન આ સંગઠનનું ખાસ સભ્ય છે એટલે શિખર વાર્તામાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપારયુદ્ધ બાબતે પણ કંઈક વાતચીત થશે.
ચીનથી નિકાસ થનારી વસ્તુઓ પર કર વધારવામાં આવી રહ્યો છે અને આનાથી અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા પર આની અસર થવાની સંભાવના છે.
અનેક સંસ્થાઓએ દુનિયાની અર્થવ્યવસ્થા પર અસરોની વાત કરી છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ વેપારયુદ્ધને લીધે આવતા વર્ષે દુનિયાની અર્થવ્યવસ્થામાં પાંચસો અરબ ડૉલરનો ઘટાડો આવી શકે છે.

ઈમરાન ખાનને ન મળ્યા મોદી

ઇમેજ સ્રોત, MEA/India
શિખર વાર્તા દરમિયાન અનેક દ્વિપક્ષીય વાતચીત પણ થતી હોય છે. જેમ કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત.
આનાથી પણ મોટી ખબર એ છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની સતત કોશિશ છતાં નરેન્દ્ર મોદી એમની સાથે ઔપચારિક વાતચીત નથી કરી.
મને લાગે છે કે ઉગ્રવાદને લઈને ભારતનું કડક વલણ ચાલું રહેશે.
ભારતના વડા પ્રધાનનો પ્રયત્ન એ પણ હશે કે આતંકવાદને લઈને પોતાના મજબૂત વલણને શાંઘાઈ સંગઠન એટલે એસસીઓના તમામ નેતાઓનું સમર્થન પણ મળે.
આ એજ સૌથી મોટું કારણ છે કે આ શિખર સંમેલન ભારત માટે ઘણું મહત્ત્વનું રહેશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














