વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર કે કચ્છમાં પૂર આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હતું, પરંતુ 13 જૂનના રોજ તેની દિશા બદલાતા મોટો ખતરો ટળ્યો છે.
હવામાન વિભાગે 13 તારીખની સવારે જણાવ્યું હતું કે વાવાઝોડું ગુજરાત પર નહીં ત્રાટકે અને તે ગુજરાત પાસેથી માત્ર પસાર થશે.
જોકે, વાવાઝોડાની અસરને લીધે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વરસાદના સમાચાર મળ્યા છે.
ત્યારે હવામાનની આગામી પરિસ્થિતિ વિશે શું કહેવું છે SANDRP (સાઉથ એશિયા નેટવર્ક ઓન ડૅમ્સ, રિવર્સ એન્ડ પીપલ)ના કો-ઑર્ડિનેટર હિમાંશુ ઠક્કરનું, વાંચો અહીં.


ઇમેજ સ્રોત, Ventusky.com/sandrp.in
જે મૅપ દર્શાવાઈ રહ્યો છે તેનાથી એ સ્પષ્ટ છે કે દરિયાકિનારા નજીક આવેલા સૌરાષ્ટ્રના જે જિલ્લા છે, ત્યાં આશરે 48 કલાક સુધી વાદળોની ગાઢ અસર રહેશે.
એ 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં વરસાદ પડે, તો તેનાથી કદાચ પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે.
આ સિવાય કચ્છમાં પણ 48 કલાક સુધી અને દક્ષિણ રાજસ્થાનમાં 30-40 કલાક સુધી વાદળ મંડરાયેલાં રહેશે.
IMDએ 13 જૂનના રોજ ચેતવણી જાહેર કરી હતી કે 13 અને 14 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ જૂન મહિનાની 15, 16, અને 17 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને રાજસ્થાન પર ખતરો નહીં રહે.


જોકે, આ તરફ જો ventusky.com વેબસાઇટને જોવામાં આવે તો ત્યાં અલગ તસવીર જોવા મળે છે.
વેબસાઇટના આધારે વાયુ વાવાઝોડાના કારણે ભેજ ધરાવતા પવનના કારણે સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર, કચ્છ અને દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે અને આ વરસાદ 18 જૂન સુધી પડી શકે છે.
આ વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તકેદારી રાખવાની વાત કરીએ તો તેમાં લોકોનું સ્થળાંતર કરવું જોઈએ.
સમુદ્ર કિનારે વસતા, શહેરી ઝૂંપડપટ્ટીમાં રહેતા અને જે લોકો અસુરક્ષિત ઘરોમાં વસે છે તેમને સુરક્ષિત સ્થળો પર લઈ જવા જોઈએ.


ઇમેજ સ્રોત, Getty Images
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ રાજસ્થાન એવા વિસ્તાર છે કે જ્યાં સામાન્યપણે વરસાદ ખૂબ ઓછો પડે છે. પરંતુ હાલ જે વાદળ બંધાયાં છે તેમાં ભેજ અને પાણી ખૂબ છે. કારણ કે આસપાસના વાતાવરણમાં જેટલો પણ ભેજ છે તે લૉ પ્રેશરમાં શોષાઈ જાય છે.
તેના કારણે ભારતમાં વરસાદની પ્રોગ્રેસ પણ અટકી ગઈ છે. IMDએ પણ કહ્યું છે કે ચોમાસું આગળ વધતું એટલા માટે અટકી ગયું છે કેમ કે ચોમાસા માટે જે ભેજ હતો, તે બધો આ વાવાઝોડાએ શોષી લીધો છે.
48 કલાક સુધી જો ખૂબ જ ભેજ ધરાવતાં વાદળો એક વિસ્તારમાં રહે અને એ વિસ્તારમાં જ્યાં સામાન્યપણે વરસાદ ખૂબ ઓછો હોય, ત્યારે પૂર આવવાની સંભાવના વધી જાય છે.

શું વાવાઝોડાના કારણે વરસાદમાં ઘટ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
વરસાદની ઘટ મામલે અત્યાર સુધી તો કોઈ માહિતી મળી નથી. ચોમાસાની તો હજુ શરૂઆત થઈ છે.
એ જોવું મહત્ત્વપૂર્ણ રહેશે કે આ વાવાઝોડાથી કેટલો વરસાદ પડશે.
જો કદાચ ખૂબ વધારે વરસાદ પડે તો જ્યાં સામાન્યપણે ઓછો વરસાદ પડે છે, ત્યાં તો કમ સે કમ પાણીની અછત ઊભી નહીં થાય. જોકે, આ અંગે વધારે કંઈ કહી શકાતું નથી.
IMDએ કહ્યું છે કે વાવાઝોડાના કારણે ચોમાસા પ્રગતિ તો રોકાઈ ગઈ છે, એટલે સમગ્ર ભારતમાં વરસાદ તો લંબાઈ જ ગયો છે.
વરસાદ કેટલો લંબાશે, ગુજરાતમાં કેટલા લાંબા સમય સુધી લંબાશે, તે કહેવું અત્યારે અઘરું છે.
છેલ્લા 24 કલાક એટલે કે 13 તારીખે સવારે 8.30 કલાક સુધી વરસાદ પડ્યો, તેના આંકડા હાલ ઉપલબ્ધ છે.
તે આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં એ 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડ્યો છે.
સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ઘણો વરસાદ પડ્યો છે. આ વરસાદને વાવાઝોડાની અસર કહી શકાય છે.

પૂરની સ્થિતિ શું રહેશે?

ઇમેજ સ્રોત, Yashpalsinh Chauhan
સેન્ટર વોટર કમિશનની પૂરની ભવિષ્યવાણી કરતી વેબસાઇટ કે જે ભારતમાં પૂરની આગાહી કરતી એકમાત્ર વેબસાઇટ છે, તેણે સૌરાષ્ટ્ર કે કચ્છમાં પૂરની આગાહી આપી નથી.
આ તરફ વાતાવરણ અંગે આગાહી કરતી ખાનગી કંપનીએ જે માહિતી આપી છે તેના આધારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે અને સાથે તિવ્ર ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.
અમરેલી, ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દ્વારકા જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.
જોકે, વાયુ વાવાઝોડું સમુદ્રમાં સમાતા બે દિવસ લાગી શકે છે.
આ પ્રક્રિયા દરમિયાન કરાંચીમાં પણ 13 અને 14 જૂનના રોજ ભારે વરસાદ પડી શકે છે. પરંતુ 14 તારીખથી ગુજરાતમાં વરસાદ ઓછો થઈ જશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે.
ventusky.com વેબસાઇટના આધારે ગુજરાતમાં પૂરનો ખતરો તો છે.
આ વિસ્તારોમાં વરસાદનો લોકો આવકાર કરે છે, પરંતુ નુકસાનકારક પૂર તો અહીં ન જ આવવો જોઈએ. જોકે આ બધાની વચ્ચે લોકોને આશા છે કે પૂરની આગાહી કરતી સિસ્ટમ વધારે ચોક્કસ અને એડવાન્સ બને.
(બીબીસી ગુજરાતીનાં મહેઝબીન સૈયદ સાથે SANDRPના કૉ-ઓર્ડિનેટર હિમાંશુ ઠક્કરસાથેની વાતચીતના આધારે)
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












