શું મમતા બેનરજી ધર્મના રાજકારણને ઉશ્કેરી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કીર્તિ દૂબે
- પદ, બીબીસી સંવાદદાતા
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે તેઓ 15 જૂનના રોજ યોજાનારી નીતિ પંચની બેઠકમાં ભાગ નહીં લે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે કે જેમાં દેશના દરેક રાજ્યોનાં મુખ્ય મંત્રી, કેન્દ્ર શાસિત રાજ્યોના લેફ્ટનન્ટ ગવર્નર સહિત કૅબિનેટ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.
નવી મોદી સરકારની આ પહેલી નીતિ પંચની બેઠક છે જેમાં જળ સંકટ અને કૃષિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.
પરંતુ મમતા બેનરજીએ એમ કહીને આ બેઠકમાં હાજરી આપવાથી ઇન્કાર કરી દીધો છે કે આ બેઠક તેમનાં માટે 'નિરર્થક' છે.
બેનરજીએ કહ્યું, "નીતિ પંચ પાસે ન તો કોઈ નાણાંકીય શક્તિઓ છે અને ન રાજ્યની યોજનાઓમાં મદદ માટે તેમની પાસે શક્તિ છે."
"તેવામાં કોઈ પણ પ્રકારની નાણાંકીય શક્તિઓથી વંચિત સંસ્થાની બેઠકમાં સામેલ થવું મારા માટે ફાલતુ છે."
મમતા બેનરજી 30 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કૅબિનેટના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહ્યાં ન હતાં.

મમતા બેનરજીનો ઉદ્દેશ શું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલ પર બંગાળના વરિષ્ઠ પત્રકાર નિર્મલ્યા મુખરજી કહે છે, "એક વાત એકદમ સ્પષ્ટ છે કે મમતા બેનરજી એક રાજનેતા એવા રાજનેતા છે, કે જેઓ ક્યારેય આર્થિક ઍજન્ડાને સામે રાખતાં નથી."
"તેનું સૌથી મોટું પ્રમાણ એ છે કે તેઓ જ્યારથી રાજ્યનાં મુખ્ય મંત્રી બન્યાં છે, ત્યારથી અત્યાર સુધી ક્યારેય ચેમ્બર ઑફ કૉમર્સની એક પણ બેઠકમાં સામેલ થયાં નથી."
"ઇન્ડસ્ટ્રિયલ અને આર્થિક મામલા સાથે જોડાયેલા ઍજન્ડાવાળી બેઠક યોજાય છે તેની સાથે પણ મમતા બેનરજીનાં કોઈ લેવા-દેવા હોતા નથી."
"બંગાળમાં કેન્દ્રની 67 યોજનાઓ હતી અને તેને ઘટાડીને ચાર કે પાંચ કરી દેવામાં આવી છે. તેના માટે તેઓ કહી રહ્યાં છે કે નીતિ પંચ તેમનાં કામનું નથી. પરંતુ નીતિ પંચ જે કરશે કે નહીં કરે તેની પહેલાં તેમણે પોતે તો રાજ્ય માટે આ બેઠકમાં સામેલ થવું જ જોઈએ."
તેઓ કહે છે, મમતા બેનરજી પોતનો રાજકીય ઍજન્ડા લઈને ચાલે છે. તેઓ એ જોતાં નથી કે તેનાથી રાજ્યનું ભલું થાય છે કે નહીં. તેઓ એ જ કરે છે, જે તેમનાં રાજકીય ઍજન્ડાને અનુકૂળ હોય.
"મોદીએ પોતાની રેલીમાં કહ્યું કે દીદી અમારી સ્કીમમાં પણ પોતાનો થપ્પો લગાવી લે છે, એ વાત જરા પણ યોગ્ય નથી."
"ટીએમસી કાર્યકર્તા કેન્દ્ર સરકારની યોજનાઓને પણ મમતા બેનરજી સરકારની યોજના ગણાવે છે અને ગામડાંમાં રહેતા લોકો જેમને સાચી વાત ખબર હોતી નથી, તેઓ તેને સાચી પણ માની લે છે."

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, AFP
પરંતુ વરિષ્ઠ પત્રકાર સુબીર ભૌમિક કંઈક અલગ મત ધરાવે છે.
ભૌમિક કહે છે, "મમતા બેનરજીનાં રાજકારણની રીત અન્ય નેતાઓથી અલગ છે. તેઓ આમને-સામનેની લડાઈમાં વિશ્વાસ ધરાવે છે. 15મા નાણાં પંચના વલણથી મમતા બેનરજી નાખુશ રહ્યાં છે."
"ન માત્ર મમતા બેનરજી, પરંતુ દક્ષિણ રાજ્યોના મુખ્યમંત્રી પણ તેનાથી નારાજ છે કેમ કે પંચનું કહેવું છે કે રાજ્યને મળતા ફંડની ફાળવણી તેની વસતીના આધારે થશે. કદાચ આ જ નારાજગી નીતિ પંચની બેઠકને બૉયકૉટ કરવાનું કારણ હોઈ શકે છે."
લોકસભા ચૂંટણીમાં મમતા બેનરજીએ 42 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો, પરંતુ તેઓ માત્ર 22 બેઠક જ જીતી શક્યાં.
નિર્મલ્યા કહે છે, "હવે મમતા બેનરજીનાં બે જ ઉદ્દેશ્ય છે. કૉર્પોરેશન ચૂંટણી અને 2021માં પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીનું સારું પ્રદર્શન."
"અત્યારે મમતા બેનરજી પોતાનાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે. એટલે તેમણે આગામી વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને બોલાવ્યા છે. આ સમાચાર સાથે જ બંગાળમાં ભાજપે સૂત્ર આપી દીધો છે - 'દીદી હોઈ ગયા ફીકે, તાઈ ડાકચે પીકે' એટલે કે બંગાળમાં મમતા બેનરજીનો જાદૂ ઓછો થઈ ગયો છે એટલે પીકે (પ્રશાંત કિશોર)ને બોલાવ્યા છે."
"બંગાળ દર વર્ષે 50 હજાર કરોડ રૂપિયાનું વ્યાજ રિઝર્વ બૅન્કને આપી રહ્યું છે અને આ પરંપરા લેફ્ટના કાર્યકાળ દરમિયાનથી ચાલી રહી છે જ્યારે રાજ્યએ આટલા પૈસા દેવાના વ્યાજ તરીકે ભરવા પડી રહ્યા છે."
"પરંતુ મમતા બેનરજી ઇચ્છતાં હતાં કે કેન્દ્ર સરકાર તરફથી તે માફ કરી દેવામાં આવે. તેના પર કેન્દ્રએ એમ કહીને ઇન્કાર કરી દીધો હતો કે તેઓ આ રીતે રાજ્યોનું દેવું માફ કરી શકે નહીં અને તે નાણાંપંચનું કામ છે."
"મમતા બેનરજી એ વાત માનતાં નથી અને એ જ કારણ છે કે આ પ્રકારની બેઠકોને છોડવાથી રાજ્યએ તેનું પરિણામ ભોગવવું પડે છે."


હિંદુ- મુસ્લિમનું રાજકારણ રમી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, AFP
સુબીર કહે છે, "લોકસભા ચૂંટણી બીજા રાજ્યો માટે મહત્ત્વની હતી પરંતુ અહીં લોકસભા ચૂંટણીને ભાજપના સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી, ટીએમસી પણ આ ચૂંટણીને કંઈક આવું જ માની રહી હતી."
"બન્ને પાર્ટીઓ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ફોકસ કરી રહી છે. મમતા બેનરજી ક્યારેય હાર બાદ રાજીનામું આપતાં નથી અને તેઓ હંમેશાં પોતાના સંગઠનને મહત્ત્વ આપે છે."
"બાકી નેતા હાર પર રાજીનામું આપી દે છે. મમતાએ સીએમ પદ પરથી રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો, પરંતુ સંગઠન માટે તેઓ હંમેશાં ઊભા રહે છે. મૂળતઃ તેઓ ફાઇટર પ્રવૃત્તિનાં નેતા છે."

ઇમેજ સ્રોત, PTI
આ તરફ નિર્મલ્યા કહે છે કે મમતા બેનરજીનો જમણો હાથ મનાતા મુકુલ રૉય જ્યારથી ભાજપમાં સામેલ થયા છે, ત્યારથી ટીએમસીએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ જ ટીએમસીના 5000 કાર્યકર્તા ભાજપમાં સામેલ થઈ ગયા છે. તે મમતા બેનરજી માટે એક મોટો ઝટકો છે.
"ટીએમસીના સંકટનું અનુમાન એ વાતથી લગાવી શકાય છે કે તેમણે ઈદના અવસર પર લોકોનું સંબોધન કરવા દરમિયાન કહી દીધું- જે અમારી સાથે ટકરાશે, તે ચૂર-ચૂર થઈ જશે."
"કોઈ ધાર્મિક પ્લેટફૉર્મ પર આ થયું નથી. મમતા એ કહે છે કે ભાજપ ધર્મનું રાજકારણ કરે છે અને તેઓ સાંપ્રદાયિકતાની વાત કરે છે, પરંતુ ખરેખર તો મમતા પણ આવી વાતો કરવા લાગ્યાં છે."
"મમતા આ બધું કરીને ભાજપને જ મજબૂત બનાવી રહ્યાં છે. એ સમજવું પડશે કે બંગાળમાં જોર-જબરદસ્તી ખૂબ મુશ્કેલ છે."
"અહીં 34 વર્ષ સુધી લોકોએ ડાબેરી પક્ષોનું રાજ જોયું, તેના પહેલાં 30 વર્ષ સુધી કૉંગ્રેસનું રાજ હતું. પરંતુ ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુ જોવા મળી રહી છે કે ટીએમસીના મૂળિયાં માત્ર આઠ વર્ષમાં જ હલતા જોવા મળી રહ્યા છે."


'મમતાના ખભા પર સવાર થઈને બંગાળ પહોંચ્યો ભાજપ'

ઇમેજ સ્રોત, Getty Images
મમતા બેનરજી કેન્દ્રમાં એનડીએનો ભાગ રહી ચૂક્યાં છે. વાજપેયી સરકારમાં તેઓ દેશનાં રેલમંત્રી પણ રહી ચૂક્યાં છે.
પરંતુ આજે તેઓ ભાજપના સૌથી મોટા વિરોધીઓમાંથી એક છે. તેમણે હાલ જ ફેસબુક પર એક બ્લૉગ લખીને ભાજપની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે ભાજપ રાજકારણમાં ધર્મને ભેળવે છે. આ નફરતના રાજકારણને બંગાળમાં ચાલવા નહીં દે.
આખરે આજે મમતાને ભાજપથી આટલી નફરત કેમ થઈ ગઈ?
નિર્મલ્યા કહે છે, "1998માં ટીએમસીનું ગઠન થયું અને કુલ 10 ચૂંટણી મમતા બેનરજી લડી ચૂક્યાં છે, તેમણે સાત ચૂંટણી ગઠબંધનમાં લડી છે. જેમાંથી ત્રણ 1998, 1999 અને 2004ની ચૂંટણી તેમણે ભાજપ સાથે લડી હતી."
"ત્રણ વખત એનડીએમાં મંત્રી રહ્યાં. લેફ્ટ કહે છે કે બંગાળમાં ભાજપની ઍન્ટ્રી પાછળ મમતા બેનરજી છે."
વિશેષજ્ઞો માને છે કે મમતા બેનરજીએ લેફ્ટનો સફાયો કરવાના અભિયાન શરૂ કર્યો, પરંતુ લેફ્ટ કમજોર પડતા જ ત્યાં ભાજપે પગપેસારો કરી લીઘો.
સુબીર કહે છે, "જ્યોતિ બસુએ કહ્યું હતું કે તેઓ મમતાને દરેક વસ્તુ માટે માફ કરી શકે છે, પરંતુ રાજ્યમાં ભાજપને લાવવા માટે તેઓ મમતા બેનરજીને ક્યારેય માફ કરી શકતા નથી."
"એ સમજવું પડશે કે મમતા લેફ્ટને ખતમ કરવામાં એ ભૂલી ગયાં કે વૅક્યુમ ચોક્કસ ભરાય છે અને આજે તે વેક્યુમ ભાજપ ભરતો હોય એવું દેખાય છે."

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના વધતા પ્રભાવ પર નિર્મલ્યા કહે છે, "ઉત્તરી બંગાળના વિસ્તારમાં જોશો કો મમતા બેનરજીના સૂપડા સાફ થઈ ગયા છે. દાર્જિલિંગથી માંડીને કોલકાતા સુધીના દરેક વિસ્તારમાં ટીએમસીની હાર થઈ છે. "
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના કાફલાની સામે 'જય શ્રીરામ'ના નારા લગાવવાના આરોપસર સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો જેમાં નારા લગાવતા લોકોને તેઓ 'ક્રિમિનલ' કહી રહ્યાં છે. આખરે આ નારા પર તેઓ આટલા ઉગ્ર કેમ થઈ જાય છે?
તેના પર નિર્મલ્યા કહે છે, "મમતા 'જય શ્રી રામ'ના નારા પર જે રીતે પ્રતિક્રિયા આપી રહ્યાં છે તે એક મુખ્યમંત્રીને શોભતું નથી. સારું થાત જો તેઓ આ મુદ્દા પર વધારે ધ્યાન ન આપતાં. આજે બંગાળમાં તેઓ પોતે આમ કરીને ધર્મના રાજકારણને ઉશ્કેરી રહ્યાં છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














