રાહુલ ગાંધીનું રાજીનામું : કૉંગ્રેસ કૅરેક્ટર બદલશે કે આખો ઢાંચો પણ?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, વાત્સલ્ય રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

2019ની લોકસભાની ચૂંટણી હાર્યા પછી ઊંડો ઘા સહન કરનારી કૉંગ્રેસને રાજકીય પંડિતો વણમાગી સલાહ આપી રહ્યા છે.

"હવે સાપની કાંચળીની જેમ ઉપરથી બદલાવ કરવાથી કાંઈ નહીં થાય પરંતુ ઢાંચો જ બદલવો પડશે."

23મે એ સામાન્ય ચૂંટણીનું પરિણામ આવે તે પહેલાંથી જ કૉંગ્રેસ પણ પરિવર્તનની વાત કરી રહી હતી.

કર્ણાટકમાં ગઠબંધન સરકાર બનાવનાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની રાજય સરકારમાં ભાજપને હરાવ્યા પછી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓનો હોંસલો બુલંદ હતો.

'ન્યાય યોજના'ને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા ચૂંટણીઢંઢેરામાં કૉંગ્રેસ દ્વારા દેશની તસવીર અને તકદીર બદલવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.

આ યોજનાને પૂર્ણ કરવાના બંદોબસ્તના સવાલ પર રાહુલ ગાંધીથી લઈને રાજ બબ્બર સુધી તમામ નેતા 'અંબાણી અને અદાણીના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો' દાવો કરતા હતા.

ચૂંટણીના પરિણામ પછી એવા તમામ નેતા પડદા પાછળ જતા ગયા છે.

line

દરેક બાજુએ મૌન

અશોક ગેહલોત

ઇમેજ સ્રોત, ASHOK GEHLOT FB PAGE

કૉંગ્રેસની આખી કાર્યકારિણીમાંથી માત્ર ચાર જ નેતાઓ ચૂંટણી જીતી શક્યા. કૉંગ્રેસ અધ્યક્ષ બે બેઠકોમાંથી એક બેઠક પર જ જીત્યા હતા.

જે ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસે હાલમાં સરકાર બનાવી હતી, ત્યાં તેને 65માંથી માત્ર 3 જ બેઠકો મળી છે.

રાજકીય પંડિતોએ પાર્ટીને 'આત્મચિંતન અને પરિવર્તન'ની સલાહ આપી છે.

ગત વર્ષે કૉંગ્રેસમાં ફરીથી જોડાયેલા તારિક અનવર હારેલા તે નેતાઓમાં છે જેમણે ચૂંટણીમાં ઘણી મોટી લડાઈ લડી.

તેઓ બિહારની કટિહાર બેઠક પરથી પાંચ લાખથી વધારે એટલે કદાચ 44 ટકા વોટ મેળવ્યા પરંતુ પોતાની બેઠકો બચાવી ન શક્યા.

તારિક અનવરનો અંદાજ છે કે કૉંગ્રેસનું 'સંગઠન ખખડી' ગયું છે. તેઓ દાવો કરે છે કે સંગઠન નબળું હોવાના કારણે તે 'ન્યાય યોજના' વોટરો સુધી પહોંચાડી ન શક્યા.

line

'દેખાડા પૂરતા નિર્ણયો પ્રભાવક નહીં હોય'

પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, EPA

રાજકીય વિશ્લેષકો પણ માને છે કે નબળાં સંગઠને કૉંગ્રેસની હારમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કૉંગ્રેસ અને ભાજપની સરખામણી કરતાં કહે છે કે પોતાની વાતને લોકો સુધી પહોંચાડવા ભાજપને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ મળે છે.

ભાજપમાં પણ અમિત શાહ નરેન્દ્ર મોદીના પૂરક છે. બંનેએ સાથે મળીને કામ કર્યું છે. એવામાં કૉંગ્રેસમાં એક માણસ તમામ કામ કેવી રીતે કરી શકે?

તેઓ કહે છે, "જો તમે પાછળ વળીને જોશો તો તમને લાગશે કે રાહુલ ગાંધી એવા જનરલ હતા જેમની પાછળ ફૂટ સોલ્જર (જમીન પર સૈનિક) ન હતા. કોઈ સૈન્ય વિના કોઈ જનરલ જીતે છે શું? નથી જીતતાને?"

આ બાજુ તારિક અનવર ચોખ્ખું કહે છે કે, "કૉસ્મેટિક (દેખાડા પૂરતો) નિર્ણય કરવાથી કૉંગ્રેસની સ્થિતિમાં બદલાવ આવશે નહીં. તેને મૂળમાંથી ઉપર સુધી બદલવાની આવશ્યકતા છે."

જ્યારે તારીક અનવર 'ઉપર સુધીના' બદલાવની વાત કરે છે તો તેમાં કૉંગ્રેસના અધ્યક્ષ પદનો સમાવેશ થતો નથી. તે રાહુલ ગાંધીના અધ્યક્ષપદેથી રાજીનામાના પક્ષમાં નથી.

તારિક અનવર કહે છે, "આજની તારીખમાં કૉંગ્રેસની પાસે રાહુલ ગાંધીનો વિકલ્પ નથી. નહેરુ-ગાંધી પરિવાર કૉંગ્રેસનો સિમેન્ટિક ફોર્સ (જોડી રાખનારી તાકાત) છે."

"બીજો કોઈ એવો નેતા નથી જેનો બીજી પાર્ટી સ્વીકાર કરી શકે. આ નેતૃત્વ પરિવર્તનનો સમય નથી."

line

સવાલોમાં રાહુલની રણનીતિ

કૉંગ્રેસની કાર્યકારિણી

ઇમેજ સ્રોત, EPA

તારિક અનવર પહેલાં પણ કૉંગ્રેસની કાર્યકારિણી તરફથી જે અધિકારીક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, તેના મૂળમાં પણ આજ હતું.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "કૉંગ્રેસ કાર્યકારિણી લોકસભાની ચૂંટણીના પરિણામને મૂળભૂત પરિવર્તન અને સંગઠનના ફેરબદલના અવસર તરીકે જુએ છે અને તેના માટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અધિકૃત કરે છે."

જોકે, વિરોધીઓ રાહુલ ગાંધીને રાહત આપવા માગતા નથી.

ઉત્તર પ્રદેશના ગોરખપુરની બેઠક ભાજપની ઝોળીમાં નાખનાર રવિ કિશન સવાલ કરી ચૂક્યા છે, "જો કૅપ્ટનને જશ મળતો હોય તો..."

કૉંગ્રેસ પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર પણ માને છે કે સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસના નેતૃત્વની રણનીતિ સવાલોમાં રહી.

આ રણનીતિને માર પડ્યો અને તેની જવાબદારી પણ બને છે.

વરિષ્ઠ પત્રકાર રશિદ કિદવઈ કહે છે કૉંગ્રેસે જે પણ પ્રયોગ કર્યા તે અડધા હતા. તેમાં કોઈ વૈચારિક વ્યૂહરચના ન હતી.

તેઓ કહે છે, "કૉંગ્રેસ જનતાનો મિજાજ પારખી શકી ન હતી. પુલવામાની ઘટના સમયે કૉંગ્રેસ ચૂપ રહી હતી. તે સુરક્ષાના મુદ્દે સરકારને પ્રશ્ન ન કરી શકી. ના સરકારનું સમર્થન કરી શકી."

"કૉંગ્રેસ રાષ્ટ્રીય સ્તર પર વૈકલ્પિક ગઠબંધન તૈયાર કરવામાં પણ નિષ્ફળ રહી."

કિદવઈ વધુમાં કહે છે, "ધર્મ અને આસ્થાના મુદ્દે કૉંગ્રેસે ભાજપનું અનુકરણ કરવાના પ્રયત્નો કર્યા અને જનતાને તેનો સંદેશ સારો ન લાગ્યો."

line

રાહુલ એકલા ચાલતા રહ્યા?

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, EPA

રશિદ કિદવઈ કૉંગ્રેસની પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનું નેતૃત્વ સોંપવા પર પણ સવાલ ઉઠાવે છે.

રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવીને દાવો કર્યો હતો કે કૉંગ્રેસ 'ફ્રન્ટફૂટ પર રમશે.'

કિદવઈ સવાલ કરે છે, "પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશમાં લાવવાનો શું અર્થ હતો. પ્રિયંકા રાહુલ ગાંધીથી બે ડગલાં પાછળ ચાલતી હતી."

"કૉંગ્રેસના લોકોને હંમેશાં લાગતું હતું કે તે રાહુલને ઓવરશેડો ન કરી દે"

જોકે, વિનોદ શર્મા રાહુલ ગાંધીના નિર્ણયનો બચાવ કરે છે. તેમના અભિપ્રાય મુજબ ચૂંટણી દરમિયાન ભાજપે 'રાષ્ટ્રવાદ-સૈનિક અને ધાર્મિક રાષ્ટ્રવાદનો જે નેરેટિવ જનતાની સામે મૂક્યો છે, તેમાં કૉંગ્રેસ હારી ગઈ.'

તેઓ દાવો કરે છે કે પુલવામા અને બાલાકોટ સ્ટ્રાઇક પર કૉંગ્રેસે જે સવાલ ઉઠાવ્યા તે લોકોને પસંદ ન પડ્યા.

સાથે તેઓ એ પણ કહે છે કે, "હારેલા માણસની આલોચના થાય છે. તેની દર વખતે ભૂલ દેખાય છે, પરંતુ એ વાત પણ સાચી છે કે રાહુલ ગાંધી જ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ટક્કર આપતા જોવા મળ્યા હતા."

"આ હારેલા માણસે પણ કંઈક કરીને દેખાડ્યું, ભલે પસંદગીનું પરિણામ ના આવ્યું હોય."

line

રાહુલના રાજીનામા બાદ કૉંગ્રેસ મજબૂત થશે?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રશિદ કિદવઈના અભિપ્રાય પ્રમાણે જો કૉંગ્રેસને પરિણામ બદલવું હશે તો પોતાનો અંદાજ પણ બદલવો પડશે.

તેઓ કહે છે, "લાગે છે કે રાહુલ ગાંધીને એ વાતની સમજ આવી ગઈ છે, પરંતુ પરિવાર થાકી ગયો છે. આમ પણ રાહુલ ગાંધી રાજકારણથી કિનારો કરતા નથી. તે સક્રિય રહેશે."

પાર્ટીની અંદર રહેલી કશ્મકશથી અલગ વિનોદ શર્માનો અભિપ્રાય છે કે જો રાહુલ ગાંધી કૉંગ્રેસને ફરીથી સ્પર્ધામાં લાવવા માગતા હશે તો તેમણે પોતે મોટી જવાબદારી માટે તૈયારી કરવી પડશે.

તેઓ કહે છે, "એ જરૂરી નથી કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ રહીને પાર્ટીની સેવા કરી શકે છે. આજે રાહુલ ગાંધીને પાર્ટીની રોજની જવાબદારીઓથી મુક્તિ મેળવીને પાર્ટીને જમીન પર મજબૂત કરવા માટે સમય કાઢવો જોઈએ."

વિનોદ શર્મા એ પણ કહે છે કે ભાજપમાં પણ આવું થતું રહે છે.

તેઓ કહે છે, "રાજકારણમાં પદથી પાવર આવતો નથી. પાવર યોગ્યતાથી આવે છે અને યોગ્યતા કૉંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવારની રહેશે. ભલે તે પાર્ટીનું ઔપચારિક રીતે નેતૃત્વ કરતો હોય અથવા ન કરતો હોય."

"નેતૃત્વ એમના જ હાથમાં જ રહેશે. જેમ ભાજપમાં જ્યારે બંગારૂ લક્ષ્મણ પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે પાર્ટીની કમાન અટલજી અને અડવાણીના હાથમાં રહેતી હતી."

કોંગ્રેસની સભામાં રહેલાં લોકો

ઇમેજ સ્રોત, Reuters

હારના જોરદાર ઝટકા પછી દરેક મોર્ચા પર નબળી જોવા મળી રહેલી કૉંગ્રેસ ફરીથી કેવી રીતે ઊભી થઈ શકે છે, તે સવાલ પર પાર્ટીમાં અંદર જ નહીં પરંતુ બહાર પણ મોટા પ્રમાણમાં માથાકૂટ ચાલી રહી છે.

કેટલાય રાજકીય વિશ્લેષકોનો અભિપ્રાય છે કે મજબૂત લોકતંત્ર માટે મજબૂત વિપક્ષની જરૂરિયાત છે.

સવાલોથી ઘેરાયેલા મોટા નેતાઓ, રણનીતિના પ્રશ્નો અને 'મોદી મૅજિક'ની સામે હિંમત ગુમાવી બેઠેલા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને કૉંગ્રેસ કેવી રીતે મજબૂતી મેળવશે છે?

આ સવાલ પર રશિદ કિદવઈ કહે છે કે કૉંગ્રેસે ફરીથી મુખ્ય ધારામાં પરત ફરવા માટે પોતાની કૂખમાંથી છૂટી પડેલી પાર્ટીઓની મદદ લેવી જોઈએ.

તેઓ કહે છે, "કૉંગ્રેસે તૃણમૂલ કૉંગ્રેસ, વાયએસઆર કૉંગ્રેસ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને એનસીપીને સાથે મળીને ફ્રન્ટ બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. કૉંગ્રેસે આમને સાથે રાખવા ત્યાગ અને બલિદાનની તૈયારી રાખવી જોઈએ."

જ્યારે વિનોદ શર્માનો અભિપ્રાય છે કે રાજકીય દળો અને રાજનેતાઓએ અસ્વીકૃત થવાનું જોખમ લેવું ન જોઈએ.

તેઓ યાદ અપાવે છે, "1984માં ભાજપ બે સાંસદોની પાર્ટી હતી. 1996માં અટલજી 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા. 1998માં 13 મહિના માટે અને તે પછી પોણા પાંચ વર્ષ માટે વડા પ્રધાન બન્યા."

પરંતુ મોટો સવાલ એ છે કે શું કૉંગ્રેસ અટલ, અડવાણી અને મોદીનું પ્રતિબિંબ પોતાના કયા નેતાઓમાં જોઈ રહી છે?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો