જય શ્રીરામના સૂત્રોચ્ચારથી ઉશ્કેરાયાં મમતા બેનરજી, સાતની અટકાયત

ઇમેજ સ્રોત, SANJAY DAS
- લેેખક, પ્રભાકર એમ.
- પદ, કોલકાતાથી બીબીસી ગુજરાતી માટે
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજીના કાફલાની સામે 'જય શ્રીરામ'ના સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં ઓછામાં ઓછા સાત લોકોની અટકાયત કરવામાં આવી છે.
આમાંથી બે યુવકની મુખ્ય મંત્રીનો કાફલો અટકાવવાના આરોપસર ધરપકડ પણ કરાઈ છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે.
જગદ્દલ પોલીસ સ્ટેશન સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું, "બે યુવકોની ધરપકડ કરાઈ છે અને પૂછપરછ કરાઈ રહી છે, જ્યારે અન્યની પૂછપરછ કરાયા બાદ એમના અંગે નિર્ણય લેવાશે."
ગુરુવારે મમતા બેનરજી તૃણમૂલ કૉંગ્રેસનાં ધરણાંમાં સામેલ થવા માટે 24-પરગણા જિલ્લાના નોહાટી જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના ઘટી હતી.
એ વખતે ભાટપાડા પાસે કાકીનાડા જૂટ મિલ સામે રસ્તા પર ભાજપના સમર્થકોએ 'જય શ્રીરામ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આથી મમતા ઉશ્કેરાઈ ગયાં હતાં. તેમણે પોતાની કાર રોકાવી અને બહાર નીકળ્યાં.
આ પહેલાં મેદિનીપુર જિલ્લામાં પણ મમતા બેનરજીના કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે 'જય શ્રીરામ'ના સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં ત્રણની ધરપકડ કરાઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

'બંગાળને ગુજરાત નહીં બનવા દઉ'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, SANJAY DAS
સોશિયલ મીડિયા પર જે વીડિયો ચાલી રહ્યા છે તેમાં તેમને ગુસ્સે થતાં જોઈ શકાય છે. મમતા કહે છે, "કોણ છે ક્રિમિનલ? સામે આવો."
એ વખતે તેમણે પોતાની સાથેના અધિકારીઓને એ તમામ લોકોનાં નામ-સરનામાં લખવાનાં આદેશ આપ્યા હતા.
મુખ્ય મંત્રીએ કહ્યું હતું, "તમે લોકો બીજાં રાજ્યોમાંથી અહીં આવીને રહો છો અને જય શ્રીરામના સૂત્રોચ્ચાર કરો છો. હું બધું જ બંધ કરી દઈશ."
ગુસ્સામાં મમતાએ પોલીસને સૂત્રોચ્ચાર કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું. એ વખતે મમતાનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો.
તેમણે સૂત્રોચ્ચાર કરનારાઓની ચામડી ઊતરડી નાખવાની ધમકી આપતાં કહ્યું કે તેઓ બંગાળને ગુજરાત નહીં બનવા દે.
સૂત્રોચ્ચાર કરનારાઓને ઠપકો આપ્યા બાદ મમતા જેવાં જ પોતાની કારમાં બેઠાં કે કેટલાક લોકોએ ફરીથી 'જય શ્રીરામ'નો સૂત્રોચ્ચાર કર્યો.
એટલે વધુ ઉશ્કેરાયેલાં મમતા ફરીથી કારમાંથી બહાર નીકળ્યાં અને સૂત્રોચ્ચાર કરનારાઓને હિંમત હોય તો સામે આવવા પડકાર ફેંક્યો.

મમતા નારાજ થઈ રવાનાં થઈ ગયાં

ઇમેજ સ્રોત, SANJAY DAS
થોડા સમય સુધી એ લોકોને ધમકાવાયા બાદ મમતાનો કાફલો રવાના થઈ ગયો.
જોકે, એ સમયે પણ વિસ્તારમાં 'જય શ્રીરામ'નો સૂત્રોચ્ચાર થતો રહ્યો. સાવચેતીના ભાગરૂપે પરત ફરતી વખતે અધિકારીઓએ બીજો રસ્તો પસંદ કર્યો હતો.
ત્યાં પણ યુવકોએ 'જય શ્રીરામ'ના સૂત્રોચ્ચાર કર્યા. આ વખતે તો મમતા નીચે ન ઊતર્યાં પણ એમણે યુવકોને પડકાર તો ચોક્કસથી ફેંક્યો જ.
જિલ્લાની ભાટપાડા બેઠક પરથી ચાર વખત ટીએમસીના ધારાસભ્ય રહેલા અર્જુનસિંહ લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપ જોડાઈ ગયા હતા. તેમણે તૃણમૂલ ઉમેદવાર અને પૂર્વ રેલમંત્રી દિનેશ ત્રિવેદીને હરાવીને બેરકપુર બેઠક જીતી છે.
મમતા સામે સૂત્રોચ્ચાર કરવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મેદિનીપુરથી પરત ફરતી વખતે પણ આવા સૂત્રોચ્ચાર સાંભળીને મમતા ભારે નારાજ થઈ ગયાં હતાં.
એ વખતે પણ પોતાનો કાફલો થંભાવી તેમણે સૂત્રોચ્ચાર કરનારાઓને ખરુંખોટું સંભળાવ્યું હતું.
એ બાદ પોલીસે ત્યાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીપ્રચાર દરમિયાન આ મુદ્દાને ઉઠાવતા મમતાને પડકાર ફેંક્યો હતો કે હિંમત હોય તો તેમની ધરપકડ કરી બતાવે.
આ દરમિયાન ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે શુક્રવારે કહ્યું, "લોકસભાની ચૂંટણીમાં મળેલા પરાજયને પગલે મમતા હતાશ થઈ ગયાં છે અને એટલે જ જય શ્રીરામના સૂત્રોચ્ચાર સાંભળતાં જ તેઓ ઉશ્કેરાઈ જાય છે અને લોકોને ધમકાવવા લાગે છે."
"તેમના આદેશ પર પોલીસ નિર્દોષ યુવાનોની ધરપકડ કરી રહી છે. લોકશાહી પરથી મમતાનો વિશ્વાસ ઊઠી ગયો છે. "

'જય બાંગ્લા, જય હિંદ'

ઇમેજ સ્રોત, AFP
મમતાનું કહેવું હતું, "મારું સૂત્ર જય બાંગ્લા અને જય હિંદ છે. બહારની સંસ્કૃતિ દ્વારા મારા પર કરાઈ રહેલો હુમલો હું સહન નહીં કરું."
એ બાદ નોહાટીના સત્યાગ્રહ મંચ પર મુખ્ય મંત્રીએ પોલીસ અધિકારીઓને પણ વિસ્તારમાં હિંસા અટકાવવાની ચેતવણી આપી હતી.
મમતાએ એવું પણ કહ્યું હતું કે તેઓ હવેથી વારંવાર એ વિસ્તારનો પ્રવાસ ખેડશે. તેમણે ભાજપ પર બીજાં રાજ્યોમાંથી લોકોને લાવીને હિંસા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
નોંધનીય છે કે બેરકપુર સંસદીય બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહના વિજય બાદ સમગ્ર વિસ્તાર હિંસાની ઝપેટમાં આવી ગયો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.












