ગુજરાતમાં ખેડૂતો સામે પેપ્સિકો કેસ : જો એમ થશે તો દેશભરના ખેડૂતોનો દ્રોહ થયો ગણાશે

બટેટા વીણતા ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

મલ્ટિનેશનલ કંપની પેપ્સિકોએ ગુજરાતમાં ખેડૂતો સામે કેસ પાછો ખેંચવાની જાહેરાત તો કરી પણ આ જાહેરાતથી હજી ખેડૂતો ખુશ નથી અને કંપની તેમજ સરકારના વલણ સામે અનેક સવાલો કરી રહ્યા છે.

બટાકા ઉગાડનારા ખેડૂતો પર થયેલા કેસ અને તેને લઈને ઊભો થયેલો વિવાદ કેસ પાછો લેવાની જાહેરાત બાદ પણ બિયારણની માન્યતા અને માલિકીહક તરફ ફંટાઈ રહ્યો છે.

line

જો એમ થશે તો દેશભરના ખેડૂતોનો દ્રોહ થયો ગણાશે

બટેટા

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ખેડૂતોની સાથે જેઓ પેપ્સિકો સામે લડતમાં જોડાયેલા છે એવા કૃષિ કર્મશીલ કપિલ શાહે કહ્યું હતું કે કંપનીએ કરેલી જાહેરાતમાં એક બાબત ચલાવી લેવાય એમ નથી.

કંપની કહે છે કે દિલ્હીમાં સરકાર સાથેની વાટાઘાટમાં એવું નક્કી થયું છે કે બીજના અધિકારો અંગે કાયમી નિવેડો લાવવામાં આવશે પરંતુ હકીકતમાં કાયદામાં કાયમી નિવેડો લાવવામાં આવેલો છે અને બ્રીડરના અધિકારની ઉપરવટ ખેડૂતોના અધિકાર સ્થાપિત કરવામાં આવ્યા છે.

કપિલ શાહે કહ્યુ કે સરકારને અમારી વિનંતિ છે કે કંપનીઓના દબાણ હેઠળ કાયદામાં આપેલા અધિકારો સાથે ચેડા કરવામાં ન આવે. જો એમ થશે તો દેશભરના ખેડૂતોનો દ્રોહ થયો ગણાશે.

તેમણે પેપ્સિકો કંપનીને કેસ પરત ખેંચવાની દરખાસ્ત વહેલામાં વહેલી તકે રજૂ કરીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરવાની અપીલ પણ કરી છે.

રાજ્ય સરકાર અસરગ્રસ્ત ખેડૂતો અને તેમના પ્રતિનિધિઓને સાથે રાખ્યા વગર પેપ્સિકો સાથે વાટાઘાટ કરશે તો પ્રજામાં શંકા ઊભી થશે એવી વાત પણ તેમણે રજૂ કરી હતી.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
line

કેસ ખરેખર તો ખેડૂતોને લાગુ પડતો જ નથી

બટાટાના ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટી એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ એક્સપર્ટ હેમાંગ બક્ષીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘ દ્વારા મને જાણ થઇ કે દેશમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે.

તેઓ કહે છે કે ભારત સરકારનો પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટી એક્ટ છે એમાં જે સેક્શન 39 છે. જે મુજબ જ્યાં સુધી ખેડૂત પોતાના કન્ટેનરમાં પેક ન કરતો હોય ત્યાં સુધી તે સોઇંગ, રીસોઇંગ, એક્સચેન્જ, વેચાણ કરવા માટે મુક્ત છે.

આ કેસમાં ખેડૂતોએ પોતાના કન્ટેનરમાં પેક કર્યું જ નહોતું, છૂટક(લૂઝ) જ હતું.

તેઓ કહે છે કે એ ઉપરાંત એ કાયદામાં એમ પણ લખેલું છે કે પ્રોટેક્ટેડ વેરાઇટીનું પણ તેઓ કલ્ટીવેશન કરી શકે છે. એટલે કે આ કંપનીએ રજીસ્ટ્રેશન કરેલું છે એ સર્ટીફીકેટ હોય તે છતાં પણ ખેડૂત વાવેતર કરવા માટે આઝાદ છે.

હેમાંગ બક્ષી આને આઇપીઆર એટલે કે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો મામલો ગણાવે છે.

તેઓ કહે છે કે ભારતે એના કાયદામાં ખેડૂતોને સંપૂર્ણપણે બહાર રાખેલા છે, એમાં ત્યાં સુધી લખેલું છે કે આ કાયદાની રચના થઇ એ પહેલાથી ખેડૂતો જે પણ પરિસ્થિતિમાં કામ કરતા હતા એ જ સ્થિતિમાં કામ કરવા મુક્ત છે એમને આ કાયદો લાગુ પડશે નહીં.

તેમના કહેવા મુજબ આ રીતે તો કોઈ કેસ બનતો જ નથી, આ કેસ ખરેખર તો ખેડૂતોને લાગુ પડતો જ નથી.

જો કેસ બનતો હોય તો પણ કાયદામાં ઇન્ફ્રીજમેન્ટમાંથી મુક્તિની જોગવાઈની માહિતી તેઓ આપે છે. હેમાંગ બક્ષી જણાવે છે કે પહેલી વખત કોઇએ ગુનો કર્યો હોય અને એ સ્વીકાર કરે તો તેને એમાંથી મુક્તિ આપવામાં આવશે, સજા નહીં કરવામાં આવે એવી પણ જોગવાઇ છે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
line

ખેડૂતોની ઊંઘ હરામ

બટાકા લઈ જતા ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

જેમના પર કેસ થયો હતો એવા સાબરકાંઠાના બાકોલના ખેડૂત વિનોદ ઇશ્વરભાઈએ કહ્યું હતું કે છેલ્લાં પંદર - વીસ દિવસથી અમારી ઊંઘ હરામ થઇ ગઇ છે.

કુટુંબના સભ્યો પણ એક કરોડથી વધુ રકમની નુકસાનીનો દાવો સાંભળીને ચિન્તામાં પડી ગયા હતા.

અન્ય ખેડૂત બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે કોઇ ગુનો કર્યો નથી. કંપની નાના બટાકા લેતી નથી જે ચારેકોર છૂટથી મળે છે.

અમે આગલા વરસનું અમારૂં પકવેલું બીજ જ વાપર્યું હતું. કાયદાની કલમ 39(1)4 ખેડૂતોને રજીસ્ટર્ડ થયેલી જાતનું અનબ્રાન્ડેડ બીજ વેચવા સહિતની તમામ છૂટ આપે છે.

ખેતી કરવાની છૂટનો સવાલ જ નથી. અમે સાદા બટાકા પકવીને ખુલ્લાં બજારમાં વેચ્યા છે એટલે બીજ પકવવા-વેચવાનો સવાલ જ નથી. ખરેખર તો અમારી ઉપર કેસ કરીને કંપનીએ ગુનો કર્યો છે.

line

શું છે મામલો?

ચિપ્સનું પેકેટ

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં પેપ્સિકોએ સાબરકાંઠાના ચાર ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યા હોવાનું અને દરેક ખેડૂત પર એક કરોડ રૂપિયાનો દાવો માંડ્યો હોવાનું કપિલ શાહે જણાવ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર આ સિવાય 2018માં પણ ગુજરાતના અરવલ્લી જિલ્લાના પાંચ ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા હતા.

એ વખતે પેપ્સિકો કંપનીએ બીબીસીને આપેલા જવાબમાં કહ્યું હતું કે આ પગલું તેણે પોતાના અધિકારોની રક્ષા માટે લીધું હતું.

પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 1 ફેબ્રુઆરી, 2016માં FL-2027 વેરાઇટીના બટાકાના બિયારણનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનો પ્રૉટેક્શન પિરિયડ 31 જાન્યુઆરી, 2031ના રોજ પૂરો થાય છે.

પેપ્સિકોએ બનાસકાંઠાના બટાકાના ખેડૂતો સામે કેસ કર્યા બાદ ખાસ્સો ઉહાપોહ થયો હતો.

ઉહાપોહ બાદ પેપ્સિકોએ કેસ પાછો ખેંચવાનું જણાવ્યું હતું.

જોકે, ખેડૂતોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આવી કોઇ બાંહેધરી લેખિતમાં મળી નથી. અમને કેવી રીતે ભરોસો બેસે?

જે ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા હતા તે પૈકીના બિપિન પટેલે કહ્યું હતું કે અમને મીડિયા દ્વારા એવી જાણકારી મળી છે કે પેપ્સિકો કેસ પાછો ખેંચશે, પરંતુ અમને કે અમારા વકીલને આવી કોઈ બાંહેધરી લેખિતમાં મળી નથી.

જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી ન મળે ત્યાં સુધી એમ તો ન માની શકાય કે પેપ્સિકોએ કેસ પાછા ખેંચ્યા છે!

અગાઉ અમેરિકન કંપની પેપ્સિકો ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ચાર ખેડૂતો વિરુદ્ધ બિયારણના કૉપીરાઇટ ભંગ મામલે કરેલા કેસ પરત લઈ લેવા તૈયાર થઈ ગઈ હોવાનું કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

આ અંગે ખેડૂતોના બીજ અધિકાર પર કાર્ય કરતી જતન સંસ્થાના નિયામક કપિલ શાહે કહ્યું કે મૂળ ખેડૂતો પર કોઇ કેસ બનતો જ નથી. ખેડૂતો કોઇ પણ રજીસ્ટર્ડ જાતનું બીજ જાતે પકવીને અનબ્રાન્ડેડ વેચી શકે છે. કાયદાની કલમ 39(1) 4 ખેડૂતોને રજીસ્ટર્ડ થયેલી જાતનું અન-બ્રાન્ડેડ બીજ વેચવા સહિતની તમામ છૂટ આપે છે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો