રાહુલ ગાંધીએ કહ્યું અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં મોદી 10 મિનિટ ચર્ચા કરી લે

ઇમેજ સ્રોત, FB INC
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં 10 મિનિટ ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે.
કૉંગ્રેસ પ્રમુખે આજે પત્રકાર પરિષદ યોજી વડા પ્રધાન અને ભાજપ પર અર્થતંત્રને નષ્ટ કરવાનો આરોપ મૂક્યો છે.
એમણે કહ્યું કે ભાજપ ચૂંટણી હારી રહ્યો છે અને તે એમનાં મોં પર દેખાય છે.
રાહુલ ગાંધીએ યુવાનોને બે કરોડ રોજગાર નહીં આપવાનો અને સેનાનું રાજકીયકરણ કરવાનો આરોપ મુક્યો છે. એમણે કહ્યું કે સેના હિન્દુસ્તાનની છે અને કોઈ એક વ્યકિતની નથી.
રાહુલ ગાંધીએ રફાલ કેસને મામલે ફરી એક વાર 'ચોકીદાર ચોર હૈ'નો નારો બુલંદ કર્યો છે.
એમણે મોદી પર દેશની શાન જોખમમાં મૂકવાનો આરોપ મૂક્યો છે.
એમણે કહ્યું કે દેશના લાખો લોકોના અવાજ સામે એક મોદીનો અવાજ ન ચાલી શકે.
વડા પ્રધાને એક પણ મુકત પત્રકાર પરિષદ નથી કરી એના લીધે દેશને નીચાજોણું થઈ રહ્યું હોવાનું જણાવી રાહુલ ગાંધીએ પત્રકારોને નરેન્દ્ર મોદીને આ માટે વિનંતી કરવાનું પણ કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નરેન્દ્ર મોદી અને અમિત શાહને ચૂંટણીપંચની વધુ એક ક્લીન ચિટ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેની આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણીપંચે રદ કરી છે.
કૉંગ્રેસે વડાપ્રધાન મોદી અને અમિતના ભાષણ સામે ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી, જેના સંદર્ભમાં શુક્રવારે ચૂંટણીપંચ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે અને અમિત શાહના બે ભાષણોને ક્લીન ચિટ આપવામાં આવી છે.
25 એપ્રિલે નરેન્દ્ર મોદીએ વારાણસીની રેલીમાં કહ્યું હતું કે 'એમણે આપણા 40 સૈનિકો માર્યા તો બદલામાં આપણે એમનાં 42 સૈનિકો માર્યા'.
એ જ રીતે 6 એપ્રિલના રોજ નાંદેડમાં એમણે કૉંગ્રેસ પાર્ટીને 'ડૂબતા ટાઇટેનિક' તરીકે ગણાવી હતી.
આની અગાઉ ચૂંટણીપંચે નરેન્દ્ર મોદીને 3 કેસમાં ક્લીન ચિટ આપેલી છે.
પીએમ મોદી અને અમિત શાહના ભાષણો અંગે કૉંગ્રેસના નેતા રણદીપ સિંઘ સુરજેવાલાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?


ન્યૂઝીલૅન્ડના વડાં પ્રધાન સગાઈ બાદ ચર્ચામાં

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝિલૅન્ડના વડાં પ્રધાન જૅસિંડા અર્ડર્ને પોતાના લિવ-ઇન પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડ સાથે સગાઈ કરી લીધી છે. વડાં પ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ તેની ખાતરી આપી છે.
શુક્રવારે એક જાહેર કાર્યક્રમમાં જૅસિંડાના જમણા હાથમાં વીંટી જોઈને એમની સગાઈ અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.
પત્રકારત્વમાં ઇન્ટર્નશિપ કરતાં એક યુવાને સૌથી પહેલાં આ બાબતની નોંધ લીધી હતી. તેમણે આ અંગે વડાં પ્રધાન કાર્યાલયમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેમણે ઈસ્ટરના તહેવાર વખતે સગાઈ કરી લીધી છે.
ક્લાર્ક એક ટીવી પ્રેઝેન્ટર છે તેમજ બંને લાંબા સમયથી લિવ ઇન રિલેશનશીપમાં હતા, તેમની એક વર્ષની દિકરી છે. વડાં પ્રધાન જૅસિંડા અર્ડર્ન પાકિસ્તાનના પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો બાદ પદ પર રહીને મા બનનારા બીજા મહિલા છે.
બીબીસીના પ્રેઝેન્ટર વિક્ટોરિયા ડર્બીશાયરે આ વર્ષે જાન્યુરીમાં જૅસિંડાને પૂછેલું કે, શું તેઓ ક્યારેય ક્લાર્ક સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકશે. ત્યારે તેમણે કહેલું, "ના, હું પ્રપોઝ નહીં કરું. હું ઇચ્છું છું કે તે પોતે મને પ્રપોઝ કરે."

બુરહાન સાથે સંકળાયેલા હિઝબુલના ઉગ્રવાદીનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ વર્ષ 2015માં હિઝબુલ મુઝાહિદ્દીનના 11 સભ્યો સાથે તેમના કમાન્ડર બુરહાન વાનીની એક તસવીર જાહેર થયેલી. તેમાંના અંતિમ સભ્ય લતીફ અહેમદ દાર ઊર્ફે ટાઇગરનું શુક્રવારે દક્ષિણ કાશ્મીરના શપિઅન જિલ્લામાં થયેલાં ગોળીબારમાં મૃત્યુ થયું છે.
આ ગોળીબારમાં અન્ય બે ઉગ્રવાદીઓના પણ મૃત્યુ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર યુવાનો દ્વારા સુરક્ષાદળના જવાનો પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 40 નાગરિકો ઘાયલ થયા છે. તેમનો સામનો કરતા જવાનોમાંથી એકને ગોળી વાગી છે અને સાતને પૅલેટ્સથી ઇજા પહોંચી છે, જેઓ શ્રીનગરમાં સારવાર હેઠળ છે.
કાશ્મીર પોલીસના આઈજીના કહેવા મુજબ, "દાર એ વિસ્તારનો સૌથી જૂનો હયાત ઉગ્રવાદી હતો, જ્યારે તેની સાથે માર્યા ગયેલા તારીક અહેમદ શેખ ઉર્ફે મુફ્તી વકાસ અને શારિક અહેમદ નાગરૂમાંથી તારીકની ભૂમિકા યુવાનોની ભરતી પ્રક્રિયામાં મહત્ત્વની હતી."
જમ્મુ અને કાશ્મીરના પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર શોપિઅન જિલ્લાના ઇમામ સાહબ વિસ્તારના અદખારા ગામમાં એક સ્થળને ઘેરીને ત્યાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઉગ્રવાદીઓ જે ઘરમાં છૂપાયેલા હતા તેને ફૂંકી મારવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સ્થાનિકોએ સુરક્ષાદળોનો વિરોધ કર્યો હતો અને તેમના પર પત્થરો ફેંક્યા હતાં, જેનો સામનો કરવામાં આવતા 40 લોકો ઘાયલ થયા હતા, જેઓ શ્રીનગરમાં અને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



ઈબોલાથી 1000 લોકાનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters
ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં ઈબોલા વાઇરસને લીધે અત્યાર સુધી 1000થી વધારે લોકોના મૃત્યુ થયા છે.
વિશ્વ આરોગ્ય સંગઠને આપેલા અહેવાલ મુજબ સતત ચાલી રહેલી હિંસાને લીધે ઈબોલાને અટકાવવામાં મુશ્કલીઓ પડી રહી છે.
પૂર્વ કૉંગોમાં અનેક વિદ્રોહી સમૂહો સક્રિય છે અને અહીંના લોકોમાં આરોગ્યકર્મીઓ પરત્વે ભરોસો ખૂબ ઓછો છે. ઈબોલા નામનો વાઇરસ વાસ્તવમાં છે એ માનવાનો અનેક લોકો કૉંગોમાં ઇન્કાર કરે છે.
તાજેતરના દિવસોમાં આરોગ્ય કેન્દ્રો ઉપર પણ હુમલાઓ થયા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ઉપ મહાનિર્દેશક માઇકલ રેયાને વિસ્તારમાં ચાલી રહેલી હિંસા પર ચિંતા વ્યકત કરી છે.

મુઝફ્ફરપુર બાલિકા ગૃહના આરોપી બ્રજેશ ઠાકુરે 11 છોકરીઓની હત્યા કરીઃ સીબીઆઈ

ઇકોનૉમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે મુઝફ્ફરપુર બાલિકા આશ્રય ગૃહ મુદ્દે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સાથીઓએ મળીને 11 છોકરીઓની હત્યા કરી છે.
કેન્દ્રિય તપાસ ઍજન્સીએ આ મામલામાં પીડિત ઘણી છોકરીઓના નિવેદન રિકોર્ડ કરવામાં આવ્યા છે અને તેમનું કહેવું છે કે આ 11 છોકરીઓનાં નામ પણ આ વાતચીતના કારણે સામે આવ્યા છે.
સીબીઆઈએ પોતાના સોગંદનામામાં લખ્યું છે, "તપાસ દરમિયાન તપાસ અધિકારીઓ અને નિમહંસ(નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ મેંટલ હેલ્થ ઍન્ડ ન્યૂરો સાયન્સીઝ)ની ટીમે કરેલી તપાસમાં પીડિત છોકરીઓએ એ 11 છોકરીઓના નામ લીધાં જેની બ્રજેશ ઠાકુર અને તેમના સાથીઓ દ્વારા હત્યા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે."
સીબીઆઈએ કોર્ટને એમ પણ કહ્યું કે તેમની ટીમને આ મામલે તપાસ કરતાં હાડકાંઓનો જથ્થો પણ મળ્યો છે.
બિહારના મુઝફ્ફરપુરમાં એક એનજીઓ દ્વારા ચાલતા બાલિકા આશ્રય ગૃહમાં ઘણી છોકરીઓના જાતીય સતામણી અને હત્યાના કિસ્સા સામે આવ્યા હતા.
આ મામલો ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ સોશિયલ સાયન્સીઝ(ટીઆઈએસએસ)ના એક અહેવાલ બાદ પ્રકાશમાં આવ્યો હતો.
આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે અને સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં બ્રજેશ ઠાકુર સહિત 21 નામ સામેલ કર્યા છે.

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












