લોકસભા : ભાજપ આગળ વધતો ગયો, મુસ્લિમો ઘટતા ગયા

    • લેેખક, યુસુફ અંસારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

દેશમાં 17મી લોકસભા માટે ચૂંટણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

આ ચૂંટણીની ખાસ વાત એ પણ છે કે દેશની બીજી સૌથી મોટી ધાર્મિક વસતી એટલે કે મુસ્લિમ સમુદાય કેટલીક હદ સુધી મૌન લાગી રહ્યો છે.

ન મુસ્લિમ સંગઠનોએ આ વખતે ચૂંટણીમાં પોતાની કોઈ માગ રાખી છે ન તો તેમના મત પર રાજકારણ કરનારી પાર્ટીઓ તેમની વાત કરી રહી છે.

ગુજરાતની વાત કરીએ તો અહીં પણ મુસ્લિમ ઉમેદવારોને વધારે ટિકિટ આપવામાં આવી નથી. જે ઉમેદવારો જાહેર થયા છે તેમાંથી ભાજપે કોઈ પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી જ્યારે કૉંગ્રેસે પણ માત્ર એક બેઠક ભરુચમાં શેરખાનને ટિકિટ આપી છે.

તેવામાં સવાલ ઉદ્ભવે કે જો ચૂંટણીમાં મુસ્લિમોની વાત જ થઈ રહી નથી, તો શું ચૂંટણી બાદ લોકસભામાં મુસ્લિમોની વાત થઈ શકશે?

શું તેમના મુદ્દાઓ ઊઠી શકશે? શું તેમના મુદ્દા ઉઠાવનારા લોકો ઠીકઠાક સંખ્યામાં લોકસભામાં પહોંચી શકશે?

સ્વતંત્રતા બાદ દેશમાં કદાચ આ પહેલી લોકસભા ચૂંટણી છે કે જ્યારે ન તો મુસ્લિમોના મુદ્દા રાજકીય પાર્ટીઓના ઍજેન્ડામાં છે અને ન તો લોકસભામાં મુસ્લિમોને પ્રતિનિધિત્વ આપવું કોઈ પાર્ટીની પ્રાથમિકતામાં છે.

કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ જેવી તમામ પાર્ટીઓને ડર છે કે જો તેઓ મુસ્લિમોની વાત કરશે તો તેનાથી ધ્રુવીકરણ થશે અને તેનો સીધો ફાયદો ભાજપને મળશે.

અહીં સુધી કે મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતી સીટો પર પણ આ પાર્ટીઓને મુસ્લિમ ઉમેદવાર ઉતારવામાં ડર લાગી રહ્યો છે કે ક્યાંક ધ્રુવીકરણના કારણે તેમના હિંદુ મતદાતા ભાજપ તરફ ન ભાગી જાય.

આ ડર કેટલો યોગ્ય છે તેની તપાસ કરવા પર ખબર પડે છે કે જ્યારથી લોકસભામાં ભાજપની સીટ વધવાનું શરુ થયું છે, ત્યારથી લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઘટતું ગયું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સૌથી વધારે બેઠક ધરાવતા રાજ્યમાં

આઠમી લોકસભામાં ભાજપના માત્ર બે સાંસદ હતા. ત્યારે લોકસભામાં 46 મુસ્લિમ સાંસદો ચૂંટાઈને આવ્યા હતા.

આ તરફ 2014માં ભાજપના સૌથી વધારે 282 સાંસદ જીત્યા તો મુસ્લિમ સાંસદોની સંખ્યા ઘટીને 22 રહી ગઈ.

ત્યારબાદ 2018માં ઉત્તર પ્રદેશની કૈરાના લોકસભા બેઠક પર પેટાચૂંટણીમાં રાષ્ટ્રીય લોક દળની ટિકિટ પર તબસ્સુમ હસનની જીતથી આ સંખ્યા વધીને 23 થઈ ગઈ.

આ રીતે ઉત્તર પ્રદેશથી પણ એક મુસ્લિમ સાંસદ લોકસભામાં પહોંચી ગયા. લોકસભાની 80 બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશથી 2014ની સામાન્ય ચૂંટણીમાં એક પણ મુસ્લિમ સાંસદની જીત થઈ ન હતી.

પ્રતિનિધિત્વનું પ્રમાણ

વર્ષ 2011ની વસતીગણતરીના આધારે દેશમાં મુસ્લિમોની વસતી 14.2% છે.

વસતીના પ્રમાણમાં પ્રતિનિધિત્વની વાત કરતા લોકોને એ આશા રહે છે કે આ હિસાબે 545 સાંસદો ધરાવતી લોકસભામાં 77 મુસ્લિમ સાંસદ હોવા જોઈએ.

પરંતુ કોઈ પણ લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા આ આંકડા સુધી પહોંચી શકી નથી.

પહેલી લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા માત્ર 21 હતી. ત્યારે લોકસભાના કુલ સભ્યોની સંખ્યા 489 હતી. લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ 4.29% હતું.

આ તરફ ગત લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સ્વતંત્રતા બાદ સૌથી ઓછું રહ્યું.

લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થવાના સમયે કુલ 23 મુસ્લિમ સાંસદ હતા જે 545 સભ્યો ધરાવતી લોકસભામાં 4.24% બેસે છે.

સ્વતંત્રતા બાદ

પહેલી લોકસભામાં મુસ્લિમ સાંસદોની ટકાવારી ઓછી હોવી એ તર્કસંગત લાગે છે.

તે સમયે દેશના ભાગલા પડ્યા હતા.

એટલે માની શકાય કે સમાજના એક મોટા વર્ગમાં એ ભાવના રહી હશે કે મુસ્લિમોએ પાકિસ્તાનના રૂપમાં પોતાનો અલગ ભાગ લઈ લીધો છે.

દેશની સ્વતંત્રતા અને વિભાજનના આશરે 67 વર્ષ બાદ થયેલી 2014ની લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછા મુસ્લિમ સાંસદોનું જીતવું રાજકારણમાં તેમના તિરસ્કાર તરફ ઇશારો કરે છે.

મુસ્લિમ મત પર રાજકારણ કરતી તમામ પાર્ટીઓને એ ડર લાગી રહ્યો છે કે વધારે સંખ્યામાં મુસ્લિમ ઉમેદવાર ઉતારવાથી તેમના હિંદુ મતદાતા ભાજપમાં ભાગી શકે છે.

ગત લોકસભા ચૂંટણી પર નજર કરવાથી એ વાત સ્પષ્ટપણે સામે આવે છે.

શું કહે છે આંકડા?

16મી લોકસભામાં દેશનાં માત્ર 7 રાજ્યોમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ થયું હતું. સૌથી વધારે 8 સાંસદ પશ્ચિમ બંગાળથી જીત્યા હતા. બિહારથી 4, જમ્મુ કાશ્મીર અને કેરળથી 3-3, આસામથી 2 અને તામિલનાડુ તેમજ તેલંગાણાથી એક-એક મુસ્લિમ સાંસદ જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.

આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપથી એક સાંસદની જીત થઈ હતી.

આ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં દેશના આશરે 46% મુસ્લિમો રહે છે.

તેમાં લોકસભાની 179 બેઠક આવે છે. દેશના બાકી 22 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોથી લોકસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ નથી.

જે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 54% મુસ્લિમો રહે છે તેમાંથી એક પણ મુસ્લિમ સાંસદની જીત થઈ ન હતી, જ્યારે આ રાજ્યોમાં લોકસભાની 364 બેઠક છે.

મુસ્લિમોનું પ્રતિનિધિત્વ

સ્વતંત્રતા બાદ અત્યાર સુધી 16 લોકસભા માટે યોજાયેલી ચૂંટણીઓમાં જીતેલા મુસ્લિમ સાંસદો અને દરેક લોકસભામાં તેમની ભાગીદારી પર નજર કરીએ તો રસપ્રદ આંકડા સામે આવે છે.

પહેલી લોકસભાથી માંડીને છઠ્ઠી લોકસભા સુધી મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ધીરે ધીરે વધ્યું છે.

જ્યાં પહેલી લોકસભામાં માત્ર 21 મુસ્લિમ સાંસદો ચૂંટાયા હતા, ત્યાં છઠ્ઠી લોકસભામાં આ સંખ્યા 34 સુધી પહોંચી ગઈ.

લોકસભામાં મુસ્લિમોની ટકાવારી 4.29થી ઘટીને 6.2 સુધી પહોંચી ગઈ છે.

સંખ્યા ઓછી થવાનો સિલસિલો

સાતમી લોકસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વએ અચાનક કુદકો લગાવ્યો અને લોકસભામાં મુસ્લિમોની સંખ્યા 49 પર પહોંચી ગઈ.

ત્યારે લોકસભામાં મુસ્લિમોની ટકાવારી 9.26 હતી. 1984માં થયેલી આઠમી લોકસભાની ચૂંટણીમાં 46 મુસ્લિમ સાંસદ જીત્યા પરંતુ 1989માં આંકડો 33 પર પહોંચી ગયો.

આ એ જ સમય હતો જ્યારે લોકસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધવાનું શરુ થયું. આ સાથે લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા ઘટવાનું શરુ થઈ ગયું.

1989માં ભાજપના 86 સાંસદ જીત્યા હતા અને આ ચૂંટણીમાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 46થી ઘટીને 33 પર આવી ગઈ.

એટલે કે લોકસભામાં સીધે સીધા 13 મુસ્લિમ સાંસદ ઓછા થઈ ગયા. 1991માં ભાજપે 120 બેઠક જીતી હતી ત્યારે મુસ્લિમ સાંસદોની સંખ્યા વધારે ઘટીને 28 પર પહોંચી ગઈ.

લોકસભા ચૂંટણીમાં

વર્ષ 1996ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 163 બેઠક જીતી હતી, ત્યારે પણ મુસ્લિમ સાંસદોની સંખ્યા 28 જ રહી.

વર્ષ 1998માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે 182 બેઠક જીતી હતી ત્યારે લોકસભામાં 29 મુસ્લિમ સાંસદ જીત્યા હતા.

વર્ષ 1999માં ભાજપે ફરી 182 બેઠક જીતી હતી. આ વખતે મુસ્લિમ સાંસદોની સંખ્યા 32 થઈ ગઈ હતી.

પરંતુ 2004માં જ્યારે ભાજપ 182 બેઠક પરથી 138 બેઠક પર પહોંચી ગયો હતો. અને તેમાં મુસ્લિમ સાંસદોની સંખ્યા વધીને 36 થઈ ગઈ.

વર્ષ 2009માં 15મી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 30 પર પહોંચી હતી.

ચિંતાનો વિષય

લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઘટવું તે ચિંતાનો વિષય છે. પરંતુ તેની ચિંતા કોઈને નથી.

સવાલ એ છે કે જ્યારે સમાજના સંકોચાયેલા વર્ગને તેની વસતીના પ્રમાણમાં લોકસભામાં પ્રતિનિધિત્વ આપવામાં આવે છે તો પછી મુસ્લિમ સમુદાયને આ ફૉર્મુલામાંથી બહાર કેમ રાખવામાં આવ્યો છે.

વર્ષ 2006માં આવેલો સચ્ચર કમિટીનો રિપોર્ટ સ્પષ્ટપણે કહે છે કે દેશમાં મુસ્લિમોની હાલત દલિતો કરતાં પણ ખરાબ છે.

જો દલિતોને તેમની વસતીના હિસાબે લોકસભામાં સ્થાન મળ્યું છે તો પછી મુસ્લિમો આ ભાગીદારીથી વંચિત કેમ છે?

લોકસભામાં ભાજપના શાસનકાળમાં મુસ્લિમ પ્રતિનિધિની ટકાવારી 4.24 થી માંડીને 6.24 વચ્ચે રહી છે જે કુલ મુસ્લિમ વસતીના 14.2%થી ખૂબ ઓછી છે.

અનામતનો પાયો

ઉલ્લેખનીય છે કે સમાજના દલિતો અને આદિવાસીઓને લોકસભામાં તેમની વસતીના હિસાબે અનામત મળી છે.

લોકસભામાં 84 બેઠક દલિતો માટે અનામત છે અને 47 બેઠક આદિવાસીઓ માટે અનામત છે. આ સિવાય દરેક લોકસભામાં ઍંગ્લો-ઇંડિયન સમાજના બે લોકોની નિમણૂક કરવામાં આવે છે. જેથી તેમની વસતીના હિસાબે લોકસભામાં તેમને પ્રતિનિધિત્વ મળી શકે.

બંધારણ બનાવતી વખતે એવો અનુભવ હતો કે ઍંગ્લો-ઇંડિયન સમાજની વસતીની સામે દેશમાં કોઈ પણ લોકસભા સીટ પર એટલી વસતી નથી કે તેઓ પોતાના પ્રતિનિધિને ચૂંટીને લોકસભામાં મોકલી શકે.

છેલ્લાં અઢી દાયકાથી લોકસભામાં મહિલાઓને 35% અનામત આપવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. તેની પાછળ પણ વિચાર એવો જ છે કે મહિલા સશક્તિકરણ માટે રાજકારણ અને સત્તામાં વસતીના હિસાબે તેમની ભાગીદારી જરુરી છે.

17મી લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધશે કે ઘટશે, તે તો ચૂંટણીના પરિણામ જણાવશે. પરંતુ વહેલા-મોડા આ મુદ્દો લોકોનું ધ્યાન ખેંચશે જરુર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો