ભારતીય સેનાને મોદી સેના કહેનારા લોકો દેશદ્રોહી : વી. કે. સિંહ

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પહેલી એપ્રિલે ગાઝિયાબાદમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી. કે. સિંહના ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાને 'મોદીજીની સેના' કહી હતી.

આ મુદ્દે વિપક્ષોએ તકલીફ વ્યક્ત કરી છે, ઘણા સૈન્યના પૂર્વ અધિકારીઓએ પણ આ વાતનો વિરોધ કરતા કહ્યું છે કે સેના દેશની હોય છે, કોઈ એક નેતાની હોતી નથી.

યોગી આદિત્યનાથે ગાઝિયાબાદની ચૂંટણીસભાનું સંબોધન કરતાં કહ્યું હતું, "કૉંગ્રેસના લોકો આતંકવાદીઓને બિરયાની ખવડાવતા અને મોદીજીની સેના આતંકવાદીઓને ગોળી અને ગોળા ખવડાવે છે."

શું ભારતીય સેનાને મોદીજીની સેના કહેવી યોગ્ય છે?

આ સવાલના જવાબમાં વી. કે. સિંહે બીબીસીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું, "ભાજપના પ્રચારમાં લોકો પોતાને સેના પણ કહે છે પણ આપણે કઈ સેનાની વાત કરી રહ્યા છીએ."

"શું આપણે ભારતની સેનાની વાત કરી રહ્યા છીએ કે પૉલિટિકલ વર્કર્સની વાત કરી રહ્યા છીએ? મને ખબર નથી શું સંદર્ભ છે."

"જો કોઈ કહે કે ભારતની સેના મોદીજીની સેના છે તો એ ખોટું જ નહીં, પણ દેશદ્રોહ છે. ભારતની સેનાઓ ભારતની છે, એ કોઈ રાજકીય પક્ષોની નથી."

જનરલ સિંહે કહ્યું, "ભારતની સેનાઓ તટસ્થ છે. રાજનીતિથી અલગ રહેવા સક્ષમ છે. ખબર નહીં આવી વાત કોણ કરે છે. એક બે લોકો જ જેના મનમાં આવી વાતો આવે છે, કારણ કે તેમની પાસે બીજું કશું જ નથી."

વી. કે. સિંહે કહ્યું, "ભારતની સેનાની વાત કરો તો ભારતની સેનાની જ વાત કરો. જો તમે રાજકીય વાત કરતા હોવ તો આપણે ઘણી વખત તેમને મોદીજીની સેના અથવા ભાજપની સેના કહી શકીએ છીએ. પરંતુ તેમાં અને ભારતની સેનામાં ફરક છે."

ભારતની નૌસેનાના પ્રમુખ રહી ચૂકેલા એડમિરલ રામદાસ અને નૉર્ધન કમાંડના હૅડ રહી ચૂકેલા જનરલ હુડ્ડાએ પણ કહ્યું કે સેનાનું રાજનીતિકરણ થઈ રહ્યું છે.

આ અંગે વી. કે. સિંહે કહ્યું, "તેમણે રાજનીતિકરણ નથી કહ્યું. તેમણે કહ્યું છે કે સેનાની સિદ્ધિઓને રાજકીય હિત ખાટવા માટે ઉપયોગ થઈ રહ્યો હોય એવું લાગે છે."

ત્યારે ડીએસ હુડ્ડાએ કહ્યું કે એવું ન થવું જોઈએ. કોઈએ એવું નથી કહ્યું કે રાજનીતિકરણ થઈ રહ્યું છે.

સર્જિકલ સ્ટ્રાઈક પર ફિલ્મ કેમ બની? આ પ્રશ્નના જવાબમાં જનરલ સિંહે કહ્યું, "ફિલ્મ તો બધા પર બને છે ભાઈ. એક 'પ્રહાર' ફિલ્મ બની હતી. એ તો આતંકવાદીઓ વિરુદ્ધ 90ના દાયકામાં બનેલી ફિલ્મ હતી."

રાજનૈતિક સભાઓમાં સીઆરપીએફના જવાનોના ચહેરા કેમ લગાવવામાં આવે છે?

આ અંગે જનરલ સિંહે કહ્યું,"મને કહો કે શું હું અહીં કોઈ બૅનર લગાવું અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપું તો તમે કહેશો કે આ રાજનીતિકરણ છે? જે લોકો તેને રાજનીતિકરણ કહેતા હોય તો તેમણે પહેલા ધોરણથી ભણવું જોઈએ કે રાજનીતિકરણ શું છે? "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો