You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેમના પર 2002માં હુલ્લડનો આરોપ હતો તે મિતેષ પટેલને ભાજપે ટિકિટ કેમ આપી?
- લેેખક, દક્ષેશ શાહ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સામાન્ય રીતે ઓછી ચર્ચામાં રહેતી ગુજરાતની આણંદ બેઠક આ વખતે ચર્ચામાં છે. ભાજપે આ બેઠક ઉપરથી મિતેષ પટેલને ઉતાર્યા છે, જેઓ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા હુલ્લડોમાં આરોપી હતા.
54 વર્ષીય પટેલે ચૂંટણીપંચમાં દાખલ કરેલી ઍફિડેવિટ પ્રમાણે જાણવા મળે છે કે 2002માં ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમનો નિર્દોષ છૂટકારો થયો છે.
કૉંગ્રેસે પટેલની સામે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન ભરતસિંહ સોલંકીને ઉતાર્યા છે, જેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે.
પટેલ સામેના આરોપ
ઍફિડેવિટમાં પટેલે જણાવ્યા પ્રમાણે, તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 147 (હુલ્લડ), 148 (જીવલેણ હથિયાર રાખવા), 149 (ગેરકાયદેસર મંડળી રચવી), 436 (આગ કે વિસ્ફોટકથી સંપત્તિને નુકસાન પહોંચાડવું), 332 (સરકારી કર્મચારીની ફરજમા અવરોધ ઊભો કરવો), 337 (અન્યોના જીવની ઉપર જોખમ ઊભું થાય તેવું કૃત્ય કરવું) જેવી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ સિવાય આઈપીસીની 153 (ક), 120 (બ), 454, 457, 380, 452 અને બોમ્બે પોલીસ ઍક્ટની કલમ-135 હેઠળ કેસ ચાલ્યો હતો.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2010માં નીચલી અદાલતે તેમને છોડી દીધા હતા.
આરોપીઓને નિર્દોષ છોડી દેવા સામે વર્ષ 2011માં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
ઉદ્યોગપતિ પટેલ
પટેલ ભાજપના કાર્યકરો અને મિત્રોમાં 'બકાભાઈ'ના નામથી ઓળખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિતેષ પટેલની ગણના આણંદ જિલ્લાના ટોચના ઉદ્યોગપતિઓમાં થાય છે.
તેઓ લક્ષ્મી પ્રોટીન પ્રોડક્ટ્સના ચૅરમૅન તથા મૅનેજિંગ ડિરેક્ટર છે. આ સિવાય ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલી અન્ય બે કંપનીઓ પણ ધરાવે છે.
તેઓ 1959થી પ્રચલિત 'લક્ષ્મી' બ્રાન્ડ હેઠળ તુવેરદાળ, ચણાદાળ અને મગદાળ પ્રોસેસ કરે છે.
ભાજપ દ્વારા આપવામાં આવેલા તેમના બાયો-ડેટા પ્રમાણે, તેમની પ્રોડક્ટ્સ 12 દેશોમાં નિકાસ થાય છે.
કંપની રિલાયન્સ ફ્રેશ માર્ટ, બિગ બાઝાર, ડી-માર્ટ, આદિત્ય બિરલા જૂથની રિટેલ ચેન મોર હાયપર અને ટેસ્કો જૂથની સ્ટાર બજારને કઠોળ સપ્લાય કરે છે.
તેઓ 'ગુજરાત દાળ ઉત્પાદક મંડળ' અને 'ભાજપ સેન્ટ્રલ ગુજરાત વ્યાપાર ઉદ્યોગ સેલ'ના સંયોજક, ભાજપના સેન્ટ્રલ વિદ્યાનગરની એસ. પી. યુનિવર્સિટીના સેનેટ મેમ્બર છે.
તેમણે 1986માં બેંગ્લુરુ ખાતેથી ડિપ્લોમા ઇન ટેલિકૉમ્યુનિકેશન એન્જિનિયરિંગ કર્યું હતું.
પટેલે સંપત્તિમાં મર્સિડિઝ, બે ઇનોવા, એક સ્વિફ્ટ, એક હોન્ડાવેવ અને એક બાઇક ધરાવે છે.
પટેલ આદિવાસી વિસ્તારોમાં કાર્યરત સંઘની સંસ્થા ભારતીય વનવાસી કલ્યાણ પરિષદ અને વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા છે.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે, પટેલે (પત્ની દીપાલીબહેનની સાથે) રૂ. 3 કરોડ 48 લાખની જંગમ અને રૂ. 4 કરોડ 22 લાખની સ્થાવર સંપત્તિ ધરાવે છે.
ધ્રુવીકરણનો પ્રયાસ?
ગુજરાત પ્રદેશ કમિટીમાં મંત્રી દક્ષેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "મિતેષ પટેલને ઉતારીને આણંદ અને આજુબાજુની બેઠક ઉપર ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેમાં સફળ નહીં થાય."
તેઓ ઉમેરે છે કે વ્યક્તિગત રીતે પટેલ 'સારા માણસ' છે.
મિતેષ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "નીચલી કોર્ટ દ્વારા મને છોડી મૂકવામાં આવ્યો છે, જેની સામે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં ગઈ છે."
"હાલ ઉચ્ચઅદાલતમાં કેસ પેન્ડિંગ છે. હું કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવમાં માનતો નથી."
"મારી ફેક્ટરીમાં હિંદુ, મુસ્લિમ, એસસી, એસટી એમ સમાજના તમામ વર્ગના લોકો કામ કરે છે. મારા ડ્રાઇવર પણ મુસ્લિમ છે."
ગોધરાકાંડ અને હુલ્લડ
27 ફેબ્રુઆરી 2002ના રોજ ઉત્તર પ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા પાસે અટકાવવામાં આવી હતી.
ત્યારબાદ ટ્રેન પર મુસ્લિમ ટોળાએ હુમલો કરતા ટ્રેનના એસ 6 કોચને આગ ચાંપવામાં આવી હતી.
જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કાર સેવકોનાં મૃત્યુ થયા હતા.
ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા.
જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જેમાં 1000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો