મેઘાલય : ત્રણ અઠવાડિયાંથી ખાણમાં ફસાયા છે મજૂર, પરિવારજનોને ચમત્કારની રાહ

    • લેેખક, દિલીપ કુમાર શર્મા
    • પદ, લુમથરી ગામ (મેઘાલય)થી, બીબીસી ગુજરાતી માટે

"હું છેલ્લાં બે અઠવાડિયાંથી મારા ભાણીયાઓની રાહ જોતો અહીં કોલસાની ખાણની બહાર બેઠો છું. પરંતુ ખબર નથી એ જીવિત પણ છે કે નહીં..."

22 વર્ષીય પ્રેસમેકી દખાર કોલસાની ખાણમાં ફસાયેલા પોતાના ભાણેજને યાદ કરીને ભાવુક થઈ જાય છે.

"એનડીઆરએફના લોકો આટલા દિવસોથી અહીં કામ કરી રહ્યા છે પરંતુ કોઈએ અમને નથી જણાવ્યું કે ડિમોંમે અને મેલામબોકને ક્યારે બહાર કાઢવામાં આવશે."

મેઘાલયની અંધારી, પાણીથી ભરેલી અને અત્યંત સાંકડી એક ખાણમાં ગત 13 ડિસેમ્બરથી 15 મજૂરો ફસાયેલા છે.

એ મજૂરોમાં 20 વર્ષીય ડિમોંમે દખાર અને 21 વર્ષીય મેલામબોક દખાર પણ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇશ્વર કોઈ ચમત્કાર કરી દે...

મોટાભાગે ખ્રિસ્તી વસતિ ધરાવતા મેઘાલયમાં નાતાલ પહેલા લુમથરી ગામના આ બે યુવક ખાણમાં કામ કરવા ગયા હતા.

પરંતુ 370 ફૂટથી પણ વધુ ઊંડી આ ખાણમાં અચાનક પાણી ભરાઈ જવાથી અંદર કામ કરી રહેલા તમામ મજૂરો તેમાં ફસાઈ ગયા.

પહાડોથી ઘેરાયેલું અને વાદળોનું ઘર કહેવાતું મેઘાલય એક સુંદર રાજ્ય છે, પરંતુ અવૈજ્ઞાનિક અને ગેરકાયદેસર રીતે ચાલતી કોલસાની ખાણો અને મજૂરોના મોતની ઘટનાઓ મેઘાલયને બદનામ કરી રહી છે.

આ અકસ્માતથી વ્યથિત પ્રેસમેકી કહે છે, "આ વિસ્તારમાં બેરોજગાર યુવકોની વસતિ મોટા પ્રમાણમાં છે."

"જેમની પાસે કોલસાની ખાણમાં કામ કરવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. કેમ કે ખેતીના કામમાં ન તો આટલી કમાણી છે અને ન તો લોકોની પાસે એટલી જમીન છે."

શું તેમને અથવા પછી પરિવારના લોકોને ડિમોંમે અને મેલામબોકના જીવિત બચવાની આશા છે?

આ સવાલ પર તેઓ કહે છે, "આ ઘટનાના 15 દિવસ પછી પણ અમને લાગતું હતું કે મારા બંને ભાણેજ જીવિત બહાર આવી જશે."

"જ્યારે ભારતીય નૌકા દળના તરવૈયાઓ પાણીની અંદર જઈને કંઈ પણ શોધી ન શક્યા ત્યારે અમારી આશાઓ તૂટવા લાગી."

"કોઈ 20 દિવસ સુધી આવી ખતરનાક અંધારી ખાણમાં કેવી રીતે જીવિત રહી શકે. જો ઈશ્વર કોઈ ચમત્કાર કરી દે તો જ આ શક્ય બની શકે."

કોલસાની ખાણ પર પ્રતિબંધ

મેઘાલયના ઇસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લાની જે કોલસાની ખાણમાં આ અકસ્માત થયો છે, ત્યાં સુધી પહોંચવું સહેલું નથી.

જોવાઈ-બદરપુર નેશનલ હાઈવેના રસ્તે થઈને હું ખલિરિયાટ સુધી તો પહોંચી ગયો હતો પરંતુ એની આગળની મુસાફરી ખૂબ જ મુશ્કેલ હતી.

હકીકતમાં ખલિરિયાટથી આગળ લગભગ 35 કિલોમીટર ગાડી દ્વારા પહોંચવું પડે છે.

પછી લુમથરી ગામની પાસે ખલો રિંગસન નામના વિસ્તારમાં આ કોલસાની ખાણ સુધી પહોચવા માટે તૂટેલા-ફૂટેલા ડુંગરાળ રસ્તા અને ત્રણ નાની-નાની નદીઓને પાર કરવી પડે છે.

ખલિરિયાટથી આ વિસ્તારમાં પ્રવેશ કરતાં જ રસ્તાની બંને તરફ કોલસાના ઢગલા પડેલા દેખાઈ જાય છે જ્યાં શનિવારે પણ મજૂર સામાન્ય દિવસોની જેમ જ ટ્રકોમાં કોલસો ભરતા હતા.

એવું જરાય નહોતું લાગતું કે અહીં અવૈજ્ઞાનિક પદ્ધતિથી ચાલી રહેલી કોલસાની ખાણો ઉપર 2014થી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો પ્રતિબંધ છે.

ગરીબ અને બેરોજગાર

ખાણમાં ફસાયેલા પોતાના પિતરાઈ ભાઈની આતુરતાથી રાહ જોઈ રહેલા 28 વર્ષના ફાઈહુનલાંગ સુબા હવે પોતાના કોઈ પણ સંબંધી અને મિત્રને આ કોલસાની ખાણોમાં કામ કરવા નહીં મોકલે.

તેમણે બીબીસીને કહ્યું, "આ કોલસાની ખાણમાં ફસાયેલા મેલામ દકાર મારા પિતરાઈ ભાઈ છે. તેઓ પહેલી વાર કોલસાની ખાણમાં કામ કરવા ગયા હતા."

"તેમને રૈટ હોલ માઇનિંગમાં કામ કરવાનો કોઈ અનુભવ નથી. હું જ્યારે આ ઊંડી ખાણને જોઉં છું તો ડરથી મારું કાળજું બેસી જાય છે. ખબર નહીં તેની શું હાલત થઈ હશે."

"હું ક્યારેય કોલસાની ખાણમાં કામ નહીં કરું. ભલે ભૂખ્યો મરી જઉં."

એક સવાલનો જવાબ આપતા ફાઈહુનલાંગે કહ્યું, "અમે ઘણાં ગરીબ અને બેરોજગાર છીએ. આ વિસ્તારમાં જીવતા રહેવા માટે ઘણાં લોકો પોતાના જીવનું જોખમ ઉઠાવે છે."

"મેલામ નાતાલ પહેલા થોડી વધારે કમાણી કરવા ઇચ્છતા હતા. એટલે તેઓ કોલસાની ખાણમાં કામ કરવા જતા રહ્યા. ખબર નથી હું એમને ફરી મળી પણ શકીશ કે નહીં."

નૌસેનાની મદદ

આ દુર્ઘટના પછી શરૂઆતમાં એનડીઆરએફની ટીમ દ્વારા પાણીથી ભરેલી આ કોલસાની ખાણમાં મજૂરોને શોધવાનું અભિયાન ચલાવવામાં આવ્યું.

પરંતુ ગંભીર આફતોને પહોંચી વળવાના અનુભવી એનડીઆરએફના મરજીવાઓ 15 દિવસ સુધી પણ મજૂરોનાં પગેરાં શોધી શક્યા નહીં.

એનડીઆરએફે 15 દિવસ સુધી અન્ય બચાવ એજન્સીઓની મદદ શા માટે ન લીધી એ પણ એક મોટો સવાલ છે.

ત્યારબાદ ગત શનિવારથી વિશાખાપટ્ટનમથી ભારતીય નૌકાદળના એ મરજીવાઓને બોલાવવામાં આવ્યા જેમને ઘણાં જટિલ અભિયાનોનો અનુભવ છે.

પરંતુ સતત બે દિવસ સુધી ખાણની અંદર પોતાના અનુભવી મરજીવાઓને મોકલ્યા બાદ પણ નૌકાદળની ટીમ ત્યાં ફસાયેલા મજૂરોની ભાળ મેળવી શકી નહીં.

રેસ્ક્યૂ ઑપરેશનમાં મુશ્કેલી

એનડીઆરએફની ટીમ શરૂઆતમાં ખાણની અંદર 70 ફૂટ પાણી ભરેલું હોવાનું અનુમાન લગાવી રહી હતી અને તેમના તરવૈયાઓ 30 ફૂટ સુધી પાણીની અંદર જવાનો દાવો કરી રહ્યા હતા.

પરંતુ 15 દિવસો સુધી ખાણનું પાણી કાઢવા માટે હાઈ પાવર પંપની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી.

આ બચાવ અભિયાનમાં એનડીઆરએફ ટીમનું નેતૃત્વ કરી રહેલા સહાયક કમાંડેટ સંતોષ કુમાર સિંઘ કહે છે, "એનડીઆરએફ માટે આ બચાવ અભિયાનમાં જે મુખ્ય સમસ્યાઓ હતી, તેમાં અમારા માટે પાણીની સપાટી અને તેના ઊંડાણનું અનુમાન લગાવવામાં ખૂબ જ મોટા અવરોધો હતા."

"આથી અમે વધુ સફળ ન થઈ શક્યા. આ સિવાય પાણીને બહાર કાઢવાના હાઈ પ્રેશર પંપ નહોતા. અમારી પાસે ફક્ત 25 હોર્સપાવરના પંપ હતા."

"હવે આ બચાવ અભિયાનમાં નૌકાદળના મરજીવાઓ સહીત ઓડિશાથી હાઈ પાવર પંપ લઈને પહોંચેલા ફાયર બ્રિગેડના જવાન તથા કોલ ઇન્ડિયા જેવી ઘણી એજન્સીઓ સામેલ થઈ ગઈ છે. અમે જલદી પરિણામ સુધી પહોંચીશું."

આખરે આ એજન્સીઓની મદદ 15 દિવસ પહેલા કેમ લેવામાં ન આવી?

આ સવાલના જવાબમાં સહાયક કમાંડેટ સિંહ કહે છે, "હકીકતમાં આ બચાવ અભિયાન જિલ્લા નાયબ કમિશનરના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહ્યું છે."

"તો જે કંઈ પણ જરૂરી હોય છે, તેની જાણકારી જિલ્લા નાયબ કમિશનરને આપી દેવામાં આવે છે."

એનડીઆરએફના અધિકારી અને ઘટના સ્થળ ઉપર હાજર અન્ય એજન્સીઓની વચ્ચે તાલમેલના અભાવના મુદ્દે સવાલો ઊભા થઈ રહ્યા છે.

જો ખાણમાં પાણીને બહાર કાઢવાનું કામ સૌથી પહેલું હતું તો હાઈ પાવર પંપની વ્યવસ્થા 15 દિવસ પહેલા કેમ કરવામાં ન આવી?

આ પ્રકારના ઘણા જટિલ બચાવ અભિયાનમાં પોતાનું યોગદાન આપી ચૂકેલા એન્જિનિયર જસવંત સિંઘ ગિલ કહે છે, "જો પાણીના સ્તર અંગે ખબર હતી તો હાઈ પાવર પંપ શરૂઆતમાં જ લગાવવા જોઈતા હતા."

"અહીં પહેલેથી બચાવ અભિયાનને લગતી સામગ્રી જ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી."

"તેમની પાસે એવી કોઈ નિષ્ણાંત વ્યક્તિ નહોતી જે આવા જટિલ અભિયાનને પરિણામ સુધી પહોંચાડી શકે."

"એટલો અંદરનો વિસ્તાર છે. અહી વીજળી નથી, રસ્તા નથી. આવામાં બચાવ કાર્ય શરૂ કરવામાં ઘણું મોડું થયું છે."

જોખમનું કામ

થાઇલૅન્ડની ગુફામાં ફસાયેલા બાળકોને બહાર કાઢવાના અભિયાન કરતા આ બચાવ અભિયાન કેટલું મુશ્કેલ છે?

આ સવાલનો જવાબ આપતા ગિલ કહે છે, "થાઈલૅન્ડમાં એક જ સમસ્યા હતી કે બાળકોની ભાળ કેવી રીતે મેળવવી. પરંતુ અહીની ખાણોમાં સાંકડી ગુફાઓ છે."

"તે પણ પાણીથી ભરેલી છે. કોઈ પણ મરજીવો ગમે તેટલો અનુભવી હોય તેના માટે સમુદ્રમાં ડૂબકી લગાવવી અને આ સાંકડી ખાણોની અંદર ડૂબકી મારીને પ્રવેશ કરવો ખૂબ જોખમનું કાર્ય છે."

"મરજીવા ડાઇવિંગ સૂટની સાથે પીઠ ઉપર ઓક્સિજન સિલિન્ડર સહીત ઘણાં ઉપકરણ લઈને પાણીની નીચે જાય છે."

"આ રૈટ હોલ્સમાં આટલા સામાન સાથે ઘૂસવું અને ત્યાં અહીં-તહીં મજૂરોની શોધખોળ કરવી સહેલું કામ નથી. ઘણીવાર આવા અભિયાનમાં જીવ ગુમાવવો પડી શકે છે."

"આ જોખમી કોલસાની ખાણમાં સૌથી પહેલું કામ પાણીને બહાર કાઢવું પડશે. ત્યારે જ અન્ય બચાવ કાર્ય કરી શકાશે."

ફાયર સર્વિસના પંપ

હાલ કોલસાની ખાણમાંથી પાણી કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

કોલસાની આ ખાણમાં ચલાવવામાં આવી રહેલા બચાવ અભિયાન માટે મેઘાલય સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવેલા પ્રવક્તા આર સુસંગીએ બુધવાર સુધીની જાણકારી આપી હતી.

તેમણે કહ્યું, "ફાયર સર્વિસના પંપ પાણી કાઢવા માટે સવારના સાડા દસ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી ચલાવવામાં આવ્યા હતા જેમાં લગભગ 1 લાખ 20 હજાર લીટર પાણી બહાર ફેંકવામાં આવ્યું છે."

"આ દરમિયાન કોલ ઇન્ડિયાના 100 હૉર્સ પાવર વાળા સબમર્સિબલ પંપ પણ લગાવવાની તૈયારી ચાલી રહી છે જે 500 ગેલન પ્રતિ મિનિટ પાણી બહાર કાઢશે."

ખાણમાં પાણી ઓછું થવાનો એક હિસાબ આપતા સુસંગી કહે છે કે બુધવારે 6 ઇંચ પાણી ઓછું થયું છે.

આ સંદર્ભમાં ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લાના જિલ્લા નાયબ કમિશ્નર એફએમ ડોફ્ત કંઈ વાત કરવા નથી ઇચ્છતા.

તેઓ મીડિયા સાથે વાત કરવામાં હાલ સમયની બરબાદી માને છે.

તેમનું કહેવું છે કે આ સમયે બચાવ અભિયાન કોઈ પણ તારણ ઉપર નથી પહોંચ્યું, એટલે વાત કરવાનો કોઈ મતલબ નથી.

પરંતુ તેઓ એ વાતનો જવાબ પણ નથી આપતા કે આખરે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના પ્રતિબંધ પછી પણ તેમના જિલ્લામાં ગેરકાયદેસર કોલસાની ખાણોમાં 'ખનન'નું કામ શા માટે ચાલી રહ્યું છે.

કોલસા માફિયા

કોલસાના ખનનની બાબતે અહીં કોલસા માફિયાનો આતંક કઇંક એવો છે કે કોઈ પણ આ બાબતે મીડિયા સાથે વાત કરવા નથી ઇચ્છતું.

એક સ્થાનિક પત્રકારે નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું, "જયંતિયા હિલ્સના બંને જિલ્લાઓમાં 5 હજારથી વધુ કોલસાની ખાણો છે જેની ઉપર સ્થાનિક વહીવટીતંત્રનું કોઈ નિયંત્રણ નથી. કોલસા માફિયાઓની પહોંચ ઉપર સુધી છે."

કોલસાની ખાણોના માલિકોના સરકારના લોકો સાથે કથિત રૂપે સારા સંપર્કો હોવાને કારણે નાના-મોટા અકસ્માતો તો પોલીસના ચોપડે નોંધાતા પણ નથી.

સામાન્ય રીતે આ રેટ હોલ માઈન્સમાં કામ કરનારા મજૂરોનાં અસલી નામો અને સરનામાં ફક્ત ખાણના માલિકો પાસે જ હોય છે.

ઘણાં ગેર સરકારી સંગઠનોની ફરિયાદોમાં આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા પરંતુ સરકારી સ્તરે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં.

શું કહે છે રાજ્ય સરકાર?

રેટ હોલમાં કોલસા કાઢવા માટે બાળ મજૂરોને નેપાળ અને અન્ય રાજ્યોમાંથી તસ્કરી કરીને અહીં લાવવામાં આવે છે.

આ જ ફરિયાદોને આધારે અને પર્યાવરણને થનારા નુકસાનને જોતાં ગેરસરકારી સંગઠનોએ મેઘાલયમાં કોલસાના ખનન ઉપર પ્રતિબંધ લગાવવા માટે જાહેર હિતની અરજી દાખલ કરી હતી જે પછી એપ્રિલ 2014માં કોલસાના ખનન અને તેના ટ્રાન્સપોર્ટેશન ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

જોકે, ગેરકાયદેસર રીતે કોલસા કાઢવાનું કામ ચાલતું રહ્યું.

મેઘાલય પ્રદેશ ભાજપના અધ્યક્ષ સિબુન લિંગદોહ કહે છે, "આ ઘટના જ્યાં બની છે ત્યાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. આથી સરકાર સુધી આ દુર્ઘટનાની જાણકારી થોડી મોડી પહોંચી."

"આ જ કારણ છે કે બચાવકાર્ય પણ મોડું શરૂ થયું પરંતુ અમારી સરકાર મજૂરોને બહાર કાઢવાના દરેક શક્ય પ્રયત્નો કરી રહી છે."

"આ સાથે જ ગેરકાયદેસર રીતે ખનનનું કામ ચલાવી રહેલી આ કોલસાની ખાણના માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે."

કોલસાની ખીણના માલિકો સાથે

લિંગદોહ પોતે સ્વીકારે છે કે આ વિસ્તારમાં તેમની પાસે પણ કોલસાની ઘણી ખાણો છે પરંતુ કોર્ટના પ્રતિબંધને લીધે અત્યારે કામ બંધ કરી દેવાયું છે.

તેઓ કહે છે, "ફક્ત જયંતિયા હિલ્સ જ નહી મેઘાલયમાં જ્યાં-જ્યાં કોલસાની ખાણો છે, ત્યાં હજુ પણ ગેરકાયદેસર રીતે ખનનનું કામ ચાલી રહ્યું છે."

"ઘણીવાર ખબર પડે તો સરકાર કાર્યવાહી પણ કરે છે પરંતુ તેમાં ઘણા મોટા સરકારી અધિકારી પણ કોલસાની ખાણના માલિકો સાથે મળેલા છે."

"ખરેખર કોલસાના ખનન ઉપર પ્રતિબંધથી આ વિસ્તારના લોકોની આર્થિક હાલત ઘણી કફોડી થઈ ગઈ છે, તેના કારણે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરી રહ્યા છે."

ગત વર્ષે ફેબ્રુઆરીમાં મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા, ભાજપે વાયદો કર્યો હતો કે જો તે સત્તામાં આવશે તો "કાયદેસરની કાર્યવાહી" દ્વારા આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે એક વ્યાપક સમાધાન લાવવાનો પ્રયત્ન કરશે.

ભાજપની સાથે મેઘાલયમાં એક બિન-કૉંગ્રેસી સરકાર બનાવનારા મુખ્યમંત્રી કૉનરાડ સંગમા કોલસા ઉપર પ્રતિબંધ લગાવવાના મુદ્દાનું સમાધાન શોધવામાં લાગેલા છે.

મેઘાલય સરકારને ફક્ત કોલસાથી 700 કરોડ રૂપિયા જેટલી રેવન્યુ મળે છે.

જોકે, વૈજ્ઞાનિક ઢબે કોલસા કાઢવાની વાત ઉપર કોઈ ચર્ચા કરતું નથી.

આ દરમિયાન કોલસાની ખાણમાં ફસાયેલા 15 મજૂરોની સરકારે એક યાદી જાહેર કરી છે જેમાં મોટા ભાગના મજૂરો નીચલા આસામના મુસ્લિમો છે.

મુ ખ્યમંત્રી સંગમા પ્રદેશમાં કોલસાના ખનન ઉપર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે નવી દિલ્હીમાં ઘણાં મંત્રાલયોના ચક્કર લગાવી રહ્યા છે પરંતુ આ દુર્ઘટનાના 20 દિવસ વીતી ગયા બાદ પણ તેઓ ત્યાં આવ્યા નથી.

એવી જાણકારી છે કે ગત શુક્રવારે મુખ્ય મંત્રી દુર્ઘટનાના સ્થળથી ફક્ત 35 કિલોમીટર દૂર ખલિરિયાટમાં એક પરિચિતનાં લગ્નમાં સામેલ થયા હતા પરંતુ તેઓ લુમથરી ગામમાં પીડિત પરિવારને હજુ સુધી મળ્યા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો