You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'શાળાઓમાં જય હિંદ, જય ભારત બોલાવવું એ સસ્તી લોકપ્રિયતાનો પ્રયાસ છે'
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓના મોઢે 'યસ સર/મેમ' કે 'પ્રેસેન્ટ ટીચર/સર/મેમ' કે 'હાજર બેન/હાજર સાહેબ'ને બદલે હવે 'જય હિંદ' કે 'જય ભારત' સાંભળવા મળશે.
સરકારી પરિપત્રને પગલે પહેલી જાન્યુઆરીથી રાજ્યની તમામ શાળાઓમાં આ આદેશ લાગુ કરી દેવાયો છે.
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે એ માટે આ નિર્ણય લેવાયો છે.
31 ડિસેમ્બરે 'પ્રાથમિક શિક્ષણ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ' ના નિયામક દ્વારા એક અધિસૂચન જાહેર કરીને રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ તેમજ સૅલ્ફ ફાઇનાન્સ શાળાઓના 1થી 12મા ધોરણના વિદ્યાર્થીઓને હાજરી પુરાવતી વખતે 'જય હિંદ કે જય ભારત' બોલવું ફરજિયાત કરી દેવાયું છે.
વિદ્યાર્થીઓમાં દેશદાઝ વિકસે એ માટે આ પહેલ કરાઈ હોવાનું પણ અધિસૂચનમાં જણાવાયું છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓમાં દેશદાઝ વિકસાવવા માટે આ પગલું ભરાયું હોવાનું જણાવ્યું છે.
રાજસ્થાનના શિક્ષકની સલાહથી નિર્ણય લેવાયો?
રાજસ્થાનમાં ઇતિહાસના શિક્ષક સંદીપ જોશીના સૂચન પર સરકારે આ પગલું ભર્યું હોવાનું પણ મીડિયાના અહેવાલો જણાવે છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર જોશી રાજસ્થાનના જાલોર જિલ્લામાં શિક્ષક તરીકે સેવા બજાવે છે અને તેમને 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ'ના રાષ્ટ્રીય સંમેલનમાં 'યશવંતરાવ કેલકર યુથ ઍવૉર્ડ' પણ મળેલો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિક્ષણ ક્ષેત્રે તેમના પ્રદાન ઉપરાંત વિદ્યાર્થીઓને 'જય હિંદ' અને 'જય ભારત' બોલાવવા બદલ તેમને આ ઍવૉર્ડ એનાયત કરાયો હતો.
સંદીપ જોશીએ પોતાની ફેસબુક વૉલ પર શૅર કરેલાં 'દૈનિક ભાસ્કર'માં પ્રકાશિત અહેવાલમાં એવું જણાવે છે, "દરરોજ 'યસ સર' બોલવા અને સાંભળવાનો ક્રમ એક વર્ષમાં લગભગ દસ હજાર વખતના આંક સુધી પહોંચી જતો હોય છે."
"એ રીતે સંપૂર્ણ વિદ્યાર્થી જીવનમાં આ આંક લગભગ એક લાખ સુધી પહોંચી જતો હોય છે." જોશીને ટાંકીને અહેવાલ જણાવે છે કે 'યસ સર' નું સંબોધન દૈનિક જીવનમાં કોઈ શિક્ષા નથી આપતું.
તેમના મતે 'જય ભારત'નો નાદ દેશભક્તિના સંસ્કાર આપે છે.
વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધમાં સરકારની દખલ?
પણ શું 'જય હિંદ' કે 'જય ભારત' બોલવાથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવી શકાય?
ગુજરાતના વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી ડૉ. અશોક પટેલ આ વાત સાથે સહમત નથી થતા.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ડૉ. પટેલે જણાવ્યું, "શિક્ષક જ્યારે હાજરી પૂરે અને વિદ્યાર્થીઓ જ્યારે 'યસ સર' કે 'યસ મેમ' બોલે ત્યારે વહેલી સવાર કે પહેલાં તાસથી જ બન્ને વચ્ચે એક સંવેગાત્મક સંબંધ બંધાતો, જે સરકારે એક જ ઝાટકે તોડી નાખ્યો છે."
ડૉ. પટેલ ઉમેરે છે, "રાષ્ટ્રભાવના વિકસાવવાનો આ રસ્તો નથી. દેશદાઝ ખીલવવાના એક હજાર ઉપાય છે. તમે જ્યારે નીતિવિષયક નિર્ણય લેતા હો ત્યારે તેની આડઅસરનો પણ વિચાર કરવો જોઈએ."
તેમના મતે "શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બે પ્રકારના સંબંધો હોવા જોઈએ, જ્ઞાનાત્મક અને સંવેગાત્મક. આ બે સંબંધ થકી જ શિક્ષણની પ્રક્રિયા સાકાર થઈ શકે."
તમે આ વાંચ્યું કે નહીં?
પટેલ આ અંગે વધુ વાત કરતા ઉમેરે છે, "વિદ્યાર્થી 'યસ સર' કે 'યસ મેડમ' કહેતા હોય ત્યારે એમનાં માતાપિતા કરતાં પણ વધુ સન્માન પોતાનાં શિક્ષણ કે શિક્ષિકાને આપતા હોય. આ સંબંધમાં સરકાર દખલગીરી કરી રહી છે."
આ અધિસૂચન પાછળ સરકારનો ઉદ્દેશ બાળકોમાં રાષ્ટ્રભક્તિ કેળવવાનો છે. જોકે, ડૉ. પટેલ પૂછે છે કે દેશદાઝ જગાવવા માટે દેશના જેટલા રાષ્ટ્રીય સ્મારકો છે, એમની મફત મુલાકાત માટેનું આયોજન કેમ નથી કરાતું?
'જય હિંદ' કે 'જય ભારત' જેવા શબ્દોથી રાષ્ટ્રભાવના ના કેળવી શકાય એવું પણ ડૉ. પટેલનું માનવું છે.
આ અંગે વાત કરતાં પટેલ જણાવે છે, "જય હિંદ કે જય ભારત બોલવાથી રાષ્ટ્રભાવના ના વિકસી શકે. આ એક લાંબી પ્રક્રિયા છે, જેના પર આટલું બોલી લેવાથી કોઈ ફેર ના પડે."
ડૉ. પટેલનું એવું પણ માનવું છે કે શાળામાં ગુણાત્મક અને માનવીય બાબતો પર ધ્યાન આપવાને બદલે સરકાર ભૌતિક બાબતો પર વધારે પડતો ભાર આપી રહી છે.
'દેશપ્રેમ એ બિનસાંપ્રદાયિક ભાવના'
ગુજરાતના વરિષ્ઠ કન્સલટન્ટ સાયકૉલોજીસ્ટ ડૉ.પ્રશાંત ભિમાણી આ સરકારી પગલાની બાળમાનસ પર શી અસર પડી શકે એ અંગે વાત કરે છે.
ડૉ. ભિમાણી કહે છે, "નાની ઉંમરે સતત બોલાતા શબ્દોની અસર બાળમાનસ પર થતી હોય છે. એ વખતે તેમની ગ્રહણશક્તિ વધુ હોય છે."
ભિમાણી ઉમેરે છે, "યસ સર બોલતી વખતે વિદ્યાર્થીઓમાં સન્માન, ડર કે કાં તો કંટાળાનો ભાવ હોય છે અને આ જ ભાવ બીજા કોઈ શબ્દ સાથે પણ એમને અનુભવાઈ શકે."
ભિમાણીના મતે દેશપ્રેમનું અસ્તિત્વ ભૌતિક નથી, એ લાગણીની વાત છે. તેઓ જણાવે છે, "દેશપ્રેમ એ બિનસાંપ્રદાયિક ભાવના છે. આ એક એવી લાગણી છે કે જેને ધર્મ સ્પર્શતો નથી."
જોકે, તેઓ એવી સ્પષ્ટતા પણ કરે છે કે આ પગલું ભરવાના કારણે દેશપ્રેમ વધી જશે કે કે રાષ્ટ્રભાવના વિકસી જ જશે એવું ના કહી શકાય.
સરકારના આ પગલાને અમદાવાદમાં આવેલી સી.એન. વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ત્રિવેદી હકારાત્મક અને નકારાત્મક એમ બન્ને રીતે જુએ છે.
ત્રિવેદી જણાવે છે, "સરકારના આ પગલાને કારણે શિક્ષકોમાં જે 'ચઢિયાતાપણાંનું ગૌરવ' જન્મતું હતું તેને અટકાવી શકાય અને તેમની અને બાળકો વચ્ચે સર્જાતું અંતર પણ દૂર કરી શકાય."
ત્રિવેદી એવું પણ ઉમેરે છે, "બીજી રીતે વિચારીએ તો આ પગલું એક સૂચન હોવું જોઈએ, ફરજિયાત નહીં. આ પગલું શિક્ષણમાં સરકારના હસ્તક્ષેપનું વલણ છતું કરે છે."
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘચાલક ડૉ. જયંતી ભડેશિયા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે "કોઈ પણ સ્થળે ભારતનું નામ બોલાય એ સૌને ગમે એવી વાત છે."
"આ બાબત વ્યક્તિની વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. સરકારે આ મામલે કહે એને બદલે આ ભાવના સહજ રીતે વિકસવી જોઈએ."
ડૉ. ભડેશિયા એવું પણ ઉમેરે છે, "સારી વસ્તુનું સ્વાગત કરવું જોઈએ એનો વિરોધ ના કરવો જોઈએ."
જોકે, તેઓ એવું પણ જણાવે છે કે પરાણે જયહિંદ બોલાવવાથી રાષ્ટ્રભક્તિ ના વિકસી શકે.
સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ?
'ઑલ ઇન્ડિયા સેવ ઍજ્યુકેશન કમિટી'ના ગુજરાત એકમના સેક્રેટરી ભરત મહેતા સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી.
મહેતા સરકારના આ પગલાને 'સસ્તી લોકપ્રિયતાનો પ્રયાસ માત્ર' ગણાવે છે.
મહેતા કહે છે, "દેશ એટલે શું? દેશની જમીન, તેનો દરિયો, તેની નદી અને ત્યાં રહેતા લોકો. આ બધાથી દેશ બનતો હોય છે."
"જ્યારે દેશની નદી વેચી દેવામાં આવે. જ્યારે દેશનો દરિયો, દેશના પર્વતો વેચી દેવામાં આવે ત્યારે દેશભક્તિ ક્યાં જતી રહેતી હોય છે?"
આ પ્રકારે દેશભક્તિ ના વધારી શકાય એવું કહેતા મહેતા ઉમેરે છે, "આ શૉ બિઝનેસ છે. આ સરકારી પગલાને 'ખાળે ડૂચા, દરવાજા મોકળા' કહેવત લાગુ પાડી શકાય. આ પ્રકારના પ્રયાસો બંધ થવા જોઈએ."
દેશદાઝનો પ્રતીકવાદ?
પ્રાધ્યાપક અને લેખક સંજય ભાવે 'જય હિંદ, જય ભારત' બોલાવવાના આ સરકારી આદેશને પ્રતીકવાદ સાથે સરખાવે છે.
બીબીસી સાથેની વાતચીતમાં પ્રાધ્યાપક ભાવે જણાવે છે, "આ પરાણે ઊભી કરાયેલી દેશભક્તિ છે. આ રીતે જય હિંદ-જય ભારત બોલવાથી જો દેશભક્તિ આવી જાય તો દેશની તમામ સમસ્યાનો ઉકેલ આવી જાય."
તેઓ ઉમેરે છે, "આવી રીતે અધિસૂચનો બહાર પાડીને દેશભક્તિ વિકસાવી શકાય? અને આવી રીતે જયહિંદ બોલવાથી કોઈ દેશભક્ત થોડું બની જાય. એવું જ હોય તો મોટેરાઓએ પણ એકબીજાને જયહિંદ-જયહિંદ કહેતા ફરવું જોઈએ.
પ્રાધ્યાપક ભાવેના મતે લોકશાહી દેશની અંદર લોકો પર દેશભક્તિ લાદી ના શકાય.
સમાજની સેવા, દબાયેલા-કચડાયેલા લોકોની સેવાને દેશભક્તિનો ઉત્તમ માર્ગ ગણાવી પ્રાધ્યાપક ભાવે ઉમેરે છે, "આ પગલા પાછળ સરકારની સરમુખત્યારશાહી દેખાઈ રહી છે."
સુભાષચંદ્ર બોઝે લોકપ્રિય કર્યો હતો નારો
'જય હિંદ'નો નારો સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે આઝાદ હિંદ સેનાના વડા સુભાષચંદ્ર બોઝે લોકપ્રિય કર્યો હતો.
જોકે, એક સંશોધનમાં એવો દાવો પણ કરાયો છે કે સુભાષચંદ્ર બોઝને આ નારો એક હૈદરાબાદી યુવાને આપ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
ભારતીય વિદ્યાર્થીઓને આઝાદીની લડતમાં જોડાવા માટે હાકલ કરવા સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા હતા.
જ્યાં તેમની મુલાકાત હૈદરાબાદના વિદ્યાર્થીઓ ઝૈન-ઉલ અબિદીન હસન સાથે થઈ હતી.
'લૅજેન્ડોટ્સ ઑફ હૈદરાબાદ' નામના પુસ્તકમાં દાવો કરાયો છે કે અબિદીન હસને આ નારો આપ્યો હતો. જેને સુભાષચંદ્ર બોઝે લોકપ્રિય બનાવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો