You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં દહેજ અંગે કેમ થઈ રહી છે જોરશોરથી ચર્ચા?
- લેેખક, કોમલ ફારુક
- પદ, પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ઘણાં એવાં માતાપિતા હશે કે જેમને એ ચિંતા હશે કે વર્ષોથી ચાલી આવતી દહેજ પ્રથા ખતમ ન હોવાથી તેમની દીકરીનું ઘર વસે તે પહેલા જ ક્યાંક તૂટી ન જાય.
આ વાત છે પાકિસ્તાનની, જ્યાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે.
થોડા દિવસ પહેલાં 19 ડિસેમ્બર 2018ના રોજ પાકિસ્તાનમાં મહિલાઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની એક ઉપસંસ્થા તરફથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી.
આ તસવીરમાં મહેંદી ડિઝાઇનની અંદર લખેલું હતું 'દહેજખોરી બંધ કરો.'
દહેજ સાથે 'લગ્ન'
એ જ દિવસે ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનના પ્રસિદ્ધ અભિનેતા અલી રહેમાન ખાનના લગ્નની ભારે ચર્ચા થઈ.
'પર્ચી' ફિલ્મના અભિનેતાએ એલાન કર્યું કે તેઓ 20 ડિસેમ્બરના રોજ ખાનગી ટીવી ચેનલના મૉર્નિંગ શોમાં લગ્ન કરશે.
વાયદા પ્રમાણે અલી તૈયાર થઈ શોમાં આવ્યા પણ પાલખીમાં દુલહનની જગ્યાએ દહેજનો સામાન પડ્યો હતો.
આ લગ્ન યૂએન વુમન પાકિસ્તાનના એ અભિયાનનો ભાગ હતા જેનો ઉદ્દેશ વરપક્ષ તરફથી દહેજ લેવાની પ્રથા અંગે જાગરુકતા ફેલાવવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યૂએન વુમનનાં પ્રવક્તા અનમ અબ્બાસે બીબીસીને જણાવ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ લોકોમાં ચેતના ઉત્પન્ન કરવા તેમજ દહેજ પ્રથાને એક નકારાત્મક વસ્તુ તરીકે દેખાડવાનો છે.
તેમનું કહેવું હતું કે આ અભિયાનના માધ્યમથી તેઓ પુરુષોમાં એ ધારણા ખતમ કરવા માગે છે કે તેઓ કન્યાના પરિવાર પાસેથી આર્થિક લાભ ઉઠાવી શકે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ અભિયાનના શરૂ કરનારાં અલી રઝાનું કહેવું છે કે સમાજની વિડંબના જુઓ કે સાસરામાં એક કપ ચા પીવાને સામાન્ય વાત સમજતા પુરુષો દહેજના રૂપમાં 'સ્ટાર્ટ અપ ફંડ્સ' લેવામાં જરા પણ શરમનો અનુભવતા નથી.
ઇન્સ્ટાગ્રામ પર અલી રહેમાન ખાન લખે છે, "જ્યારે લાંચ લેતી વ્યક્તિને રિશ્વતખોર કહીએ છીએ તો દહેજ લેતી વ્યક્તિને દહેજખોર કેમ નથી કહેતા?"
"દહેજ આપણા સમાજના દરેક વર્ગનાં મૂળિયામાં સમાયેલું છે અને આપણે આ અનિયમિતતાને રોકવી પડશે."
ટીવી અભિનેત્રી એમન ખાને પણ સોશિયલ મીડિયા પર લખ્યું, "પુરુષની આબરુ એ સમયે ક્યાં હોય છે જ્યારે તે પોતાની ભાવિ પત્ની અને તેના ખાનદાન પાસેથી પૈસા અને ઘરનો સામાન માગે છે?"
આ જ રીતે અભિનેતા ઉસ્માન ખાલિદ બટે પોતાની પોસ્ટમાં કહ્યું, "હું જનતાની સામે શપથ લઉં છું કે હું ક્યારેય દહેજ માગીશ નહીં."
"હું આ પવિત્ર બંધનને ક્યારેય લેણ દેણનું નામ આપીશ નહીં. સમય આવી ગયો છે કે આપણે સમાજ અને માનસિકતામાં બદલાવ લાવીએ."
તેમણે લખ્યું કે દહેજ સાથે જોડાયેલી ક્રુરતા અને સામાજિક દબાણને ખતમ કરવા માટે શબ્દ 'દહેજ ખોરી'ને એક ગાળ માનવી પડશે.
મીમ્સ પણ બની રહ્યા છે
વાત સમજાય કે નહીં, સોશિયલ મીડિયા પર પાકિસ્તાની તુરંત જ કોઈ મુદ્દાને ભટકાવવામાં માસ્ટર છે.
ઘણા લોકોએ આ ગંભીર મુદ્દા પર મીમ્સ બનાવવામાં જરા પણ મોડું ન કર્યું અને પોતાની નાની નાની ઇચ્છાઓને મીમ્સની મદદથી શૅર કરી.
જંક ફૂડના શોખીન લોકોએ પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે લખ્યું કોકોમો (ચૉકલેટ બિસ્કિટ)ની સાઇઝ મોટી કરો.
એક યૂઝરે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની તસવીર પોસ્ટ કરી જેમાં લખ્યું હતું, 'જેલ મોકલવાનું બંધ કરો.'
જનતાનો શું મત છે
સોશિયલ મીડિયા પર વિભિન્ન વર્ગના લોકોએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો. ઘણા લોકોએ આ પગલાંનુ સ્વાગત કર્યું.
ઘણા લોકો એવા પણ છે કે જેઓ સંબંધ જોડતા સમયે યુવકને પૂછવામાં આવતા સવાલોની સરખામણી દહેજખોરી સાથે કરી રહ્યા છે.
કેટલાક લોકોનું કહેવું હતું કે જો કન્યાપક્ષ પાસેથી દહેજ લેવામાં આવે છે તો યુવકોને પણ તેમની આર્થિક સ્થિતિ અંગે પૂછવામાં આવે છે.
ફેસબુક પર એક વ્યક્તિએ કહ્યું કે સંબંધ જોડતા સમયે તેમનો પગાર, ઘરની સાઇઝ, ગાડીનું મૉડેલ પૂછવાનું બંધ કરવામાં આવે.
તેના જવાબમાં એક વ્યક્તિએ કહ્યું, "ચિંતાની વાત એ છે કે પુરુષ એક એવા અભિયાનને હાઇજેક કરી રહ્યા છે કે જે દહેજ જેવી કુપ્રથા વિરુદ્ધ છે."
"પુરુષોએ મહિલા માટે ચલાવવામાં આવતા વધુ એક આંદોલનને બરબાદ કરવો ન જોઈએ."
આ દરમિયાન આ ટ્રેન્ડમાં ભાગ લેનારાં અભિનેત્રી એમન ખાને ભવ્ય લગ્ન કરવા પર ટીકાનો સામનો પણ કરવો પડ્યો.
લોકોનું કહેવું હતું કે ધૂમધામથી લગ્ન કરનારા સેલેબ્રિટી વ્યભિચારનું પ્રદર્શન કરી રહ્યા છે.
આ અભિયાનને શરૂ કરનારા અલી રઝા કહે છે, "અમારી ઇચ્છા છે કે લોકો દહેજ લેવાને ખરાબ વાત સમજે."
"એ માટે અમે હરામખોર, ભથ્થાખોર, રિશ્વતખોર જેવા નાપસંદ શબ્દોથી પ્રભાવિત થઈને આ શબ્દ બનાવ્યો છે."
"હવે અમારો પ્રયાસ છે કે તેને ઉર્દૂ શબ્દકોષનો કાયદેસર એક ભાગ બનાવવામાં આવે."
તેઓ કહે છે કે અભિયાનનો ઉદ્દેશ લોકોમાં દહેજના મુદ્દા પર વાતચીતમાં વધારો કરવાનો છે અને આ મુદ્દાની શરુઆત એ બીજને વાવવાથી થાય છે જે આગળ ચાલીને દહેજ વિરુદ્ધ એક મોટું વૃક્ષ બનશે.
જોકે, યૂએન વુમનનાં અનમ અબ્બાસના જણાવ્યા અનુસાર, "આ અભિયાન પોતાના લક્ષ્યમાં એ માટે સફળ થયું છે કેમ કે તેની મદદથી સોશિયલ મીડિયા અને વાસ્તવિક જીવનમાં લોકોમાં ચેતના વધી છે કે તેના વિશે ચર્ચા કરવામાં આવે."
તેમનું કહેવું હતું કે તેમની સંસ્થા આ અભિયાનને પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારમાં પણ લઈને જવા માગે છે જેથી આ સંદેશ ત્યાં પણ પહોંચે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો