You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સબરીમાલા : બે મહિલાઓના મંદિર પ્રવેશથી કોચીમાં વિરોધ પ્રદર્શન
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
કેરળમાં બુધવારે બીજા પ્રયાસમાં 50 વર્ષથી ઓછી વયની બે મહિલાઓ સ્વામી અયપ્પાના સબરીમાલા મંદિરના પરિસરમાં દાખલ થવામાં સફળ રહ્યાં હતાં.
આને પગલે કોચી સહિત અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. ભાજપ મહિલા મોર્ચાએ પણ વિરોધ પ્રદર્શિત કર્યો છે.
અહેવાલ મુજબ, આ મહિલાઓએ સાદાં કપડાંમાં પોલીસકર્મીઓ અને કાર્યકર્તાઓની સુરક્ષા સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
મુખ્ય મંત્રી પી. વિજયને મહિલાઓનાં મંદિર પ્રવેશના સમાચારોની પૃષ્ટિ કરી છે અને કહ્યું છે કે "હા અમે એમને સુરક્ષા પુરી પાડી હતી."
પેરિનથલમન્નાના બિંદુ (40) અને કન્નૂરના કનકદુર્ગા (39) એ ગત મહિને મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, તેઓ એમાં સફળ નહોતાં થઈ શક્યાં, કેમ કે કથિત રીતે જમણેરી સંગઠનોના મોટા સમૂહે એમનો રસ્તો રોક્યો હતો.
28 સપ્ટેમ્બરે સુપ્રીમ કૉર્ટે 10થી 50 વર્ષની વયની મહિલાઓને સ્વામી અયપ્પાના મંદિરમાં પ્રવેશની અનુમતિ આપી હતી.
"પંરપરા" મુજબ એવી પ્રથા છે કે સ્વામી અયપ્પા બ્રહ્મચારી છે અને જે મહિલાઓ માસિકચક્રમાં આવી હોય તેઓ મંદિરની અંદર જઈ શકતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બંને મહિલા 10 મહિલાઓના સમૂહમાં સામેલ હતાં જે અગાઉ મંદિરમાં પ્રવેશ મેળવવી શકી ન હતી.
ભાજપ અને તેનાં સહયોગી સંગઠનોએ મહિલાઓને મંદિર પ્રવેશથી રોકવા માટે અને પરંપરાને જાળવી રાખવા માટે અભિયાન ચલાવ્યું છે.
તેને લઈને આખા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
પોલીસે કહ્યુ સુરક્ષા અમારી ફરજ
બે મહિલાઓ મંદિર પ્રવેશ કરી દર્શન કર્યાના સમાચાર અંગે કેરલના ડીજીપી લોકાથ બેહરાએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું હતું કે જે પણ લોકો આવે છે એમને સુરક્ષા આપવાની અમારી જવાબદારી છે અને અમે એ કર્યુ. ઉંમર કે અન્ય બાબતોની ચકાસણી એ અમારો વિષય નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
મંદિર ફરી ખોલવામાં આવ્યું
મંદિરમાં મહિલાઓના પ્રવેશ પછી મુખ્ય પૂજારીએ મંદિરને બંધ કરી દીધું હતું જેને ફરી ખોલવામાં આવ્યું છે.
મુખ્ય પૂજારીએ પોલીસને જણાવ્યું કે મંદિરને શુદ્ધિકરણ માટે બંધ કરવામાં આવ્યું છે.
દલિત લેખક અને કાર્યકર્તા સન્ની કપ્પિકડે બીબીસીને કહ્યું, "હા ચોક્કસ એમણે સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ મંદિરમાં પ્રવેશ કર્યો."
"પ્રદર્શનકારીઓએ ગત મહિને એમના મંદિર પ્રવેશને અટકાવ્યો હતો."
"સબરીમાલા દલિત અને આદિવાસી કાઉન્સિલના સભ્યોએ એમને સુરક્ષા આપી હતી."
જોકે, સબરીમાલામાં હાજર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે કોણ શ્રદ્ધાળુ આવ્યા અને કોણ ગયા એ કોઈ કેવી રીતે કહી શકે છે.
બિંદુએ મલયાલી ભાષાની ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું, "એમણે સવારે પોણા ચાર વાગે મંદિરમાં પ્રવેશ કરી સ્વામી અયપ્પાનાં દર્શન કર્યાં હતાં."
"એમણે રાત્રે દોઢ વાગે 6.1 કિલોમીટર લાંબા ટ્રેક પર ચઢવાનું શરુ કર્યું હતું."
ટીવી ચેનલોના વીડિયોમાં સાદાં કપડાંમાં મહિલાઓને પુરુષો સુરક્ષા આપી રહ્યા હોવાનાં દ્ર્શ્યો જોવાં મળ્યાં હતાં.
શું છે સબરીમાલા વિવાદ?
અગાઉ સુપ્રીમ કોર્ટે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર અંગેની સુનાવણીમાં મહિલાઓને મંદિર પ્રવેશ માન્ય રાખ્યો હતો.
કેરળમાં સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ સદીઓ જૂની પરંપરા છે.
પ્રતિબંધ એવા માટે છે કારણ કે 10થી 50 વર્ષની મહિલાઓને માસિક ધર્મ હોય છે.
કોર્ટે તેમની ટિપ્પણીમાં ઘણીવાર કહ્યું કે પુરુષોની જેમ મહિલાઓને પણ મંદિરમાં જવાનો અધિકાર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો