You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે કૉંગ્રેસ ટ્રિપલ તલાક બિલ સિલેક્ટ કમિટીને મોકલવા માગે છે? : દૃષ્ટિકોણ
- લેેખક, ગુરપ્રીત સૈની
- પદ, બીબીસી સંવાદદાતા
સોમવારે ટ્રિપલ તલાક બિલ સંસદના ઉપલાં ગૃહ રાજ્યસભામાં પસાર ન થઈ શક્યું. વિપક્ષે માગ કરી કે આ બિલને સંસદની સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે.
ગુરૂવારે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક - 2018 લોકસભામં પસાર થયું, જેને રાજ્યસભામાં પસાર કરાવીને ભાજપ કાયદાકીય સ્વરૂપ આપવા ચાહે છે.
કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષના વૉકાઉટની વચ્ચે આ બિલ સંસદના નીચલા ગૃહ લોકસભામાં પસાર થયું હતું.
બિલ રાજ્યસભામાં રજૂ થયું, ત્યારે પણ કૉંગ્રેસ સહિતના વિપક્ષે તેને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માગ યથાવત્ રાખી.
કૉંગ્રેસની માન્યતા
રાજ્યસભામાં વિપક્ષના નેતા તથા કૉંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદના કહેવા પ્રમાણે :
"પાર્ટી આ બિલના વિરોધમાં નથી, પરંતુ આ બિલને કારણે કરોડો લોકોને અસર પડે તેમ હોવાથી તેને સિલેક્ટ કમિટી પાસે મોકલવું જોઈએ."
આઝાદનો આરોપ છે કે ભાજપે સંસદની પરંપરા તોડી છે. તેમનું કહેવું હતું :
"વર્ષોથી પરંપરા રહી છે કે બિલ પહેલાં સ્ટેન્ડિંગ કમિટી પાસે જાય અને પછી સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્યારબાદ બહુમતીના આધારે આ બિલ સંસદમાં પસાર કરવામાં આવે છે, પરંતુ ભાજપ મહત્ત્વપૂર્ણ ખરડાંઓ સીધા જ પસાર કરાવી રહ્યો છે, જે અયોગ્ય છે."
પશ્ચિમ બંગાળની પાર્ટી તૃણમુલ કૉંગ્રેસના સાંસદ ડેરિક ઑબ્રાયનના કહેવા પ્રમાણે, 15 વિપક્ષી દળો દ્વારા આ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
આ સાંસદોની સંખ્યા કુલ સભ્યસંખ્યાના એકતૃતીયાંશ જેટલી છે.
આપને આ પણ વાંચવું ગમશે
રાજકારણના આરોપ-પ્રતિ આરોપ
કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ બિલના મુદ્દે રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો. તેમના કહેવા પ્રમાણે, કોઈપણ ખરડો યોગ્ય પડતાલ વિના ખરડો ન બની શકે.
બીજી બાજુ, કેન્દ્ર સરકારના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે, સરકાર બિલ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે.
પ્રસાદના કહેવા પ્રમાણે, "આ બાબત માનવતાની છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાંય ટ્રીપલ તલાક અપાય રહ્યા છે. વિપક્ષના સૂચન આવકાર્ય છે, પરંતુ તેઓ આ બિલને વધુ લટકાવે નહીં."
હોબાળો વધતા રાજ્યસભાના ઉપસભાપતિએ ગૃહની કાર્યવાહી બીજી જાન્યુઆરી, 2019ના સવારે અગ્યાર વાગ્યા સુધી મોકૂફ કરી દીધી.
સિલેક્ટ કમિટીનો આગ્રહ કેમ?
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીના કહેવા પ્રમાણે, "મુસ્લિમ સમુદાય આ બિલથી નાખુશ છે. સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને ગેરકાયદેસર જાહેર કર્યા છે."
"સરકારે આ બિલ દ્વારા ટ્રીપલ તલાકને ગુનાહિત કૃત્ય જાહેર કર્યું છે અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરી છે."
નીરજા ઉમેરે છે, "વિરોધને પગલે ભાજપે મૂળ બિલમાં કેટલાક સુધારા કર્યાં છે, આમ છતાંય મુસ્લિમ સમુદાય આ બિલ પ્રત્યે નાખુશ છે, કારણ કે ટ્રીપલ તલાકને ગુનાહિત કૃત્ય ઠેરવવામાં આવ્યું છે."
"ચૂંટણીઓ ગાજી રહી છે, ત્યારે આ રીતે ભાજપ દ્વારા બિલને ટેબલ કરવું વિપક્ષને નથી ગમ્યું. ભાજપનું વલણ મુસ્લિમ સમુદાય વિરુદ્ધનું માનવામાં આવે છે."
"આથી, જે પક્ષો મુસ્લિમ મતો ઉપર આધાર રાખે છે, તેમને લાગે છે કે હાલના સમયમાં આ બિલ પસાર ન થવું જોઈએ, કારણ કે તેનો વિરોધ થઈ રહ્યો છે."
સિલેક્ટ કમિટી પાસે ન જાય તો?
નીરજા ચૌધરીના કહેવા પ્રમાણે, "આ બિલના ભવિષ્ય અંગે કોઈપણ પક્ષને ચિંતા નથી. ભાજપ એવું દેખાડવા માગે છે કે તેણે બિલને પસાર કરાવવા પ્રયાસ કર્યો."
"ભાજપ એવું પણ દેખાડવા માગે છે કે સમગ્ર વિપક્ષ મુસ્લિમોની સાથે છે, જેથી કરીને તેમને ઍન્ટિ-હિંદુ ઠેરવી શકાય."
"વાસ્તવમાં આ રીતે ભાજપ તેની જૂની અને જાણીતી 'ધ્રુવીકરણ'ની વ્યૂહરચના ઉપર આગળ વધી રહ્યો છે."
નીરજા માને છે કે આ એક સિવિલ (દીવાની) બાબત હોવાથી બિલને ફોજદારી ન બનાવવું જોઈએ.
નીરજા કહે છે, "સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને ગેરકાયદેસર ઠેરવ્યા છે, એટલે આ બિલની જરૂર નથી રહેતી. મને લાગે છે કે બંને પક્ષો ચૂંટણી દરમિયાન તેમના વલણને મતોમાં પરિવર્તિત કરવા પ્રયાસ કરશે."
સિલેક્ટ કમિટી
સંસદની અંદર અલગ-અલગ વિભાગોની સ્થાયી કમિટીઓ હોય છે. જેને સ્ટેન્ડિંગ કમિટી તરીકે ઓળખવામાં આવે છે.
આ સિવાય કેટલીક બાબતો માટે અલગથી કમિટી બનાવવાની જરૂર ઊભી થાય છે, જેને સિલેક્ટ કમિટી તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રકારની કમિટીનું ગઠન સ્પીકર કે સંસદના ચેરપર્સન દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની કમિટીમાં દરેક પક્ષના સાંસદોને પ્રતિનિધિત્વ મળે છે.
કામ પૂર્ણ થતાં જ કમિટીને ભંગ કરી દેવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા બૅન
ઑગસ્ટ 2017માં દેશની સર્વોચ્ચ અદાલતે ટ્રીપલ તલાકને ગેરકાયદેસર ઠેરવ્યા હતા. આ પછી સરકારે મુસ્લિમ વિવાહ અધિકાર સંરક્ષણ બીલ રજૂ કર્યું હતું.
આ ખરડો લોકસભામાં પસાર થઈ ગયો છે, પરંતુ રાજ્યસભામાં લટકી ગયો છે. વિપક્ષ ટ્રીપલ તલાકના ખરડામાં કેટલાક સુધાર ઇચ્છે છે.
સુધાર બાદ સરકાર આ અંગે વટહુકમ લાવી હતી. આ વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે શિયાળુસત્રમાં ખરડો રજૂ કરવામાં આવ્યો છે.
સરકાર ઇચ્છે છે કે સંસદના વર્તમાન સત્રમાં જ આ બિલ પસાર થઈ જાય.