નવા વર્ષમાં ટીવી ચેનલ જોવાનો ખર્ચ ઘટશે કે વધશે?

ટ્રાઈએ સમગ્ર દેશના ટેલિવિઝન ગ્રાહકોને એક પ્રેસ રિલીઝ જાહેર કરી જણાવ્યું છે કે નવા ટૅરિફ લાગુ કરવાના કારણે ટીવી સેવાઓ બાધિત નહીં થાય.

ટેલિકૉમ રેગુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઈ)એ 26 ડિસેમ્બરના રોજ મલ્ટી સર્વિસ ઑપરેટર્સ અને લોકલ કેબલ ઑપરેટર્સને નવી ટૅરિફ સિસ્ટમ લાગૂ કરવા આદેશ આપ્યા છે.

જે 29 ડિસેમ્બરના રોજથી લાગુ થયા છે.

ટ્રાઈએ ટેલિવિઝન ચેનલ્સ પર ઉપભોક્તાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહક જે પણ ચેનલ હાલમાં જોઈ રહ્યા છે તેને 29 ડિસેમ્બર બાદ પણ લિસ્ટમાં યથાવત્ રાખવામાં આવે.

ટ્રાઈએ આ નવી નિયામક વ્યવસ્થા અંતર્ગત ઑપરેટર્સને ગ્રાહકોની ચોઇસને જાણવા માટે 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે.

ગ્રાહકોને 1 ફેબ્રુઆરી 2019થી આ સુવિધાનો લાભ મળશે.

શું છે સમગ્ર મામલો?

ટ્રાઈએ 21 ડિસેમ્બરના રોજ ટેલિકૉમ કોમર્શિયલ કમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરેન્સ અધિનિયમ 2018 જાહેર કર્યું હતું.

ત્યારબાદ સોશિયલ મીડિયા પર એ મૅસેજ વાઇરલ થઈ ગયો કે 29 ડિસેમ્બર 2018થી વર્તમાન ટીવી ગ્રાહકોની બધી જ સેવાઓમાં અવરોધ ઊભો થશે.

ત્યારબાદ જ ટ્રાઈએ પ્રેસ રિલીઝ જાહેર કરી ગ્રાહકોને એ સ્પષ્ટ કર્યું છે કે ટીવી સેવાઓ ખોરવાશે નહીં.

નવા નિયમો અંતર્ગત ગ્રાહક પોતાની પસંદથી ચેનલની પસંદગી કરી શકશે અને તેના માટે તેમણે માત્ર એ જ ચેનલો માટે પૈસા ખર્ચવા પડશે જે તેમણે સબ્સક્રાઇબ કરી છે.

ટ્રાઈની આ વ્યવસ્થામાં શું છે?

હવે ગ્રાહકોને આ ઑપરેટર્સે ઇલેક્ટ્રિક પ્રોગ્રામ ગાઇડ આપવી પડશે, જેના પર દરેક ચેનલની કિંમત લખાયેલી હશે.

ગ્રાહક તેમાંથી પોતાની મનપંસદ ચેનલ લઈ શકશે અને સાથે જ પૈસા પણ તેમણે એટલી જ ચેનલના ચૂકવવાના રહેશે.

ટ્રાઈએ ઑપરેટર્સની સેવાઓનો ઉપયોગ કરવા માટે નેટવર્ક ક્ષમતા શુલ્ક 130 રૂપિયા + જીએસટી રાખ્યું છે.

આ ગ્રાહકોને અપાતી 100 ચેનલ્સની કિંમત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ 100 ચેનલ્સમાં ટીવી ઑપરેટર્સે પ્રસાર ભારતીની 24 ચેનલ અનિવાર્ય રૂપે રાખવી પડશે.

ગ્રાહક ત્યાર બાદ 'ફ્રી ટૂ ઍર' કે પછી 'પૅ ચેનલ' પસંદ કરી શકે છે. ફ્રી ટૂ એર માટે તેમણે કોઈ વધારે પૈસા આપવા પડશે નહીં.

પૅ ચેનલના મામલે ગ્રાહકોએ પોતે પસંદ કરેલી ચેનલ્સ માટે અલગથી પૈસા આપવા પડશે.

જો કોઈ ગ્રાહક 100 કરતાં વધારે ચેનલ્સ સબ્સક્રાઇબ કરવા માગે, તો તેણે પ્રતિ ચેનલ 20 થી 25 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

શું તમારું કેબલનું બિલ વધશે?

ટ્રાઈની નવી ટૅરિફ સિસ્ટમ લાગૂ કરવાના આદેશ બાદ કેટલાક ટીવી બ્રોડકાસ્ટર્સે પોતાની પ્રાઇઝ લિસ્ટની ઘોષણા પણ કરી દીધી છે.

હાલ ટાટા સ્કાય, ડિશ ટીવી, હૈથવે, ડેન નેટવર્ક સહિત અન્ય મલ્ટી સર્વિસ ઑપરેટર્સ અને કેબલ ઑપરેટર્સ ગ્રાહકોને ટીવી ચેનલ્સના જે વિકલ્પ (બકેટ) આપે છે.

તેમાં ઘણી ચેનલ એવી છે કે જેને તેઓ ક્યારેય જોતા પણ નથી.

ગ્રાહકો પાસે આ ચેનલ્સને પોતાની લિસ્ટમાંથી હટાવવાનો કોઈ વિકલ્પ ન હતો, પરંતુ તેમણે આખા પેકેજ માટે પૈસા આપવા પડે છે.

ટ્રાઈનું માનવું છે કે નવા નિયમ અંતર્ગત જો કોઈ ઉપભોક્તા પોતાની મનપસંદ ચેનલ લે છે, તો હાલ તે પોતાની પસંદની ચેનલ જોવા માટે જેટલા પૈસા ખર્ચે છે તેનાથી ઓછા ખર્ચવા પડશે.

જોકે, ટીવી ઑપરેટર્સે પોતાના ગ્રાહકોને દૂરદર્શનની દરેક ચેનલ બતાવવી અનિવાર્ય હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો