You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું તમને જાણો છો કે અંગ્રેજી જેવી વિદેશી ભાષા શીખવા માટે યોગ્ય ઉંમર કઈ?
- લેેખક, સોફી હાર્ડક
- પદ, બીબીસી ફ્યૂચર
વિદેશી ભાષા શીખવાની બાબતમાં આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બાળકો સૌથી સારી રીતે તે શીખી છે.
કદાચ તે વાત સાચી નથી અને મોટી ઉંમરે ભાષા શીખવાના બીજા પણ ફાયદા છે.
ઉત્તર લંડનની દ્વિભાષી નર્સરી સ્કૂલ, સ્પેનિશ નર્સરીમાં પાનખરની સવારનો સમય ભારે વ્યસ્ત જણાઈ રહ્યો છે.
વાલીઓ પોતાનાં બાળકોને સાઇકલિંગ હેલમેટ અને જાકીટ ઉતારવામાં મદદ કરી રહ્યા છે.
શિક્ષકો બાળકોને ઉમળકાથી આવકારી રહ્યા છે અને તેમને મધુર સ્વરે કહી રહ્યા છે - 'બૉયનોસ ડિયાસ!'
રમતના મેદાનમાં એક કિશોરીએ કહ્યું કે તેના વાળને બાંધી આપો અને 'કોલેટા' બનાવી આપો. (સ્પેનિશમાં તેનો અર્થ થાય ચોટલી લઈ દેવી.)
ચોટી બંધાઈ ગઈ એટલે પછી તેણે બૉલ ફેંક્યો અને અંગ્રેજીમાં બૂમ મારી 'કેચ!'
સ્કૂલના લેડી ડિરેક્ટર કાર્મન રામપ્રસાદ કહે છે, "આ ઉંમરે બાળકો ભાષા શીખતાં નથી. તેઓ ભાષા ગ્રહણ કરી લે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
તેમની આસપાસ બાળકો સહજતાથી રમી રહ્યાં છે, તે જોઈને લાગે કે તેમની વાત સાચી છે.
અહીંનાં ઘણાં બાળકો માટે સ્પેનિશ ત્રીજી કે ચોથી ભાષા છે. આ બાળકોની માતૃભાષાઓ ક્રોએશિયન, હિબ્રૂ, કોરિયન અને ડચ વગેરે છે.
તેની સામે ભાષા માટેના ક્લાસમાં મોટી ઉંમરના લોકોને શીખવામાં જે મુશ્કેલી થતી હોય છે તેની કલ્પના કરો.
તેના કારણે એવું ધારી લેવાનું મન થાય કે ભાષા શીખવા માટેની શરૂઆત નાનપણથી જ કરી દેવી જોઈએ.
જોકે, વિજ્ઞાન તેનાથી વધારે સંકુલ એવો અભિપ્રાય ધરાવે છે અને જણાવે છે કે ભાષાઓ સાથે આપણો સંબંધ જીવનભર વિકસતો રહે છે.
મોટી ઉમરે ભાષા શીખનારાનો ઉત્સાહ વધે તેવી પણ ઘણી બાબતો છે.
વ્યાપક અર્થમાં વાત કરીએ તો ઉંમરના જુદા જુદા તબક્કે ભાષા શીખવાની બાબતમાં આપણને જુદા જુદા પ્રકારના ફાયદા મળતા હોય છે.
શીશુ હોઈએ ત્યારે આપણે શબ્દોના ધ્વનીને સાંભળીને તેને જુદા પાડતા વધારે સહેલાઈથી શીખી શકીએ છીએ.
કિશોરવયે આપણે બોલીની લઢણ બહુ ઝડપથી પકડી લઈએ છીએ.
મોટા થયા પછી આપણે વધારે લાંબો સમય ધ્યાન કેન્દ્રીત કરી શકીએ છીએ અને પદ્ધતિસરના શિક્ષણ તરફ વળીએ છીએ.
તેના કારણે આપણે, પોતાની માતૃભાષા સહિતની ભાષાઓનો શબ્દભંડોળ વધારી શકીએ છીએ.
વધતી વય સાથે બીજાં પરિબળો પણ ઉમેરાતાં જાય છે. જેમ કે સામાજિક સભાનતા, શિક્ષણની પદ્ધતિઓ તથા પ્રેમ અને મિત્રતા પણ ખરી.
આ બધી બાબતોને આધારે આપણે કેટલી ભાષાઓ બોલી શકીશું અને કેટલી સારી તે નક્કી થતું હોય છે.
એન્ટોનેલા સોરાસ કહે છે, "વય વધવા સાથે બધું નીચે જવા લાગે તેવું પણ નથી હોતું."
તેઓ એડિનબરાં યુનિવર્સિટીના બાયલિંગ્વલીઝમ મૅટર્સ સેન્ટરના ડિરેક્ટર છે અને ડેવલપમૅન્ટ લિંગ્વિસ્ટિકના પ્રોફેસર પણ છે.
'એક્પ્લિસિટ લર્નિંગ' તરીકે ઓળખાતી પદ્ધતિનો તેઓ ઉલ્લેખ કરે છે. આ પદ્ધતિમાં ક્લાસમાં શિક્ષક નિયમો સમજાવે છે અને ભાષા ભણાવે છે.
સોરાસ કહે છે, "કિશોરો આવી એક્સ્પિસિટ લર્નિંગમાં બહુ નબળા હોય છે. કેમ કે તેમની પાસે એ રીતે ગ્રહણ કરવાની, ધ્યાન કેન્દ્રીત કરવાની અને યાદ રાખવાની ક્ષમતા હોતી નથી."
"પુખ્તવયના લોકો તે રીતે શીખવામાં વધારે કુશળ હોય છે. આ રીતે ઉંમર વધવા સાથે કેટલીક ક્ષમતા વધતી હોય છે."
દાખલા તરીકે ઇઝરાયલમાં થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે કૃત્રિમ ભાષાના નિયમો સમજવામાં પુખ્ત વયના લોકો વધારે સજ્જ હોય છે.
પ્રયોગશાળાના વાતાવરણમાં તેઓ આવા નિયમોને નવા શબ્દો સાથે વધારે સારી રીતે લાગુ કરી શકતા હોય છે.
વિજ્ઞાનીઓએ ત્રણ જુદાજુદા જૂથોનું પરિક્ષણ કરીને સરખામણી કરી હતી : 8 વર્ષનાં બાળકો, 12 વર્ષના કિશોરો અને યુવાનો.
પુખ્ત યુવાનોના જૂથે કિશોરો અને બાળકો બંનેનાં જૂથ કરતાં વધારે સારો દેખાવ કર્યો હતો.
12 વર્ષની વયજૂથના કિશોરોએ નાનાં બાળકો કરતાં વધારે સારો દેખાવ કર્યો હતો.
અંગ્રેજી ભણનારા 2000 જેટલા કેટેલન-સ્પેનિશ બાળકોનો લાંબાગાળે અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં પણ આવું જ તારણ નીકળ્યું હતું.
તારણ એ જ હતું કે મોટી ઉમરે નવી ભાષા શીખનારા, નાની ઉંમરે શીખવાનું કરનારા કરતાં વધારે ઝડપથી શીખતા હતા.
ઇઝરાયલમાં સંશોધકોએ જણાવ્યું હતું કે તેમના પ્રયોગમાં ભાગ લેનારા મોટી ઉમરના લોકોને કદાચ પુખ્તતા સાથે આવેલી આવડતને કારણે ફાયદો થશે.
બીજા શબ્દોમાં કહીએ તો પુખ્ત વયના લોકોને ઘણી બાબતોને માહિતી હોય જ છે. તે માહિતીનો ઉપયોગ તે નવી માહિતીને સમજવામાં કરી શકે છે.
બાળકો અને કિશોરો ઇમ્પ્લિસિટલી ભણવામાં વધારે કુશળ હોય છે. તે સ્થાનિક ભાષા બોલનારને સાંભળે છે અને તેની નકલ કરે છે.
જોકે, તેવી રીતે ભાષા શીખવા માટે સ્થાનિક ભાષા બોલનારા સાથે ઘણો સમય વીતાવવો પડે.
2016માં બાયલિંગ્વલીઝમ મૅટર્સ સેન્ટરે સ્કોટિશ સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં ચાલતા મેન્ડરિન ભાષાના વર્ગો વિશે આંતરિક અહેવાલ તૈયાર કર્યો હતો.
તેમાં જણાવાયું હતું કે દર અઠવાડિયે એક કલાક માટે ભાષા શીખવવાને કારણે પાંચ વર્ષના બાળકને કશી સમજ પડતી નહોતી.
જોકે, વધારે અડધો કલાક લેવામાં આવે અને તેમાં તે ભાષા બોલનારને હાજર રાખવામાં આવે તો બાળક વધારે સારી રીતે શીખી શકતાં હતાં.
ખાસ કરીને મેન્ડરિન ભાષાના ટોનને સમજવો પુખ્ત માટે અઘરો હોય છે પરંતુ બાળકો ટોન સાંભળીને વધારે ઝડપથી શીખી શકતાં હતાં.
સમજણની સરળતા
આપણે બધા કુદરતી રીતે જ ભાષાશાસ્ત્રી તરીકે જ શરૂઆત કરતા હોઈએ છીએ.
શિશુ તરીકે આપણે વિશ્વના બધા જ 600 વ્યંજન અને 200 સ્વર સાંભળી શકીએ છીએ.
પ્રથમ વર્ષે આપણું મગજ વિશેષતા કેળવવા લાગે છે અને સૌથી વધુ ધ્વનિ જે કાને પડતો હોય તેને સમજવા લાગતા હોઈએ છીએ.
શિશુ વયે જ આપણે માતૃભાષામાં કાલુંઘેલું બોલવા લાગીએ છીએ. શિશુ રડે તેમાં પણ ચોક્કસ લઢણ આવી જતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન જે લઢણ સંભળાઈ હોય તેની નકલ થતી હોય છે.
આ રીતે વિશેષતા કેળવવાનો અર્થ એ પણ થાય છે કે જે બાબતની આપણને જરૂર ના હોય તે આપણે શીખતાં નથી.
જાપાની શીશુઓ 'લ' અને 'ર' વચ્ચેનો ભેદ સહેલાઈથી પારખી શકે છે.
તેની સામે પુખ્ત વયના જાપાની માટે આ બે વચ્ચેનો ભેદ પારખવો વધારે મુશ્કેલ હોય છે.
જોકે, પ્રારંભિક વર્ષો આપણી પોતાની ભાષા શીખવા માટે અગત્યના છે તેમાં કોઈ શંકા નથી તેમ સોરાસ કહે છે.
તરછોડી દેવાયેલાં કે એકલવાયાં રહી ગયેલાં બાળકોના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો છે કે શિશુવસ્થામાં જ ભાષા બરાબર શીખી ના લેવામાં આવે તો મોટી ઉંમરે તે ખામી દૂર કરવી મુશ્કેલ બનતી હોય છે.
અહીં જ આશ્ચર્યજનક ભેદ છે ઉમરનો આ તફાવત વિદેશી ભાષા સમજવાની બાબતમાં એવી રીતે લાગુ પડતો નથી.
ટ્રેન્કિક કહે છે, "મહત્ત્વની સમજવાની વસ્તુ એ છે કે ઉંમરની સાથે ઘણી વસ્તુઓ બદલાય છે. મોટેરાં કરતાં બાળકોનું જીવન તદ્દન જૂદું હોય છે."
"તેથી બાળકો અને મોટેરાઓની ભાષા શીખવાની ક્ષમતાની સરખામણી કરીએ, ત્યારે આપણે 'સરખા સાથે સરખાની સરખામણી કરતાં નથી."
નવા દેશમાં વસવા જતા કુટુંબનો દાખલો તેઓ આપે છે.
કુટુંબનાં બાળકો ઝડપથી નવી ભાષા શીખી લેતા હોય છે, જ્યારે વાલીઓને વાર લાગે છે.
તેનું એક કારણ એ પણ ખરું કે સ્કૂલમાં બાળકો નવી ભાષા સતત સાંભળે છે.
તેની સામે વાલીઓ કદાચ એકલા પણ કામ કરતા હોય તેવું બને.
બીજું બાળકો માટે નવી ભાષા શીખવી વધારે જરૂરી હોય છે, કેમ કે તેઓ સામાજિક રીતે ભળી જવા માગતાં હોય છે.
તેઓ મિત્રો બનાવવા, સ્થિતિ સાથે સાનુકૂળ થઈ જવા અને સૌને સ્વીકાર્ય બનવા ઇચ્છતાં હોય છે.
તેની સામે વાલીઓ એવા લોકો સાથે આદાનપ્રદાન ઇચ્છશે, જે તેમને સમજી શકે; જેમ કે તેમના જેવા બીજા ઇમિગ્રન્ટ્સ કુટુંબ.
ટ્રેન્કિક કહે છે, "મારી દૃષ્ટિએ નવી ભાષા શીખવા માટે ઇમોશનલ બોન્ડ જોડવો વધારે જરૂરી છે."
પુખ્ત વયની વ્યક્તિ પણ ઇમોશનલ બોન્ડ જોડી શકે છે. તે માટે માત્ર પ્રેમમાં પડવું કે દોસ્તી કરવી એટલું જ જરૂરી હોતું નથી.
ઇટાલિયન બિગિનર્સ કોર્સમાં જોડાયેલા બ્રિટનના પુખ્ય વયના લોકોનો અભ્યાસ 2013માં થયો હતો.
તેમાં જણાયું હતું કે સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે અને શિક્ષક સાથે ઇમોશનલ બોન્ડ દ્વારા તેઓ ભાષા સારી રીતે શીખી શક્યા હતા.
ટ્રેન્કિક કહે છે, "તમારા સ્વભાવ સાથે મેળ પડે તેવી વ્યક્તિ મળી જાય તો તેની સાથે સંબંધો બાંધીને તમે ભાષા સારી રીતે શીખી શકો છો અને તમારા પ્રયત્નો તમે સતત ચાલુ રાખી શકો છો."
"આ બાબત અગત્યની છે. તમારે શીખવા માટે વર્ષો ગાળવાં રહ્યાં. તેના માટે કોઈ સામાજિક કારણ નહીં હોય તો ભાષા શીખવાના પ્રયત્નોને જાળવી રાખવા મુશ્કેલ હોય છે."
આ વર્ષની શરૂઆતમાં MIT દ્વારા ઑનલાઇન ક્વિઝ દ્વારા 6,70,000 જેટલા લોકોનો સર્વે કરાયો હતો.
તેમાં એવો ખ્યાલ આવ્યો હતો કે સ્થાનિક લોકો જેટલું મજબૂત અંગ્રેજી ગ્રામર કરવું હોય તો 10 વર્ષની ઉંમરે ભાષા શીખવાની શરૂઆત કરી દેવી જોઈએ.
તેનાથી મોટી ઉંમરે ભણવાનું શરૂ કરવાથી ગ્રામર શીખવાની ક્ષમતા ઘટતી જાય છે.
જોકે, અભ્યાસમાં એવું પણ જણાયું હતું કે આપણે ભાષાને વધારે ને વધારે સુધારતા રહી શકીએ છીએ.
આપણી પોતાની ભાષા પણ સમય વધવા સાથે સારી થતી જાય છે.
દાખલા તરીકે આપણે આપણી માતૃભાષાના ગ્રામરને પણ સંપૂર્ણપણે સમજી શકીએ ત્યારે 30 વર્ષના થઈ ગયા હોઈએ છીએ.
બીજા એક અભ્યાસમાં પણ આવી જ વાત બહાર આવી છે. તેમાં જોવા મળ્યું હતું કે પ્રૌઢ બનીએ ત્યાં સુધી રોજ એક નવો શબ્દ આપણે શીખતા જતા હોઈએ છીએ.
ટ્રેન્કિકના જણાવ્યા અનુસાર MIT દ્વારા થયેલા અભ્યાસમાં એક ચોક્કસ બાબત પર ધ્યાન અપાયું હતું.
સ્થાનિક વ્યક્તિ માટે ભાષાનું વ્યાકરણ સંપૂર્ણ રીતે સમજીને પાસ થવું જરૂરી હોય છે. બીજા વિદ્યાર્થીઓ માટે એવું જરૂરી હોતું નથી.
તેઓ કહે છે, "લોકો ઘણીવાર પૂછતા હોય છે કે વિદેશી ભાષા શીખવાનો સૌથી મોટો ફાયદો શું છે?"
"શું તેનાથી મને વધારે પૈસા મળશે? હું વધારે હોંશિયાર થઈશ? મારી તબિયત વધારે સારી રહેશે?"
"સાચી વાત એ છે કે વિદેશી ભાષા જાણવાનો સૌથી મોટો ફાયદો વધુ લોકો સાથે સંવાદ કરી શકવાનો છે."
ટ્રેન્કિક પોતે મૂળ સર્બિયાના છે. તેઓ વીસીમાં પ્રવેશ્યા અને યૂકેમાં આવ્યા તે પછી જ ઇંગ્લીશમાં કુશળતા પ્રાપ્ત કરી શક્યા હતા.
તેઓ કબૂલે છે કે પોતે થાકેલા હોય કે તણાવમાં હોય ત્યારે ગ્રામરની ભૂલો કરે છે.
તેમણે ઈ-મેલ દ્વારા બાદમાં મોકલેલા જવાબમાં જણાવ્યું હતું, "અને તે છતાં, આવી ભૂલ થતી હોવા છતાં, અગત્યની વાત એ છે કે હું ઇંગ્લીશના કારણે ઘણી બધી મજાની બાબતો કરી શકું છું."
"હું ઉત્તમ પ્રકારના સાહિત્યને વાંચવાનો લાભ મેળવી શકું છું. હું પ્રકાશન કરી શકાય તેવી ગુણવત્તા સાથેના અર્થપૂર્ણ લખાણો તૈયાર કરી શકું છું."
વાસ્તવમાં, MITની ક્વિઝ પ્રમાણે તેઓ અંગ્રેજી બોલનારા સ્થાનિક નાગરિક ગણાય તેવા છે.
જે સ્પેનિશ નર્સરીમાં શિક્ષકો સ્પેનિશ ભાષાની કવિતા ગાય છે અને જેના બુક સ્ટોરમાં હિબ્રૂ ભાષાના ગ્રંથો પણ છે.
ત્યાંના ડિરેક્ટર પણ પોતે મોટી ઉંમરે ભાષા શીખ્યા હતા.
કાર્મેન રામપ્રસાદ રોમાનિયામાં મોટા થયા હતા અને 20 વર્ષની ઉમરે વિદેશમાં સ્થાયી થયા પછી અંગ્રેજી શીખ્યા હતા. તેમનાં બાળકો હવે નર્સરીમાં સ્પેનિશ શીખે છે.
જોકે, ભાષાની બાબતમાં સૌથી મોટા સાહસી કદાચ તેમના પતિ સાબિત થાય તેમ છે.
તેઓ મૂળ ટ્રિનિદાદના છે અને કાર્મેનના પરિવાર સાથે રહીને રોમાનિયન શીખ્યા હતા. તેમનો પરિવાર મોલ્દોવાની સરહદ નજીક રહેતો હતો.
કાર્મેન પોતાના પતિ વિશે કહે છે, "તેમની રોમાનિયન ભાષા જોરદાર છે. તેઓ મોલ્દેવિયન લઢણ સાથેની રોમાનિયન બોલે છે. તેને સાંભળીએ ત્યારે બહુ રમૂજ થાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો