ચીને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતાર્યું અંતરિક્ષ યાન

ચીને કહ્યું છે કે તેણે ચંદ્રની બીજી તરફના ભાગમાં રૉબોટ અંતરિક્ષ યાન ઉતારવામાં સફળતા મેળવી છે. આ તેની પહેલી કોશિશ અને લૅન્ડિંગ છે.

ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું કે રાજધાની બેઇજિંગના સમય અનુસાર સવારે 10:26 વાગ્યે માનવરહિત યાન ચાંગ એ-4 દક્ષિણ ધ્રુવ એટકેન પર ઊતર્યું હતું.

તેમાં એવાં ઉપકરણો છે જે આ ક્ષેત્રના ભૂસ્તરવિજ્ઞાનને જાણી શકે. સાથે જ તે જૈવિક પ્રયોગ પણ કરશે.

ચીનના સરકારી મીડિયાએ કહ્યું કે આ અંતરિક્ષ યાનના ઊતરાણને એક સિમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધી ચંદ્ર પર પૃથ્વી તરફના ભાગ પર જ મિશન થતાં રહ્યાં છે.

આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ અંતરિક્ષ યાન ચંદ્રના દૂરના વિસ્તારમાં ઊતર્યું હોય. અત્યારસુધી આ વિસ્તાર અછૂત રહ્યો છે.

આ યાને લૅન્ડિંગ બાદ ચંદ્રની સપાટીની કેટલીક તસવીરો પણ મોકલી છે.

જોકે, આ તસવીરો સીધી જ પૃથ્વી પર મોકલવામાં આવી ન હતી.

પહેલાં યાને આ તસવીરો એક ઉપગ્રહને મોકલી, જેણે આ તસવીરો પૃથ્વીને મોકલી હતી.

હાલના દિવસોમાં ચાંગ એ-4 યાને લૅન્ડિંગની તૈયારીના ભાગરૂપે પોતાની કક્ષાને ખૂબ જ સિમિત કરી લીધી હતી.

જોખમ ભર્યું મિશન

બીબીસી ચીનના સંવાદદાતા જૉન સડવર્થે કહ્યું કે આ વિજ્ઞાનથી પણ વધારે એક દાવ હતો.

તેમણે કહ્યું, "આ યાનના લૅન્ડિંગ પહેલાં ખૂબ ઓછી માહિતી સામે આવી હતી."

"જોકે, તે સફળતાપૂર્વક ચંદ્ર પર ઊતર્યું તે બાદ જ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી."

અવકાશના સંશોધનમાં ચીને ખૂબ મોડેથી શરૂઆત કરી છે.

2003માં તેમણે પહેલીવાર માનવને અવકાશમાં મોકલવામાં સફળતા મેળવી હતી.

સોવિયેત યુનિયન અને અમેરિકા બાદ ચીન ત્રીજો એવો દેશ છે જેણે અવકાશમાં માનવને મોકલ્યો હોય.

ચીનનું આ મિશન ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક હતું કારણ કે તેમાં અંતરિક્ષ યાનને ચંદ્રના એ હિસ્સામાં ઉતારવાનું હતું જે અત્યાર સુધી છુપાયેલો હતો.

આ પહેલાં ચાંગ એ-3 યાનને 2013માં ચંદ્ર પર ઉતાર્યું હતું.

ચીનના ચંદ્ર પરના આ મિશન દ્વારા ચંદ્રના પથ્થરો અને ધૂળ ધરતી પર લાવવામાં મદદ મળશે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો