ગુજરાત : નવા વર્ષની પાર્ટીમાં કેવી રીતે કૉબ્રાના ઝેરનો ડ્રગ તરીકે થાય છે ઉપયોગ?

    • લેેખક, શૈલેષ ચૌહાણ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત વન વિભાગે દુર્લભ પ્રજાતિના બે કૉબ્રા તથા એક રસલ વાઇપર સાથે ચાર આરોપીઓની ધરપકડ કરીને ઇન્ટર-સ્ટેટ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આ સાપોની લંબાઈ ચાર ફૂટ જેટલી હતી. કૉબ્રા (ચશ્મેશાહી નાગ, વૈજ્ઞાનિક ભાષામાં નાજા નાજા) સાતસો ગ્રામ, જ્યારે રસલ્સ વાઇપર (ખડચિતરો) દોઢ કિલોગ્રામ જેટલો હતો.

પ્રાથમિક તપાસમાં આરોપીઓએ કબલ્યું હતું કે તેઓ આ દુર્લભ સાપોને મુંબઈના ખરીદદારોને વેચવાના હતા.

વન વિભાગનું માનવું છે કે આ સાપોમાંથી ઝેર કાઢી, તેનો ઉપયોગ 'પાર્ટી ડ્રગ' તરીકે થવાનો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સાપોનું ઝેર એક કરોડ રૂપિયાના એક લિટરના ભાવથી વેચાય છે.

વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ-1972ની અનુસૂચિ બે હેઠળ આ પ્રજાતિઓના સાપ સંરક્ષિતની યાદીમાં આવે છે.

મૉડસ ઑપરેન્ડી

અહેવાલ મુજબ વન વિભાગે હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે ઉપર મોતીપુરા સર્કલ નજીક એક કારને અટકાવીને તેની તપાસ હાથ ધરી હતી.

અંદરથી તપાસ કરતાં બે કૉબ્રા અને એક રસલ્સ વાઇપર સહિત દુર્લભ પ્રજાતિના કુલ ત્રણ સાપ મળી આવ્યા હતા. જેમાં રસલ્સ વાઇપર મૃત હતો બાકીના સાપ જીવતા હતા.

કાંતિસિંહ હિંમતસિંહ મકવાણા (રેન્જ ફોરેસ્ટ ઑફિસર, રાયગઢ, વાઇલ્ડ લાઇફ વોર્ડન)ના કહેવા પ્રમાણે, "વન વિભાગે હાથ ધરેલી પૂછપરછમાં આરોપીઓએ કબુલ્યું છે કે જ્યારે પંદર સાપ એકઠા થઈ જાય એટલે તેઓ મુંબઈની એક પાર્ટીને આ સાપ વેચવાના હતા."

"એ લોકો સાપનું ઝેર કાઢી તેને પાર્ટી ડ્રગ તરીકે વેચવાના હતા."

મૂળ રાજસ્થાનના અને હાલ હિંમતનગરમાં રહેતા કિશન મિસ્ત્રી, સંદીપ મિસ્ત્રી તથા દિવ્યપ્રકાશ સોનારા રાયગઢ ફૉરેસ્ટ રેન્જમાંથી સાપ પકડીને અમદાવાદ નિવાસી પરેશ પુરોહિતને આપતા હતા.

લગભગ પંદર જેટલા સાપ એકઠા થાય એટલે તેઓ મુંબઈના ખરીદદારોને વેચતા હતા.

આસિસ્ટન્ટ કન્ઝર્વૅટિવ ફોરેસ્ટ ઓફિસર યોગેશભાઈ દેસાઈના જણાવ્યા પ્રમાણે, "વન વિભાગ દ્વારા જીવતા કૉબ્રાને જંગલમાં છોડી દેવાયા છે, જ્યારે રસલ્સ વાઇપરને અગ્નિદાહ આપી દેવાયો છે."

આપને આ પણ વાચવું ગમશે

કિક માટે કૉબ્રા

વન વિભાગે હાથ ધરેલી પ્રાથમિક તપાસ પ્રમાણે, આ સાપના ઝેરનો ઉપયોગ કિક મેળવવા માટે થવાનો હતો.

અમદાવાદના કાંકરિયા ઝૂના સુપરિન્ટેન્ડેન્ટ આર. કે. સાહૂના કહેવા પ્રમાણે, નશાખોરો અફીણ કે મૉર્ફિન જેવા પદાર્થો દ્વારા નશો કરે છે પરંતુ એક તબક્કા સુધી સળંગ સેવન બાદ તેમાંથી 'કિક' નથી મળતી."

"આથી તેઓ વધુ ખતરનાક નશા તરફ વળે છે, જેનો એક વિકલ્પ ઝેરી સાપોનું ઝેર પણ છે."

"કેટલાક લોકો કૉબ્રાનું બચ્ચું સાથે રાખીને જીભ પર તેનો ડંખ મેળવીને પણ કિક મેળવતા હોય છે."

આરોપીઓના કહેવા પ્રમાણે, આ સાપોનું ઝેર એક લિટરના રૂ. 1 કરોડની કિંમતે વેચાય છે.

વન્ય સંરક્ષણ ધારા 1972ની અલગ-અલગ કલમ હેઠળ કેસ દાખલ કરી ઇન્ટર-સ્ટેટ કનેકશનની તપાસ હાથ ધરાઈ છે.

સાબરકાંઠા વન વિભાગની એક ટીમ બે આરોપીઓને ઝડપી લેવા માટે મુંબઈ જશે અને સ્થાનિક પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરશે.

ઇન્ટરનેશનલ ડિમાન્ડ

ભારતના ઝેરી સાપો અને તેમના ઝેરની માગ ફ્રાન્સ, ચીન અને રશિયામાં મોટી માગ રહે છે.

અગાઉ થયેલા પર્દાફાશોમાં નેપાળ તથા બાંગ્લાદેશ જેવા ટ્રાન્ઝિટ રૂટ મારફત આ ઝેરને આંતરરાષ્ટ્રીય બજારમાં મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

વિદેશમાં દવા ઉપરાંત 'કિક' મેળવવા પાર્ટી ડ્રગ તરીકે પણ ઝેરી સાપોનો ઉપયોગ થાય છે.

કેટલાક લોકો આ પ્રકારના ઝેરી સાપોને પાળવાનો પણ શોખ રાખતા હોય છે.

હવાઈ માર્ગે ઝેરી સાપો કે વન્યજીવોની હેરફેર ન થાય તે માટે કાર્ગૉ વિસ્તારમાં કસ્ટમ અને ઍક્સાઇઝ અધિકારીઓની સાથે વન વિભાગના અધિકારીઓ પણ તહેનાત રહે છે.

ઝેરનું મારણ ઝેર

ગુજરાતીમાં કહેવત છે કે 'ઝેરનું મારણ ઝેર', એ ન્યાયે સાપના ડંખના ઉપચાર માટે ઍન્ટિ-વિનોમ સિરમ બજારમાં ઉપલબ્ધ હોય છે.

ફાર્માસ્યૂટિકલ કંપનીઓ આ પ્રકારનું ઝેર લાઇસન્સધારકો પાસેથી ખરીદતી હોય છે, જેમાંથી ઍન્ટિ-ડૉટ્સ તૈયાર કરવામાં આવે છે.

આ સિવાય આર્થરાઇટિસ અને સોજા ઉતારવાની દવાઓમાં પણ સાપના ઝેરનો ઉપયોગ થાય છે.

ઘણી વખત આ કંપનીઓ ગેરકાયદેસર રીતે પણ સાપનું ઝેર મેળવવા પ્રયાસ કરતી હોય છે.

મુખ્ય ઝેરી સાપો

રેન્જ ફોરેસ્ટ ઑફિસર મકવાણાના જણાવ્યા પ્રમાણે, "નદીના કોતરમાં, ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં કૉબ્રા તથા રસ્લસ વાઇપર સાપ જોવા મળે છે."

"આ સાપો સૂકાભઠ્ઠ વિસ્તારની સરખામણીએ, જ્યાં હરિયાળી જળવાઈ રહેતી હોય તેવા વિસ્તારમાં રહે છે."

ઇન્ડિયન કૉબ્રા ભારત સહિત દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રોમાં જોવા મળે છે. તે મોટાભાગે રાતના સમયે હુમલો કરે છે અને તેના કારણે પીડિતને આંતરિક રક્તસ્ત્રાવ થાય છે.

ડૉ. સાહૂના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં જેટલી પ્રજાતિના સાપ છે, તેમાંથી મુખ્યત્વે ત્રણ પ્રજાતિ ક્રેટ, કૉબ્રા, અને વાઇપર ઝેરી હોય છે. આ ઉપરાંત દરિયાઈ સાપો પણ ઝેરી હોય છે."

"ઇન્ડિયન કેરાટ નામની પ્રજાતિના સાપ છ ફૂટ સુધીની લંબાઈ ધરાવે છે. આ સાપો મોટાભાગે રાત્રે જ સક્રિય થાય છે અને આક્રમક વલણ ધરાવે છે."

રસલ્સ વાઇપરએ સાપની આક્રમક પ્રજાતિ છે. તે ભારત તથા દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રોમાં વ્યાપક રીતે જોવા મળે છે.

તેનો મુખ્ય ખોરાક ઉંદર છે, એટલે તે શહેરી કે ગ્રામણી વિસ્તારોમાં માનવ વસતિ મોટાભાગે જોવા મળે છે.

સાપનું ઝેર, WHOની પ્રાથમિક્તા

મે, 2018માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઠરાવ કરીને જણાવ્યું હતું કે સર્પદંશથી મૃત્યુ એ સંગઠનની 'વૈશ્વિક આરોગ્ય પ્રાથમિક્તા' છે.

દર વર્ષે લગભગ 54 લાખ લોકો સર્પદંશનો ભોગ બને છે, તેમાંથી 81,000 થી 1,38,000 લોકો મૃત્યુ પામે છે.

જ્યારે અંદાજે ચાર લાખ લોકો ઝેરી સાપોના ઝેરથી દિવ્યાંગ અથવા કુરૂપ બને છે.

ભારત સહિત દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકન રાષ્ટ્રોમાં આ સમસ્યા વિકરાળ છે.

ગરીબ અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો સર્પદંશનો ભોગ બનતા હોવાનું બહાર આવ્યું છે.

આધુનિક ચિકિત્સા વ્યવસ્થાને અભાવે તથા ઝેરની અસર બાદ ઊંટવૈદું કરવાને કારણે પીડિતની બચવાની શક્યતા ઘટી જાય છે.

WHO આ અંગે વૈશ્વિક યોજના ઘડી કાઢવાની દિશામાં કાર્યરત છે.

જો સાપ કરડે તો...

જો સાપ કરડે તો એ સ્થિતિમાં શું કરવું તે અંગે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ કેટલાંક સૂચન આપે છે.

જેમ કે, સાપના કરડવાથી ગભરાટ ન અનુભવો અને સ્વસ્થ રહો. શરીરના જે ભાગ ઉપર ડંખ લાગ્યો હોય તેને બને તેટલો સ્થિર રાખો.

શરીર પરના દાગીના અને ઘડિયાલ વગેરે ઉતારી નાખો.

જો તમે તંગ કપડાં પહેર્યાં હોય તો તેને ઢીલાં કરી દો, પરંતુ સંપૂર્ણપણે ન કાઢો.

ચૂસીને ઝેરને કાઢી નાખવાનો પ્રયાસ ન કરો. જ્યાં ડંખ લાગ્યો હોય ત્યાં કાપો મૂકવાનો કે લોહી કાઢવાનો પ્રયાસ ન કરો.

ઘાવ ઉપર બરફ કે કેમિકલ સહિત કોઈપણ ચીજ ન લગાવો. જે વ્યક્તિને ડંખ લાગ્યો હોય તેને એકલી ન મૂકો અને તેને હિંમત અપાવો.

જે ઝેરી સાપે ડંખ માર્યો હોય તેને પકડવાનો કે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ ન કરો. એટલે સુધી કે મૃત સાપને પણ સાવચેતીપૂર્વક પકડવો જોઈએ.

જો થોડા સમય પહેલાં જ સાપનું મૃત્યુ થયું હોય તો પણ તેના ફેણમાં ઝેર હોય શકે છે, જે પ્રાણઘાતક નીવડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો