શાળાઓમાં સરદાર પટેલની પ્રતિમા સ્થાપવાનો આદેશ ગુજરાત સરકારે કેમ કર્યો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સરદાર પટેલના નિર્વાણ દિને શાળા-કૉલેજોમાં સરદાર પટેલની પ્રતિમા સ્થાપવાનો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગના એ.સી.એસ. એ.એમ.તિવારીએ ૧૨મી ડિસેમ્બરની રાત્રે આ પરિપત્ર બહાર પડ્યો.

જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિન ૧૫ ડિસેમ્બરે ગુજરાતની તમામ સરકારી શાળા અને કૉલેજમાં એક્તા યાત્રામાં વપરાયેલી સરદાર પટેલની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવા જણાવાયું છે.

ઘણી સરકારી સ્કૂલોમાં સરદારની આ પ્રતિમા પહોંચી નથી. જેના કારણે શિક્ષકો પરેશાન છે.

'શાળામાં મૂર્તિ પહોંચી નથી'

બીબીસી ગુજરાતીએ આ અંગે સ્કૂલ બોર્ડના ઍડમિનિસ્ટ્રેટીવ ઑફિસર ડૉ.લખધીર દેસાઈનો સંપર્ક કર્યો. દેસાઈએ જણાવ્યું, ''અમારી પાસે સરદારની જેટલી પ્રતિમા ઉપલબ્ધ છે, એ અમે શાળામાં મૂકીશું.''

''મોડી રાત સુધીમાં દરેક સ્કૂલમાં આ મૂર્તિઓ પહોંચાડવાનો પ્રયાસ કરીશું.''

અમદાવાદના નારણપુરા સ્થિત સરકારી શાળાનાં આચાર્ય દક્ષા અગ્રવાલે બીબીસી. સાથેની વાતચીતમાં કહ્યું,

''હજુ સુધી અમને સરદારની કોઈ પ્રતિમા મળી નથી અને આવા કોઈ કાર્યક્રમની અમને જાણ કરવામાં આવી નથી.''

ગુજરાતમાં 32,720 સરકારી પ્રાથમિક શાળાઓ છે અને સરકારની સહાયથી ચાલતી 602 શાળાઓ છે.

આટલી શાળાઓમાં પહોંચી શકે એટલી મૂર્તિઓ છે કે કેમ એની તપાસ કરવા એ.એમ. તિવારીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ એમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

પરિપત્રમાં શું લખ્યું છે?

પરિપત્રમાં લખ્યું છે કે દરેક જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મૅજિસ્ટ્રેટે એક્તા યાત્રામાં વપરાયેલી તમામ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિઓ સરકારી શાળા અને કૉલેજમાં પ્રસ્થાપિત થાય એ માટે વ્યવસ્થા કરવી.

પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે જો મૂર્તિ એક્તા યાત્રા દરમિયાન ખંડિત થઈ હોય તો એનો ઉપયોગ ન કરવો અને સામાન્ય નુકસાન થયું હોય તો એને રિપૅર કરી પ્રતિષ્ઠા કરવી.

'સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે'

અમદાવાદની એચ.કે.આર્ટસ કૉલેજના આચાર્ય હેમંતકુમાર શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સરકાર તરફથી કૉલેજમાં પ્રતિમા મૂકવાની કોઈ સૂચના અમને મળી નથી અને કોઈ પ્રતિમા આવી પણ નથી."

"લાંબા સમયથી હું વિદ્યાર્થીઓ સાથે કામ કરું છું, પણ મેં કોઈ દિવસ જોયું નથી કે પ્રતિમાઓ મૂકવાથી કોઈ વ્યક્તિમાં દેશભક્તિ જાગતી હોય."

તેમણે આ વિશે વધારે વાત કરતા કહ્યું, "આ સરકારી પૈસાનો બગાડ છે અને સરકારી ખર્ચે બનેલી પ્રતિમા શાળા-કૉલેજોને જાળવણી કરવા સોંપીને સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે."

તમે આ વાંચ્યું કે નહીં?

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક અને રાજકીય વિશ્લેષક પ્રો.અમિત ધોળકિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું,

"સરદારની પ્રતિમા નિર્વિવાદ છે. એને પક્ષ સાથે જોડી ન શકાય. પણ આ પ્રકારે ફરજીયાત મૂર્તિ સ્થાપવાનો પરિપત્ર એ શૈક્ષણિક સંસ્થાઓ પર દબાણ સર્જવા જેવું છે."

"જો વિદ્યાર્થીઓ સુધી સરદારના વિચારો પહોંચાડવા હોય તો સ્પર્ધાઓનું આયોજન કરી શકાય અને અન્ય રસ્તાઓ પણ અપનાવી શકાય.''

''દેશમાં એટલી મૂર્તિઓની સ્થાપના થઈ રહી છે કે તો અન્ય રસ્તે પણ વિચારોનો પ્રસાર કરી શકાય. એ વધારે આવકાર્ય પણ છે."

'વિભાજનકારી ઇતિહાસની રાજનીતિ છે'

ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટીના ગુજરાત એકમના સેક્રેટરી અને એમ.એસ.યુનિવર્સિટીના અધ્યાપક પ્રોફેસર ભરત મહેતા આ પરિપત્રને પ્રચારાત્મક રાજનીતિનો ભાગ ગણાવે છે.

તેમણે કહ્યું, "માત્ર અને માત્ર સરદારની જ પ્રતિમા મૂકવાનો આ પરિપત્ર એ વિભાજનકારી ઇતિહાસ રચવાની રાજનીતિ છે. ભાજપ શાસિત રાજ્ય સરકારની વિચારધારા પ્રચારાત્મક રાજનીતિના કારણે શાળાઓ પર દબાણ ઊભું થઈ રહ્યું છે."

પ્રો.મહેતાએ ઉમેર્યું, "શાળા-કૉલેજમાં સરદારની પ્રતિમા મૂકવાનો વિરોધ નથી. સરકાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ કે અન્ય ક્રાંતિકારીઓ અને યોદ્ધાઓની મૂર્તિ સ્થાપિત કરવાના બદલે માત્ર સરદારની પ્રતિમા સ્થાપીને ઇતિહાસને અને ક્રાંતિકારીઓને પણ વિભાજિત કરી રહી છે."

આ પરિપત્ર અંગે ભાજપનો મત લેવાનો પ્રયાસ કર્યો.

આ કાર્યક્રમને ભાજપનો નહીં, પણ સરકારી કાર્યક્રમ ગણાવી ભાજપે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

'સરકારી મશીનરીનો દુરુપયોગ'

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,

"સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્કૂલ અને કૉલેજમાં મુકાય એમાં વાંધો ન હોઈ શકે, પરંતુ ઑક્ટોબર મહિનાથી ગુજરાતમાં સરકારી મશીનરીનો દૂરુપયોગ કરીને પક્ષનો પ્રચાર કરાઈ રહ્યો છે."

"કેટલી પ્રતિમા છે એની જાણકારી આપવામાં આવી નથી, એટલુંજ નહીં ઑક્ટોબર મહિનામાં આ યાત્રા સમાપ્ત થયા પછી સરદારની મૂર્તિઓ ધૂળ ખાતી હતી''

''એટલે સરકાર શાળા અને કૉલેજમાં સ્થાપના કરવાનો ફતવો બહાર પાડીને પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે"

તેમણે કહ્યું "સરકારની ગ્રાન્ટ પર ચાલતી શાળા હવે આ એક્તા યાત્રાની મૂર્તિની જાળવણી પાછળ પૈસા ખર્ચશે જે વિદ્યાર્થીના ભણતરના પૈસામાંથી વપરાશે એનું દુઃખ છે. સરકારી ફતવાના કારણે અત્યારે બીજાની તો ઠીક પણ સરકારી કૉલેજ તથા શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો