રાહુલ ગાંધી ખેડૂતોનું દેવું માફ કરવાના પોતાના વચનથી ફરી ગયા?

મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સફળતાનું મોટું કારણ રાહુલ ગાંધીએ કરેલો ખેડૂતોને 10 દિવસમાં લૉન માફ કરવાનો વાયદો હોવાનું પણ માનવામાં આવે છે.

રાહુલ ગાંધીએ એક સભામાં આપેલા ભાષણનો એક ટુકડો અને ચૂંટણી જીત્યા બાદ કરેલી પત્રકાર પરિષદનો એક ભાગ જોડીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરાઈ રહ્યો છે.

આ વીડિયો થકી એવું દર્શાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે રાહુલ ગાંધી ખેડૂતોનું દેવું માફ કરવાના પોતાના વાયદાથી ફરી ગયા.

ચૂંટણી પ્રચાર દરમિયાન આ પ્રકારના ઘણા ફેક ન્યૂઝને સોશિયલ મીડિયામાં વહેતા કરવામાં આવતા હોય છે.

આવા ન્યૂઝની ખરાઈ કરવા માટે બીબીસીએ એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે 'એકતા ન્યૂઝ રૂમ'.

શું છે આ વાયરલ વિડીયોમાં?

બીબીસીને જાણવા મળ્યું કે ફેસબુકના જે પેજ પર આ વિડીયો શૅર કરવામાં આવી રહ્યો છે તે લાખો ફૉલોઅર ધરાવે છે.

આ ક્લિપના અગાઉના હિસ્સામાં રાહુલ ગાંધી એવું કહેતા સાંભળી શકાય છે- "હું તમને વિશ્વાસ અપાવવા માગું છું કે કૉગ્રેસ સત્તામાં આવ્યાના 10 દિવસની અંદર, તમારા (ખેડૂતો) દેવાં માફ કરી દેવામાં આવશે."

ક્લિપના બીજા હિસ્સામાં તેઓ એમ કહેતા દેખાય છે, "મેં મારા ભાષણોમાં કહ્યું હતું કે દેવાં માફ કરવાં એ મદદ કરવાનો રસ્તો છે, પરંતુ એ સમાધાન નથી. સમાધાન જટિલ છે, એમાં તેમની(ખેડૂતોની) મદદ કરવાનું પણ સામેલ છે."

જો તમે તેમના બેય નિવેદનો એકસાથે જુઓ તો એનાથી બિલકુલ એવું લાગે છે કે રાહુલ ગાંધી પોતાની જ કહેલી વાતથી ફરી રહ્યા છે. પરંતુ આ સત્ય નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

બીબીસીની તપાસ

તેમના નિવેદનોને બહુ સિફતપૂર્વક કાપવામાં આવ્યાં છે અને એ રીતે જોડવામાં આવ્યાં છે કે એવું લાગે કે તેઓ ખરેખર 'યૂ-ટર્ન' લઈ રહ્યા છે.

જોકે, એમની પત્રકાર પરિષદનો આખો વીડિયો જોવામાં આવે તો જણાશે કે વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં તેમના શબ્દોને અલગ સંદર્ભ સાથે રજૂ કરવામાં આવી રહ્યા છે.

આમાં એક પત્રકારે તેમને પૂછ્યું કે શું 2019ની સામાન્ય ચૂંટણીમાં ઋણ માફી કૉંગ્રેસની રણનીતિનો ભાગ હશે?

જવાબમાં રાહુલે એમ કહ્યું, "મેં મારાં ભાષણોમાં કહ્યું હતું કે ઋણ માફી એક સપોર્ટીંગ સ્ટૅપ છે, દેવાં માફી સૉલ્યુશન નથી. સૉલ્યૂશન વધુ અઘરું હશે."

"સૉલ્યૂશન ખેડૂતોને સપોર્ટ કરવાનું હશે, માળખું બનાવવાનું હશે અને ટેકનૉલૉજી આપવાનું હશે અને સૉલ્યૂશન ફ્રેન્કલી કહું સરળ નથી. સૉલ્યૂશન પડકારજનક છે અને અમે તેને કરી બતાવીશું. પરંતુ સૉલ્યૂશન સરળ નથી, પડકારજનક છે, અને અમે તે કરી બતાવીશું."

ખેડૂતોનો મુદ્દો

વિધાનસભા ચૂંટણીઓમાં ખેડૂતોની સમસ્યા એક બહુ જ મોટો મુદ્દો હતો.

નવેમ્બરમાં હજારો ખેડૂતોએ બહેતર કિંમત અને કરજ માફીને મુદ્દે દિલ્હી સુધીની યાત્રા કરી હતી.

ખેડૂતોની નારાજગીનો મુદ્દો નરેન્દ્ર મોદી સરકાર માટે ચિંતાની વાત બની રહ્યો છે.

જાણકારોનું કહેવું છે કે જો ખેડૂત ભાજપથી આ જ રીતે નારાજ રહેશે, તો સામાન્ય ચૂંટણીમાં પણ પક્ષશને તકલીફ પડી શકે છે.

આ સ્થિતિમાં છેડછાડ કરવામાં આવેલા આ વિડીયોને આવી રીતે જોઈ શકાય કે આ ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીને બદનામ કરવાનો એક પ્રયત્ન છે.

જો કે હવે એ જોવું રસપ્રદ છે કે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવ્યાના 10 દિવસની અંદર કોંગ્રેસ ખેડૂતોનું દેવું માફ કરે છે કે કેમ?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો