You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહ : ભાજપને દરેક ચૂંટણી જીતાડી આપતા એ 'ચાણક્ય'નું શું થયું?
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર
માન્યતા તો એવી હતી કે કર્ણાટકમાં ખોવાયેલા, કળિયુગના ભાજપી 'ચાણક્ય' પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ફરી પહેલાંની જેમ ઝળકી ઉઠશે.
જોકે, પરિણામોથી ભાજપપ્રમુખ અમિત શાહની કથિત 'ચાણક્યબુદ્ધિ' વિશેની લોકોની અપેક્ષા કે અંદેશો ખોટાં પુરવાર થયાં છે.
બીજા કોઈ પણ રાજની જેમ ભાજપના રાજમાં અપેક્ષાભંગની ભાગ્યે જ નવાઈ રહી છે ને ઘણા અંદેશા સાચા પડ્યા છે.
પરંતુ અમિત શાહની રાજકીય વ્યૂહકારી એક એવી બાબત ગણાતી હતી, જેનો વડા પ્રધાનના-ભાજપના સમર્થકો જ નહીં, રાજકીય પંડિતો પણ સ્વીકાર કરતા હતા.
(ગમે તે ભોગે ચૂંટણી જીતવાની મૂલ્યહીન સત્તાલક્ષી કુટિલતાને 'ચાણક્યબુદ્ધિ' ગણવી કે નહીં, એ જુદી ચર્ચાનો મુદ્દો છે.)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપને ઘણો પરસેવો પડ્યો હતો ત્યાર પછી વડા પ્રધાન મોદીએ કમાન સંભાળીને, શક્ય એટલા તમામ દાવ ખેલ્યા. એટલે ભાજપને પાતળી સરસાઈથી જીત મળી.
ત્યાર પહેલાં કાશ્મીરમાં એકલા હાથે સરકાર રચવાનું અમિત શાહનું મિશન નિષ્ફળ ગયું હતું ને મહેબૂબા મુફ્તી સાથે સરકાર રચવી પડી તે વધારામાં.
તેમ છતાં અમિત શાહની વ્યૂહબાજ તરીકેની 'પ્રતિષ્ઠા' અકબંધ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્ણાટકમાં કોઠાકબાડા અને દાવપેચ થકી ભાજપની સરકાર ન બની, ત્યારે અમિત શાહની અડીખમતાના ગઢના કાંગરા ખર્યાં હતાં.
અમિત શાહનું આંશિક ડીમૉનેટાઇઝેશન
હવે પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ પછી તેમની અજેયતાના ગઢમાં ગાબડું પડ્યું છે. પરિણામ આવી ગયા પછી હારજીતનાં કારણો આપવાં સહેલાં છે.
સ્થાનિક મુદ્દા, સત્તાધારી પક્ષ સામેનો વિરોધ (ઍન્ટી-ઇન્કમ્બન્સી), સ્થાનિક નેતાઓનો દબદબો, ઉમેદવારોની પસંદગીમાં મોદી-શાહને બદલે સ્થાનિક નેતાગીરીનાં સૂચનનો સ્વીકાર.
આવા મુદ્દા રાજસ્થાન-છત્તીસગઢ-મધ્ય પ્રદેશમાં ભાજપની હાર માટે આપી શકાય અને તે સાચા પણ હોય પરંતુ આ બધાં કારણ ચૂંટણી પહેલાંથી મોજૂદ હતાં.
એ બધાંની ઉપરવટ જઈને 'અમિત શાહના પરચા' યાદ કરાતા હતા અને તેના જોરે એ રાજ્યોમાં ભાજપ માટે ઉજળા ભવિષ્યની આશા રખાતી હતી.
'સ્થાનિક કારણોની થોડીઘણી અસર થાય, પણ 'છેવટે તો અમિત શાહ છે જ.
બેઠકો ઘટશે, પણ અમિત શાહ હારના મુખમાંથી ભાજપ માટે જીત ખેંચી લાવશે' એવી માન્યતા ભાજપી વર્તુળોમાં અને તેના થકી સોશિયલ મિડીયા જેવાં ઠેકાણે ચલણમાં હતી.
પાંચ રાજ્યોનાં પરિણામોએ ભાજપ માટે અત્યાર લગી રણકતા ચલણ જેવા અમિત શાહનું આંશિક ડીમૉનેટાઇઝેશન કરી નાખ્યું છે.
ભાજપની દરેક જીતનું શ્રેય અમિત શાહની વ્યૂહરચનાને અપાતું હોય, તો ત્રણ રાજ્યોમાં ભાજપની હારની જવાબદારી નક્કી કરતી વખતે અમિત શાહને શી રીતે સદંતર બાકાત રાખી શકાય?
પક્ષ તરીકે ભાજપ ખુશીથી કે મજબૂરીથી અમિત શાહની વ્યૂહબાજીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી શકે છે.
કારણ કે ત્યાં કોઈ નેતાનું કદ એવું રખાયું નથી કે તે અમિત શાહનો વિકલ્પ થઈ શકે. (નરેન્દ્ર મોદી વિકલ્પો રાખવામાં માનતા નથી.)
અમિત શાહના સ્ટ્રાઇક રેટ સામે સવાલો?
થોડા વખત પછી ભલું હશે તો આ હારને 2019ની ચૂંટણી જીતવાની અમિત શાહની મહાન -અને 'અત્યારે તમને સમજ નહીં પડે એવી'- વ્યૂહરચના પણ ગણાવવામાં આવશે.
કેમ કે, સોશિયલ મિડીયા પરની આડેધડ પ્રચારબાજીમાં બધું જ શક્ય છે પરંતુ હિંદી પટ્ટાનાં ત્રણ રાજ્યોમાં ભાજપની હાર પછી અમિત શાહના સ્ટ્રાઇક રેટ વિશે લોકોના મનમાં અને ખાનગી રાહે ભાજપની છાવણીમાં પણ સવાલ ઊભા થશે.
ચૂંટણીનાં પરિણામોથી કૉંગ્રેસની નવી ઇનિંગ શરૂ થઈ, એનાથી વધારે અગત્યનું એ છે કે મોદી-શાહના સહિયારા પ્રૉજેક્ટ 'કૉંગ્રેસમુક્ત ભારત'નાં વળતાં પાણી શરૂ થયાં છે.
કૉંગ્રેસે એકદમ 'જીતી ગયા, જીતી ગયા' ની મુદ્રામાં આવી જવાની જરૂર નથી કે એવું પણ માની લેવાની જરૂર નથી કે ત્રણ રાજ્યોની જેમ બીજે પણ લોકો ભાજપથી કંટાળીને કૉંગ્રેસને જીતાડી દેશે.
એવી જ રીતે, ભાજપ (એટલે કે, અરુણ શૌરીની વ્યાખ્યા પ્રમાણે, મોદી-શાહ અને અડધા જેટલી) પાસે એવું માની લેવાનું કોઈ કારણ નથી કે રાજ્યોમાં જે પરિણામ આવે તે, 2019માં તો લોકો નરેન્દ્ર મોદીને જ જીતાડશે.
આ પરિણામોએ ભાજપની ટોચની નેતાગીરીને અહમતંદ્રામાંથી ઢંઢોળવાનું કામ કર્યું છે.
આ પરિણામો પછી રાજકારણના અઠંગ ખેલાડી તરીકે અમિત શાહનો એકડો કાઢી નખાય એમ નથી.
રાજકીય કારકિર્દીમાં આ પ્રકારના ચઢાવઉતાર આવતા હોય છે. કાબા ખેલાડીઓ જીતમાંથી બોધપાઠ લે, તેના કરતાં હારમાંથી વધારે બોધપાઠ લેતા હોય છે.
એટલે વિપક્ષો પોતાના હિસાબે અને જોખમે જ અમિત શાહની શક્તિ ઓછી આંકે.
સામે પક્ષે અમિત શાહ માટે એ પણ નક્કી છે કે અત્યાર લગીનાં પરિણામ અને પ્રચારની હવાથી બે આંગળ ઊંચો ચાલતો તેમનો રથ હવે જમીન પર છે અને તેમણે જમીન પર રહીને બીજા પક્ષોનો મુકાબલો કરવાનો છે.
તેમના હોવાનું અને તેમની અજેયતાનું મનોવૈજ્ઞાનિક દબાણ આ પરિણામો પછી હટી ગયું છે.
તેના પરિણામે અત્યાર સુધી ડાહ્યાડમરા રહેલા સાથી પક્ષોમાં સળવળાટ થવાનો, તેમનાં મોં ખુલવાનાં અને મોટાં ખુલવાનાં, શિવસેના જેવા પક્ષો વધુ આક્રમક થવાના અને અત્યાર લગી મન મારીને બેઠેલા બીજાઓને પણ જીભના અસ્તિત્વનો અહેસાસ થવાનો.
હાર અમિત શાહને વધારે આક્રમક બનાવશે?
ખાસ કરીને, હવે લોકસભાની ચૂંટણીઓ સુધી બીજાં કોઈ રાજ્યોમાં ચૂંટણી આવવાની નથી ત્યારે, આ પરિણામોની યાદ અને તેની અસર ભૂંસાતા વાર લાગવાની.
મહત્ત્વનો સવાલ એ છે કે 2019ની લોકસભા ચૂંટણીઓ સુધીમાં આ પરિણામોની અસર ભૂંસવા માટે અમિત શાહ શું કરશે? તે શું કરી શકે છે? તેમની પાસે કયા વિકલ્પો હશે?
2014માં કૉંગ્રેસવિરોધ અને વિકાસનાં સપનાંનું મિશ્રણ ખપ લાગ્યું હતું.
હવે લોકસભા ચૂંટણી આડે માંડ છ મહિના રહ્યા છે ત્યારે ફરી એક વાર રંગીન સપનાં બતાવવાનું અશક્ય તો નહીં, પણ અઘરું જરૂર છે.
તેની સરખામણીમાં બીજા ટૂંકા રસ્તા મોજૂદ છે અને ભૂતકાળમાં એવા રસ્તા અપનાવવામાં તેમને કદી ખચકાટ થયો હોય એવું જણાયું નથી.
એટલે, વર્તમાન હારથી અમિત શાહ વધારે સાવધ- વધારે આક્રમક બને અને તેમની ટોપીમાંથી હજુ નીકળવાં બાકી હોય એવાં કેટલાંક પ્રાણીઓ નીકળે, એવી પણ સંભાવના રહે છે.
ભાજપની માટે એ આશા હશે અને બાકીના લોકો માટે તે ઉચ્ચક જીવે અને ખોટી પડે એ આશાએ રાખવાની અપેક્ષા.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો