આજે ઉલ્કાપાત : 35 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ત્રાટકતી ઉલ્કા તમે જોઈ છે?

આજની રાત ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ નિરીક્ષક માટે જાણે કે તહેવાર બની રહેશે. કારણકે ઉલ્કાપાતને નિહાળવાની તક આખા ભારતને આજે મળવાની છે.

ગુજરાતના તમામ શહેરોમાં આ ઉલ્કાપાત જોવા મળશે. ટેલિસ્કોપ વગર નરીઆંખે આ ઉલ્કાપાત માણી શકાશે.

9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાનના ગાળામાં ઘટી રહેલી આ ખગોળીય ઘટના 'Geminid Meteor Shower'ના નામે ઓળખાય છે.

વિશેષ એટલે કે કોઈ પણ દૂરબીન વગર રાત્રે 8 વાગ્યાથી માંડીને સવારના 5 વાગ્યા દરમિયાન આ ઉલ્કાપાત જોઈ શકાશે.

9 ડિસેમ્બરથી શરૂ થયેલો આ ઉલ્કાપાત આજે જોઈ શકાશે.

આ ઉલ્કા 35 કિલોમિટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.

કોલ્હાપુર સ્થિત વિવેકાનંદ કૉલેજમાં ભૌતિકવિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.મિલિંદ કારંજકરે આ ઉલ્કાપાત સંદર્ભે માહિતી આપી.

ઉલ્કાપાત એટલે શું?

તેમના જણાવ્યા પ્રમાણે અવકાશમાં અનેક ખગોળીય પદાર્થ ભ્રમણ કરતા હોય છે.

આમાનો કોઈ પદાર્થ પૃથ્વની કક્ષામાં પ્રવેશતાં જ સળગી ઊઠે છે.

બહુ જૂજ ઉલ્કા ખડક સ્વરૂપે પૃથ્વી પર પડે છે. તેનું કદ નાનું-મોટું હોઈ શકે.

ઉલ્કાપાત ક્યારે દેખાય છે?

વર્ષ દરમિયાન એપ્રિલ, મે, જૂન, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં સામાન્ય રીતે ઉલ્કાવર્ષા જોવા મળે છે.

ડિસેમ્બર માસમાં થતો ઉલ્કાપાત શ્રેષ્ઠ હોય છે.

આ ઉલ્કાપાતને Geminid Meteor Shower કહેવાય છે.

જેમાં બહુ મોટા પ્રમાણમાં ઉલ્કા પૃથ્વીની કક્ષામાં પ્રવેશે છે, જે ઉલ્કાપાત સ્વરૂપે જોવા મળે છે.

પૃથ્વી અને ઉલ્કાની કક્ષા નિશ્ચિત છે, એટલે ચોક્કસ સમય અને ચોક્કસ ગાળા માટે જ ઉલ્કાપાત જોવા મળે છે.

ઉલ્કા અને તારામંડળ

અવકાશમાં ભાતભાતનાં તારામંડળ છે.

જે તારામંડળમાંથી ઉલ્કાપાત થાય, તે તારામંડળને તે ઉલ્કાપાતનું ઉદ્ગમસ્થાન ગણવામાં આવે છે.

30 મેથી 14 જૂન દરમિયાન થતો ઉલ્કાપાત મેષ રાશીમાંથી થાય છે.

16થી 26 એપ્રિલના ગાળામાં 'સ્વરમંડળ' તારામંડળમાં ઉલ્કાપાત થાય છે.

આ પૈકી 21થી 22 એપ્રિલે થતાં ઉલ્કાપાતનું પ્રમાણ વધારે હોય છે.

'યયાતિ' તારામંડળમાં દર વર્ષે 1થી 20 ઑગસ્ટ દરમિયાન ઉલ્કાપાત થાય છે, એમાં પણ 12 ઑગસ્ટે વધારે પ્રમાણમાં ઉલ્કાપાત થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

11 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન સિંહ રાશીમાં ઉકાપાત થાય છે, 17 નવેમ્બરે ઉલ્કાપાત સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે.

24થી 27 નવેમ્બર દરમિયાન દેવયાની તારામંડળમાં ઉલ્કાપાત થાય છે.

9થી 14 ડિસેમ્બર દરમિયાન થતા ઉલ્કાપાત પૈકી 13 ડિસેમ્બરે સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે.

120 કલાક માટે આ ઉલ્કાપાત થશે, આ ઉલ્કાનો રંગ પીળાશ પડતો હશે.

ક્યાંથી અને ક્યારે આ ઉલ્કાપાત જોઈ શકાશે?

ખગોળશાસ્ત્રના જાણકાર મયૂરેશ પ્રભુણેના કહેવા પ્રમાણે આ ઉલ્કાપાત અંધારું થયા બાદ કોઈપણ સ્થળેથી જોઈ શકાશે.

વડોદરાની ગુજરાત નેચર કન્ઝર્વેટિવ સોસાયટી સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રના અભ્યાસી મુકેશ પાઠક જણાવે છે કે ગુજરાતમાં ઉલ્કાપાત જોવા માટે રાત્રે 2 વાગ્યાનો સમય શ્રેષ્ઠ રહેશે.

તેમણે કારણ આપતા કહ્યું, "રાત્રે 2 વાગ્યે મિથુન રાશીનું તારામંડળ બરાબર માથા પર હશે, એટલે આ સમય ઉલ્કાપાત નિહાળવા માટે શ્રેષ્ઠ રહેશે."

"આ ખગોળીય ઘટના આખા વિશ્વમાં દેખાશે, પણ ઉલ્કાપાતનું પ્રમાણ અલગઅલગ રહેશે."

ઉલ્કાપાત જોવા માટે કયું સાધન જોઈએ?

ઉલ્કાપાત નિહાળવા માટે કોઈપણ પ્રકારના દૂરબીન કે ટેલિસ્કોપની જરૂર નથી.

નરીઆંખે તમે ઉલ્કાપાત જોઈ શકશો. ઠંડીના દિવસો હોવાથી ગરમ કપડાં પહેરવા યોગ્ય રહેશે.

હમણાં આકાશમાં 46P/Wirtanen ધૂમકેતુ જોવા મળે છે.

તેને સહજતાથી ઓળખી કાઢવાની શક્યતા નહીંવત છે.

તે જોવા માટે ટેલિસ્કોપ અને ગાઇડની જરૂર પડે છે એવું ખગોળશાસ્ત્રના અભ્યાસી મયૂરેશ પ્રભુણેએ જણાવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો