You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હસમુખ અઢિયાએ નિવૃત્તિ બાદ એક પણ દિવસ કામ નથી કરવું - જેટલી
તા. 30મી નવેમ્બરના કેન્દ્ર સરકારના નાણાસચિવ હસમુખ અઢિયા નિવૃત્ત થઈ જશે, ત્યારબાદ કોઈ સરકારી કામ નહીં સ્વીકારે.
નાણાપ્રધાન અરૂણ જેટલીએ તેમના ફેસબુક પેજ પર આ વાતની જાહેરાત કરી હતી.
જેટલીએ લખ્યું કે આઈટી અધિકારી તથા કરદાતાની વચ્ચે સંપર્ક ન થાય તે પ્રકારની વ્યવસ્થા, મુદ્રા, જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ), કરદાતાઓની સંખ્યામાં વ્યાપક વધારો અને ટૅક્સમાં વૃદ્ધિએ તેમના કાર્યકાળની સિદ્ધિ રહી.
જેટલીના મતે ડૉ. અઢિયા 'ખૂબ જ સક્ષમ, શિસ્તબદ્ધ, પ્રમાણિક અને નો-નોનસેન્સ' સનદી અધિકારી છે.
જેટલીએ ઉમેર્યું હતું કે સરકાર તેમની ક્ષમતાઓનો 'અન્ય રીતે' ઉપયોગ કરવા માગતી હતી, પરંતુ તેમણે ઇન્કાર કર્યો હતો.
ડૉ. હસમુખ અઢિયાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક માનવામાં આવે છે. મોદી ગુજરાતમાં હતા, ત્યારે પણ અઢિયા નાણાવિભાગમાં ફરજ બજાવતા હતા.
ગુજરાતમાં ઔદ્યોગિક એકમો બીમાર
ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નાં પ્રમુખ જયમીન વાસાએ 'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેનાં ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે ગુજરાતનાં ઘણા બધા ઔદ્યોગિક એકમો સરેરાશ 40 ટકા નીચલા સ્તરે કામ કરી રહ્યાં છે.
જીએસટીને લીધે પડતી મુશ્કેલીઓ, પરપ્રાંતીયો પરના હુમલા અને પ્લાસ્ટિક પરના પ્રતિબંધને લીધે ઔદ્યોગિક એકમો મંદ પડી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના જણાવ્યા અનુસાર દેશની અર્થવ્યવસ્થામાં ગુજરાતનો સરેરાશ ફાળો પણ ખાસ્સો ઘટી ગયો છે.
વાસાએ અખબારને જણાવ્યું કે વડોદરા, અમદાવાદ અને રાજકોટ ખાતેની પ્લાસ્ટિક કંપનીઓ પર પ્રતિબંધ મુકાતાં આશરે 50,000 કામદારો બેરોજગાર થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ધંધો મંદ પડવાને લીધે આવાં ઔદ્યોગિક એકમોને નાણાકીય સહાય પણ મળતી નથી અને આવા બીમાર એકમોની સંખ્યા વધીને 25 ટકા થઈ ગઈ છે.
વાસાના જણાવ્યા અનુસાર આ મામલે ગુજરાત સરકારને રજૂઆત કર્યા બાદ સહાયની જાહેરાત કરાઈ હતી પરંતુ એનું વિતરણ નથી થઈ રહ્યું અને આર્થિક જોખમ વધી રહ્યું છે.
સરકાર તરફથી ફેસબુકને માહિતી આપવા માટે સતત માગ
'ઇન્ડિયન એક્સપ્રેસના' અહેવાલ અનુસાર ભારત સરકાર સતત ફેસબુકનો સંપર્ક સાધી રહી છે, જેથી ફેસબુકના ઉપભોક્તાઓ અંગે માહિતી મેળવી શકાય.
અહેવાલમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ફેસબુકને આ અંગે કરાઈ રહેલી માગમાં 68 ટકાનો વધારો થયો છે.
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ફેસબુક યુઝર્સની માહિતી મેળવવા માગતી સરકારોમાં પ્રથમ ક્રમે અમેરિકા આવે છે. જ્યારે બીજા ક્રમે ભારત આવે છે. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે યુઝર એકાઉન્ટની માહિતી મેળવવા ઉપરાત સરકાર એકાઉન્ટનાં સીધા પ્રવેશની પરવાનગી પણ માગી રહી છે.
અખબારી અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ફેસબુક પર મુકવામાં આવતી અમુક પોસ્ટ અને માહિતીઓને ઉતારી ભારતીયો દ્વારા મોટી સંખ્યામાં વિનંતીઓ પણ કરવામાં આવે છે.
ગાજા તોફાન: 13 લોકોનાં મૃત્યુ, 80 હજાર લોકોનું સ્થળાંતર
શુક્રવારે તામિલનાડુ પર ત્રાટકેલા ગાજા તોફાને 13 લોકોનો જીવ લીધો. તોફાનને પગલે બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે,
'ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'નાં એક અહેવાલ પ્રમાણે આ લોકોનાં મૃત્યું એ વિસ્તારોમાં થયાં, જેને સેફ ઝોન' તરીકે જાહેર કરાયા હતા.
'સેફ ઝોન'માં ખતરો ના હોઈ લોકોએ સ્થાળાંતર કર્યું નહોતું અને મોટાભાગે એમનાં ઘરો પર ઝાડ પડવાથી અને દીવાલ ધસી જવાથી જાનહાની સર્જાઈ હતી.
120 કિલોમિટરની ઝડપે ફૂંકાતા પવનને લીધે કૂલ કેટલી નુકસાની થઈ એ હજુ સ્પષ્ટ કરી શકાયું નથી પણ વીજળીના થાંભલા, સબ-સ્ટેશન, મીઠા ઉદ્યોગ અને જાનમાલને માઠી અસર પહોંચી છે.
તામિલનાડુ સરકારે 'ગાજા'ને કારણે મૃત્યુ પામનારી વ્યક્તિઓના પરિવાર માટે 10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
'વ્યાપમ સદીનું સૌથી મોટું કૌભાંડ, નોટબંધી આઝાદ ભારતનું'
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વ્યાપમ કૌભાંડને સદીનું સૌથી મોટું કૌભાંડ અને નોટબંધીને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે.
મધ્યપ્રદેશના સાગર સ્થિત દેવરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર રાહુલે સંબંધિત પ્રહારો કર્યા.
અખબારી અહેવાલ અનુસાર રાહુલે આરોપ લગાવ્યો કે વ્યાપમ કૌભાંડમાં 50 લોકોનો જીવ ગયો છે અને સમગ્ર રાજ્ય જાણે છે કે કૌભાંડથી કયા પરિવારને ફાયદો થયો.
વડા પ્રધાન પર આરોપ લગાવતા રાહુલે કહ્યું કે મોદીએ સંરક્ષણ મંત્રી અને ઍરફોર્સને પૂછ્યા વિના અનિલ અંબાણીના ખિસ્સાંમાં 30 હજાર કરોડ રૂપિયા નાખી દીધા છે.
બીજી બાજુ, છત્તીસગઢમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૉંગ્રેસ જો એવું કહેતી હોય કે નહેરુને કારણે ચા વેચવાવાળો વડા પ્રધાન બની શકે છે અને જો આ વાત સાચી હોય તો કૉંગ્રેસ ગાંધી પરિવારની બહારની વ્યક્તિને પાંચ વર્ષ માટે અધ્યક્ષ બનાવી બતાવે.
સીબીઆઈના વડા આલોક વર્માની રજાઓ યથાવત
'ન્યૂઝ 18'ના એક અહેવાલ અનુસાર 'સીબીઆઈ વર્સીસ સીબીઆઈ' કેસમાં આલોક વર્માની રજાઓ હજુ વધુ ચાલશે. કેસની સુનાવણીની આગામી મંગળવારે યોજાશે.
સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા અને ડેપ્યુટી ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાડ્યા બાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
રાકેશ અસ્થાના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતા એમણે આલોક વર્મા પર એ જ આરોપ લગાડ્યા અને બંને અધિકારીઓને હાલ રજાઓ પર ઊતારી દેવાયા છે.
આ પહેલાં ભ્રષ્ટાચાર મુદ્દે ચાલી રહેલી લડાઈમાં આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
આપને આ પણ ગમશે