ડૉ. હોમી ભાભા ન હોત તો ભારત કેવું હોત?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના વિજ્ઞાની સર સી. વી. રમણ પોતાના સાથી વિજ્ઞાનીઓનાં વખાણ કરે તેવું ભાગ્યે જ બને. તેમાં એક વ્યક્તિ અપવાદ હતી. એ વ્યક્તિ એટલે હોમી જહાંગીર ભાભા. રમણ તેમને ભારતના લિયોનાર્ડો દ વિન્ચી કહીને વખાણતા.
ડબલ બ્રેસ્ટ સૂટમાં સજ્જ ભાભા વિજ્ઞાનના વિષયો ઉપરાંત સંગીત, નૃત્ય, પુસ્તકો અને ચિત્રકલામાં પણ એટલો જ રસ લેતા હતા.

ઇમેજ સ્રોત, TIFR
વિજ્ઞાનીઓને ભાષણ આપતા તેમને ઘણાએ જોયા હશે, પણ તેઓ પોતાના સાથીઓના પૉર્ટ્રૅટ બનાવતા તે બહુ ઓછા જાણે છે.
આર્કાઇવલ રિસોર્સિઝ ફૉર કન્ટેમ્પરરી હિસ્ટ્રીનાં સંસ્થાપક અને ભાભા વિશે પુસ્તક લખનારાં ઇન્દિરા ચૌધરી કહે છે, "મૃણાલિની સારાભાઈએ મને કહ્યું હતું કે ભાભાએ તેમના બે સ્કૅચ બનાવ્યા હતા. એટલું જ નહીં, હુસૈનનો સ્કેચ પણ તેમણે બનાવ્યો હતો."
"મુંબઈમાં હુસૈનનું પહેલું પ્રદર્શન યોજાયું ત્યારે ભાભાએ જ તેનું ઉદ્ધાટન કર્યું હતું. બૉમ્બે પ્રૉગેસિવ આર્ટિસ્ટનું જ્યારે પણ પ્રદર્શન યોજાય ત્યારે ભાભા અચૂક હાજર રહેતા હતા. ત્યાંથી પોતાની સંસ્થા માટે પેઇન્ટિંગ્સ અને શિલ્પો ખરીદી જતા હતા."

સંગીતપ્રેમી ભાભા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જાણીતા વિજ્ઞાની પ્રોફેસર યશપાલે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર)માં પોતાની કરિયરની શરૂઆતમાં ભાભા સાથે કામ કર્યું હતું.
તેમનું કહેવું હતું કે 57 વર્ષની નાની ઉંમરે ભાભાએ જેટલું હાંસલ કર્યું હતું, તેવું બીજું કોઈ ઉદાહરણ મળતું નથી.
યશપાલે કહ્યું, "સંગીતમાં તેમને બહુ જ રસ હતો. ભારતીય સંગીત હોય કે પછી વેસ્ટર્ન ક્લાસિકલ- બંનેમાં તેમને રુચિ હતી. કોઈ પેઇન્ટિંગને કઈ જગ્યાએ લગાવવું, ફર્નિચર કેવું હોવું જોઈએ, વગેરે દરેક બાબતમાં તેઓ બહુ ઝીણવટભરી રીતે વિચારતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં દર બુધવારે એકૅડેમિક કૉન્ફરન્સ મળતી હતી. તેમાં ભાભા ભાગ્યે જ ગેરહાજર રહ્યા હશે. તે વખતે તેઓ દરેકને મળતા અને એ જાણવાની કોશિશ કરતાં કે શું ચાલી રહ્યું છે અને કયું કામ અટકી પડ્યું છે."

જવાહરલાલ નહેરુના 'ભાઈ'

ઇમેજ સ્રોત, NUCLEARWEAPONARCHIVE.ORG
હોમી ભાભા જવાહરલાલ નહેરુની ઘણી નજીક હતા. દુનિયાના બહુ થોડા લોકોમાંના તેઓ એક હતા, જેમને તેઓ ભાઈ કહીને બોલાવતા હતા.
ઇન્દિરા ચૌધરી કહે છે, "નહેરુને ફક્ત બે લોકો ભાઈ કહેતા હતા. તેમાંથી એક હતા જયપ્રકાશ નારાયણ અને બીજા હોમી ભાભા."
"અમારી આર્કાઇવમાં ઇન્દિરા ગાંધીનું એક ભાષણ પણ છે, જેમાં તેઓ કહે છે કે ભાભા ઘણી વાર મોડી રાત્રે નહેરુને ફોન કરતા હતા."
"નહેરુ હંમેશાં તેમની સાથે વાત કરવા માટેનો સમય કાઢી લેતા હતા. એક અંગ્રેજ વિજ્ઞાની પેટ્રિક બૅન્કેટ, ડીઆરડીઓના સલાહકાર હતા. તેમનું કહેવું હતું કે નહેરુને બૌદ્ધિક લોકોની કંપની બહુ ગમતી હતી અને ભાભા સાથે તેમને એવી કંપની મળી રહેતી હતી."
ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે આવનારા સમયની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા.

ભાવીનો વિચાર

ઇમેજ સ્રોત, TIFR
જાણીતા સાયન્સ પ્રોફેસર એમ.જી.કે. મેનન એક રસપ્રદ કિસ્સો ઘણીવાર સંભળાવતા, "એકવાર હું તેમની સાથે દહેરાદૂન ગયો હતો. તે વખતે પંડિત નહેરુ પણ ત્યાં રોકાયેલા હતા."
"અમે સર્કિટ હાઉસમાંથી બહાર નીકળીને ડ્રાઇવ વે પર ચાલીને જઈ રહ્યા હતા. તેમણે મને પૂછ્યું કે આ ડ્રાઇવ વેની બંને તરફ ઊભેલાં વૃક્ષોને તમે જાણો છો ખરા. મેં કહ્યું કે તેનું નામ સ્ટરફૂટિયા અમાટા છે."
પ્રોફેસર મેનને કહ્યું, "ભાભાએ જણાવ્યું કે હું આવાં જ વૃક્ષો ટ્રૉમ્બેમાં, આપણા સેન્ટ્રલ એવેન્યૂમાં ઉગાડવા માગું છું. મેં કહ્યું કે હોમી તમને ખબર છે આ વૃક્ષને મોટું થતા કેટલાં વર્ષે લાગે છે? તેમણે પૂછ્યું, કેટલાં? મેં કહ્યું કે ઓછામાં ઓછાં સો વર્ષ. તેમણે કહ્યું કે તેનો અર્થ એ થયો કે હું નહીં હોઉં, તમે નહીં હોઉં, પણ આ વૃક્ષ હશે."
"ભાવી પેઢીના લોકો આજે આપણે આ વૃક્ષોને જોઈએ છીએ તે રીતે જોશે. મને એ જાણીને ખૂબ સારું લાગ્યું કે તેઓ પોતાના વિશે નહીં, પણ ભાવી પેઢી વિશે વિચારી રહ્યા હતા."

60 વર્ષ પહેલાં વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ

ઇમેજ સ્રોત, TIFR
ભાભાને બાગકામમાં બહુ ઊંડો રસ હતો. તેમના પ્રયાસોના કારણે જ આજે ટીઆઈએફઆર અને બાર્કમાં આટલી સુંદર હરિયાળી છે.
ઇન્દિરા ચૌધરી કહે છે, "ટીઆઈએફઆરમાં એક બગીચાનું નામ અમીબા ગાર્ડન છે. તેનો આકાર જ અમીબા જેવો છે. પોતાની ઑફિસમાંથી તેમણે ગાર્ડન જોયો ત્યારે તેમને બરાબર લાગ્યો નહોતો. તેથી તેમણે આખા બગીચાને ત્રણ ફૂટ દૂર ફેરવ્યો હતો."
"તેમને એકદમ પરફેક્શન જોઈએ. ભાભાએ બધાં જ મોટાં વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાં હતાં. એક પણ વૃક્ષને કાપ્યું નહોતું. પહેલાં વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં અને પછી ઇમારત બનાવાઈ હતી."
"મને આજે આ વાત ખાસ યાદ આવે છે, કેમ કે હાલમાં જ બેંગાલુરુમાં મેટ્રો બનાવવા માટે હજારો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં. વર્ષો પહેલાં ભાભાએ વિચાર્યું હતું કે વૃક્ષોને કાપ્યાં વિના તેને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે."

સ્વાદના શોખીન ભાભા

ઇમેજ સ્રોત, TIFR
ભાભા હંમેશાં નવા ચીલે ચાલનારા હતા. તેમને કદી વાકછટાથી છવાઈ જવામાં રસ નહોતો કે કદી આડંબર પણ કરતા નહોતા.
ઇન્દિરા ગાંધીના વિજ્ઞાન સલાહકાર તરીકે રહી ચૂકેલા પ્રોફેસર અશોક પાર્થસારથી કહે છે, "1950થી 1966 સુધી તેઓ અણુ ઊર્જા પંચના અધ્યક્ષ હતા, ત્યારે તેઓ ભારત સરકારમાં સચિવ તરીકે પણ હતા. આમ છતાં કદી તેઓ પોતાની બ્રીફકેસ પટાવાળાને ઉપાડવા દેતા નહોતા. તેઓ જાતે જ તે ઉપાડતા અને બાદમાં વિક્રમ સારાભાઈ પણ એવું જ કરતા."
"તેઓ હંમેશાં કહેતા કે પહેલાં હું વિજ્ઞાની છું, પછી અણુ ઊર્જા પંચનો અધ્યક્ષ. એક વખત સેમિનારમાં તેમના ભાષણ પછી સવાલ-જવાબ વખતે એક જુનિયર વિજ્ઞાનીએ તેમને મુશ્કેલ સવાલ પૂછ્યો હતો."
"ભાભાએ જરાય સંકોચ વિના કહ્યું કે અત્યારે આ સવાલનો જવાબ મારી પાસે નથી. હું થોડા દિવસમાં વિચારીને તેનો જવાબ આપીશ."
બહુ ઓછા લોકોને ખબર હશે કે ભાભાને ખાણીપણીનો બહુ શોખ હતો.
ઇન્દિરા ચૌધરી યાદ કરે છે કે પરમાણુ વિજ્ઞાની એમ.એસ. શ્રીનિવાસને તેમને જણાવ્યું હતું કે એક વાર વૉશિંગ્ટનના પ્રવાસ વખતે ભાભાના પેટમાં ગરબડ થઈ ગઈ હતી. તે વખતે ડૉક્ટરે તેમને માત્ર દહીં ખાવાની સલાહ આપી હતી.
આમ છતાં ભાભાએ ગ્રેપ ફ્રૂટ ખાધું, પછી ઈંડાંની વાનગી ખાધી, ટોસ્ટ અને કૉફી પણ લીધાં. ત્યારપછી તેમણે દહીં મગાવ્યું હતું. તે પણ બે વાર મગાવ્યું હતું. પેટ ખરાબ હતું તો પણ સ્વાદના શોખને રોકી શક્યા નહોતા.

નોબલ માટે નામાંકન

ઇમેજ સ્રોત, TIFR
ભાભાએ એક શ્વાન પણ પાળ્યો હતો. તેના કાન બહુ લાંબા હતા. તેને તેઓ 'ક્યુપીડ' કહેતા હતા. રોજ તેમને લઈને ફરવા નીકળતા હતા.
તેઓ ઘરે પહોંચે એટલે તે દોડીને તેની પાસે પહોંચી જતો અને પગ ચાટવા લાગતો. વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું તે પછી એક મહિના સુધી શ્વાને કશું ખાધું નહોતું.
રોજ ડૉક્ટર આવીને તેને દવા આપતા હતા, પણ શ્વાન માત્ર પાણી જ પીતો હતો. ખાવાની વસ્તુને અડતો જ નહોતો. તે વધારે દિવસ જીવિત રહ્યો નહોતો.
ભાભા પણ માણસ જ હતા અને દરેક માણસમાં કેટલીક મર્યાદાઓ હોય છે. ભાભા પણ તેમાં અપવાદ નહોતા. તેમની મર્યાદા એ હતી કે તેઓ ક્યારેય સમયનું પાલન બરાબર કરતા નહોતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇન્દિરા ચૌધરી કહે છે, "દરેક માણસમાં સારા ગુણ હોય છે, તેમ કેટલાક અવગુણ પણ હોય છે. ઘણા લોકો કહે છે કે તેમને સમયનો કોઈ ખ્યાલ રહેતો નહોતો."
"તેમને મળવા માટેનો લોકોએ સમય લીધો હોય તેઓ રાહ જ જોયા કરે. ઘણીવાર વિયેનામાં ઇન્ટરનેશનલ ન્યુક્લિયર એજન્સીની બેઠકોમાં પણ તેઓ બહુ મોડા પહોંચતા હતા."
"આખરે તે લોકોએ ઉપાય શોધી કાઢ્યો. બેઠકમાં ભાભાના આવવાની જાહેરાત અડધો કલાક પહેલાં જ કરી દેવામાં આવતી હતી, જેથી તેમને મોડા આવવા માટેનું બહાનું ના મળે."
ભાભાને પાંચ વાર ભૌતિકશાસ્ત્રમાં નોબલ માટે નામાંકન મળ્યું હતું. ભાભાની જીવનકથા એક રીતે આધુનિક ભારતના નિર્માણની પણ કહાની છે.
તેમને શ્રદ્ધાંજલિ આપતા જે.આર.ડી. તાતાએ કહ્યું હતું કે, "આ દુનિયામાં ત્રણ મહાન હસ્તીઓને જાણવાની તક મને મળી છે, તેમાં એક હતા હોમી ભાભા. બીજા બે મહાનુભાવો એટલે જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી."
"હોમી માત્ર એક મહાન ગણિતજ્ઞ કે વિજ્ઞાની હતા એટલું જ નહીં, પણ મહાન એન્જિનિયર, નિર્માતા અને ઉદ્યાનકર્મી પણ હતા. આ સિવાય તેઓ એક કલાકાર પણ હતા."
"હકીકતમાં હું જેટલા લોકોને જાણું છું, જેમાં ઉપર બે મહાનુભાવો ઉલ્લેખ કર્યો તે સહિત, બધામાં માત્ર હોમી એક એવા માણસ હતા જેમને 'સંપૂર્ણ માણસ' કહી શકાય."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















