BBC TOP NEWS : #MeToo હેઠળ ચેતન ભગત અને વિકાસ બહેલ પર પણ આરોપ લાગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
'સ્ક્રોલ'ના અહેવાલ અનુસાર લેખક ચેતન ભગત અને ફિલ્મ નિર્માતા વિકાસ બહલ સામે જાતીય સતામણીના આરોપ પ્રકાશમાં આવ્યા છે.
#MeToo હેઠળ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક અભિયાન હેઠળ મહિલાઓ તેમની આપવીતી જાહેર કરી રહી છે.
અગાઉ કૉમેડિયન ઉત્સવ ચક્રવર્તીનું નામ બહાર આવ્યું હતું. ત્યાર બાદ પત્રકારોના નામ સામે આવ્યા. જ્યારે હવે ફિલ્મ અને લેખન ક્ષેત્રની વ્યક્તિ સામે પણ આ આરોપ લાગ્યા છે.
અત્રે નોંધવું કે બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર સહિતન ત્રણ વ્યક્તિ સામે જાતીય સતામણીના આરોપ લગાવ્યા બાદ અભિયાનને વધુ વેગ મળ્યો છે.ટ્વિટર પર આ અંગેનો સ્ક્રીનશૉટ પોસ્ટ કરાયો છે. જેમાં એક મહિલા અને ચેતન ભગત વચ્ચેની વાતચીત શૅર કરાઈ છે.
ચેતન ભગતે આ મૅસેજ તેમણે જ કર્યા હોવાની કબૂલાત કરીને ફેસબુક પર માફી પણ માંગી લીધી છે.
બીજી તરફ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર 'ફૅન્ટમ' ફિલ્મ નિર્માણ કંપનીની પૂર્વ મહિલા કર્મચારીએ વિકાસ બહલ પર જાતીય સતામણીઓ આરોપ લગાવ્યો છે.
તેમણે વર્ષ 2015માં ગોવાની એક હોટલમાં બહલે સતામણી કર્યાનો મહિલાઓ આરોપ લગાવ્યો છે.
'ફૅન્ટમ' કંપનીના સંસ્થાપક અનુરાગ કશ્યપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આ ઘટના વિશે કહ્યું કે જે થયું તે ખોટું થયું. જો તેમને ત્યારે જ ફરિયાદ મળી હોત તો તેઓ આ બાબતને વધુ સારી રીતે ન્યાય આપી શક્યા હોત. ભૂલ સુધારવા તેમણે કટિબદ્ધતા પણ દર્શાવી છે.
ઉપરાંત કેટલાક મીડિયા હાઉસના પત્રકારો સામે પણ જાતીય સતામણીના આરોપ લાગ્યા છે.
મહિલાઓએ સોશિયલ મીડિયામાં તેમની સામે આરોપ કર્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવોનું ફરીથી નિયમન નહીં

ઇમેજ સ્રોત, Reuters
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નાણાં મંત્રી અરુણ જેટલીએ પેટ્રોલ-ડીઝલના ભાવ મામલે કહ્યું કે હવે સરકાર ફરીથી ભાવોનું નિયમન નહીં કરે.
એટલે કે સરકાર ભાવ નક્કી નહીં કરે. અહેવાલ અનુસાર જેટલીએ કહ્યું કે સરકાર ભાવ નક્કી કરવા માટેની નિયમન વ્યવસ્થા પાછી લાવવામાં નહીં આવે.
અત્રે નોંધવું કે વર્ષ 2014માં વડા પ્રધાન મોદીએ ઇંધણના ભાવોનું નિયમન કરવાની સિસ્ટમ બંધ કરી દીધી હતી.
જ્યારે વર્ષ 2010માં કોંગ્રેસની સરકારે પેટ્રોલના ભાવનું નિયમન બંધ કર્યું હતું.
એનો અર્થ કે ઑઇલ કંપનીઓ તેમની ગણતરી અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો-ઘટાડો નક્કી કરતી થઈ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પ્રતિ લિટર 2.50 રૂપિયાનો ઘટાડો
પરંતુ તાજેતરમાં ઇંધણના ભાવમાં અતિશય વધારો થતાં સરકારે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પ્રતિ લિટર 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
જેથી સરકારને પ્રતિ લિટર 1.50 અને ઑઇલ કંપનીઓને પ્રતિ લિટર 1 રુપિયાનો વધારાનો બોજ ઉઠાવવો પડી રહ્યો છે.
બીજી તરફ રૂપિયો ડૉલર સામે નબળો પડી રહ્યો હોવાથી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની કિંમત વધવાથી ઑઇલ કંપનીઓ સામે પડકાર છે.
તમે આ વાંચ્યું કે નહીં?
એ સમયે સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો કે સરકાર ફરીથી ઇંધણની કિંમતોનું નિયમન કરવા જઈ રહી છે.
આથી નાણાં મંત્રીએ આ મામલે સ્પષ્ટતા આપી છે કે સરકાર આ વ્યવસ્થાનું પુનરાવર્તન નથી કરી રહી.

પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ પાંચ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
આ તમામ રાજ્યોમાં નવેમ્બરથી ડિસેમ્બર વચ્ચે મતદાન પૂરું થઈ જશે.
ત્યાર પછી ૧૧મી ડિસેમ્બરે બધા જ રાજ્યના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરતાં જ પાંચેય રાજ્યોમાં ચૂંટણીમી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.
ચૂંટણી પંચના મુખ્ય કમિશનર ઓ. પી. રાવતે શનિવારે પ્રેસ કૉન્ફરન્સ યોજીને તારીખોને જાહેરાત કરી હતી.
છત્તીસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.

પાકિસ્તાને સાઉદી અરેબિયા પાસે ઉધારમાં ક્રૂડ ઑઇલ માંગ્યુ

ઇમેજ સ્રોત, AFP GETTY
પાકિસ્તાને સાઉદી પાસે ઉધારમાં ક્રૂડ ઑઇલ માંગ્યું છે.
અખબાર 'દુનિયા'ના અહેનાલ મુજબ સાઉદીના નાણાં મંત્રીએ આ સપ્તાહે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, ત્યારે પાકિસ્તાન આ વિશે અપીલ કરી હતી.
અહેવાલ અનુસાર પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે સાઉદી પાસે આગામી ત્રણ મહિના સુધી રોજ બે લાખ બૅરલ ક્રૂડ ઑઇલ ઉધાર આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.
અત્રે નોંધવું કે હાલ સાઉદી પાકિસ્તાનને દરરોજ એક લાખ દસ હજાર બૅરલ ક્રૂડ એક મહિના માટે પાકિસ્તાનને ઉધારમાં આપી રહ્યું છે.

ખેડૂતોની વિધવાઓ દ્વારા તનુશ્રી દત્તા સામે વિરોધ પ્રદર્શન

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા સામે મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં ખેડૂતોની વિધવાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જેમાં તેમણે તનુશ્રીના પોસ્ટર સળગાવ્યા હતા. બીજી તરફ તનુશ્રી દત્તાએ નાના પાટેકર અને અન્ય બે વ્યક્તિ સામે જાતીય સતામણી મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
અત્રે નોંધવું કે તનુશ્રીએ વર્ષ 2008માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના ગીતના શૂટિંગ વેળા જાતીય સતામણી કરવાનો નાના પાટેકર સહિતની વ્યક્તિઓ સામે આરોપ લગાવ્યો છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓ સૂત્રોચ્ચાર કરી રહી હતી કે નાના પાટેકર અમને ભાઈ તરીકે મદદ કરી છે, તેમની સામે પાયાવિહોણા આરોપ અસ્વીકાર્ય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












