પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને ચીન વચ્ચે ઈરાનનો ખેલ?

ચીન-પાકિસ્તાનની બેઠકનો ફાઈલ ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાન સરકારે ચીન સાથે 2013માં થયેલા લગભગ 50 અબજ ડૉલરના ચાઈના-પાકિસ્તાન ઈકૉનૉમિક કૉરિડોર(સીપીએસી) કરારમાં સાઉદી અરેબિયાને સામેલ કરવાની જાહેરાત તાજેતરમાં કરી હતી.

આ મુદ્દે ઈમરાન ખાનની સરકારે વિરોધ પક્ષોની ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો.

જોકે, હવે પોતાના એ નિર્ણય વિશે ફેરવી તોળતાં પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે સીપીઈસી દ્વિપક્ષી કરાર જ બની રહેશે. જોકે, આ ત્રિ-પક્ષીય કરારમાં સાઉદી અરેબિયાના સામેલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ કિસ્સામાં મહત્ત્વની વાત એ છે કે ઈમરાન ખાનની તાજેતરની સાઉદી અરેબિયાની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એ પછી સાઉદી અરેબિયાનું એક પ્રતિનિધિ મંડળ ગયા રવિવારે પાકિસ્તાન પણ પહોંચ્યું હતું.

આ તબક્કે સવાલ થાય છે કે સીપીઈસી કરારમાં સાઉદી અરેબિયાને સામેલ કરવાની જાહેરાત બાદ પાકિસ્તાને તેનો નિર્ણય શા માટે બદલવો પડ્યો?

line

શું છે પાકિસ્તાનની 'ગુલાંટ'નું કારણ?

ચીન અને પાકિસ્તાનના નેતાઓના ફોટોગ્રાફ્સ

ઇમેજ સ્રોત, Reuters

ઈમરાન ખાન સરકારના આ નિર્ણયને પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં અત્યંત આશ્ચર્ય સાથે જોવામાં આવી રહ્યો છે.

કૅબિનેટની બેઠક બાદ પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, સીપીએસઈ હેઠળ સાઉદી અરેબિયા સાથે ત્રણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા પ્રકલ્પ માટે કરાર કરવામાં આવ્યો છે અને સાઉદી અરેબિયાને સીપીઈસીમાં ત્રીજા ભાગીદાર તરીકે સામેલ કરવામાં આવી રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાન સ્થિત બીબીસીના સંવાદદાતા હારુન રશીદે કહ્યું હતું, "ઈમરાન સરકારના આ નિર્ણયનું પાછળનું કારણ અત્યારે કોઈને ખબર નથી."

"અલબત, ઈરાન સરકાર તરફથી કોઈ રીતે દબાણ કરવામાં આવ્યાની શક્યતા હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે સાઉદી અરેબિયા ઈરાનની સીમાને અડીને આવેલા બલુચિસ્તાનના વિસ્તારોમાં સીપીઈસી હેઠળ રોકાણ કરવા ઇચ્છતું હતું."

"તેથી સાઉદી અરેબિયા પોતાની આટલી નજીક આવીને અડ્ડો જમાવે એવું ઈરાન ક્યારેય ન ઇચ્છે."

line

બીજું 'યમન' બનવાનો ડર તો નથીને?

એક ઉગ્રવાદીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઘણાં વિશ્લેષકો માને છે કે પાકિસ્તાનની હાલત અત્યારે વિચિત્ર છે. અમેરિકા અને સોવિયેટ સંઘ વચ્ચેના સંઘર્ષમાં અફઘાનિસ્તાને લગભગ ત્રણ દાયકા સુધી હિંસાનો સામનો કરવો પડ્યો હતો તેમ પાકિસ્તાન પણ કોઈ પ્રૉક્સી વૉરની રણભૂમિ બની શકે છે.

હારુન રશીદે કહ્યું હતું, "સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેની પ્રૉક્સી વૉરનો દેશ પાકિસ્તાન બન્યો હોવાના આક્ષેપ થતા રહે છે. પ્રૉક્સી વૉરનાં જોખમોથી પાકિસ્તાન સરકાર પરિચિત છે."

"તેથી પાકિસ્તાન સરકાર હંમેશાં એવું કહેતી રહે છે કે તેની નજરમાં ઈરાન અને સાઉદી અરેબિયા સમાન છે. આ બાબતથી બચવા માટે પાકિસ્તાન સરકારે ફેરવી તોળ્યું હોય એવી શક્યતા છે."

પ્રૉક્સી વૉરની વાત કરીએ તો યમનમાં ચાલી રહેલા છદ્મ યુદ્ધમાં ઈરાન અને સાઉદી અરેબિયા લાંબા સમયથી ફસાયેલા છે. એ ઉપરાંત ઇરાકમાં પણ બન્ને દેશો વચ્ચે પરોક્ષ રીતે સંઘર્ષ ચાલી રહ્યો છે.

પાકિસ્તાન સરકારના યુ-ટર્નના સાઉદી અરેબિયા પરના પ્રભાવની વાત કરીએ તો તેનાથી સાઉદી અરેબિયાને કોઈ અસર થતી હોવાનું દેખાતું નથી.

હારુન રશીદે કહ્યું હતું, "પાકિસ્તાનના નિર્ણયથી સાઉદી અરેબિયાને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે તે કેટલાક પ્રકલ્પોમાં રોકાણ કરવા ઇચ્છતું હતું અને એવા પ્રકલ્પોમાં ભવિષ્યમાં પણ રોકાણ કરશે."

"જોકે, એ રોકાણને આગળ જતાં સીપીઈસી સાથે જોડી દેવામાં આવે એવી શક્યતા છે."

line

સાઉદી અરેબિયા માટે સીપીઈસીનું મહત્ત્વ કેટલું?

પાકિસ્તાનના ગ્વાદર બંદર પાસે ટ્રક્સની કતારનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના મહત્ત્વાકાંક્ષી સીપીઈસી પ્રોજેક્ટમાં સાઉદી અરેબિયાના સામેલ થવાના સમાચાર દક્ષિણ-પૂર્વ એશિયામાં બદલાતા ભૂ-રાજકીય આયામોને દર્શાવે છે.

આંતરરાષ્ટ્રીય મામલાઓના જાણકાર કમર આગાએ કહ્યું, "આ કોઈ અચાનક બનેલી ઘટના નથી. પોતાના આંતરરાષ્ટ્રીય ગઠબંધનમાં પરિવર્તન લાવવાના પ્રયાસ સાઉદી અરેબિયા લાંબા સમયથી કરી રહ્યું છે."

"એ પ્રયાસમાં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ચીનની તરફ આગળ વધાર્યું હતું. નવાઝ શરીફે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, કારણ કે તેમને સાઉદીના શાહી પરિવાર સાથે ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે, પણ હવે સાઉદી અરેબિયા સક્રિય રીતે ચીન સાથે જોડાઈ રહ્યું હોવાનું જોવા મળે છે."

"સાઉદી અરેબિયાનું પાકિસ્તાનમાં પહોંચવાનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાનમાં ઈરાનના પ્રભાવને સાઉદી અરેબિયા નિયંત્રિત કરવા ઇચ્છે છે અને ચીન સાથે ગાઢ સંબંધ બાંધવા ઇચ્છે છે."

"સાઉદી અરેબિયા કિંગ અબ્દુલ્લાના સમયથી એક નવું ગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2008ની મંદી પછી સાઉદી અરેબિયાએ એક વ્યૂહાત્મક નિર્ણય કર્યો હતો."

"એ નિર્ણયમાં એવું માનવામાં આવ્યું હતું કે અમેરિકા હવે એક ડૂબતું જહાજ છે અને બીજા કોઈ ભાગીદાર તરફ નજર કરવી જોઈએ."

line

ચીન માટે સીપીઈસી પ્રોજેક્ટનું મહત્ત્વ

ચીનની ચલણી નોટો ગણી રહેલી વ્યક્તિનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન સાથે એક આર્થિક કૉરિડોરના નિર્માણના પ્રકલ્પ માટે ચીન 2013માં સહમત થયું હતું. આ સીપીઈસી પ્રકલ્પ મારફત ચીન તેના દેશથી શરૂ કરીને મધ્ય એશિયામાં પોતાનું રોડ-રેલ નેટવર્ક સ્થાપિત કરવા ઇચ્છે છે.

એ ઉપરાંત ચીન સ્પેશિયલ ઈકૉનૉમિક ઝોન વગેરેનું નિર્માણ પણ કરવાનું છે અને તેમાં તે સસ્તા ભાવની પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કરી શકે છે.

કમર આગાએ ઉમેર્યું, "ચીન માટે સીપીઈસી મહત્ત્વનો છે, કારણ કે ચીનમાં નાની-નાની પ્રોડક્ટ્સ બનાવવાનો ખર્ચ વધી ગયો છે."

"તેથી પાકિસ્તાન અને તેના જેવા બીજા દેશોમાં એવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરાવીને સમગ્ર વિશ્વમાં તેનું વિતરણ કરવાની ચીનની યોજના છે."

"તેનું કારણ એ છે કે પાકિસ્તાન અને એશિયાના બીજા દેશોમાં મજૂરીનો દર ઘણો ઓછો છે. તેથી બીજા દેશોમાં એ પ્રોડક્ટ્સ પહોંચડાવાનો ખર્ચ પણ ચીનને ઓછો થશે."

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનના અર્થતંત્રએ તેની ઉત્પાદન શક્તિને કારણે જ એક અલગ સ્થાન બનાવ્યું છે. એ ઉપરાંત ચીન તેની પહોંચ આફ્રિકા અને યુરોપ સુધી વિસ્તારવા પણ ઇચ્છે છે.

સીપીઈસીને અફઘાનિસ્તાન સુધી લઈ જવા બાબતે સહમતી સધાઈ ચૂકી છે. ચીન અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ કરતું પણ જોવા મળી રહ્યું છે.

line

અફઘાનિસ્તાનની ખનીજ સંપદા પર નજર

સૈન્યની પરેડનું નિરિક્ષણ કરી રહેલા ચીન તથા અફઘાનીસ્તાનના નેતાઓનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના થાય એ ચીન માટે જરૂરી છે, કારણ કે ચીન તેના પશ્ચિમી પ્રાંતોમાં અને ખાસ કરીને શિનજિયાંગમાં ફેલાયેલી અશાંતિ અફઘાનિસ્તાનમાં ફેલાયેલા ઉગ્રવાદ નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું માને છે.

આ ઉપરાંત ચીન તથા પાકિસ્તાનની નજર અફઘાનિસ્તાનની ખનીજ સંપદા પર પણ છે.

કમર આગાએ કહ્યું હતું, "હવે અફઘાનિસ્તાન પણ સીપીઈસીનો હિસ્સો બનવાનું છે. અફઘાનિસ્તાન સ્થિત ત્રણ ટ્રિલિયન ડૉલરના ખનીજ ભંડારનો ઉપયોગ પાકિસ્તાન પોતાના બળે કરી શકે તેમ નથી."

"તેથી તેણે ચીનને સાથે લીધું છે અને એવું લાગે છે કે હવે સાઉદી અરેબિયા તથા સંયુક્ત આરબ અમિરાત પણ તેમાં સામેલ થઈ રહ્યા છે."

અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડૉલરનો તાંબાના ખનનનો પ્રોજેક્ટ હાલ ચીનને મળ્યો છે, પણ અસ્થિરતાને કારણે એ પ્રોજેક્ટ હજુ સુધી શરૂ થઈ શક્યો નથી.

આ ઉપરાંત સીપીઈસી પ્રકલ્પ આગળ જતાં ચીનને મધ્ય-પૂર્વ અને આફ્રિકા સુધી પહોંચવાની સુવિધા આપશે.

આફ્રિકાના તમામ દેશોમાં અનેક ચીની કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણમાં જોડાયેલી છે. તેથી એ ક્ષેત્રોમાં ચીન આસાનીથી પહોંચી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો