You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો કઈ રીતે નક્કી થાય છે?
ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા યોજાઈ રહેલી ક્લાર્કની ભરતીની પરીક્ષામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.
લેખિત પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સવાલ પૂછાયો હતો કે હાર્દિકને કોણે પારણાં કરાવ્યા?
સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો આ સવાલ ચર્ચાનો વિષય બની ગયો હતો.
મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે આ પરીક્ષા ગુજરાત ટેકનૉલૉજીકલ યુનિવર્સિટી (જીટીયુ - GTU) દ્વારા લેવામાં આવી હતી તેથી પ્રશ્નપત્ર પણ જીટીયુએ તૈયાર કર્યું હતું.
હાર્દિક અંગેના સવાલ પર જ્યારે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સરકારી નોકરીઓ માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો કેવી રીતે પસંદ થાય એ જાણવું જરુરૂ બીની રહે છે.
GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન - ગુજરાત જાહેર સેવા આયોગ) અને GTU ક્યા મુદ્દાઓ ધ્યાનમાં રાખે છે તે જાણવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો હતો.
ઘટના શું છે?
ગાંધીનગર સેવાસદન દ્વારા લેવાયેલી પરીક્ષામાં મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન્સ (MCQ) સવાલ પૂછવામાં આવ્યો હતો કે પાટીદાર નેતા હાર્દિક પટેલને ક્યા રાજનેતાએ પારણાં કરાવ્યા હતા?
તમે આ વાંચ્યું કે નહીં?
આ પ્રશ્નના જવાબમાં ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમાં જવાબમાં શરદ યાદવ, શત્રુઘ્ન સિન્હા, લાલુ પ્રસાદ યાદવ અને વિજય રૂપાણીના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલ પરીક્ષામાં કેવી રીતે પસંદ કરવામાં આવ્યો તેના વિશે ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલે ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ અખબારને જણાવ્યું હતું કે પરીક્ષા GTU દ્વારા લેવામાં આવી હતી તેથી પ્રશ્નોની પસંદગીમાં ક્યાંય ગાંધીનગર મહાનગરપાલિકાએ દખલગીરી કરી નહોતી.
GTU કેવી રીતે પેપર તૈયાર કરે છે?
ગુજરાત ટેકનૉલૉજીકલ યુનિવર્સિટી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલી છે પરંતુ સરકારના નિર્દેશ મુજબ વિવિધ સંસ્થાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજી આપે છે.
રાજ્યની વિવિધ સરકારી સંસ્થાઓની ભરતી માટેની પરીક્ષાના પ્રશ્નપત્રો જેતે સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા સિલેબસના આધારે GTU તૈયાર કરે છે.
GTUની પરીક્ષા વ્યવસ્થા વિશે વાઇસ ચાન્સેલર ડૉ.નવીન શેઠે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "સરકારના આદેશ મુજબ GTU આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરે છે."
"આ પરીક્ષા યોજવા બદલ થતો ખર્ચ GTU જે તે સંસ્થા પાસેથી વસૂલે છે."
"પરીક્ષાનું પેપર જુદા જુદા પરીક્ષકો દ્વારા બનેલી ટીમ તૈયાર કરે છે. અને પ્રત્યેક વિષયના ત્રણ પેપર તૈયાર કરવામાં આવે છે.""આ પેપરમાં પ્રશ્નો કેવા પૂછી શકાય તેના માટે એક માર્ગદર્શિકા પણ છે."
"ગાંધીનગરની પરીક્ષાના સંદર્ભે જે તે પરીક્ષકે તૈયાર કરેલા પેપરમાં સંબંધિત પ્રશ્ન 'કરન્ટ અફેર' તરીકે પૂછી લેવામાં આવ્યો છે."
ડૉ. શેઠે જણાવ્યું કે GTUના દ્વારા તૈયાર થતા પેપરમાં ક્યા પ્રકારના સવાલો છે તેની જાણ કોઈને હોતી નથી.
આ સવાલો પૂછવા માટે પરીક્ષકે કેટલીક ગાઇડલાઇનનું પાલન કરવાનું રહે છે.
સવાલ કેવી રીતે નક્કી થાય છે?
GTU દ્વારા લેવામાં આવતી પરીક્ષાના સવાલોમાં જે તે સંસ્થા દ્વારા આપવામાં આવતો સિલેબસ જ ધ્યાનમાં લેવામાં આવે છે.
આ સિલેબસ અને વિષયના આધારે જે પ્રશ્નપત્રો તૈયાર થાય છે તે કમ્પ્યૂટર દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે.
ડૉ. શેઠે વધુમાં જણાવ્યું કે "અમે એ બાબતની તકેદારી રાખીએ છે કે વિવાદિત સવાલો, ધાર્મિક લાગણી દૂભાવે તેવા સવાલો, કોઈ પણ જ્ઞાતિનું અપમાન થાય તેવા સવાલો, કાયદાકીય સમસ્યા સર્જાય તેવા સવાલો સ્પર્ધાત્મક પરીક્ષામાં ના પૂછાય."
"'કરન્ટ અફેર્સ'માં રાજકારણ, રમત-ગમત, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ઘટનાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે."
"પ્રત્યેક સબ્જેકટના ત્રણ પેપર તૈયાર થાય છે જેમાંથી અંતિમ પ્રશ્નપત્રની પસંદગી કમ્પ્યુટર દ્વારા નક્કી કરાય છે."
ડૉ. શેઠના મતે આ પ્રકારની પરીક્ષાઓમાં સિલેબસ ઉપરાંત વિષયને ફાળવવામાં આવેલા માર્ક્સના આધારે સવાલો પૂછવામાં આવે છે.
દરેક સંસ્થાની અલગ અલગ નીતિ હોય છે
GPSC દ્વારા રાજ્યમાં મોટી સંખ્યામાં વિવિધ સરકારી હોદ્દા પર ભરતી કરવામાં આવે છે.
GPSC કેવી રીતે સવાલો પસંદ કરે છે અથવા તો ક્યા પ્રકારના સવાલો પસંદ નથી કરતું તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ GPSCના ચૅરમૅન દિનેશ દાસા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું "અલગ અલગ સંસ્થાના અલગ અલગ નિયમો હોય છે કે ક્યા પ્રકારના સવાલો પૂછી શકાય જોકે, GPSC એ જાહેર નથી કરતું કે તે કેવી રીતે સવાલો પૂછે છે કે પસંદ કરે છે પરંતુ નોકરીના પ્રકારના આધારે સવાલોનો એક સમૂહ તૈયાર કરવામાં આવે છે જેમાંથી પેપર માટેના સવાલ પસંદ થાય છે."
"કોઈ પણ ઘટનાનું વર્તમાન સમયમાં કેટલું મહત્ત્વ છે તેના આધારે તેને કરન્ટ અફેર્સની કેટેગરીમાં મૂકવામાં આવે છે."
"GPSCની પરીક્ષા બાદ લેવાતા ઇન્ટરવ્યૂની પેનલના સભ્યોના નામ પણ અમે લૉટરી સિસ્ટમથી નક્કી કરીએ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો