BBC EXCLUSIVE: શું છે UPSCના ટૉપર અનુદીપની સફળતાની કથા?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને વર્ષ 2017ની પરીક્ષાના પરિણામ જાહેર કર્યા છે.

આ વખતે કુલ 990 પરીક્ષાર્થીઓએ બાજી મારી છે. હૈદરાબાદના અનુદીપ દુરીશેટ્ટીએ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

બીબીસીએ અનુદીપ સાથે ખાસ વાતચીત કરી.

"હું ખૂબ જ ખુશ છું અને આગળ જે જવાબદારી મારી રાહ જોઈ રહી છે તેની મને ખબર છે. મારા માટે રૅન્ક કરતાં વધારે મોટી એ જવાબદારી છે કે જે હવે મને મળવાની છે. હું મારા પરિવારજનો, મિત્રો અને અધ્યાપકોનો ધન્યવાદ વ્યક્ત કરું છું જેમણે મને સહયોગ આપ્યો."

અનુદીપ કહે છે કે આજે હું અહીં માત્ર મારી મહેનતથી પહોંચ્યો છું. મહેનતનો કોઈ વિકલ્પ નથી.

અનુદીપ કહે છે, "આપણે જે કંઈ કરીએ, પરીક્ષા આપી રહ્યા હોઈએ કે રમત રમી રહ્યા હોઈએ, અથવા તો બીજું કોઈ કામ કરી રહ્યા હોઈએ, આપણું લક્ષ્ય હંમેશાં ઉત્કૃષ્ટ હોવું જોઈએ. મેં આ વાત મારા પિતા પાસેથી શીખી છે અને પરીક્ષાની તૈયારી સમયે પણ આ જ વાત ધ્યાનમાં રાખી છે."

અનુદીપને ઇતિહાસ વાંચનનો ખૂબ શોખ છે. તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન નેતા અબ્રાહમ લિંકનના વ્યક્તિત્વથી સૌથી વધારે પ્રભાવિત છે.

અનુદીપ કહે છે, "અબ્રાહમ લિંકન હંમેશાં મારી પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે. તેઓ એક મહાન નેતાનું ઉદાહરણ છે. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા તેમણે પોતાના દેશનું નેતૃત્વ કર્યું. હું હંમેશાં તેમની પાસેથી પ્રેરણા લેતો રહું છું."

પોતાની તૈયારી વિશે અનુદીપ જણાવે છે, "આ ખૂબ જ મુશ્કેલ પરીક્ષા હોય છે કેમ કે ઘણા યોગ્ય લોકો આ પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આજે પણ ઘણા યોગ્ય લોકોના નામ પસંદગી પામેલા ઉમેદવારોની યાદીમાં છે. તમે કેટલા કલાક વાંચો છો તેના કરતા વધારે મહત્ત્વપૂર્ણ છે કે તમે શું વાંચી રહ્યા છો અને કેવી રીતે વાંચી રહ્યા છો."

અનુદીપની 2013માં પણ સિવિલ સેવામાં પસંદગી થઈ હતી. ત્યારે તેમની ભારતીય રાજસ્વ સેવા (ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ - IRS) માટે પસંદગી થઈ હતી અને હાલ તેઓ હૈદરાબાદમાં ફરજ બજાવતા હતા.

અનુદીપ કહે છે, "હું હૈદરાબાદમાં આસિસ્ટન્ટ કમિશનરના પદ પર ફરજ બજાવું છું. નોકરી કરતા કરતા હું તૈયારી કરી રહ્યો હતો. વીકેન્ડ સિવાય મને જ્યારે સમય મળતો, ત્યારે હું તૈયારી કરતો. મારું એ જ માનવું છે કે શિક્ષણની ગુણવત્તા અને એકાગ્રતા મહત્ત્વ ધરાવે છે. આપણે હંમેશાં સર્વશ્રેષ્ઠ માટે પ્રયાસ કરવા જોઈએ. માત્ર મહેનત અને ઉત્કૃષ્ટતા માટે પ્રયાસ જ મહત્ત્વ ધરાવે છે. પરિણામ આપોઆપ આવી જ જાય છે."

અનુદીપને વાંચવાનો શોખ છે અને ફૂટબૉલમાં પણ તેઓ રસ ધરાવે છે. નાનપણથી જ તેઓ ફૂટબૉલ રમે છે અને ફૂટબૉલ મેચ જુએ છે.

અનુદીપ કહે છે, "ફૂટબૉલ મારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. હું ખૂબ રમું પણ છું અને મેચ પણ જોવું છું. જ્યારે હું તણાવમાં હોઉં છું, ત્યારે ફૂટબૉલનો તણાવ દૂર કરવા માટે ઉપયોગ કરું છું. આ સિવાય મને વાંચવાનો ખૂબ શોખ છે. હું ફિક્શન વધારે વાંચતો નથી પણ વિષયો પર પુસ્તક વાંચું છું."

અનુદીપ કહે છે, "જ્યારે મને ખાલી સમય મળે છે, ત્યારે હું રમું છું અથવા વાંચુ છું. મને લાગે છે કે દરેકે પોતાના શોખ રાખવા જોઈએ. એ ન માત્ર તણાવથી લોકોને દૂર રાખે છે પણ ચરિત્રનું નિર્માણ પણ કરે છે. હું તો કહીશ કે શોખ જ મનુષ્યને પૂર્ણ બનાવે છે."

અનુદીપના પરિવાર માટે આ ખુશીની સૌથી મોટી ક્ષણ છે. તેઓ કહે છે, "આ સમાચાર સાંભળ્યા બાદ મારી માની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. મારા પિતા તો હજુ સુધી વિશ્વાસ જ કરી શક્યા નથી. આ ખૂબ જ ખુશીની વાત છે. હું પણ હજુ સુધી વિશ્વાસ કરી શક્યો નથી. આ મારા માટે અવિશ્વસનીય ક્ષણ છે. હું દરેકનો ધન્યવાદ વ્યક્ત કરું છું."

અનુદીપનું માનવું છે કે જે પણ કામ તેમને આપવામાં આવશે, તેઓ તે કામ કરશે પરંતુ તેઓ ઇચ્છશે કે તેઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરી શકે.

અનુદીપ કહે છે, "મને લાગે છે કે આપણે શિક્ષણક્ષેત્રે આગળ વધવાની જરૂર છે. દુનિયાના વિકસિત દેશ, ઉદાહરણ તરીકે સ્કૈનડેનેવિયન દેશોમાં સૌથી વધારે ભાર શિક્ષણ પર જ આપવામાં આવી રહ્યું છે. મજબૂત શિક્ષણ વ્યવસ્થા જ તેમના વિકાસનું મૂળ કારણ છે."

"જો આપણે નવું ભારત બનાવવું છે તો આપણી શિક્ષણ વ્યવસ્થાને સુધારવી પડશે. આપણે આ દિશામાં કામ કરી રહ્યા છીએ અને આગળ પણ કરવાની જરૂર છે. હું મારી વિકાસયાત્રામાં ભલે નાની, પણ ભૂમિકા નિભાવવા માગું છું."

અનુદીપનો પરિવાર તેલંગણાના એક ગામ સાથે સંબંધ ધરાવે છે. પોતાની સફળતાનો શ્રેય પિતાને આપતા અનુદીપ કહે છે, "મારા પિતા મારા રોલ મૉડલ છે. તેઓ તેલંગાણાના એક ગરીબ વિસ્તારમાંથી આવે છે. પોતાની મહેનતના દમ પર તેઓ આગળ વધ્યા અને મને યોગ્ય શિક્ષણ મળી શક્યું."

"તેમણે હંમેશાં મને સહયોગ આપ્યો. તેઓ પોતાના કામના સ્થળે પણ ખૂબ જ મહેનત કરે છે અને ઉચ્ચ માપદંડોનું પાલન કરે છે. મેં મારા જીવનમાં હંમેશાં તેમના જેવું બનવાની ઇચ્છા રાખી છે."

અનુદીપ કહે છે, "આપણા પ્રેરણાસ્રોત આપણી આસપાસ જ હોય છે, બસ તેમને ઓળખવાની જરૂર હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો