Top News: વૉરન બફેટની કંપનીએ પેટીએમમાં રોકાણ કર્યું

‘લાઇવ મિન્ટ’ના અહેવાલ મુજબ દેશની સૌથી મોટી પેમેન્ટ સર્વિસ પ્રૉવાઇડર કંપની પેટીએમે મંગળવારે જાહેરાત કરી હતી કે તેમની કંપનીમાં વૉરેન બફેટની કંપની દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.

પેટીએમની માલિકી ધરાવતી કંપની વન97 કૉમ્યુનિકેશનમાં વૉરન બફેટની કંપની 'બર્કશાયર હેથવે' દ્વારા કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તે માહિતી જાહેર કરવામાં નથી આવી.

પેટીએમના જણાવ્યા મુજબ વૉરન બફેટની કંપનીના ઇન્વૅસ્ટમેન્ટ મૅનેજર ટોડ કોમ્બ્સ કંપનીના બોર્ડમાં જોડાશે.

ટોડ કોમ્બ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું પેટીએમથી પ્રભાવિત થયો હતો કારણ કે તેના લીધે ભારતમાં આર્થિક વ્યવહારો અને નાણાં ચૂકવવાની પ્રક્રિયામાં આમુલ પરિવર્તન આવ્યું છે. હું કંપનીના બોર્ડમાં જોડાવા માટે ઉત્સુક છું.

તમે આ વાંચ્યું કે નહીં?

પેટીએમના સીઈઓ વિજય શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આર્થિક વ્યવહારોની સેવાઓમાં બર્કશાયરની કુશળતા અને લાંબા ગાળાના રોકાણની દૃષ્ટીના કારણે પેટીએમને ખૂબ જ ફાયદો થશે.

આ રોકાણના કારણે ભારતના 50 કરોડ લોકોને મુખ્ય અર્થતંત્ર સાથે જોડવાની અમારી યાત્રાને વેગ મળશે.

પેટીએમની સુવિધા આપતી વન97 કંપની વિજય શેખર શર્મા દ્વારા વર્ષ 2000માં શરૂ કરવામાં આવી હતી.

આ કંપનીનો મુખ્ય હેતુ મોબાઇલ પૅમેન્ટ્સ અને મોબાઇલ રિચાર્જનો વ્યવસાય કરવાનો હતો જે વર્તમાન સમયમાં સૌથી વધુ ઇન્ટરનેટના વપરાશકર્તા ધરાવતી દેશની ટોચની ત્રણ કંપનીઓમાં સ્થાન ધરાવે છે.

ભારતીય અંતરિક્ષયાત્રીઓ ગુજરાતના દરિયામાં ઊતરશે

‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ અંતરિક્ષમાં જનારા ત્રણ ભારતીય અવકાશ યાત્રીઓ ગુજરાતના દરિયા કિનારે પરત ઊતરશે.

આ અહેવાલમાં મંગળવારે ઇસરોના ચૅરમેન કે. સિવને આપેલા નિવેદનને ટાંકીને જણાવવામાં આવ્યુ છે કે દેશનું પહેલું માનવ અંતરિક્ષ મિશન વર્ષ 2022માં લૉન્ચ થશે.

શ્રીહરિકોટા મથક ખાતેથી અવકાશયાન લૉન્ચ થયાની 16 મિનિટમાં જ યાત્રીઓ સાથે અવકાશમાં પહોંચી જશે.

આ અવકાશયાત્રીઓ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં પાંચથી સાત દિવસ સમય પસાર કરશે અને ત્યારબાદ ગુજરાતના અરબી સમુદ્રમાં પરત ઊતરશે.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઇસરોના ચૅરમેને આ નિવેદન આપ્યું હતું.

જીતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓ પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં (300થી400 કીમીની અંદર) રહીને એક અઠવાડિયા સુધી અભ્યાસ કરશે.

પાકિસ્તાનના મંત્રી પાસે કાશ્મીરનો મુદ્દો ઉકેલવાનો પ્રસ્તાવ તૈયાર

‘ફર્સ્ટ પોસ્ટ’ વેબસાઇટના અહેવાલ મુજબ પાકિસ્તાનના માનવ અધિકાર મંત્રી શિરિન મઝારી પાસે કાશ્મીર મુદ્દાના ઉકેલવાનો પ્રસ્તાવ તૈયાર છે.

પાકિસ્તાનની સેના સાથે નિકટતા ધરાવતા મઝારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માટે પ્રસ્તાવ તૈયાર કરી દીધો છે.

તેમણે જણાવ્યું હતું કે આગામી એક અઠવાડીયામાં તેઓ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આ પ્રસ્તાવ રજૂ કરશે.

અગાઉ મઝારીએ એક ટીવી કાર્યક્રમની મુલાકાતમાં આ નિવેદન આપ્યું હતું પરંતુ કાશ્મીર સમસ્યાના ઉકેલ વિશે વધુ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

તેમણે જણાવ્યું છે કે અમે તૈયાર કરેલો પ્રસ્તાવ દેશના તમામ મંત્રીઓને પણ પહોંચાડવામાં આવશે જો પ્રધાનમંત્રી અને કૅબિનેટ તેને મંજૂરી આપે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનની સરકારમાં મંત્રી બનતાં પહેલાં મઝારી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજીક સ્ટડીઝના ડિરેક્ટર જનરલ હતાં અને તેઓ સંરક્ષણ તેમજ સુરક્ષાના વિષયોના તજજ્ઞ તરીકે કામ કરતા હતા.

કાયદામંત્રીએ મુખ્ય ન્યાયયાધીશને અનુગામી નિમવા પત્ર લખ્યો

‘ધ હિંદુ’ના અહેવાલ મુજબ દેશની વડી અદાલતના નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને પોતાના અનુગામી નિમવા માટે પત્ર લખ્યો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા આગામી બીજી ઑક્ટબરે નિવૃત થશે.

સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કાયદામંત્રીએ ગત અઠવાડીયે વિદેશ પ્રવાસ પર જતાં પહેલાં આ પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા બાદ જસ્ટિસ રંજન ગોગોઈ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે.

કાયદા મંત્રાલયની વાર્ષિક પત્રકાર પરિષદમાં જ્યારે રવિશંકર પ્રસાદને પૂછવામાં આવ્યું કે જસ્ટિસ રંજન ગોગોઈ આગામી મુખ્ય ન્યાયાધીશ બની શકે છે કે નહીં?

તેના જવાબમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં પહેલા મુખ્ય ન્યાયાધીશ તરફથી વરિષ્ઠ જજના નામનું સૂચન કરવામાં આવશે અને બાદમાં સરકાર તેના પર નિર્ણય કરશે.

NRC યાદીમાંથી બહાર દસ ટકા લોકોની ફેર ચકાસણીનો આદેશ

‘એનડીટીવી’ના અહેવાલ મુજબ દેશની સર્વોચ્ચ અદાલતે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ની ફેર ચકાસણીનો આદેશ આપ્યો છે.

કોર્ટે યાદીમાં સમાવેશ નથી તેવા 10 ટકા લોકોની ફેર ચકાસણીનો આદેશ આપ્યો છે.

અગાઉ સર્વોચ્ચ અદાલતે આસામના NRC કોઓર્ડિનેટરને આ યાદીમાંથી બાકાત લોકોની ટકાવારીનો જિલ્લા પ્રમાણેનો રેકોર્ડ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

31મી જુલાઈએ આદેશ આપતા અદાલતે એવું પણ કહ્યું હતું કે જે 40 લાખ લોકોના નામ આ યાદીમાં નથી તેવા લોકો પર સરકાર કોઈ પણ પ્રકારના પગલાં ભરી શકશે નહીં કારણ કે NRC એ ફક્ત એક યાદી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો