You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યૂએને કાશ્મીર માટે ‘આઝાદ કાશ્મીર’ શબ્દનો ઉપયોગ કર્યો
ભારત પ્રશાસિત કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકાર હાઈ કમિશનર ઝેદ બિન રાદ અલ-હુસૈનના રિપોર્ટને લઈને વિવાદ વધતો જાય છે.
આ રિપોર્ટમાં કાશ્મીરમાં માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘન સાથે તેની તપાસની પણ વાત કરવામાં આવી છે.
ભારતે આ રિપોર્ટને પોતાના સાર્વભૌમત્વ અને એકતાની વિરુદ્ધ ગણાવ્યો છે.
ભારતને સૌથી વધારે વાંધો યૂએનના રિપોર્ટમાં ઉપયોગ કરવામાં આવેલા શબ્દોના પ્રયોગ સામે છે.
ભારતનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરને લઈને જે શબ્દો સ્વીકારવામાં આવ્યા છે, આ રિપોર્ટમાં તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ઉગ્રવાદી સંગઠનો, જેવાં કે, લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ માટે 'હથિયાર બંધ સમૂહ' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતે કેમ વાંધો લીધો?
આ રિપોર્ટમાં હથિયારબંધ સમૂહ શબ્દપ્રયોગ 38 વખત કરવામાં આવ્યો છે.
આ સાથે જ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર માટે 26 વખત 'આઝાદ જમ્મુ-કાશ્મીર' લખવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યૂએનના રિપોર્ટમાં ઉગ્રવાદીઓ માટે લીડર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઝાયદ રાડ અલ હુસૈનના રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રે સ્વીકારેલાં શબ્દપ્રયોગોની પણ ઉપેક્ષા કરવામાં આવી છે.
ભારતે આ રિપોર્ટ સામે સખત વાંધો નોંધાવ્યો છે. 49 પાનાંના આ રિપોર્ટમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.
રિપોર્ટમાં યૂએનના નિયમોનું પણ ઉલ્લંઘન?
સંયુક્ત રાષ્ટ્રે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને આંતરરાષ્ટ્રીય ઉગ્રવાદી સંગઠનો માન્યાં છે.
આ સાથે જ સંયુક્ત રાષ્ટ્ર કાશ્મીર માટે ભારત પ્રશાસિત કાશ્મીર અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર શબ્દોનો પ્રયોગ કરે છે.
ભારતનું કહેવું છે કે ઝેદ બિન રાદ અલ-હુસૈનના રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં અધિકૃત ટ્વિટર હૅન્ડલ 'ઇન્ડિયા એટ યૂએન જીનિવા' પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટમાં ભારતના વિસ્તારો માટે ખોટા શબ્દપ્રયોગો કરવામાં આવ્યા છે.
ભારતે કહ્યું છે કે આ રિપોર્ટ ગેરમાર્ગે દોરનારો અને અસ્વીકાર્ય છે. અહીં કોઈ આઝાદ જમ્મુ-કાશ્મિર કે ગિલગિટ બાલ્ટિસ્તાન જેવા વિસ્તારો જ નથી.
વ્યક્તિગત પૂર્વગ્રહ
ભારતે યૂએનના રિપોર્ટ પર વાંધો લેતા કહ્યું, "આતંકવાદ માનવ અધિકારનું ઘોર ઉલ્લંઘન છે, પરંતુ આ રિપોર્ટના લેખકે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસપેઠનો જાણી જોઈને ઉલ્લેખ કર્યો નથી."
"સંયુક્ત રાષ્ટ્રે જેને આતંકવાદી સંગઠનો માન્યાં છે, તેને આ રિપોર્ટમાં ‘હથિયારબંધ સમૂહ’ કહેવામાં આવ્યા છે."
"અમે લોકો એ વાતને લઈને ચિંતામાં છીએ કે સંયુક્ત રાષ્ટ્રો જેવા સંગઠનની શાખને વ્યક્તિગત પૂર્વગ્રહને કારણે ખોખલી કરવામાં આવી રહી છે."
શું છે આ રિપોર્ટમાં?
યૂએનના આ રિપોર્ટમાં જૂન 2016થી એપ્રિલ 2018 સુધીમાં થયેલા માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનની વાત કહેવામાં આવી છે.
યૂએનના આ રિપોર્ટમાં એક ખાસ સમયને જ પસંદ કરવા મામલે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ભારતનું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્ર પર વ્યક્તિગત પૂર્વગ્રહ ભારે પડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોમાં માનવ અધિકાર હાઈ કમિશનર ઝેદ બિન રાદ અલ-હુસૈન જોર્ડનના શાહી પરિવારથી આવે છે.
આ લોકોએ રિપોર્ટનું કર્યું સ્વાગત
કાશ્મીરના અલગતાવાદી નેતા મીરવાઇઝ ફારુકે યૂએનના આ રિપોર્ટનું સ્વાગત કર્યું છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "કાશ્મીરના લોકો સંયુક્ત રાષ્ટ્રના આભારી છે. ખાસ કરીને માનવ અધિકાર હાઈ કમિશનર ઝેદ બિન રાદ અલ-હુસૈનનું આ સાહસપૂર્ણ પગલું પ્રશંસનીય છે. આ આત્મનિર્ણયના અધિકારોનું સમર્થન છે."
કાશ્મીરના માનવ અધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝે આ રિપોર્ટનું સ્વાગત કર્યું છે.
તેમણે રોયટર્સને જણાવ્યું કે યૂએનનો રિપોર્ટ કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘનના આરોપોની પુષ્ટિ કરે છે.
પાકિસ્તાન અને હાફિઝ સઈદે શું કહ્યું?
યૂએનના આ રિપોર્ટમાં પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે કે તેઓ આતંકવાદ વિરોધી કાયદાનો દુરુપયોગ શાંતિપૂર્ણ વિરોધ અને અસહમતિને ખત્મ કરવામાં ન કરે.
યૂએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સુરક્ષાદળો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જમ્મૂ-કાશ્મીરમાં તેમને વર્ષ 1990માં પસાર કરવામાં આવેલા એક નિયમ અનુસાર વધારે અધિકાર આપવામાં આવ્યા છે.
ઝાયદે કહ્યું કે કથિત રીતે જમ્મુ-કાશ્મીરમાં સામૂહિક કબરોની તપાસ થવી જોઈએ.
પાકિસ્તાની મીડિયામાં પણ આ રિપોર્ટને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
પાકિસ્તાની અખબાર ધી એક્સપ્રેસ ટ્રિબ્યૂનના જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદે પ્રશંસા કરી છે.
હાફિઝે કહ્યું કે આનાથી એ વાતની જાણ થાય છે કે કાશ્મીરમાં માનવ અધિકારોની સ્થિતિ કેવી છે.
હાફિઝે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે હવે કાશ્મીર વિશે બોલવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો