You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર: એક મોત, ત્રણ સવાલ અને સળગતી ઘાટી
- લેેખક, અનુરાધા ભસીન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં શુક્રવારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ)ની જીપ નીચે કચડાયેલ ત્રણ લોકોમાંથી એકનું મોત થતા વાતાવરણ તંગ બન્યું છે.
ઉમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને ટાંકીને ટ્વીટ કર્યું, "પહેલાં તેમણે લોકોને જીપ આગળ બાંધ્યા અને પ્રદર્શકારીઓને ડરાવવા ગામમાં ફેરવ્યા. હવે તેઓ જીપ લોકો પર ચઢાવી રહ્યા છે. મહેબૂબા મુફ્તી સાહિબા શું આ તમારું નવું સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર છે. સંઘર્ષ વિરામનો મતલબ બંદૂકનો ઉપયોગ નહીં પરતું જીપનો ઉપયોગ કરવો એવું?"
પરંતુ રસ્તાઓ પર ભીડને નિયંત્રિત કરવામાં ઉમર અબ્દુલ્લા સરકારનો રેકોર્ડ પણ એટલો સારો નથી.
જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2010માં થયેલા પ્રદર્શનમાં અર્ધસૈનિક દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની કાર્યવાહીમાં 120થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
ઉગ્ર પ્રદર્શનોમાં વધારો
આ ઘટનામાં મોટાભાગે લોકોનાં મોત ગોળીઓ, રબર પેલેટ અથવા ટિયરગેસનાં સેલથી થયાં હતાં.
ત્યારથી સુરક્ષાદળો દ્વારા કરવામાં આવતી 'સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર' એટલે કે કાર્યવાહી અંગે ચર્ચાઓ થતી આવી છે.
આઠ વર્ષના સમયગાળા દરમિયાન આ અંગે ચિંતા પણ વધી છે. રસ્તાઓ પર થતાં પ્રદર્શનો દિવસેને દિવસે ઉગ્ર થઈ બની રહ્યાં છે. યુવાનોની અંદર હવે ડર ખતમ થઈ ગયો છે.
ખાસ કરીને વર્ષ 2016માં પેલેટ ગનના ભરપૂર ઉપયોગ બાદ આ યુવાનોમાં ડરનું પ્રમાણ ઘટ્યું છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ અને મૃત્યુ પણ પામ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કડવી યાદોનું પુનરાવર્તન
વર્ષ 2010માં પ્રદર્શનકારી યુવાનોનાં મોત પૉઇન્ટ બ્લૅક ગન દ્વારા છોડવામાં આવેલા ટિયરગેસના સેલથી થયાં હતાં.
એટલું જ નહીં વર્ષ 2016માં કાશ્મીરીઓએ પેલેટનો પણ સામનો કર્યો છે.
ત્યારે સવાલ થાય કે શું વર્ષ 2018 સુરક્ષાદળોનાં વાહનો નીચે કચડાવવાનું વર્ષ બનવા જઈ રહ્યું છે?
તમે આ વાંચ્યું કે નહીં?
નૌહટ્ટામાં ત્રણ પ્રદર્શનકારીઓના એક વાહનની ઝપેટમાં આવવાની ઘટનાએ જખમ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે.
તેમના મોત સાથે જોડાયેલો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં એક સુરક્ષા વાહન તેમને બે વખત ટક્કર મારતું નજરે પડે છે. આ વીડિયોને લઈને લોકોમાં ગુસ્સો ભડકી રહ્યો છે.
ઘાટીના લોકોમાં ગુસ્સો
તાજેતરની ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નારાજ લોકોની ભીડ રસ્તા પર ઊતરી આવી છે. ત્યારે તેમની વચ્ચેથી સીઆરપીએફની જીપ નીકળવાનો પ્રયત્ન કરી રહી છે.
પ્રદર્શનકારીઓ આ બુલેટપ્રૂફ વાહન પર પથ્થરો અને લાકડીઓથી હુમલો કરતા નજરે પડે છે.
ગુસ્સે ભરાયેલી લોકોની ભીડ વાહનને ત્રણ તરફથી ઘેરી લે છે. દરમિયાન એક પ્રદર્શનકારી ચાલતી જીપના બૉનેટ પર ચઢી જાય છે.
આ વચ્ચે ડ્રાઇવર જીપની ગતિ વધારી ત્યાંથી નીકળી જાય છે.
પરંતુ સવાલે એ છે આ વીડિયો ત્રણ લોકોને કચડ્યા બાદ લેવામાં આવ્યો છે કે પહેલાં તસવીરો લેવામાં આવી છે.
મોતનું કારણ અકસ્માત?
સમાચાર પત્રો અને સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલી તસવીરોમાં દેખાય છે કે બે યુવક અલગઅલગ સમયે વાહન નીચે કચડાય છે અને લોકો તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તસવીરોમાં એક યુવક વાહન નીચે જ્યારે બીજો આગળના બે પૈડા વચ્ચે ફસાયેલો દેખાય છે. એ વાત સાફ છે કે બંનેને બહાર કાઢવા માટે જીપ ઊભી હતી.
પંરુત એકપણ તસવીરમાં મૃતક યુવાન કૈસર બટ નજરે નથી પડી રહ્યો.
સીઆરપીએફના પ્રવક્તાએ જણાવ્યું કે વાહન પર અચાનક હુમલો થતા ડ્રાઇવરે ગતિ વધારી હતી. આ 'દુર્ઘટનાથી થયેલું મોત' છે.
ત્રણ સવાલોની તપાસ થવી જરૂરી
સતત ત્રણ 'દુર્ઘટના' ઘટવાને સંયોગ માનવો થોડો મુશ્કેલ છે.
એ વાત સંભવિત છે ભીડ વાહન પર કાબૂ કરી શકતી હતી અને ગાડીમાં બેઠેલા સુરક્ષા જવાનોનો જીવ ખતરામાં પડી શકતો હતો.
પરંતુ ત્રણ એવા સવાલો છે જેની તપાસ થવી જોઇએ. વીડિયોમાં પુરાવા મળે છે કે ત્રણ લોકો એ જ સમયે અને એ જ જગ્યાએ કચડાયા નથી.
એવું બની શકે કે આ ઘટના પહેલાં અથવા બાદમાં બની હોય. એવું જરૂરી નથી કે જીપ જે ભીડમાં ઘૂસી હતી તે ત્યારે પણ એટલી જ નિરંકુશ અને ગુસ્સામાં હોય.
આ જીપ ઓછામાં ઓછી બે મિનિટ સુધી ત્યાં ઊભી હતી જેથી બે ઘાયલોને કાઢી શકાય. એ સમયે ભીડે હુમલો કેમ ના કર્યો?
ત્રીજો સવાલ એ કે જ્યાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું, ત્યારે ત્યાંથી સુરક્ષા દળનુ વાહન એકલું શું કામ નીકળ્યું?
શું આ સુરક્ષાની ખામી અને સામાન્ય પ્રક્રિયાનું ઉલ્લંઘન છે?
સરકાર સામે મોટો પડકાર
આ ઘટનાને લઈને ઊઠતા સવાલોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
એ પણ તપાસ થવી જોઈએ કે શું સુરક્ષા જવાન તેમના ઉતાવળાપણાને કાબૂ કરી શકતા હતા કે પછી આ એક અકસ્માત છે અથવા પ્રદર્શનકારીઓને વાહનથી કચડવાની નવી પ્રણાલીનો ભાગ છે.
ઘટનાક્રમ ભલે ગમે તે હોય પરંતુ કશ્મીરમાં ઝડપથી ભરાઈ રહેલી કબરોમાં વધુ એક નામ ઉમેરાયું છે.
બે અન્ય ઘાયલો જિંદગી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
કાશ્મીરના સંઘર્ષના ઇતિહાસમાં આ ત્રણેય બનાવો ભલે હાંસિયામાં જતા રહે પરંતુ આ ઘટનાની છાપ કાશ્મીરી લોકોના માનસ પર રહેશે.
તમામ ઘટનાઓ ચિંતાનું કારણ
ઉલ્લેખનીય છે કે શનિવારે 25 વર્ષના કૈસર બટની અંતિમયાત્રા દરમિયાન પ્રદર્શન થયું હતું જેના જવાબમાં સરકારે તેનો વિરોધ કરતા ટિયરગેસના સેલ છોડ્યા હતા.
ઇન્ટરનેટ સેવા બંધ કરવા જેવો ઘાતક ઉપાય પણ અજમાવવામાં આવ્યો. આ તમામ ઘટનાઓ ચિંતાનું કારણ છે.
શું આ ઘટનાઓ પરથી એવું માની શકાય કે ગરમીઓ દરમિયાન ગુસ્સાની એક લહેર જોવા મળશે અને સંઘર્ષ વિરામ સમય પહેલાં જ તૂટી જશે.
જોકે, અત્યારે કંઈ કહી ના શકાય. કશ્મીરની રાજનીતિ અંગે પણ અહીંના વાતાવરણની જેમ અનુમાન લગાવવું મુશ્કેલ છે.
મોટાભાગે ઘણું એ વાત પર નિર્ભર કરશે કે સરકાર અત્યારની સ્થિતિનો કેવી રીતે ઉકેલ લાવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો