You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કશ્મીરની એ ટૉપર જેણે તિહાડ જેલની બહાર બેસી કલાકો સુધી ભણતી હતી
- લેેખક, રિયાજ મસરુર
- પદ, બીબીસી સંવાદદાતા
સીબીએસઈએ શનિવારે જ્યારે 12માં ધોરણનું પરિણામ જાહેર કર્યું ત્યારે ભારત પ્રશાસિત કશ્મીરના એક ઘરમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.
સમા શબ્બીર શાહે જમ્મુ-કશ્મીરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે 97.8% જેટલા અંક પ્રાપ્ત કર્યાં છે.
સમા શ્રીનગરમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.
સીબીએસઈ ટૉપર થતાં પહેલાં સમાની ઓળખ અલગાવવાદી નેતાની પુત્રીનાં રૂપમાં થતી હતી.
તેમના પિતા શબ્બીર શાહ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી સંગઠન જમ્મુ-કશ્મીર ડેમૉક્રેટિક ફ્રીડમ પાર્ટીના અધ્યક્ષ હતા.
તેમને વર્ષ 2017માં મની લૉંડ્રીંગ મુદ્દે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેઓ દિલ્હીમાં આવેલી તિહાડ જેલમાં બંધ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બીબીસી ફેસબુક લાઇવમાં સમાએ પોતાની ભવિષ્યની યોજનાઓ અંગે જણાવતાં કહ્યું કે તે કાયદાનો અભ્યાસ કરવા માંગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાએ એનું એક વ્યાજબી કારણ પણ જણાવ્યું કે એમને એના પિતાના કેસ સંદર્ભે ઘણી વખત કોર્ટનાં ચક્કર મારવા પડ્યાં છે.
તેઓ કહે છે કે તેમણે ન્યાયપાલિકામાં થતા ભ્રષ્ટાચાર અને ભેદભાવને ખૂબ નજીકથી જોયા છે.
સમા જણાવે છે, ''મેં જોયું છે કે ન્યાયપાલિકામાં ખૂબ અન્યાય થાય છે. અમે તો પહેલેથી એ જ વાંચ્યું અને સાંભળ્યું હતું કે ન્યાયપાલિકા સરકારનું મહત્ત્વનું અંગ છે."
"આ ખૂબ જ શક્તિશાળી સંસ્થા છે પણ મારો અનુભવ કહે છે કે અહીંયા ઘણી વાતો પર ધ્યાન આપવામાં આવતું નથી, ઘણી વખતે અન્યાય થાય છે. એટલે જ મેં વિચાર્યું કે કાયદાનો અભ્યાસ કરી દુનિયામાં જ્યાં પણ અન્યાય થતો જોવા મળશે ત્યાં સુધારણા માટે કામ કરીશ.''
આ સફળતા કેટલી મહત્ત્વની?
સમાના ઘરમાં છેલ્લા એક વર્ષથી તણાવનું વાતાવરણ હતું. તેમના પિતા જેલમાં બંધ છે.
આવા વાતાવરણમાં રાજ્યમાં આટલી મોટી સફળતા મેળવવી કેટલું મહત્ત્વ ધરાવે છે?
આ સવાલના જવાબમાં સમા જણાવે છે, ''મને એટલી આશા તો હતી કે સારા માર્ક્સ આવશે પણ રાજ્યમાં ટૉપર બનીશ એવું મેં વિચાર્યું નહોતું.''
કશ્મીરની હાલત અને પોતાની અંગત સમસ્યાઓ યાદ કરતાં સમા જણાવે છે ,''કશ્મીરમાં જે હાલાત છે એ અંગે ટૅન્શન તો રહે જ છે પણ મારા માટે તો અંગત રીતે પણ માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ હતી."
"હું છેલ્લા એક વર્ષથી મારા પિતાને મળી નથી એટલા માટે નકારાત્મક વિચાર આવતા હતા. આ પરિસ્થિતિઓ વચ્ચે મેં વિચાર્યું કે મારા કારણે મારા પિતા ગૌરવ લે એવું કાંઈક કરવું છે''
'તિહાડ ગેટની બહાર ભણતી હતી'
દરેક વ્યક્તિનો કોઈ પ્રેરણા સ્રોત હોય છે અને સમાએ તેમના પિતાને પોતાની પ્રેરણા બનાવ્યા હતા.
સમા કહે છે કે પિતા જેલમાં હોવાને કારણે તેમને વધારે મળી શકાતું ન હતું.
પરીક્ષાની તૈયારી અને તિહાડ જેલ વિશે વાત કરતાં સમા કહે છે, "હું પરીક્ષાની તેયારી પહેલાં પિતાને મળવા તિહાડ જેલમાં જતી હતી."
"ત્યાં 5 કલાકની રાહ જોયા બાદ માંડ 10 મિનિટ મળવા દેવામાં આવતા. જેલના સત્તાવાળાઓ મને પુસ્તકો અંદર લઈ જવા દેતા ન હતા."
"જેથી હું મારા પુસ્તકો સાથે તિહાડના ગેટની બહાર બેસતી અને અહીં જ પરીક્ષાની તૈયારીઓ કરતી હતી."
શું છે શબ્બીર શાહ પર આરોપ?
સમાના પિતા શબ્બીર શાહ પર આરોપ છે કે તેઓ ઉગ્રવાદી પ્રવૃતિમાં સામેલ હતા અને તેમને હવાલા દ્વારા પૈસા મળતા હતા.
ઈડી દ્વારા વારંવાર બોલાવવા છતાં પણ તેઓ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.
બાદમાં દિલ્હીની એક અદાલતે તેમની સામે બિન જામીનપાત્ર વૉરંટ જારી કર્યું હતું.
સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ મુજબ 2005માં દિલ્હી પોલીસે મોહમ્મદ અહમદ અસલમ વાની નામના એક શખ્સની ધરપકડ કરી હતી.
જેની પાસેથી 63 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
વાનીએ પોલીસને જણાવ્યું હતું કે આમાંથી 50 લાખ રૂપિયા શબ્બીર શાહને 10 લાખ રૂપિયા અબૂ બકરને આપવાના હતા.
વાનીએ એવું પણ જણાવ્યું હતું કે શબ્બીર શાહને તેમના માધ્યમથી 2.25 કરોડ રૂપિયા મળવાના હતા. હાલ શાહ સામે મની લૉન્ડ્રિંગનો કેસ ચાલે છે.
જોકે, શબ્બીર શાહ આખા મામલાને રાજકીય કાવતરું ગણાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો