You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિદ્યાર્થિનીને આલિંગન આપ્યું તો શાળાએ કરી સજા!
દક્ષિણ ભારતમાં બે ટીનેજરો વચ્ચે આલિંગન રાષ્ટ્રીય વિવાદમાં આવ્યું છે.
એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીને શાળાએ "સ્નેહનું જાહેર પ્રદર્શન" કરવા બદલ કાઢી મૂક્યા છે.
બીબીસીના અશરફ પદનાએ આ બંને વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.
કેરળમાં સેન્ટ થોમસ સેન્ટ્રલ સ્કૂલમાં આયોજીત સ્પર્ધામાં એક વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ગીત ગાયું હતું.
ગીત ગાયા પછી 15 વર્ષીય વિદ્યાર્થિનીએ તેના 16 વર્ષના વિદ્યાર્થી મિત્રને પૂછ્યું કે તેણીએ કેવું ગીત ગાયું?
જેના જવાબમાં તેના મિત્રએ તેને ભેટીને અભિનંદન આપ્યાં હતાં.
આ ઘટના વિશે ચર્ચામાં આવેલી યુવતી નામ છુપાવવાની શરતે કહે છે કે "માત્ર એક કે બે સેકન્ડ માટે તે મને ભેટ્યો હતો.
"ત્યાં ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. મને એમાં કંઈ ખોટું પણ લાગ્યું ન હતું. પરંતુ એક શિક્ષકે આચાર્યને જઈને આ વિશે ફરિયાદ કરી દીધી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
અશ્લીલ અને અનૈતિક
યુવતી કહે છે કે ફરિયાદ પછી તો જાણે આખી શાળામાં કાનાફૂસી થવા લાગી. જાણે કે આભ તૂટી પડ્યું.
પછીના દિવસે 22મી જુલાઈના રોજ આ જોડીને અનિશ્ચિત સમય સુધી શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ચાર મહિના પછી 22મી નવેમ્બરે યુવકને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યો.
આચાર્ય સેબાસ્ટિયન ટી જોસેફે બીબીસીને જણાવ્યું, "અમે તેને માફી માંગવાની તક આપી છે પરંતુ તેને અને તેના માતાપિતાને કોઈ પસ્તાવો નથી."
પરંતુ યુવકના જણાવ્યા મુજબ તેણે તરત જ માફી માંગી હતી.
બીજી તરફ યુવતી શાળામાં ફરી જોડાઈ શકે તેમ નથી કારણ કે તે તાજેતરમાં દુબઈથી શિફ્ટ થઈ હતી.
એટલે શાળામાં જોડાવાનું પેપર વર્ક પણ હજી અધૂરું છે.
જોકે, બન્ને વિદ્યાર્થીઓને આખી ઘટના માટે એક શિસ્ત સમિતિ સમક્ષ હાજર કરવામાં આવ્યાં હતાં.
બીબીસી પાસે શાળા દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટની નકલ છે.
જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બન્ને વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સામે "અશ્લીલ અને અનૈતિક રીતે જાહેરમાં લાગણીનું પ્રદર્શન" કરી રહ્યા હતા.
સ્કૂલનો એવો પણ આક્ષેપ છે કે તેમના વ્યક્તિગત બ્લોગ્સ અને Instagram એકાઉન્ટ્સમાં તેમની "વાતચીત અને ફોટોગ્રાફ્સ" ખૂબ જ 'ઘનિષ્ઠ, સ્પષ્ટ, અશ્લીલ અને વાંધાજનક' હતા.
આ વિશે યુવકે બીબીસીને કહ્યું, "મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખાનગી છે અને ફક્ત મારા ફૉલોઅર્સ જ મારી સ્ટોરી જોઈ શકે છે. ચાર્જશીટમાં જણાવ્યા મુજબ એમાં અશ્લીલ કશું જ નથી."
શું જાસૂસી થઈ?
યુવકે કહ્યું કે સમિતિને તેમણે સમજાવ્યું હતું કે આ આલિંગન માત્ર અભિનંદન પાઠવવા માટે હતું. એની પાછળ બીજો હેતુ નહોતો.
જ્યારે કે યુવતીએ આક્ષેપ કર્યો હતો કે સમિતિના સભ્યોએ Instagram પર પોસ્ટ કરેલા ફોટા દેખાડીને તેનું અપમાન કર્યું હતું.
એટલું જ નહીં યુવતીએ કહ્યું, "સમિતિના એક વ્યક્તિએ તેમના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો."
તે સમય દરમિયાન યુવકના માતાપિતાએ કેરળના બાળ અધિકાર કમિશનને અપીલ કરી હતી. જેણે સસ્પેન્શનને રદ કરવા માટે શાળાને આદેશ આપ્યો હતો.
પરંતુ શાળાએ કેરળ હાઈકોર્ટમાં અરજી કરી હતી જેના આધારે યુવકને શાળાની બહાર કાઢવાના આદેશને સમર્થન આપ્યું હતું.
જેમાં શાળાના "ઉચ્ચત્તમ માપદંડો અને પ્રતિષ્ઠા"ની રક્ષા કરવાનો અધિકાર સ્કૂલ પાસે છે તે જણાવ્યું હતું.
તેમના માતાપિતા હવે ક્રિસમસ વેકેશન પછી કોર્ટ ખુલવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ અપીલ કરી શકે.
યુવકના પિતા આ ઘટના પછી તેમના કામે પણ જતા નથી.
તેઓ કહે છે, "અમને ન્યાયતંત્ર પર ભરોસો છે. હું આ સમસ્યાનો ઉકેલ લાવવા અને મારા પુત્રને સહકાર આપવા થોડા સમય માટે ઘરે જ રહું છું."
તેમણે જણાવ્યું કે શાળાના અધિકારીઓ તેમના પુત્ર અથવા યુવતીના ઇન્સ્ટાગ્રામના ફૉલોઅર્સની લિસ્ટમાં નહોતા.
તેમણે આરોપ લગાવ્યો કે એ કેવી રીતે બન્ને બાળકોના ફોટાની નકલ કોર્ટમાં રજૂ કરી શક્યા?
તેમણે કહ્યું કે તો શું બાળકોની જાસૂસી થઈ રહી હતી? તેઓ કોર્ટમાં ગોપનીયતાનો મુદ્દો ઉઠાવશે.
તેમની પત્ની અને તેમને ચિંતા છે કે તેમનો પુત્ર વર્ષના અંતે બોર્ડની પરીક્ષા ચૂકી જશે તો તેનું વર્ષ બગડશે.
શિક્ષણ અને ગોપનીયતાના અધિકારનો ભંગ
શાળા પ્રશાસને બીબીસીને જણાવ્યું કે તેમણે યુવકને બીજી શાળામાં બદલી કરવાની પરવાનગી આપી દીધી છે.
તે બારમા ધોરણની પરીક્ષા આપી શકશે કે નહીં તે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ પર નિર્ભર કરે છે.
દરમિયાન શાળાની ચોતરફા નિંદા થવાના કારણે તેમણે ગુરુવારે યુવકને એક પત્ર મોકલ્યો છે.
3 જાન્યુઆરીના રોજ તેઓ યુવકને ફરી મળવા માગે છે જેથી તેઓ આ મામલે ફરી પરિક્ષણ કરી શકે.
પરંતુ આ બાબતે યુવતીની પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે. તે તેના માતા-પિતા સાથે કોર્ટમાં પણ આવશે કે નહીં તેની ખાતરી નથી.
તે સેન્ટ થોમસ સ્કૂલમાં અભ્યાસ કરવા માંગતી નથી. તેણે કહ્યું કે તેને આશા છે વાર્ષિક પરીક્ષા માટે તેને હાજરી આપવામાં આવશે. જેથી તેનું આખું વર્ષ ના બગડે.
યુવતી કહે છે, "હું સારા, સકારાત્મક અને ખુલ્લા વાતાવરણમાં અભ્યાસ કરવા માંગું છું, જ્યાં નિરાશાજનક માહોલ ના હોય."
યુવતીએ પહેલેથી જ બીજી શાળામાં અરજી કરી છે પરંતુ આ ઘટના ને કારણે તેને પ્રવેશ મળ્યો નથી.
એ કહે છે, "તેઓ [સેન્ટ થોમસ સ્કૂલ] મારા શિક્ષણના અને ગોપનીયતાના અધિકારનો ભંગ કરે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો