You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ વખતે બહુમતી સાથે સરકાર બને તે મોટો પડકાર હતો: વિજય રૂપાણી
ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોના નેતા તરીકે વિજય રૂપાણી ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સરકારનો કાર્યભાર સંભાળશે.
આજે ગુજરાત ભાજપના રાજ્ય મુખ્ય મથક શ્રીકમલમ્ ખાતે મળેલી કેન્દ્રીય સમિતિની બેઠક બાદ પક્ષનાં ચૂંટાયેલા ધારાસભ્યોના મત લીધા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપના પાટીદાર નેતા નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) તરીકેનો પદભાર સંભાળશે.
તમને આ વાંચવું પણ ગમશે:
આ પ્રક્રિયા માટે નવી દિલ્હીથી કેન્દ્રીય ભાજપની ટીમ રાજ્યના પ્રભારી મહામંત્રી ભુપેન્દ્ર યાદવ અને દેશના નાણાંમંત્રી અરુણ જેટલીના વડપણ હેઠળ ગુજરાત આવ્યા હતા.
શું હતી પ્રક્રિયા?
આ વિશે અરુણ જેટલીએ કહ્યું, ચૂંટણી બાદ પક્ષની પરંપરા પ્રમાણે વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા દળના નેતૃત્વ ચૂંટી કાઢવાના હતા.
આ બેઠકમાં વિજય રૂપાણીને સર્વાનુમતે નેતા અને નીતિન પટેલને ઉપનેતા બનાવવાના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જેટલીએ કહ્યું કે, શપથવિધિની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિજય રૂપાણીને વિધાન સભામાં પક્ષના નેતા અને નીતિન પટેલને ઉપ-નેતા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેને પાંચ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો અને અન્ય તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે સ્વીકાર્યો હતો.
અપક્ષ ધારાસભ્યનો ભાજપને ટેકો
જેટલીએ એમ પણ કહ્યું કે, એ બેઠકમાં તેમણે એ જાહેરાત પણ કરી હતી કે કોઈએ વૈકલ્પિક નામ આપવું હોય તો આપી શકે છે, પરંતુ કોઈ બીજું નામ મળ્યું ન હતું.
ભાજપના રાજ્યના પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, અપક્ષ તરીકે ચૂંટાયેલા લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડે ભારતીય જનતા પક્ષને બિનશરતી ટેકો આપ્યો છે.
નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું, “હું અને વિજયભાઈ બીજી વખત સાથે કામ કરવા માટે અને ગુજરાતની જનતાની સેવા કરવા માટે કટિબદ્ધ છીએ.
ગુજરાતની જનતાએ 49.1 ટકા સાથે ભાજપને વિજય અપાવ્યો છે.
અત્યાર સુધીની ભાજપની તમામ સરકારે જે મજબૂત પાયો નાંખ્યો છે તેને આગળ વધારીશું.
ગુજરાત દેશમાં અગ્રેસર છે વધુ અગ્રેસર બને તે માટે કામ કરીશું.
દરેક નાગરિકને ભાજપની સરકાર અમારી સરકાર હોવાનું વાતાવરણ ઊભું કરીશું.
નરેન્દ્રભાઈનો અને કેન્દ્રનો ગુજરાતના વિકાસ માટે વધારેને વધારે સહયોગ બન્ને સાથે ભેગા થઈને મેળવીશું.
શું કહ્યું રૂપાણીએ?
વિજય રૂપાણીએ કહ્યું, “સૌનો સાથ સૌને વિકાસ સૂત્રની જેમ બધાની સાથે સાથે લઈને ચાલીશું.
2002 અને આ ચૂંટણી બે માં જ 49 ટકાથી વધારે મતો મળ્યા છે, જે બહુ સારા કહેવાય.”
તેમણે ઉમેર્યું, “ભાજપનું આ ચૂંટણીમાં ધોવાણ નથી થયું. કોંગ્રેસ જીત સાથે આગળ આવી હતી પરંતુ અમે બહુમતીથી જીત્યા એ બહુ મોટી જીત છે.
જ્યાં બેઠકો ઓછી આવી છે તેનું પૃથ્થકરણ કરવામાં આવશે.”
તેમણે આ વખતની ચૂંટણી પડકારજનક હોવાનો સ્વીકાર કર્યો હતો.
તેમણે કહ્યું, “27 વર્ષનો સત્તાનો મેન્ડેટ મળ્યો છે. જે લોકોનો વિશ્વાસ બતાવે છે.
આ વખતે સરકાર બને એ પણ બહુમતી સાથે એ મોટો પડકાર હતો.”
જોકે, તેમણે એમ પણ કહ્યું, “ભાજપમાં અહમ નથી. એટલે જ જનતાએ સરકારને સ્વીકારી છે. કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે.
મારા અને નીતિન પટેલ તરફથી આ ખાતરી આપું છું કે સાડા છ કરોડ ગુજરાતીઓને માટે સમાન કામ થશે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો